NaMo App ના સ્થાને કોંગ્રેસ મુક્ત થયો Google Play Store

0
408
Photo Courtesy: indianexpress.com

આવતા વર્ષે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલા કોંગ્રેસ પક્ષે ફરીથી બાફ્યું છે. ભાજપે બે દિવસ અગાઉ કરેલા આક્ષેપ કે કોંગ્રેસે કુખ્યાત Cambridge Analyticaની મદદથી ફેસબુક યુઝર્સનો ડેટા મેળવ્યો છે. આ આરોપના જવાબમાં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની NaMo App ને ટાર્ગેટ બનાવીને આ એપ કરોડો ભારતીયોનો ડેટા મેળવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Photo Courtesy: indianexpress.com

ખુદ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા હતા અને તેમણે એક ટ્વિટ દ્વારા ખુદ વડાપ્રધાન પર આક્ષેપ કર્યો હતો કે તેમની NaMo App યુઝર્સના ઓડિયો અને વિડીયો ખાનગીરાહે રેકોર્ડ કરે છે અને તમારા કોન્ટેક્ટ્સની માહિતી પણ કોપી કરે છે. આટલુંજ નહીં આ એપ GPS દ્વારા તમારું લોકેશન રેકોર્ડ કરે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બિગ બોસ’ તરીકે સરખાવ્યા હતા અને આરોપ મુક્યો હતો કે તેઓ પોતાની એપ દ્વારા કરોડો ભારતીયોની જાસૂસી કરે છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ #DeleteNaMoApp હેશટેગ પણ ઉમેર્યો હતો.

#DeleteNaMoApp હેશટેગ બે દિવસ અગાઉ લગભગ આખો દિવસ ટોપ ટ્રેન્ડ્સમાં ટ્રેન્ડ થયો હતો. ભાજપની ટોચની નેતાગીરી હરકતમાં આવે તે અગાઉ ટ્વિટર પર ભાજપના સમર્થકો NaMo App ના સમર્થનમાં આગળ આવ્યા હતા અને તેમણે માત્ર કેટલીક બેઝિક ટેક્નીકલ માહિતી આપીને રાહુલ ગાંધી અને કોંગ્રેસના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી હતી.

રાહુલ અને કોંગ્રેસ કદાચ હજીપણ આપણા દેશના નાગરિકોને એમના પપ્પા અને દાદીના યુગમાં જ જીવતા હોય એવો ભ્રમ લઈને ચાલતા હોય એવું લાગે છે. કોંગ્રેસ અને તેના પ્રમુખ દેશમાં કમ્પ્યુટર લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને ભલે આપતા હોય પણ આ જ કમ્પ્યુટરનો અને ટેક્નોલોજીનો વપરાશ એમના કરતા દેશનો સામાન્ય નાગરિક ખુબ સારી રીતે કરી શકે છે એવું તેઓ કદાચ જાણતા નથી અથવાતો જાણવા માંગતા નથી.

તમને ગમશે: ભારતમાં ઘટી રહેલી બસ ચિંતાનો વિષય

આપણે અસંખ્ય એપ્સ આપણા મોબાઈલમાં વાપરીએ છીએ અને દરેક ઈંસ્ટોલેશન વખતે આપણે ઘણીબધી પરમિશન્સ આપતા હોઈએ છે. આ પરમિશન્સમાં આપણો અંગત ડેટા વાપરવા દેવાની છૂટ પણ સામેલ હોય છે. આવું માત્ર NaMo App પુરતું મર્યાદિત નથી પરંતુ લગભગ તમામ એપ્સ પર તે લાગુ પડે છે. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ Cambridge Analytica અંગેના ભાજપના આરોપનો ઉતાવળીયો જવાબ આપવામાં અને અમે ડાહ્યા તો તમે દોઢડાહ્યા એવું સાબિત કરવામાં એ ચેક કરવાનું ભૂલી ગયા કે NaMo App પર કોઈ વ્યક્તિ Guest Login પણ કરી શકે છે.

Photo Courtesy: NaMo App/Google Play Store

Guest Login નો સ્પષ્ટ મતલબ એટલો જ છે કે તમારે તમારી કોઈજ માહિતી NaMo Appને આપવાની જરૂર નથી અને આમ કરવા છતાં તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને તેમના નેતૃત્ત્વ હેઠળની સરકારની યોજનાઓ અને કાર્યો વિષે માહિતી આસાનીથી મેળવી શકો છો.

ભાજપના સોશિયલ મિડિયા સમર્થકોને NaMo Appની આ વિશેષતા સમજવામાં વાર ન લાગી અને તેમણે તરતજ એ વિશેષતા અંગેના સ્ક્રિન શોટ્સ વાયરલ કરવાના શરુ કરી દીધા. આમ નરેન્દ્ર મોદીને કોર્નર કરવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસનો દાવ ઉલટો પડી ગયો. પણ આ તો હજી શરૂઆત જ હતી. બાદમાં તો કેન્દ્ર સરકારમાં ભાજપના સિનીયર મંત્રી જેમકે સ્મૃતિ ઈરાની અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ મેદાનમાં આવ્યા અને તેમણે સીધેસીધી કોંગ્રેસની એપને ટાર્ગેટ બનાવી.

 

સ્મૃતિ ઈરાનીએ તેમની પહેલી ટ્વિટમાં ઉપર આપણે જે પરમિશન્સ અંગેની વાત કરી છે તેનો જ રેફરન્સ લઈને કહ્યું કે ઇવન છોટા ભીમને પણ ખબર છે કે એપ્સ પર અમુક પ્રકારની પરમિશન્સને મંજૂરી આપવી એ ડેટા શેરીંગ નથી.

પોતાની બીજી ટ્વિટમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર સીધોજ જનોઈવઢ ઘા મારતા બે સ્ક્રિન શોટ્સ શેર કર્યા. આમાંથી પ્રથમ સ્ક્રિન શોટમાં એ સાબિત થતું હતું કે કોંગ્રેસની એપનું સર્વર સિંગાપોરમાં છે. અગાઉ કોંગ્રેસના IT Cell ના સર્વેસર્વા દિવ્યા સ્પંદના એ દાવો કર્યો હતો કે તેમની પાર્ટીની એપના સર્વર મુંબઈમાં છે. બીજા સ્ક્રિન શોટ અનુસાર કોંગ્રેસની વેબસાઈટ પર એવો સ્વિકાર કરવામાં આવ્યો હતો કે તેમના ભરસક પ્રયાસો છતાં યુઝર્સનો ડેટા કોઈ થર્ડ પાર્ટી જોઈ શકે છે.

હવે અહીં કોંગ્રેસ ભરાઈ પડી હોવાનું સ્પષ્ટ થઇ ચુક્યું હતું. એક તરફ NaMo App માં સ્પષ્ટરીતે દેખાઈ રહ્યું હતું કે અહીં તમારે કોઈજ માહિતી શેર કરવાની જરૂર નથી અને તેમ છતાં તમે એપ યુઝ કરી શકો છો, જ્યારે બીજી તરફ કોંગ્રેસનો દેશની અંદર જ સર્વર હોવાનો દાવો અને પોતાની વેબસાઈટ સેફ ન હોવાનો સ્વિકાર તેણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. સર્વર સિંગાપોરમાં હોવાનો મતલબ એ થઇ શકે કે આ એપ કોઈ થર્ડ પાર્ટી દ્વારા હોસ્ટ થાય છે અને આથી આ એપનો યુઝર ડેટા સેફ નથી.

કોંગ્રેસ હવે એકદમ ઉઘાડી પડી ગઈ હતી અને અચાનક જ સોશિયલ મિડિયા પર લોકોને ખ્યાલ આવ્યો કે સોશિયલ મિડીયામાં ભાજપના સમર્થકો તેમજ સ્મૃતિ ઈરાની અને સંબિત પાત્રા દ્વારા ચલાવવામાં આવેલા ઓલ આઉટ એટેકને લીધે NaMo App ને ડિલીટ કરવાની અપીલ કરનારી કોંગ્રેસે પોતે ખુલ્લી પડી ગઈ હોવાનો આડકતરો સ્વિકાર કરતા પોતાની એપને Google Play Store માંથી ડિલીટ કરી નાખી હતી. આ ઘટનાની નોંધ ખુદ સ્મૃતિ ઈરાનીએ પણ લીધી અને તેમણે મેદાન છોડી દેવા બદલ રાહુલ ગાંધીની હળવી ભાષામાં ટીકા પણ કરી નાખી.

ખબર નહીં પણ કેમ કાયમ એક પ્રશ્ન થતો હોય છે કે રાહુલ ગાંધીને સલાહ આપનારાઓ કોણ છે જે કાયમ એમને ગેરમાર્ગે દોરતા હોય છે? અને એક સમયે આક્રમક મુદ્રામાં આવી જતા કોંગ્રેસ પ્રમુખને છેવટે નીચાજોણું થાય છે અને એ પણ લગભગ દરેક વખતે. ચાલો સલાહકારો તો જેવા હોય એવા પણ ખુદ રાહુલ ગાંધી જે યુવાન છે અને આજની ટેક્નોલોજીથી જોડાયેલા છે અને જેમના પિતાશ્રીએ જ ભારતમાં ટેક્નોલોજી લાવવાનું કાર્ય કર્યું હતું તેઓ ખુદ આટલી સરળ હકીકત સમજી નહી શકતા હોય?

કોંગ્રેસે 2014ની હાર બાદ આત્મમંથન કરવાનું કહ્યું હતું પરંતુ એવું લાગતું નથી કે તેણે હજીસુધી આ પ્રક્રિયા શરુ પણ કરી હોય. બલ્કે, હવે તો એવું લાગે છે કે કોંગ્રેસ સમયાંતરે આત્મમંથન કરવાના નવાનવા ફ્રન્ટ ખોલવા માંડી છે જેમાં સોશિયલ મિડિયા અને ટેક્નોલોજીના જ્ઞાનનો અભાવ એક નવો ફ્રન્ટ બનીને કોંગ્રેસની સમક્ષ આવીને ઉભો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here