ઘડિયા લગ્ન – એક લઘુકથા

2
433
Photo Courtesy: Pintrest

આપણે ભલે લાગીએ જોની વોકર જેવા પણ લગ્ન કરીને પત્ની તો આપણી મધુબાલા જેવી જ લાવવી જોઈએ! એવું હું માનતો અને દૃઢપણે માનતો. હું એટલે પરાગ…અને આ મારી વાત છે જે હું તમને કહેવાનો છું. મારા જીવનમાં અચાનકથી કઈક એવું બની ગયું હતું જેનાથી મારા બધા જ સપના તૂટી ગયા હતા એવું મને ત્યારે લાગતું હતું અને મને મનાવવા ત્યારે તો બધા મને એમ જ કહેતા કે જે થાય તે સારા માટે જ થાય છે. પણ ત્યારે આવી વાત કહેનાર વ્યક્તિ પર મને એટલે ગુસ્સો આવતો હતોને કે ના પૂછો વાત!પણ એમની વાત ખોટી ન હતી એવું હું અત્યારે દૃઢપણે કહી શકું છું.

Photo Courtesy: Pintrest

હા તો આ વાત છે 1960ની આસપાસની (આપણે પુરુષોને આમ પણ સાચી સાલ અને તારીખ યાદ રાખવામાં હમેશા લોચો પડવાના  જ). તો ઉપર જણાવ્યું એમ કે આપણી પત્ની મધુબાલા જેવી હોવી જોઈએ એવો મારો આગ્રહ, આગ્રહ શું જીદ હતી એટલે ઘરના લોકો મારાથી કંટાળી ગયા હતા કારણકે આપણને કોઈનામાં મધુબાલા દેખાતી ન હતી. છેવટે કેટલી મહેનત બાદ મને મધુબાલા જેવી તો નહીં પણ આશા પારેખ જેવી  છોકરી તો મળી જ ગઈ હતી.અને મે પણ છેવટે આપણી પસંદમાં બાંધછોડ કરી હતી કે ચાલો. મધુબાલા નહીં તો કઈ નહિ આશા પારેખ તો છે ને! અને એનું નામ પણ આશા જ હતું. આખરે મારા લગ્નનો દિવસ આવી ગયો. હું તો આનંદથી ફૂલીને ફાળકો થઇ રહ્યો હતો.

જાન પણ વાજતે-ગાજતે લગ્નમંડપ પર પહોંચી ગઈ હતી.પણ કેમ જાણે લગ્નવિધિ શરુ કરવામાં બહુ મોડું થયું હતું અને જાનૈયા પણ કૈક વિચિત્ર રીતે મારી સામે જોઈ રહ્યા હતા. મને પણ થોડું અજુગતું લાગ્યું પણ એટલીવારમાં તો મારી નવવધુ મંડપ પર આવી પહોંચી પણ અત્યારે હું તેનું મુખ જોઈ શકતો ન હતો કારણ કે તેણે લાંબો ઘૂમટો તાણ્યો હતો. ત્યારે તો લગ્ન સમયે નવવધુનું મુખ હમેશા ઢંકાયેલું રહેતું. મે તેને માત્ર એક જ વાર દુરથી જોઈ હતી. તે ખુબ જ સુંદર હતી એટલે જ ઘણી છોકરીઓ જોયા બાદ મે તેની સાથે લગ્ન માટે હા પાડી હતી.અંતે લગ્નવિધિ પણ પૂરી થઈ ગઈ અને જમણવાર પણ પૂરો થયો અને જાન પણ વળાવવામાં આવી.

તમને ગમશે: હવે મૃત ગેંડા પોતાના શિકારીને પકડવામાં મદદ કરશે

અત્યારસુધી તો બધું સુખરૂપ હતું પણ ખરી હકીકતની જાણ હવે મને થવાની હતી. રસ્તામાં જ મારી પત્નીને કદાચ તરસ લાગી હશે તેમ માનીને હું તેના માટે પાણી લાવ્યો.પણ તેણે ના પાડી ત્યારબાદ મારા ઘણા આગ્રહ બાદ તેણે પાણી લીધું અને પાણી પીવા માટે પોતાનો ઘૂમટો ઉંચો કર્યો.તો આ શું?? એ તો કોઈ બીજી જ હતી.આ એ છોકરી ન હતી જેને મે જોઈ હતી.. આ તો કોઈ બીજી જ તદ્દન સામાન્ય દેખાવની છોકરી હતી. મારી પત્ની ક્યાં હતી? મારી આશા..આ તો કોઈ બીજી જ છોકરી દુલ્હનના કપડામાં મારી સાથે બેસી હતી!!..મારા પગતળિયે થી જમીન સરકી ગઈ. મેં બુમાબુમ કરી મૂકી કે મારી પત્ની ખોવાઈ ગઈ છે, આ તો કોઈ બીજી છે..મારી આવી બુમાબુમ સંભાળીને તે પણ ડરી ગઈ. ત્યાં તો મારા પિતાજી અને મારા મોટા ભાઈ તથા બીજી બધા વડીલો દોડી આવ્યા. તેમને અંદાજો આવી ગયો કે શું થયું. હું બુમાબુમ કરતો હતો ત્યાંથી મને દુર લઈ ગયા..હું તો વિચિત્ર ગૂંચવણમાં હતો. મને કઈ જ સમજાતું ના હતું.એ છોકરી કોણ છે? અહિયાં ક્યાંથી આવી અને એ પણ દુલ્હનના કપડામાં? તો મારી પત્ની ક્યાં ગઈ? આ બધું શું થઈ રહ્યું છે?

છેવટે મારા મોટાભાઈ એ કહ્યું..કે એ તારી પત્ની છે લક્ષ્મી. એની સાથે તારા લગ્ન થયા છે! પણ એ કેમ બને? મે તો કોઈ બીજી છોકરીને જોઈ હતી! તેનું નામ તો આશા હતું.. આ બધું થઈ શું રહ્યું છે! હું ગુસ્સેથી બરાડી ઉઠ્યો..હા..હા એમ જ હતું.પણ જયારે તારી જાન માંડવે પહોચી ત્યારે તારી આશા તો કોઈ બીજા સાથે ભાગી ગઈ હતી..!અમારું તો નાક જ કપાય ગયું હતું..શું કરવું, શું નહીં કઈ જ સમજાતું ના હતું..ત્યારે આ છોકરી લક્ષ્મીના પિતા જે વાતઘડિયા હતા..તેને આપણી આબરુ સાચવવા માટે તેમની દીકરી લક્ષ્મીના લગ્ન તાત્કાલિક તારી સાથે કરાવ્યા..પાડ માન ભગવાનનો કે જેમણે છેલ્લી ઘડીએ આ છોકરીને મોકલી..નહીતર તારું શું થાત! તારું શું આપણા કુટુંબનું શું થાત!!!હવે એ જ તારી પત્ની છે..

સમજી ગયો..કદાચ એ જ તારા નસીબમાં લખાયેલી હશે!! અને જે થાય છે તે સારા માટે જ થાય છે…એમ સમજીને મન મનાવ..હું તારી પરીસ્થિતિ સમજી શકું છું..પણ એમાં હવે કઈ થઈ શકે એમ નથી!! મોટાભાઈ પોતાની વાત પૂરી કરી…અને ત્યારે હું કઈ પણ કહેવા સમજવાની સ્થિતિમાં ન હતો..હજી થોડીવાર પેહલા જ જોએલા મારા બધા જ સપના તૂટી ગયા હતા..અને હું સાવ ભાંગી ગયો હતો…

શું લખો છો? મારી પત્ની-મારી પ્રિયા –મારી દોસ્ત લક્ષ્મીએ મને પૂછ્યું..કઈ નહીં આપણી સ્ટોરી લખી રહ્યો છું.

કેમ? તેણે પૂછ્યું..બસ એમ જ યાદ કરતો હતો કે તે દિવસે આશા લગ્નમાંથી ભાગી ના ગઈ હોત અથવા તે મારી સાથે લગ્ન માટે હા ના પાડી હોત..તો મને તારા જેવી પત્ની કેમ મળેત?! હવે શું ..તમે પણ! જે થાય છે ને તે સારા માટે જ થાય છે! લક્ષ્મીએ શરમાઈને કહ્યું..અને હા લગ્નની 50મી વર્ષગાંઠની શુભેચ્છા!!..લે આપણા લગ્નના 50 વર્ષ થઈ ગયા..મને તો યાદ જ નથી. તે તમને ક્યાં કોઈ તારીખ જ યાદ હોય છે. સહેજ ચીડાઇને એ કહીને જતી રહી..

ના એવું નથી મને યાદ જ છે. આપણી લગ્નની વર્ષગાંઠ..એટલે જ તો તારા માટે આ સ્ટોરી લખી રહ્યો છું..ભેટ તરીકે…લગ્નની 50મી વર્ષગાંઠની તને પણ શુભેચ્છા…મારી પ્રિયા-મારી પત્ની લક્ષ્મી …અને હા આવતા જન્મમાં પણ આવી રીતે જ મળજે..આકસ્મિક રીતે..કોઈક ભેટ તરીકે..મારા જીવનની ભેટ તરીકે …અને તે બરાબર જ કહ્યું છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે.. ..

તારા  પ્રેમાળ પતિ..પરાગ. તરફથી સપ્રેમ ભેટ…

 

– ભાવિકા વેગડા

 

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here