દુશ્મન સંપત્તિ વેંચીને મોદી સરકાર તિજોરીમાં 1 લાખ કરોડનો ઉમેરો કરશે

0
624
Photo Courtesy: indianexpress.com

કોઇપણ સરકારને દેશ ચલાવવા માટે આવકની જરૂરિયાત હોય છે અને આ આવક ઉભી કરવા સરકાર પાસે કર એટલેકે ટેક્સ સિવાય અન્ય કોઈ ખાસ રસ્તો નથી હોતો. પરંતુ મોદી સરકાર આ મામલામાં થોડી અલગ સાબિત થઇ છે. કેન્દ્ર સરકારે એક નિર્ણયમાં સમગ્ર દેશમાં ફેલાયેલી લગભગ 9,400થી પણ વધારે દુશ્મન સંપત્તિ ને બજારભાવે વેંચીને નહીં નહીં તો પણ રૂ. 1 લાખ કરોડ ઉભા કરવાની વ્યવસ્થા ઉભી કરી દીધી છે. આ આખો મામલો શું છે એ જાણીએ તે પહેલા દુશ્મન સંપત્તિ એટલે શું એ જાણીએ?

Photo Courtesy: indianexpress.com

દુશ્મન સંપત્તિ એટલે શું?

દુશ્મન સંપત્તિ એટલે એવી સ્થાવર અને જંગમ સંપત્તિઓ જે ભાગલા બાદ હાલના પાકિસ્તાની રહેવાસીઓ આપણા દેશમાં છોડીને ગયા છે. પાકિસ્તાની નાગરિકો ઉપરાંત દેશ છોડીને ચાલ્યા ગયેલા ચીની નાગરિકોની સંપત્તિઓને પણ દુશ્મન સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં દુશ્મન સંપત્તિ કેટલી અને ક્યાં ક્યાં છે?

એક અંદાજ અનુસાર સમગ્ર ભારતમાં લગભગ 9,400 કરતા પણ વધુ દુશ્મન સંપત્તિ છે. આમાંથી 9,280 જેટલી સંપત્તિ પાકિસ્તાની નાગરિકો છોડીને ગયા છે જ્યારે 126 જેટલી સંપત્તિઓ ચીનના નાગરિકો આપણો દેશ સદા માટે છોડીને ગયા ત્યારે અહીં જ નોધારી મુકીને જતા રહ્યા છે.

જો પાકિસ્તાનીઓ દ્વારા ત્યજી દેવામાં આવેલી સંપત્તિ વિષે કહીએ તો સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં 4,991 અને પશ્ચિમ બંગાળમાં 2,735 જેટલી આ પ્રકારની સંપત્તિ છે. જ્યારે રાજધાની દિલ્હીમાં આવી 487 દુશ્મન સંપત્તિઓ છે. જ્યારે ચીની નાગરિકો દ્વારા ત્યજવામાં આવેલી 126 સંપત્તિઓમાં 57 મેઘાલયમાં, 29 પશ્ચિમ બંગાળમાં 29 અને આસામમાં 7 સામેલ છે.

તમને ગમશે: વિશ્વભરમાં ઓછા થઇ રહેલા વેટલેન્ડ એટલે પર્યાવરણના સર્વનાશની નિશાની?

દુશ્મન સંપત્તિ વેંચવાની કાર્યવાહી કેવી રીતે થશે?

હાલની સરકારે બે વખત Enemy Property Act માં સુધારાઓ કર્યા હતા અને હવે એ સુધારાઓને ધ્યાનમાં લઈને સરકાર પાસે એવો અધિકાર છે કે તે દેશભરમાં રહેલી દુશ્મન સંપત્તિને વેંચી શકે. ઉપરોક્ત કાયદામાં જણાવાયું છે કે ભાગલા સમયે પાકિસ્તાન અને ચીન જતા રહેલા નાગરિકો કે તેમના વારસદારો ભારતમાં રહેલી તેમની સંપત્તિ પર કોઈજ હકદાવો નહીં કરી શકે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક વેલ્યુએશન કમિટીની રચના કરી છે જે જીલ્લા સ્તરે કાર્ય કરશે. આ કમિટીની અધ્યક્ષતા જીલ્લા કલેક્ટર કરશે અને આ ઉપરાંત રાજ્યના મંત્રાલયો વચ્ચે પણ એક કમિટી બનાવવામાં આવી છે જેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી કરશે. આ કમિટીએ એક નિશ્ચિત સમયગાળામાં દુશ્મન સંપત્તિનું હાલનું મુલ્ય શું છે તે નક્કી કરી આપવાનું છે.

તમામ 9,400 ઉપરાંતની દુશ્મન સંપત્તિના કસ્ટોડીયન તરીકે સરકારે એક ખાસ ઓફિસની રચના કરી છે જે દેશમાં કઈ કઈ જગ્યાએ કેટલી દુશ્મન સંપત્તિ છે તેનું એક લિસ્ટ બનાવીને ગૃહ મંત્રાલયને સોંપશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એડીશનલ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી છે જે સરકારને દુશ્મન સંપત્તિ કેવી રીતે વેંચવી અને આ સાથે જોડાયેલી બાબતો અંગે સલાહ આપશે.

દુશ્મન સંપત્તિ અંગેની વેચાણ પ્રક્રિયા કેવી હશે?

જે દુશ્મન સંપત્તિનો કોઈ કબજેદાર નથી તેની સૌથી ઉંચી બોલી લગાવનાર વ્યક્તિને તે વેંચી નાખવામાં આવશે. જે દુશ્મન સંપત્તિ પર હાલમાં કોઈ વ્યક્તિ (ભલે ગેરકાયદેસર) કબજો ધરાવતો હશે તેને એ સંપત્તિના વેચાણ બાદ અમુક ટકા આપી દેવામાં આવશે. દુશ્મન સંપત્તિના વેચાણ માટે હરાજી ઉપરાંત બજારમાં ઉપલબ્ધ અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આમ વર્ષોથી લટકી રહેલા એક પ્રશ્નનો મોદી સરકારે ઉકેલ લાવ્યો છે એટલુંજ નહીં તમામ 9,400થી પણ વધારે સંપત્તિઓ વેંચાઈ ગયા બાદ દેશની તિજોરીમાં 1 લાખ કરોડ રૂપિયા પણ જમા થશે તે ફાયદામાં.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here