હોળીનું એક અલગ અને વરવું સ્વરૂપ દેખાડતી દામિની

0
319
Photo Courtesy: YouTube

હાલમાં જ હોળી ગઈ અને આપણે બધાએ તેને રંગેચંગે ઉજવી પણ ખરી. હોળી હોય કે દિવાળી કે પછી કોઇપણ તહેવાર તે આનંદ માણવા માટે હોય છે, પરંતુ આ તહેવારે ઘણીવાર કોઈ ખરાબ અથવાતો વરવું સ્વરૂપ લેતી ઘટના પણ ઘટી શકે છે. આવી જ એક શ્રીમંત પરિવારની વરવી ઘટનાને રજુ કરી હતી દામિની એ. આજે આપણે શ્રીમંત પરિવારનો બળાત્કાર છુપાવવા એને બચાવવા કેટકેટલી તાકતો ભેગી થઇ જાય છે અને આપણા દેશમાં ન્યાયની શું કિંમત છે તેના પર પ્રકાશ પાડતી ફિલ્મ દામિનીની ફિલોસોફી એટલેકે બોલિસોફી જાણીશું.

Photo Courtesy: YouTube

શ્રીમંત પરિવારમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હોય અને એમાં શામેલ થવા ઘરનો સહુથી નાનો દીકરો પોતાના મિત્રોને આમંત્રિત કરે અને પછી એ એના મિત્રો સાથેજ ઘરમાં કામ કરતી છોકરી પર ભાંગ અને દારૂનાં નશામાં ચૂર થઈને બળાત્કાર ગુજારે એ વાત ફિલ્મોમાં કદાચ પહેલીવાર આપણી સમક્ષ આવી હતી. પરંતુ એનો મતલબ એવો જરાય ન હતો કે આવી ઘટનાઓ આપણા ભારતમાં દામિની પહેલા અને દામિની બાદ નહોતી થતી અથવા તો નથી થઇ રહી. ઘરનાં નોકર ચાકરો તો ઠીક પણ ઘણીવાર તો ઘરનાં સભ્યો સાથે પણ એમની ઈચ્છા વિરુદ્ધ આવી ઘટના બનતી હોય છે. આવે સમયે મોટાભાગના કિસ્સાઓમાં સ્વાભાવિકરીતે ઢાંકપિછોડો કરી દેવામાં આવે છે. જો ભોગ બનનાર નોકર કે નાના તપકાની વ્યક્તિ હોય તો તેને પૈસા આપીને મૂંગી કરી દેવાય અને ભોગ બનનાર જો કુટુંબી હોય તો સમાજમાં કુટુંબનું નામ ‘ખરાબ’ ન થાય એની દુહાઈઓ દઈને પણ મામલો સગેવગે કરી દેવામાં આવે છે.

હિંદી ફિલ્મોમાં હોળીના અવસરનો ઉપયોગ મોટેભાગે ગીતોમાં વધુ થયો છે. હા ‘શોલે’ અથવા ‘ડર’ જેવા કેટલાંક અપવાદો તો છે જ, પણ દામિનીની વાર્તા તો હોળીના આ પ્રસંગથીજ વળાંક લે છે. આ એક એવો વળાંક છે જે નારીશક્તિની વ્યાખ્યાને એના નક્કર સ્વરૂપમાં આપણી સામે લઇ આવે છે. દામિની એ કુટુંબની વહુ છે. એના સાસુ-સસરા તો ઠીક પણ એનો પતિ પણ એની નોકરાણી ઊર્મિ પર થયેલા બળાત્કારને ભૂલી જવાનું કહે છે. પણ દામિની એના નિર્ણય પર અફર રહે છે. ખરેખર તો એને એજ સમજાતું નથી કે લોકો અન્યાય સામે સાવ મૂંગામંતર કેમ થઇ શકે? અને આથીજ તે પોતે એકલી ઊર્મિની મદદ કરવાનું નક્કી કરે છે અને હોળી માંથી ઉદ્ભવેલી દામિની નામની ચિનગારી છેવટે એક લાંબી લડાઈ બાદ એના કુટુંબને જેલનાં સળીયા ગણતું કરી દે છે. જો કે દામિનીની આ સ્ટ્રગલ એટલી સહેલી નહોતી. હોંશિયાર પણ શઠ વકીલ ચડ્ઢાના પેંતરાઓ એક સમયે દામિનીને પાગલ બનવાની કગાર સુધી પહોંચાડી દે છે, પણ દામિની તેમાંથી પણ ઊગરે છે અને એને મદદ મળે છે એક બેકાર બની ગયેલા વકીલ ગોવિંદની જે દામિની અને ઊર્મિને ન્યાય અપાવે છે.

દામિનીની ફિલોસોફી એકદમ સિમ્પલ છે. પહેલાતો ઘરની અંદર કોઇપણ વ્યક્તિ સાથે તમે કોઈજ અન્યાય ન કરો અને થવા પણ ન દો. પણ તેમછતાં જો આવી કોઈ ઘટના સામે આવે અને એમાં ઘરનો વ્યક્તિ જ દોષી હોય તો પણ તેને કાયદાને હવાલે કરી દો નહીં કે એના કુટુંબીજન હોવાનો ખોટો ફાયદો એને લેવા દઈને ભોગ બનનારને અન્યાય કરવો. ન્યાયની આ લડતમાં જો સચ્ચાઈ તમારી સાથે જ છે એવો વિશ્વાસ તમને અને તમારા આત્માને હોય તો પછી તમારા કુટુંબીઓ સામે પણ તમે લડો અને જો આમ કર્યું તો પછી સમજી લેજો કે તમારી જીત પાક્કી જ છે. બસ આટલી આસાન વાત દામિની આપણને કરે છે. જયારે તમે સચ્ચાઈને પક્ષે હશો ત્યારે દુનિયાની કોઇપણ અદાલત તમને અસલી ગુનેગારને સજા અપાવતાં રોકી નહીં શકે. હા, તમને રોકવા, તમને ટોકવા અથવાતો તમારો કાંટોજ કાઢી નાખવા કેટલાય લોકો તમારી સામે પડશે, પણ તમે તમારું કામ કરે જાવ અને સફળતા વહેલી તો મળશે જ નહીં પરંતુ મોડેથી તો જરૂર મળશે જ એ વાતની ખાત્રી રાખજો. અને હા, આ વાત માત્ર મહિલાઓ ને જ નહીં પુરુષોને પણ એટલીજ લાગુ પડે છે.

આ ઉપરાંત દામિનીમાં ભારતીય ન્યાય વ્યવસ્થા પર પણ ચાબખા મારવામાં આવ્યા છે. એક અતિશય મહત્ત્વનો કેસ જેના પર કોઈના જીવન અથવાતો મરણનો સવાલ હોય છે તેને વકિલો માત્ર પોતાના અસીલોને બચાવવા જેમની પહોંચ ખૂબ દૂર સુધી હોય છે, જે પૈસા પાણીની જેમ વહેવડાવી શકે છે તારીખ ઉપર તારીખ લીધે લાગે છે. પરિણામે જેમ ફિલ્મમાં ગોવિંદ કહે છે તેમ લોકોને ન્યાયની જગ્યાએ કાયમ તારીખ જ મળતી હોય છે. આપણા દેશમાં એવા અસંખ્ય કિસ્સાઓ બન્યા છે જ્યાં કેસ કરનાર અને જેના પર કેસ થયો છે એ બંને પ્રભુ શરણે પહોંચી જાય છે પરંતુ કોર્ટ તારીખો આપવામાંથી ઉંચી નથી આવતી.

ઘણીવાર ફિલ્મોની આવી ફિલોસોફી આપણને મનોરંજનના મેકઅપની અંદર દેખાતી નથી, પણ આ મેકઅપ ઉતર્યા બાદ જો આપણે એના વિષે શાંતિથી વિચારીએ તો આપણને ઘણીબધી ફિલોસોફીઓ હિંદી ફિલ્મોમાંથી પણ મળે છે. હોળીનો એક અલગ જ રંગ દેખાડતી આવી હજારો દામિનીઓને લાખ લાખ સલામ.

“ન્યાયની અદાલત ઉપરાંત તમારા આત્માની પણ એક અદાલત છે. આ અદાલત સામે દુનિયાની કોઇપણ અદાલત હંમેશા નાની જ હોય છે.”

– મહાત્મા ગાંધીના આ અવતરણ પરથી જ દામિની ફિલ્મનો વિચાર લેવામાં આવ્યો છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here