શનિવાર, તારીખ 17 મી માર્ચ, 2018 ના રોજ, હું મારા દાદી, મમ્મી અને નાનકડા દીકરા સાથે સુરત જવા માટે સવારે 7 વાગ્યાની ગુજરાત એક્સપ્રેસમાં બેઠી. સામાન્ય રીતે પ્લેટફોર્મ નંબર 1 પર આવતી આ ટ્રેન, તે દિવસે પ્લેટફોર્મ નંબર 7 પર આવી. મારા દાદી 86 વર્ષનાં, એટલે વ્હીલચૅરની વ્યવસ્થા કરવી પડે તેમ હતી અને ઉપરથી 9 સામાનના દાગીના. એટલે એક્દમ સામાન્ય સંજોગોમાં વ્યક્તિ નિર્ણય લે એમ મેં પણ બે હમાલને બોલાવ્યા. પૂછ્યું કે ગુજરાત એક્સપ્રેસ કયા પ્લેટફોર્મ પર આવશે? એટલે એકે કહ્યું નંબર 7 પર. ભાવ પૂછ્યો એટલે કહ્યું રૂપિયા 200, એક હમાલના. મેં એ પણ મંજૂર રાખ્યું.

પછી આવી વ્હીલચૅરની વાત. વ્હીલચૅરના રૂપિયા 250 કહ્યાં. જરા મને આઘાત લાગ્યો. આટલા બધા? મેં કહ્યું કે “ભાઈ, જરા તો વ્યાજબી કહો!!” પણ હમાલ ભાઈ માન્યા નહીં અને મને સાચી માહિતી પણ આપી નહીં. મારો સ્વભાવ જરા ખણખોદીયો, એટલે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર આવેલા વ્હીલચૅર સુવિધાવાળા ડિપાર્ટમેંટમાં હું ગઈ. ત્યાં જઈને તપાસ કરતા ખબર પડી કે વ્હીલચૅર તો આપણું ઓળખપત્ર આપીએ એટલે ફ્રીમાં આપે. કોઈ પણ રૂપિયા ખર્ચ્યા વગર, સ્ટેશન પર કરવામાં આવેલી લિફ્ટની ફેસિલિટીનો ઉપયોગ કરી, અમે બધા પ્લેટફોર્મ નંબર 7 પર ગયાં અને ટ્રેનમાં બેઠાં.
તમને ગમશે: વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકા સમુદ્રની નીચે કશુંક એવું મળી આવ્યું કે…
હવે, ટ્રેન ઉપડવામાં 15 મિનિટની વાર હતી. ત્યાં બે – ત્રણ જણાં કોઈ સ્પેશિયલ પ્રકારનો યુનીફોર્મ પહેરી નાસ્તાનો ઓર્ડર લેવા આવ્યા. પાછું કહ્યું એમ કે નાસ્તો ઓનેસ્ટમાંથી આવશે. મને બહુ ઇચ્છા નહોતી પણ આલૂ પરાઠાનું નામ સાંભળીને મારા દીકરાને એ ખાવાની ઇચ્છા થઈ. એટલે મેં એનો ઓર્ડર આપ્યો.
ટ્રેન ઉપડવાની 2 મિનિટ પહેલા નાસ્તો આવ્યો અને રૂપિયા થયા 80. મને થયું, કાંઈ વાંધો નહીં. ઓનેસ્ટનું છે ને!! ટ્રેન ઉપડી અને જેવું મેં પાર્સલ ખોલ્યું, તો એમાંથી બળેલું, ફિકું, ઠંડુ અને ઘણા વખત પહેલાંથી બનાવી રાખેલું આલૂ પરોઠું નીકળ્યું.
એ જોઈને જ મને છેતરાવાની લાગણી થઈ. થયું કે બધા એમ જ નથી કહેતા કે ટ્રેનમાં અપાતી ખાવાની વસ્તુઓ લેવાય જ નહીં. પછી થયું, “ચાલો, સોશિયલમીડિયામાં સહુથી વધારે એક્ટિવ એવાં રેલ્વે ડિપાર્ટમેંટમાં લખું.” એને માટે, Twitter સૌથી બેસ્ટ ઓપ્શન હતું. એટલે મેં રેલ્વેનાં મુખ્ય Twitter handle પર નીચે મુજબ ટ્વીટ કર્યું.

હંમેશની જેમ, રેલ્વેમાંથી તરત જ જવાબ આવ્યો. અને અમારી વચ્ચે માહિતીની આપલે થઈ જે કાંઈક આ પ્રમાણે હતી.

PNR નંબર શેર કર્યાં પછી, માહિતી આગળ મોકલ્યા પછી પણ કોઈ ચેકિંગ માટે આવ્યું નહીં. હું જરા વિચારમાં પડી. કેમ કોઈ આવ્યું નહીં? એટલે મેં સુરત આવતા આવતા એક ટ્વીટ કર્યું.

અમે સુરત પહોંચી ગયા અને પછી પણ મેં એ દિવસનું છેલ્લું ટ્વીટ મોકલ્યું.

20 મી માર્ચ, 2018 એ મને વળી થયું કે આમાં કોઈ એક્શન ન લેવાય તો કેટલા લોકોની હેલ્થ સાથે ચેડાં થાય? વૃદ્ધો અને બાળકો માટે ખાસ મને ચિંતા હતી. એટલે ફરી એક વાર મેં ટ્વીટ કર્યું રેલ્વેને અને જણાવ્યું કે મારી ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તે ટ્વીટ આ મુજબ હતું.

થોડી જ વારમાં મને જે જવાબ મળ્યો એ જરા મારે માટે વિચારણા લઈ લે તેવો હતો કે ગુજરાત એક્સપ્રેસમાં કોઈ ઓથોરાયસ્ડ પેન્ટ્રી છે જ નહીં. જવાબ જોઈને મને વળી આઘાત લાગ્યો એટલે મેં તેમને મારા વિચારો આ પ્રમાણે જણાવ્યા.

ત્યાંથી મને બે નંબર આપવામાં આવ્યા. રેલ્વે ઓથોરિટીના. જેમની સાથે મારે ફોન પર વાત કરવાની હતી. પરંતુ હું સુરત હતી એટલે 182 નંબર નજીકનાં મથક એટલે કે મુંબઈ ટ્રાન્સફર થતાં ત્યાંથી મને આ ઘટના અંગે જે તે સ્ટેશન પર જ વાત કરવા કહેવામાં આવ્યું. વળી મેં ટ્વીટ કરી જણાવ્યું તો ફાઇનલી મને બરોડાથી કોલ આવ્યો અને અત્યંત વિનમ્રતાથી મારી આખી વાત સાંભળવામાં આવી. જાણકારી મેળવી લીધા બાદ, મને કહેવામાં આવ્યું કે ગુજરાત એક્સપ્રેસમાં રેલ્વે દ્વારા કોઈ ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવતી નથી. અને કોઈ પણ પ્રકારના ફેરિયાઓને ટ્રેનમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. જો કોઈ ફેરિયો પોતાની વસ્તુ વેચતા પકડાય તો તેને દંડ થાય છે. મેં આ સાંભળ્યા પછી, એમને એક્દમ પરફેક્ટ સમય અને સ્ટેશનની માહિતી આપી.
અમદાવાદ સ્ટેશન પર આ ઘટના બની હતી એટલે રેલ્વે સ્ટાફ દ્વારા મને અમદાવાદથી યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી. અને અંતે 21 મી માર્ચ, 2018 એ, રેલ્વે દ્વારા અમદાવાદ સ્ટેશન પર એક રેલ્વે એક્ટ ડ્રાઇવ તરીકે જાણીતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તેમાં ચાર અનધિકૃત ફેરિયાઓને ઑનરેબલ કોર્ટ સમક્ષ રેલ્વે એક્ટ મુજબ રજૂ કરવામાં આવ્યા.

આ પ્રમાણે જે પગલાં લેવામાં આવ્યા તે પરથી આપણી સરકારની વ્યવસ્થાઓ પર ફરી એક વાર મને અભિમાન થયું. જે રીતે સરકારી કર્મચારીઓની છાપ ઊભી થઈ છે, તે રીતે આ પ્રકારની ઘટના એક સારી ઓળખ તે જ કર્મચારીઓ માટે ઊભી કરવામાં મદદ કરે છે. સરકાર દ્વારા આપણે માટે ઘણી તકો ઊભી થઈ છે જેન ઉપયોગથી આપણે સરકારનો સીધો સંપર્ક કરી શકીએ છીએ. તમારા બધાની જાણ માટે મેં અહીંયા રેલ્વેના મુખ્ય Twitter handles નું એક list મૂક્યું છે. એ આશયથી કે વધુમાં વધુ લોકો સુધી આ સુવિધા પહોંચે અને લોકોમાં જાગૃતિ આવે.
Offcial Indian Railways Twitter Handles :
@RailMinIndia
@RailwaySeva
@IRCATERING
@irctcwestzone
@rpfwradi
આશા છે આ માહિતી આપ સૌને ઉપયોગી નીવડશે.
અસ્તુ!!
eછાપું
Perfect example… we need to be reactive enough… for the change we expect from the system… thanks a lot for sharing very good example.