એક રેસિપિ જીવન જીવવા માટેની… ભારતીય સ્ત્રીને સમર્પિત ….

0
364
Photo Courtesy: indianexpress.com

માનવજાતિએ ઘણા સમયથી એક રૂટીન સાથે પોતાનું જીવન સેટ કર્યું છે. એ જીવન જીવવા માટે કોઈને કોઈ રીતે એક સાથીની જરૂર પડે છે. એ સાથી ક્યાં તો કોઇ સજીવ હોય અથવા તો પછી કોઈ સક્ષમ નિર્જીવ વસ્તુ હોય.

Photo Courtesy: indianexpress.com

સામાન્ય રીતે, કોઈને પણ પૂછીએ કે જીવન જીવવા શું મહત્વનું છે? તો કોઇ પણ વ્યક્તિ એમ જ કહેશે કે આપણને જીવનમાં શું જોઈએ!!! “રૂપિયા”, “પોતાનું ઘર”, “ભવિષ્યની સિક્યોરિટી” વિગેરે વિગેરે. આ બધું સાચું. એમાં કોઈ જ અતિશયોક્તિ નથી. પણ, શું આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આપણા અસ્તિત્વને ભૂલીને માત્ર અને માત્ર પ્રસિદ્ધિ, કમાણી, વિગેરેને આપણા વર્ષો એમ જ સોંપી દઈએ?

એક સ્ત્રી માટે તો આ એક એક્દમ વિચારવા લાયક વિષય છે. કારણ કે મોટા ભાગની મહિલાઓનું જીવન બીજાને ખુશ કરવા માટે જ વ્યતીત થતું હોય છે. દીકરી, પત્ની, વહુ, માતા અને ઘરના વડીલ તરીકે ફરજ બજાવી, એને પોતાનો ધર્મ સમજનાર સ્ત્રી, જ્યારે ઘડપણનાં આંગણે આવે છે, ત્યારે જ્યારે એ પાછળ વળીને જોવે, તો કુટુંબનો પ્રેમ, સાચી રીતે લીધેલા નિર્ણયો, બાળકોમાં સિંચેલા સંસ્કાર, અને અસ્તિત્વની અનુભૂતિ, સ્ત્રીનાં જીવનના ધ્યેયને પૂર્ણ કરે છે.

સવારે વહેલા ઊઠીને કુટુંબ માટે જમવાનું બનાવવાનું, ટીફીન ભરવાનું, બાળકોને સ્કૂલ જાવા માટે તૈયાર કરવા, એમને લંચ બોક્સ આપવું, પતિદેવને “પરમેશ્વર” સમજી, તેમની દરેક વાતમાં હામી ભરવી, પતિની નાનામાં નાની વાતનું ધ્યાન રાખવું, કુટુંબ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓનું મનોરંજન કરવું, એમાં મજા તો છે પણ જાત ઘસીને બીજી જાતનું જતન કરવું, તે પણ મૂર્ખતાની નિશાની છે.

પહેલાના સમયમાં ઓછા રૂપિયાથી ઘર ચલાવવામાં સ્ત્રી અને પુરુષ બંને એક્દમ એક્સપર્ટ હતાં. પૈસા ક્યાંથી આવ્યાં અને ક્યાં ગયા, એનો પાઇ પાઇનો હિસાબ રાખતી સ્ત્રી, જ્યારે મહિનાને અંતે પતિના હાથમાં બચત કરેલી રકમ મૂકે ત્યારે પતિની છાતી ગજ ગજ ફુલવા લાગતી. પણ શું આટલું બહુ છે? હા, એ એક આવડતની અને સમજદારીની નિશાની ખરી પણ એને જ ધ્યેય બનાવીને પોતાનું પોણું જીવન એ બચત પાછળ ખર્ચી નાખનાર સ્ત્રીને જ્યારે ઘડપણ આવે છે ત્યારે જો એ સ્ત્રી યોગ્ય જીવનશૈલીની સાથે જીવી હોય તો જીવનનાં અંતિમ પડાવમાં એ જ બચત તારણહાર બને છે અને પરતંત્રતાને હાવી થવા દેતી નથી.

સાક્ષરતા સાથે સ્વાભિમાનને સીધો સંબંધ છે. એક શિક્ષિત સ્ત્રી એક કુટુંબને તારી શકે તેવી સિદ્ધિઓ ધરાવે છે. એવામાં સ્ત્રીની જીવનશૈલી એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હંમેશા માનસિક સ્વસ્થ રહેતી સ્ત્રી એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. પરિવારને પરાણે બંધનોમાં જકડીને ન રાખતી સ્ત્રી,  કુટુંબની દરેકે દરેક વ્યક્તિને પોતાના ભૂતકાળ, વર્તમાન તથા ભવિષ્યનો વિચાર કરી, જો સચોટ નિર્ણય લેવામાં મદદરૂપ થાય તો એને જ એક સ્વસ્થ જીવનશૈલીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

એક સાચી જીવનશૈલી, તમારો તમારી સાથે પરિચય કરાવે અને કહેવાય છે કે જેવું વાવો, એવું લણો, એ પરિબળને આધારે સ્ત્રી એક વિચારધારાને વહેતી કરે તો તેને તારણહાર બનતા વાર નહીં લાગે!!

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here