સ્વસ્થ દાંત તમારા હ્રદયને પણ સ્વસ્થ રાખે છે; અમદાવાદના ડોક્ટરોએ સાબિત કર્યું

0
506
Photo Courtesy: nearbiz.org

વાંચીને નવાઈ લાગીને? ભલા આપણા દાંત આપણા હ્રદયને સ્વસ્થ રાખવામાં કેવી રીતે મદદ કરી શકે? વાંચીને ભલે નવાઈ લાગી પરંતુ આ વાત સાબિત થઇ ચૂકી છે અને એ પણ અમદાવાદના દાંતના ડોક્ટરો દ્વારા. અમદાવાદની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના ડોક્ટરોએ હાલમાં એક રિસર્ચ હાથ ધર્યું હતું એમાં આ બાબત સાબિત થઇ હતી.

Photo Courtesy: nearbiz.org

અમદાવાદની ખ્યાતનામ VS હોસ્પિટલના ડેન્ટલ વિભાગના ડોક્ટરોએ 60 વ્યક્તિઓ પર પોતાનું રિસર્ચ હાથ ધર્યું હતું. આમાંથી 30 વ્યક્તિઓ એવી હતી જેમને હાર્ટ એટેક આવી ચૂક્યો હતો અને 30 વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ હ્રદય ધરાવતી હતી. પોતાના રિસર્ચ દરમ્યાન ડોક્ટરોને એ જાણવા મળ્યું હતું કે જે 30 વ્યક્તિઓના હ્રદય નબળા થઇ ચૂક્યા હતા તેમના દાંત પણ કોઈને કોઈ તકલીફ અનુભવી રહ્યા હતા.

ડૉ. સુજલ પારકર, ડૉ. ગુંજન મોદી અને ડૉ ઝલક જૈન દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં હ્રદયરોગીઓની અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી જેવીકે, ઉંમર, લિંગ, ધૂમ્રપાનની આદત તેમજ બોડી માસ ઇન્ડેક્સ એટલેકે BMI. આ ઉપરાંત દર્દીઓને હાયપરટેન્શન છે કે પછી તે ડાયાબિટીસથી પીડાય છે કે નહીં એનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો હતો.

તમને ગમશે: અરબ સાગરમાં વાવાઝોડાં કેમ અચાનક વધી ગયા છે?

હવે રિસર્ચની વાત કરીએ તો તેમાં એ સાબિત થયું હતું કે જે લોકોને હ્રદયની તકલીફ હતી તેમના દાંત નબળા હોવાથી તેમના મોઢામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયાએ ઇન્ફેકશન ઉભું કર્યું હતું અને છેવટે આ ઇન્ફેક્શન દ્વારા હ્રદયની તકલીફ પણ ઉભી થઇ હતી. આટલુંજ નહીં હ્રદયરોગથી પીડાતા લોકોમાં દાંતની તકલીફ અથવાતો તેનું ઇન્ફેક્શન અત્યંત મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. આમ જેમ કહેવાય છે કે કોઈના દિલમાં પ્રવેશવાનો માર્ગ પેટમાંથી નીકળે છે એવી જ રીતે કદાચ હ્રદયની તકલીફનો માર્ગ પણ કદાચ લોકોના મોઢામાંથી પસાર થાય છે એવું હવે અમદાવાદના ડોક્ટરોએ સાબિત કરી દીધું છે.

આ સ્ટડીમાં એ પણ સાબિત થયું છે કે એવા લોકો જેમના દાંત ઇન્ફેક્શનથી ગ્રસ્ત છે પરંતુ હજી સુધી તેમને હ્રદયની તકલીફ નથી પડી તેમને હ્રદયરોગનો હુમલો થવાની શક્યતાઓ વધી જાય છે. રિસર્ચમાં ભાગ લેનાર ડોક્ટર્સે એક અત્યંત મહત્ત્વનો મુદ્દો ઉભો કરતા કહ્યું હતું કે અત્યારસુધી આપણે એમ માનતા આવ્યા છીએ કે ડાયાબિટીસ અથવાતો ચરબીનું વધારે પડતું પ્રમાણ હાર્ટએટેક લાવી શકે છે અને આપણે આપણા દાંત સ્વચ્છ કેમ રહે તેના પર ધ્યાન નથી આપતા. પરંતુ આ રિસર્ચ બાદ હવે લોકોએ પોતાના દાંતને પણ સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની પણ જરૂર છે.

ઘણા હાર્ટ સ્પેશીયાલીસ્ટો પણ હાર્ટ સર્જરી અગાઉ પેશન્ટના દાંત કેટલા હેલ્થી છે એ નક્કી કરવા ડેન્ટીસ્ટને એ પેશન્ટ રિફર કરતા હોય છે. નબળા અથવાતો રોગીષ્ટ દાંત હાર્ટ સર્જરી સફળ થવા છતાં ભવિષ્યમાં ફરીથી હ્રદયની તકલીફ થઇ શકે છે તેની આગાહી પહેલેથી જ કરી દેતા હોય છે તેમ પણ રિસર્ચ કરનાર ડોક્ટર્સે ઉમેર્યું હતું.

તો આજથી જ આપણે આપણા દાંતને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લઈએ જેથી આપણું હ્રદય પણ મજબૂત રહી શકે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here