અહમેદ – આવો જાણીએ એક દંતકથારૂપ વિશાળકાય હાથીની વાત

3
452
Photo Courtesy: Pintrest

અહમેદ આ નામ છે કેન્યાના જગ પ્રખ્યાત ટસ્કરનું. ટસ્કર એટલે સસ્તન પ્રજાતિનાં એવા હાથી જેમના શૂળ (દાંત) ખૂબ જ લાંબા અને વજનદાર હોય છે અને એમનો આકાર તેમજ દેહની રચના અન્ય હાથીઓ કરતાં ખૂબ જ ગંજાવર અને ભીમકાય હોય છે. સામાન્ય રીતે ટસ્કર દુનિયામાં બહુ જૂજ જગ્યાઓએ જ જોવા મળે છે. પણ સૌથી ભવ્ય અને જાજરમાન ટસ્કર ફક્ત આફ્રિકામાં કેન્યાના માઉન્ટ માર્સાબીતની તળેટીના જંગલોમાં જ જોવા મળે છે.

Photo Courtesy: Pintrest

એવું માનવામાં આવે છે કે અહમેદનો જન્મ સને 1919 માં માર્સાબિતનાં મેદાની જંગલોમાં થયેલો જે આગળ જતાં તેનાં શૂળની લંબાઈના લીધે એક્દમ અસાધારણ સાબિત થયો અને હાથીદાંતનાં શિકારીઓમાં ખૂબ જ પ્રચલિત થયો હતો. અહમેદ તેની કદાવર કાયા અને લાંબા શૂળના લીધે ખૂબ જ ખ્યાતિ કમાયો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ‘BWANA TEMBO’ અને હાથીદાંતનાં શિકારીઓ દ્વારા ‘KING OF MARSABIT’ જેવા ઉપનામ પામ્યો. સ્વાહિલી ભાષામાં bwana શબ્દનૉ અર્થ થાય યાર દોસ્ત અને tembo એટલે હાથી.

અહમેદનાં કદ અને દાંતની લંબાઈ તેની ઉંમર પ્રમાણે જ વધવા લાગ્યા અને એટલું ભવ્ય રૂપ ધારણ કર્યા કે અને મળતા આધારભૂત પુરાવાઓ દ્વારા માહિતી મળી કે તેના એક-એક દાંતની લંબાઈ એકંદરે 3 મીટર કરતાં વધુ હતી એટલે કે 120 ઇંચ અને એક એક દાંતનું વજન અંદાજે 67 થી 70 કિલો હતું. એ સમયે હાથીદાંત તેમજ અન્ય પ્રાણીઓના અવયવોની દાણચોરી ખૂબ જ વેગ પકડેલી હોઈ અહમેદનાં આ ભવ્ય હાથીદાંતજ તેના જ જીવનાં દુશ્મન બની બેઠા અને શિકારીઓનાં બેડામાં તો રીતસર હોડ લાગી અહમેદને મારી તેના હાથીદાંત મેળવવાની.

તમને ગમશે: આવો ફૂટબોલ અને તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ

શિકારીઓ દ્વારા અહમેદને મારવાનાં ઘણાં પ્રયાસો પણ થવા લાગ્યા પણ સદનસીબે અહમેદ બચતો રહ્યો અને છેલ્લે તેની ખ્યાતિ એટલી હદે વિસ્તાર પામી કે એ સમયના કેન્યાના પ્રેસિડેન્ટ જોમો કેન્યાટા દ્વારા અહમેદને સને 1970માં ‘A LIVING MONUMENT’ ની પદવી આપવામાં આવી અને કેન્યાના રાષ્ટ્રીય સ્મારકોમાં એક જીવિત સ્મારકનૉ સમાવેશ કરવામાં આવ્યો તેમજ આ જીવિત સ્મારકને શિકારીઓથી 24 કલાક રક્ષણ મળી રહે એ માટે ખાસ પ્રેસિડેન્સીયલ આર્મ્ડ ગાર્ડ્સ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી અને એક ટુકડી નીમવામાં આવી જેમાં તેને 5 શસ્ત્રધારી સૈનિકો ફાળવવામાં આવ્યા કે જેમણે 24 કલાક અહમેદની આજુ બાજુ રહી અહમેદની સુરક્ષા અને સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાનો હતો.

Photo Courtesy: Mr. MO AMIN

(ઉપરોક્ત ફોટોમાં અહમેદ પર તેના સુરક્ષાકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે તે જોઈ શકાય છે.)

અહમેદની સુરક્ષાનાં કારણોસર અહમેદને અન્ય ટસ્કર સમુદાયથી અલગ તારવવામાં આવતો અને એ કારણોના લીધે જ અહમેદ એક એકડલવાયું જીવન જીવવા લાગ્યો અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષાકર્મીઓની નઝરથી દૂર થઈ શકાય એવી આંશિક કોશીષમાં રહેવા લાગ્યો. 1974ની એક ગોઝારી રાતે અહમેદ સુરક્ષા કર્મીઓની નઝરથી દૂર ભાગવામાં સક્ષમ રહ્યો. સુરક્ષા ટુકડીએ અહમેદની ગેરહાજરીની નોંધ લઈ તેની શોધખોળ આદરી અને અહમેદ ગાયબ થયો હતો તેનાં બીજે દિવસે સવારે એક જગ્યાએ અહમેદ મૃત હાલતમાં મળી આવ્યો.

અહમેદ ભલે મૃત્યુની ભેટ ચડી ચુક્યો હતો છતાં એનું મૃત શરીર અડધું નમેલી હાલતમાં પોતાના જ લાંબા શૂળ ઉપર એક ઝાડના ટેકે ઉભું હતું તેમજ અહમેદ પોતાનું 55 વરસનું જીવન પૂરું કરી અનંતની વાટે સિધાવી ચુક્યો હતો. મૃત શરીરની આજુબાજુમાં સુરક્ષા કર્મીઓને બંદૂકની વપરાયેલી કારતુસો મળી આવી જે અહમેદનાં કરુંણ અંત માટે જવાબદાર હતી.

આ ઘટના પછી કેન્યાની સરકાર દ્વારા વન્યપ્રાણીઓનાં રક્ષણ કાજે અમુક અભિયારણોને કાયમી સુરક્ષા પુરી પાડવા સૈન્યની અમુક ટુકડીઓ ફાળવવામાં આવી.

અહમેદ કદાચ આજ સુધીના કેન્યાના ઇતિહાસમાં સૌથી ભવ્ય જીવિત સ્મારક હતો કે જેણે કેન્યાને દેશવિદેશમાં ખૂબ જ ખ્યાતિ અપાવી હતી અને ખૂબ જ બહોળા પ્રમાણમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા.

eછાપું

3 COMMENTS

  1. બહુ જ સરસ રીતે વર્ણન કર્યું… બસ આવી જ આફ્રિકાની અજાણી વાતો પીરસતા રહેજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here