નગ્ન ટ્રમ્પ, શેતાન હિટલર, વગેરે વગેરે… કાર્ટૂન કરે કન્ટ્રોવર્સી!

0
408
newyorker.com

અમેરિકાના કળા-સંસ્કૃતિના પ્રસિદ્ધ સામાયિક ન્યુયોર્કરના લેટેસ્ટ કવર પેજ પર કલાકાર બેરી બ્લિટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું એક નગ્ન કાર્ટૂન પ્રકાશિત કર્યુ છે. ‘Exposed’ ટાઇટલ સાથે કાર્ટૂનમાં ટ્રમ્પને પોડિયમની પાછળ ઉભા રાખ્યા છે અને ટ્રમ્પની સામે મીડિયા જોઇ રહ્યું છે. ન્યૂયોર્કરના આર્ટ-ડાયરેક્ટર ફ્રેન્કોઇસ મોઉલીએ મેગેઝીન વેબસાઇટની એક પોસ્ટમાં લખ્યું છે કે, મેગેઝીનના કવર પેજ પર ટ્રમ્પની આ નગ્ન તસવીર બોબ ડાયલેનના વાક્યની યાદ અપાવી જાય છે. જેમાં લખ્યું હતું, “બધું જ બરાબર છે મા, (માત્ર મારું લોહી વહી રહ્યું છે) ક્યારેક યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડન્ટને પણ નગ્ન અવસ્થામાં ઉભું રહેવું પડે છે.” જો કે, બ્લિટે ટ્રમ્પને નગ્ન અવસ્થામાં કે વિચિત્ર રીતે રજૂ કર્યા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 2016માં પણ ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે બ્લિટે ટ્રમ્પને એક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જઇ રહેલી યુવતી તરીકે રજૂ કર્યા હતા.

Photo Courtesy: newyorker.com

કાર્ટૂન અર્થાત કટાક્ષચિત્ર એ વ્યંગની અભિવ્યક્તિની સબળ કળા છે. જે વાત કહેવા માટે સો-બસ્સો શબ્દોની જરૂર પડે તે વાત એક અવ્વલ દરજ્જાનું કાર્ટૂન આસાનીથી કહી જાય છે. પણ કાર્ટૂન એ એક જોખમી કળા છે, અને જો એ રાજકીય કે ધાર્મિક કાર્ટૂન હોય તો જોખમ બેવડાય જાય છે! પોતાના પર થયેલી મજાકનો સ્વીકાર કરવા માટે સ્વભાવમાં વિનમ્રતા અને ઉદારતા જરૂરી હોય છે. વળી, તેમાં પણ જે લોકો સાર્વજનિક કે રાજકીય ક્ષેત્રે કામ કરતા હોય તેમનામાં તો આ ગુણો હોવા ખૂબ જ આવશ્યક છે. તે લોકોના કામો કે નિર્ણયોની અસર જાહેર-જનતા પર પડે છે એટલા માટે તેમણે લોકોની સારી કે ખરાબ પ્રતિક્રિયા સાંભળવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. ‘મૂવીંગ’ કાર્ટૂનની પોતાની એક દુનિયા છે પણ આજે જે વાત કરવી છે એ કાર્ટૂન મૂવીંગ ન હોવા છતાં કેટલાક ઘેલાઓને કારણે એ ‘રીમૂવ’ કરવા પડ્યા.

વર્ષો પહેલાં એક ડેનિશ અખબારે પયગંબર મોહમ્મદનું માથે (દિમાગમાં) બોમ્બ દર્શાવતું કાર્ટૂન છાપ્યું હતું જેના કારણે વિશ્વભરના મુસ્લિમ લોકોમાં ખૂબ જ આક્રોશ જામ્યો હતો. આ કાર્ટૂનનો જેટલો વિરોધ થયો હતો એવો અને એટલો વિરોધ બીજા કોઈ કાર્ટૂન માટે થયો હોય એવું જાણમાં નથી આવ્યું. આખી દુનિયાના મુસ્લિમોએ બોલકો વિરોધ કર્યો હતો અને વાત દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો વણસી જવા સુધી પહોંચી ગઈ હતી. આ એ જ અખબાર છે જેણે – ગાંધીને નિગ્રો તરીકે એક હાથમાં બિયરની બોટલ સાથે માંસ પકડતું કાર્ટૂન બનાવ્યું હતું. પણ આપણે ત્યાંથી કોઈ બ્રાહ્મણ કે વાણિયાએ એનો વિરોધ કર્યો હોય એવી જાણ નથી. આવી ઘણી જાણકારી ઉર્વીશ અને બીરેન કોઠારીના લેખોમાંથી મળી છે.

વિશ્વના કાર્ટૂનિસ્ટોમાં બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ‘ડેવિડ લો’નું નામ ખૂબ જ આદરથી લેવાય છે. આપણા દેશમાં પણ શંકર, બાળ ઠાકરે, આર.કે.લક્ષ્મણ જેવા કાર્ટૂનિસ્ટોની શૈલી પર ડેવિડ લોનો ઘણો પ્રભાવ રહેલો છે. ન્યૂઝિલેન્ડમાં જન્મેલા ડેવિડ લોએ સન 1910માં કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પોતાના કાર્ટૂનમાં એ ભલભલા સત્તાધીશોની ખબર લઈ નાખતાં. 1927 થી 1950 સુધી તેઓ ‘ઈવનીંગ સ્ટાન્ડર્ડ’ માટે કામ કરતા જેમાં એમણે ઘણાં નવાં અને જોખમી ચિત્રો દોર્યા. મુસોલીની અને હિટલર વિશેના એમના કાર્ટૂન ખૂબ જ ફેમસ થયા. હિટલર અભેદ્ય છે અને પોતાના કામ ‘શેતાનો’ પાસે કરાવે છે એવું એક કાર્ટૂનમાં દોરેલું.

‘(રાજ્યના કે ધર્મના) સત્તાધીશોને છંછેડતા કાર્ટૂન’ એ ફ્રાન્સમાં જૂના કાળથી ચાલી આવતી એક પ્રથા છે. ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ ચાર્લ્સ ફિલિપોન અને ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ ઓનોરે દોમીયે – બંનેએ મળીને ‘લ સિલ્હૌટ’નામનું એક અખબાર સન 1829માં શરૂ કર્યું. આ અખબાર ‘વ્યંગચિત્રો’ અને ‘શિલાચિત્રો’ માટે જાણીતું હતું પણ બે વર્ષથી વધુ ચાલ્યું નહીં (કે ચાલવા દીધું નહીં). 1830માં ફરી બંનેએ મળીને ‘લ કરિકેચર’ નામનું કાર્ટૂન સાપ્તાહિક શરૂ કર્યુ જેમાં એ વખતના રાજા લુઈ ફિલિપને દર્શાવતું કાર્ટૂન ખૂબ જ પ્રચલિત થયું. ‘લ કરિકેચર’ને પણ ફ્રાન્સના સત્તાધીશોએ બંધ કરાવ્યું પણ ફિલિપોને હાર ન માની. એણે ‘લ શારિવારિ’ નામનું અખબાર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. રાજા ફિલિપના ચહેરાના જમરૂખ જેવા આકારને કેન્દ્રમાં રાખીને ફિલિપોને રાજાનાં ઘણાં ઠઠ્‌ઠાચિત્રો બનાવ્યાં. રાજાને ‘જમરૂખ’ ઠરાવવાની ગુસ્તાખી બદલ અદાલતે ફિલિપોનની એકેય દલીલો માન્ય રાખી નહીં અને નવેમ્બર 17, 1831ના રોજ તેમને બે હજાર ફ્રાંકનો દંડ તથા છ મહિનાની જેલની સજા ફટકારી.

મે 2012માં આંબેડકર અને નહેરુના એક કાર્ટૂન વિશે વિવાદ થયેલો. આંબેડકર અને નહેરુ આ બંને મહાનુભાવો જ્યારે જીવતા હતા ત્યારે 1949માં કાર્ટૂનિસ્ટ શંકરે આ કાર્ટૂન બનાવ્યું હતું અને તે વખતે બંનેમાંથી એકે પણ આ કાર્ટૂન વિશે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. 63 વર્ષ પછી આ કાર્ટૂનને NCERTના પાઠ્યપુસ્તકમાં સમાવવા અંગે વિવાદ થયો. વિરોધ પણ કેવો – દલિત નેતાઓએ કરેલા હોબાળાને કારણે સંસદ ખોરવી નાખવામાં આવી, તત્કાલીન માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે માફી માંગવી પડી, પાઠ્યપુસ્તકમાંથી કાર્ટૂન હટાવી દેવાના આદેશો છૂટ્યા, કાર્ટૂન ધરાવતાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, પાઠ્યપુસ્તક તૈયાર કરનાર શિક્ષકોએ રાજીનામા આપવા પડ્યા, વીફરેલા દલિતોએ તોડફોડ કરી…..ચા કરતાં કીટલી ગરમ!

1975ની કટોકટી વખતે કાર્ટૂનો વધુ વેધક બન્યા હતાં. કટોકટી પછીના સમયમાં બાબુ જગજીવનરામ, ચરણસિંહ અને મોરારજી દેસાઈના ચિત્રો વાઢી નાખે એવા તીક્ષ્ણ હતાં. એ વખતના નેતા રાજનારાયણને તો જોકરની જેમ જ ચીતરવામાં આવ્યા હતાં. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં સૌથી યાદગાર કાર્ટૂનોમાંનું એક ‘અબુ અબ્રાહમે’ બનાવ્યું હતું. આ કાર્ટૂનમાં અબુએ બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિને એ જ અવસ્થામાં કટોકટીના વટહુકમ પર સહી કરતા બતાવ્યા હતા. અને કાગળિયું ધરનારને બાથટબમાં બેઠા બેઠા કહેતા હતાં, ‘હવે બીજા કોઈ વટહુકમ પર સહી કરાવવાની હોય તો એમને કહેજો થોડી રાહ જુએ’.  કટોકટી બાદ ઈન્દિરા ગાંધી ચિકમંગલુરમાંથી ચૂંટણી જીત્યા ત્યારે તેમને ઉંદરડી તરીકે ચિત્રિત કરતું કાર્ટૂન બહુ પ્રખ્યાત થયેલું.

શિવસેનાના વડા (હવે સદ્‍ગત) બાળ ઠાકરેનો કાર્ટૂનક્ષેત્રમાં અનન્ય ફાળો રહ્યો છે. કાર્ટૂનકળાની રીતે જોઇએ તો, તેમનાં ઘણાં કાર્ટૂનમાં મુખ્યત્વે શાબ્દિક રમૂજનું જ ચિત્રાંકન રહેતું. એમનું વ્યંગચિત્ર સાપ્તાહિક ‘માર્મિક’ મરાઠી પ્રજા માટે માનવંતુ બન્યું હતું. જેમ આર.કે.લક્ષ્મણનો ‘આમ આદમી’ હતો એમ બાળ ઠાકરેના ‘કાકાજી’ હતા. માર્મિક દ્વારા અને બીજા કાર્ટૂનો દ્વારા બાળ ઠાકરે હંમેશા ‘મરાઠી માણૂસ’ને પોતાના હક વિશે લડવા પ્રેરિત કરતાં. સદ્‍ગત કાર્ટૂનિસ્ટ શિવ પંડ્યાએ ભારતીય ભિખારણ પર કરેલ એક કાર્ટૂન મોન્ટ્રિયલમાં પણ ઘણી પ્રશંસા પામેલું. આ કાર્ટૂનમાં એક સગર્ભા ભિખારણ હાથમાં ભીખનું હાંડલું લઈને ઊભી છે. તેના પેટમાંના બાળકે આકાર લઈ લીધો છે – એ બાળકે પૃથ્વી પર હજી પગ નથી મૂક્યો, પણ ભિખારણના હાથમાં છે એવું જ ભીખનું નાનું હાંડલું એ ગર્ભસ્થ બાળકના હાથમાંય છે. આજે જો શિવ પંડ્યા હયાત હોત તો શક્ય છે કે તેમના પર ‘ભારત ભિખારીઓનો દેશ છે’ એવો અપપ્રચાર કરવા બદલ તેમજ રાષ્ટ્રની છાપ વિશ્વમાં બગાડવા બદલ કેસ થઈ જાત!

વર્ષો પહેલાં મદ્રાસી સાપ્તાહિક ‘આનંદ વિકટન’માં છપાયેલું કાર્ટૂન પણ સ્ફોટક બન્યું હતું. તેમાં વિધાનસભ્યોને ખિસ્સાકાતરું અને વિધાન સભ્યોને ડાકુ જેવા દર્શાવવામાં આવ્યાં હતાં. આ કાર્ટૂનને કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયેલો અને તામિલનાડુની વિધાનસભાના સ્પીકરે એ સાપ્તાહિકના તંત્રી એસ. બાલાસુબ્રમણ્યમને ત્રણ મહિનાની સખત કેદની સજા ફટકારી દીધી, પણ પછી છાપાવાળાઓએ કરેલી કાગારોળને કારણે એમની આ સજા તરત જ રદ્દ કરવામાં આવી હતી.

એક વાત તો ખરી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યંગની પવિત્રતા હંમેશાં જળવાવી જોઈએ. વ્યંગ્યનો ઉદ્દેશ પોતાની વાત વેધક રીતે પહોંચાડવાનો હોવો જોઈએ, કોઈનું અપમાન કરવાનો નહીં. કાર્ટૂન કોઈ નેતાને હીણા ચીતરવા માટે, તેને અપમાનિત કરવાના આશયથી નહીં, પણ સમાજના હિતનો મુદ્દો હળવાશથી કહેવાનો, સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવાનો અથવા સમાજની વેદનાને હાસ્યના ઢોળ સાથે રજૂ કરીને ઉજાગર કરવાનો હોવો જોઈએ.

પડઘોઃ

મેઘાણીનું નામ પડે એટલે આપણને એમના વીર-રસના કાવ્યો અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી શોધી લાવેલા કિસ્સાઓ યાદ આવે. પણ આઝાદી પહેલાં ગુજરાતમાં મેઘાણી વિશેનો એક કાર્ટૂનકેસ ચર્ચાનો વિષય બન્યો હતો. ભાવનગરમાં કોમી હુલ્લડ થયું ત્યારે મેઘાણીએ ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ એવું શિર્ષક ધરાવતું એક કાર્ટૂન દોર્યું જેમાં ‘એક મસ્જિદની સામે બે-ત્રણ લાશ પડી છે અને પોલીસ પોતાની ટોપી સરખી કરે છે.’ પોલીસ નિષ્ક્રિય છે એવું દર્શાવતા આ કાર્ટૂનને કારણે મેઘાણી પર કેસ થયો, પણ છેલ્લે એ નિર્દોષ સાબિત થયા!

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here