eછાપું Exclusive: સુજાતા મહેતા વાત માંડે છે ચિત્કાર, પ્રતિઘાત અને ચિત્કારની

0
574
Photo: eChhapu

નાટકો અને ફિલ્મોને પ્રેમ કરતા ગુજરાતીને સુજાતા મહેતા એટલે કોણ એવો સવાલ પૂછવો ન પડે. સુજાતા મહેતા જેવા અતિશય ટેલેન્ટેડ અદાકારા પોતાનું કાર્ય સંભાળીને અને સમજીને પસંદ કરતા હોય છે અને કદાચ એટલેજ આજે ઘણા વર્ષના બ્રેક બાદ આપણને સુજાતા મહેતા ફરીથી જોવા મળશે તેમનાજ પ્રખ્યાત નાટક ‘ચિત્કાર’ ના ગુજરાતી ફિલ્મના વર્ઝનમાં. ગઈકાલે વિશ્વ રંગમંચ દિવસના અવસરે સુજાતા મહેતાએ eછાપું સાથે પ્રતિઘાત થી માંડીને ચિત્કાર સુધીની અસંખ્ય અને એક્સક્લુઝિવ વાતો કરી હતી. આવો એ વાતચીતના કેટલાક અંશો માણીએ.

Photo: eChhapu

સુજાતા મહેતાએ જે ફિલ્મ સાથે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી એ ફિલ્મ હતી એન ચંદ્રાની ‘પ્રતિઘાત’. જો કે સુજાતાબેન સાથે આગળ ચર્ચા કરતા ખબર પડી કે ટેક્નિકલી પ્રતિઘાત એ એમની પહેલી ફિલ્મ ન હતી, એ કઈ ફિલ્મ હતી તેના પર આપણે આગળ વાત કરીશું. તો પ્રતિઘાત એ એન ચંદ્રાની ચાર ચમત્કારિક ફિલ્મોમાંથી એક હતી. એન ચંદ્રાની સળંગ ચાર ફિલ્મો એટલેકે ‘અંકુશ’, ‘તેઝાબ’, ‘પ્રતિઘાત’ અને ‘નરસિમ્હા’ એ અલગ અને એ સમયે ભયજનક ગણાતા વિષયો હોવા છતાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત દેખાવ કર્યો હતો. પ્રતિઘાત પોતાને કેવી રીતે મળી અને તેના અનુભવો સુજાતા મહેતાએ eછાપું સાથે શેર કર્યા હતા.

પ્રતિઘાત સુજાતા મહેતાને ચિત્કાર નાટકને લીધે જ મળી હતી. સુરજ બડજાત્યાના પિતાશ્રી જેને સુજાતાબેન ‘રાજબાબુ’ કહીને બોલાવે છે તેઓ ચિત્કાર નાટક જોવા આવ્યા હતા. સુજાતા મહેતાના અભિનયથી પ્રભાવિત થઈને તેમણે તેમને ‘નદિયા કે પાર’ નો સેકન્ડ લીડ રોલ ઓફર કર્યો. પરંતુ આ રોલમાં કોઈ ખાસ દમ ન હોવાથી સુજાતાબેને તેને નકાર્યો પરંતુ રાજબાબુને એમ જરૂર કહ્યું કે જો તેમની પાસે કોઈ પડકારરૂપ ભૂમિકા હોય તો તેઓ જરૂર કરશે.

આ ઘટનાના લગભગ અઢી વર્ષે તેલુગુની સુપરહિટ ફિલ્મ પરથી જ્યારે એન ચંદ્રાને પ્રતિઘાત બનાવવાનો વિચાર આવ્યો ત્યારે તરતજ રાજબાબુએ સુજાતા મહેતાનું નામ સજેસ્ટ કર્યું. આમ તો આ ચેલેન્જીંગ રોલ કરવા માટે તે સમયની ટોચની અભિનેત્રીઓ જેવી કે શ્રીદેવી અને જયાપ્રદા પણ રાજશ્રીમાં ફોન કરતી હતી પરંતુ એન ચંદ્રાને નવો ફેઈસ જોઈતો હતો અને આથી રાજબાબુ તેમની સમગ્ર ટીમ સાથે ચિત્કાર નાટક જોવા આવ્યા અને પ્રતિઘાત મળી. સુજાતા મહેતા માટે આ ઘટના તેમના જીવનની સૌથી યાદગાર ઘટના બની ગઈ છે.

પ્રતિઘાતની એક અનોખી બાબત એ હતી કે આ ફિલ્મના લગભગ તમામ મુખ્ય કલાકારો, સુજાતા મહેતા સહીત, સ્ટેજ આર્ટીસ્ટ હતા જેમાં રોહિણી હત્તંગડી, નાના પાટેકર અને અશોક સરાફ સામેલ હતા. એટલે સુજાતા મહેતાના કહેવા અનુસાર તેમને એવું જરાય નહોતું લાગ્યું કે તેઓ નાટકને બદલે કોઈ ફિલ્મ કરી રહ્યા છે, માત્ર સ્ટેજ અને કેમેરાનો દેખીતો ફરક લાગતો હતો. ફિલ્મના તમામ કલાકારોએ એક ફેમીલી તરીકે લગભગ દોઢ મહિનો નાશિકમાં શૂટ કર્યું હતું. નાના પાટેકરનો રોલ નાનો હોવા છતાં તે આખા શૂટ દરમ્યાન હાજર રહ્યા હતા એ પ્રકારનું બોન્ડિંગ ફિલ્મની ટીમ વચ્ચે રહ્યું હોવાનું સુજાતાબેને ઉમેર્યું હતું.

પ્રતિઘાત પછી પણ સુજાતા મહેતાએ 23 ફિલ્મો કરી પરંતુ તેમ છતાં જો આપણે ફિલ્મોનો ઈતિહાસ તપાસીએ તો એવું જરૂર લાગે કે સુજાતા મહેતા હિન્દી ફિલ્મોમાં સતત અને લાંબો સમય જોવા નથી મળ્યા. આ અંગે સુજાતા મહેતાનું માનવું છે કે પ્રતિઘાતને જે સફળતા મળી તેને જો 1 થી 10 ના પેરામીટરમાં જોવા મળે તો તે 10 થી ઓછા માર્ક્સ ન જ લાવે. આમ જે વ્યક્તિએ ટોચ પરથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય તેના માટે આવી epic ફિલ્મ બાદ જે ઓફરો મળે તેમાંથી કોઈ ખાસ રોલની પસંદગી કરવી અઘરી બની જતી હોય છે.

સુજાતા મહેતા એ સ્વિકારે છે કે તેમને બોલિવુડમાં કોઈજ સ્ટ્રગલ કરવી નથી પડી અને પહેલી ફિલ્મથી જ એમનું એક લેવલ સેટ થઇ ગયું હતું. આવામાં એમને કોઈ સ્ક્રિપ્ટ પસંદ આવી જાય એ અઘરું હતું. અહીં સુજાતા મહેતાએ સિક્રેટ ઓપન કર્યું હતું કે જે પી દત્તાની ‘યતીમ’ એમણે પ્રતિઘાત પહેલા સાઈન કરી હતી, પરંતુ પ્રતિઘાત પહેલા રિલીઝ થઇ હતી. યતીમ એક ટિપિકલ મસાલા ફિલ્મ હતી જ્યારે પ્રતિઘાત એક યુનિક ફિલ્મ હતી. પ્રતિઘાતમાં જે લોકપ્રિયતા સુજાતા મહેતાએ મેળવી એ એમના જ શબ્દોમાં કહીએ તો યતીમના નેગેટીવ રોલને લીધે સાવ નેસ્તનાબૂદ થઇ ગઈ.

પરિણામે હિન્દી ફિલ્મોના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડીસ્ટ્રીબ્યુટર્સમાં નેગેટીવ મેસેજ ગયો અને એમને ફિલ્મોની ઓફર મળવાની ઓછી થવા લાગી.એ સમયે ડીસ્ટ્રીબ્યુટર્સ એટલા ભણેલા ન હતા માત્ર પૈસા આપી જાણતા અને આથી એમનામાં એક ખોટો સંદેશ જતા પોતે ઓછી ફિલ્મો કરી શક્યા એવું સુજાતા મહેતા સ્પષ્ટપણે માને છે. સુજાતાબેન એમ પણ માને છે કે પ્રતિઘાત આજના સમયમાં આવી હોત તો કદાચ તેમની કરિયરનું ચિત્ર અનોખું જ હોત. જો કે સુજાતા મહેતાને આમ થવાથી કોઈજ હરખશોક નથી. તેમનું કહેવું છે કે સમય સમયનું કામ કરતો હોય છે.

‘ચિત્કાર’ નાટક વિષે જણાવતા સુજાતા મહેતા કહે છે કે ચિત્કાર અગાઉ તેમના ત્રણથી ચાર નાટકો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગયા હતા, જો કે તેમની અદાકારી કાયમ વખણાઈ હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે નાટકની કરિયરને અલવિદા કરીને તેઓ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાશે કારણકે એ તેમનો passion હતો અને આજે પણ છે. સુજાતાબેનના પિતાએ પણ SOTC સાથે એમની નોકરી અંગે વાત કરી રાખી હતી. પરંતુ સમય ક્યારે પલટાય છે તેની કોઈને ખબર નથી હોતી. સુજાતાબેન સાથે પણ આમ જ થયું.

એક એક્સ્પરીમેન્ટલ નાટક ‘રાફડો’ જે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગયું હતું. પરંતુ સુજાતા મહેતાની એક્ટિંગથી પ્રભાવિત થઈને એક ડાયમંડ મર્ચન્ટે સુજતાબેનને ઓફર કરી કે તેમને ગમે તેવું કોઈ નાટક એ શરુ કરે જેમાં પોતે ફાઈનાન્સ કરવા તૈયાર છે. આથી સુજાતાબેને એ સમયના દિગ્ગજ નાટ્યકારો મહેન્દ્ર જોશી, શફી ઈનામદાર અને લતેશ શાહને આ અંગે વાત કરી. લતેશભાઈ જે ચિત્કાર નાટક અને હવે આવનારી ફિલ્મ ચિત્કારના પણ લેખક ડિરેક્ટર છે તેમની પાસે એક સ્ક્રિપ્ટ હતી.

લતેશ શાહ નાયર હોસ્પિટલમાં ડોક્ટર્સ સાથે કામ કરતા હતા અને વિવિધ કેસ હિસ્ટ્રીનો અભ્યાસ કરતા રહેતા હતા. આમાંથી જ એક કેસ હિસ્ટ્રી પરથી તેમણે ચિત્કારની સ્ક્રિપ્ટ લખી અને બસ નાટક શરુ થઇ ગયું. ચિત્કારની સમગ્ર ટીમને આશા હતી કે નાટકના 25-30 શો થાય એટલે ગંગા નહાયા, પરંતુ નાટક એટલું બધું લોકપ્રિય થયું કે તેના 800 શો થયા.

ચિત્કાર નાટક જ્યારે ખૂબ લોકપ્રિય થયું હતું ત્યારે એક એવી અફવા પણ ફેલાઈ હતી કે સુજાતા મહેતા પોતાના રોલમાં એટલા અંદર સુઘી ઘુસી જાય છે કે તેમને દરેક શો બાદ ટ્રીટમેન્ટ લેવી પડે છે. અમે સુજાતાબેનને આ અંગે પણ સવાલ કર્યો. સુજાતાબેને કહ્યું કે આવી અફવાઓ એમના ઘર સુધી પણ પહોંચી હતી અને કુટુંબીજનો તેનાથી ચિંતિત પણ હતા, પરંતુ તેઓ માત્ર હેડ મસાજ જેવી હળવી ટ્રીટમેન્ટ દરેક શો પછી લેતા અને શો ના બીજા દિવસે આખો દિવસ સંપૂર્ણપણે આરામ કરતા. શરૂઆતમાં યોગ અને ધ્યાન અંગે સિરિયસ ન રહેલા સુજાતા મહેતાએ બાદમાં આ બંને કળાઓનો સહારો પણ લીધો અને સદાય રિલેક્સ રહેવા લાગ્યા.

પાંત્રીસ વર્ષે ચિત્કાર નાટક પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે સુજાતાબેન કહે છે કે નાટકનો સબ્જેક્ટ એવો હતો કે તેમાંથી એક મેસેજ જતો હતો. આ મેસેજ વધુને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવો તેના વિષે તેઓ અને લતેશભાઈ કાયમ વિચારતા. શરૂઆતમાં હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ અચાનકજ એક દિવસે સુજાતાબેને લતેશભાઈને ગુજરાતી ફિલ્મ બનાવવાનો આઈડિયા આપ્યો અને ફિલ્મ પર કાર્ય શરુ થયું. દોઢ વર્ષ સ્ક્રિપ્ટ પર કામ થયું અસંખ્ય ડ્રાફ્ટ બન્યા અને બસ ફિલ્મ બનવી શરુ થઇ ગઈ.

એક નાટક પરથી ફિલ્મ બનાવવી કેટલી સરળ કે અઘરી હતી તે અંગે ચિત્કારના રાઈટર/ડિરેક્ટર લતેશ શાહે eછાપુંને જણાવ્યું હતું કે આ કાર્ય સરળ તો નહોતુંજ પણ એટલું અઘરું પણ ન હતું કારણકે પાંત્રીસ વર્ષથી આ વિષયને તેમનાજ શબ્દોમાં કહીએ તો “તેઓ ઘોળીને પી ગયા છે”. ઉપરાંત આ વિષય કોઇપણ સમયે કહી શકાય તેવો છે. અગાઉ લતેશભાઈ મધુર ભંડારકરની ‘ડેબ્યુ ફિલ્મ ‘ત્રિશક્તિ’ ની સ્ક્રિપ્ટ લખી ચૂક્યા છે. તે ઉપરાંત તેઓ કુંદન શાહ અને સાગર સરહદીના આસિસ્ટન્ટ પણ રહ્યા હતા.

Photo: eChhapu

આમ લતેશભાઈ માટે ફિલ્મોનું માધ્યમ નવું ન હતું, પરંતુ તેઓ એક એવી ફિલ્મ બનાવવા માંગતા હતા જેને કોઈ ભાષા ન નડે. ચિત્કાર જોઇ રહેલો કોઇપણ વ્યક્તિ ચાહે તો કોઇપણ ભાષા બોલતો હોય તેને એવું નહીં લાગે કે આ ફિલ્મ ગુજરાતીમાં છે. ફિલ્મના દરેક શોટની એક અલગ ભાષા હોવાનું લતેશ શાહ ભારપૂર્વક ઉમેરે છે. આ ઉપરાંત PEN ના જયંતીભાઈ ગડાએ જ્યારે ફિલ્મને ફાઈનાન્સ કરવાનું નક્કી કર્યું ત્યારે લતેશભાઈના કહેવા મુજબ તેમને એક બાબત ચોક્કસ કરી લીધી કે હવે ફિલ્મ રિલીઝ તો થવાની જ છે.

ફિલ્મ શૂટ કરવાના અનુભવો વાગોળતા લતેશ શાહ કહે છે કે ફિલ્મના કલાકારોને ખાસ એક મેન્ટલ એસાયલમમાં પાંત્રીસ દિવસ લઇ જવામાં આવ્યા હતા જેથી એમને જાતઅનુભવ થાય અને ફિલ્મ પર તેની ઘેરી અસર પડે. સુજાતા મહેતા જે રીતે નાટકમાં પોતાના રોલમાં ઓતપ્રોત થઇ જતા એ જ તેઓ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પણ કરે અને એમની માનસિક હાલત પર કોઈ અસર ન પડે તેની ચિંતા શરૂઆતમાં પોતાને હતી તેમ લતેશભાઈએ જણાવ્યું પરંતુ બાદમાં બધું યોગ્યરીતે થવા લાગ્યું.

ગુજરાતી ફિલ્મોના ભવિષ્ય માટે સુજાતા મહેતા અને લતેશ શાહ બંને હકારાત્મક છે. અત્યારે માત્ર બજેટનો એક સવાલ છે, પરંતુ ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે એક વ્યવસ્થિત બજેટ બનશે અને આપણી પાસે અનહદ ટેલેન્ટ હોવાને લીધે આપણે પણ મોટી અને લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડે તેવી ફિલ્મો બનાવશું એમ બંનેએ એક સૂરમાં કહ્યું હતું.

ગુજરાતીમાં સતત કોમેડી ફિલ્મોનો ઓવરડોઝ થતો હોવા અંગે લતેશભાઈ કહે છે કે કળામાં અલગ અલગ રસ છે અને એ તમામ રસનો ઉપયોગ થવો જોઈએ. આ ઉપરાંત બજેટની સમસ્યા હાલપૂરતી હોવાથી જો કન્ટેન્ટ પર વધુ ધ્યાન આપવામાં આવશે તો ગુજરાતી ફિલ્મોની લોકપ્રિયતા ખૂબ વધી શકે તેમ છે.

સુજાતાબેને પણ સૂર પુરાવતા કહ્યું કે મુંબઈમાં તેઓ એવા અનેક નોન-ગુજરાતીઓને મળી ચુક્યા છે જેમણે હાલમાં આવેલી કેટલીક ગુજરાતી ફિલ્મો જોઈ છે અને તેના વખાણ કર્યા છે. દરેક બાબતનો એક દાયકો આવે છે અને ગુજરાતી ફિલ્મોનો દાયકો શરુ થઇ ચુક્યો છે. પોતાના ડ્રીમ રોલ વિષે સુજાતા મહેતા કહે છે કે તેમને ‘ગુજરાતનો નાથ’ પરથી બનેલી ગુજરાતી ફિલ્મમાં રોલ કરવો છે.

Photo Courtesy: Promotions Redefined

ચિત્કાર ફિલ્મ વિષે eછાપુંના વાચકોને સુજાતા મહેતાનો સંદેશ છે કે જે રીતે ગુજરાતી દર્શકોએ હાલના સમયમાં આવેલી દરેક સારી ફિલ્મને વખાણી છે એવીજ રીતે ચિત્કારને પણ તેઓ વખાણશે અને દરેક ગુજરાતી એક વખતતો આ ફિલ્મ જોવેજ તેવી તેમને આશા છે કારણકે આ ફિલ્મ 15 થી 65 વર્ષના તમામ લોકોને ગમે તેવી છે.

લતેશ શાહે વાચકોને અપીલ કરી હતી કે, ગુજરાતી ફિલ્મોને સારા સબ્જેક્ટની જરૂર છે અને ચિત્કાર એક સરસ સબ્જેક્ટ છે. ગુજરાતી ફિલ્મોને બોલિવુડ જ નહીં પરંતુ જો હોલિવુડની કક્ષાએ લઇ જવી હશે તો આ સુંદર સબ્જેક્ટ ધરાવતી ફિલ્મ ચિત્કાર તો તમારે જોવાની જ છે તેમ લતેશભાઈએ હસતાંહસતાં ઉમેર્યું હતું.

સુજાતા મહેતા અને હિતેનકુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ચિત્કાર 20 એપ્રિલે સમગ્ર ભારતમાં રિલીઝ થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here