અને આખરે બિચારી શીતલીનો ઉપવાસ તોડ્યો….

5
695
Photo Courtesy: blissofcooking.com

રોજ કરતાં આજ રોટલીનો આકાર અને સાઈઝ જોઈ મને નવાઈ લાગી. મેં જમતાં-જમતાં પત્નીને હળવેકથી ધમકાવી. મને જ્યાં સુધી એ જમવાના સમયે મીઠો ઝઘડો ન કરે ત્યાં સુધી મારું જમવાનું પચતું નથી અને આ મીઠા ઝઘડાના ઉપવાસ મને પોસાતા નથી. તે રસોડાના કામમાં વ્યસ્ત રહી, મારી વાત કદાચ સાંભળી નહીં હોય એટલે મેં થોડા ઊંચા અવાજે કહ્યું કે…

Photo Courtesy: blissofcooking.com

“અરે …આજ આ ઉષા ઉત્તુપના ચાંદલા જેવી જાડી અને મોટી રોટલી કેમ બનાવે છે?”

“તે સાંભળ્યું મેં શું કહ્યુ એ?”

“હા હો સાંભળ્યું. આજ મારે બહાર જવાનું છે માટે થોડી ઉતાવળમાં રોટલી જાડી થઈ ગઈ.” પત્ની એ ઠંડે કલેજે ઉત્તર આપ્યો.

“ક્યાં જવાનું? બ્યુટી પાર્લરમાં?” હું ચોકયો.

“ના બાપા…આ ઉમરે મેકઅપના થથેડા ચોટાડી, રૂપાળા થઈ કોને દેખાડવું! જેવા છીએ એવા સારા જ છીએ ને.”

“હાસ્તો. હું મનમાં આ જ વાક્ય બોલ્યો, ખોટો તું આજ મારો રવિવાર ન બગાડે એટલે તને ના કહ્યું.” મેં મશ્કરી કરી.

“શું????”

“કઈ નહી તું તારા પ્રશ્ન પર જોર ના દે…વેલણ પર જોર આપ અને રોટલી પાતળી બનાવ, પ્લીઝ. પાછું પૂછવાની રાહ જોઈશ કે કહી દઈશ કે ક્યાં જવાનું છે તારે?”

“ભાઈસાબ, તમે એક પ્રશ્ન એક ટાઈમે જ પૂછો, હું થોથરાઈ જાવ છું. હા યાદ આવ્યું, તમે મને એમ પૂછતાં હતા ને કે ક્યાં જવું છે તો સાંભળો, આજથી ચૈત્ર નોરતા શરુ થયા એ તમને ખબર જ હશે, અમે લોકો એ નવ દિવસ ઉપવાસ રાખવાનું નક્કી કર્યું છે. આપણા પેલા મ્યુનીસીપલ ગાર્ડનના મંદિરમાં નવેનવ દિવસ બપોરે-રાત્રે પૂજા-આરતીનું આયોજન કરેલું છે. બપોરની પૂજા પત્યા બાદ એક મહારાજ રામકથા સંભળાવશે. તમે બપોરની ચા જાતે બનાવીને પી લેજો. હું રાત્રે ત્યાંથી પૂજાપાઠ કરીને જ આવીશ.” પત્નીએ ઓર્ડર, પ્રેમ અને ગુસ્સો ભેળસેળ કરી મને આંચકો આપ્યો.

જમીને હું આડો પડી યુઝ એન્ડ થ્રો પેનનું ઢાંકણું ચાવતો તાજી ગુજરી બજારમાંથી લીધેલી બૂકો ઉથલાવતો હતો, એવામાં શીતલી પતિ અંકિત હાથમાં એક કાગળ અને મુખ પર નિરાશા સાથે મારા ઘરમાં પ્રવેશ્યો.

“આવ આવ અંકિત, આજે ઈશાનમાંથી ચઢાવો નીકળ્યો ને કઈ!” મેં અંકિતને આવકાર્યો.

“ઈશાંની ચઢાવો! એ શું?” અંકિત મારી કહેવત ન સમજ્યો. તે નાકમાંથી બોલ્યો. એની સ્વરપેટી થોડી ખોટકાયેલી છે.

“એ કહેવત છે…આજ ઘણા દિવસે તું દેખાયો એમ મેં પૂછ્યું.” મેં એને કહેવતનો અર્થ સમજાવ્યો.

“મોટાં ભાઈ, મારે એંક ટેંકનીકલ પ્રોબ્લેમ આંવી ગંયો. તંમે જ કૈક ઊપાય બતાવો.” હાથનો કાગળ ફેરવતા એ નિરાશ થઈ બોલ્યો.

“હા …હા..બોલ બોલ . શું તકલીફ થઈ.” બેઠાં થઈ તકિયો ખોળામાં લઈ મેં પૂછ્યું.

“ભાઈ, ચકુ એ નોરતાંનાં આંકરાં ઉપવાસ કરવાંનું નક્કી કર્યું છે.” અંકિતે સીધી જ તેની સમસ્યા કહી. એ એની પત્ની શીતલ ઉર્ફ શીતલીને ચકુ કઈને બોલાવે છે.

“ઉપવાસને કઈ આધાર કાર્ડથી લીંક કરવાનું હોય?” મેં એને મજાકમાં ટોક્યો, પછી સમજાવતા કહ્યું કે, “ઉપવાસ એ કઈ મોટી વાત નથી. બધા રાખે, તારી ભાભી રાખવાની છે. એમાં આટલો ટેન્શનમાં કેમ આવી ગયો.”

“હા, અંકીતભાઈ અમે ફ્લેટની બધી મહિલાઓ નવે નવ નોરતા ઉપવાસ કરવાના છીએ.” પત્ની વચ્ચે કૂદી.

“પણ…તંમે..” અંકિત મારી અને પત્નીની સામે મોઢું ફુલાવી કશું કહેવા જતો હતો.

મેં એની વાત વચ્ચે કાપી આગળ વધાર્યું: “જો અંકિત, ઉપવાસથી સ્વાસ્થ્ય સુધરે, રોગ પ્રતિકારક શક્તિ વધે. ઉપવાસ શરીરની શુદ્ધિની ક્રિયા છે. આપણા શરીરના તમામ અવયવો રોજ કામ કરતા હોય થાકી જાય, એટલા માટે તેમને થોડો આરામ આપવો જોઈએ. ઉપવાસથી શરીરની જ નહી મન અને ચિતની પણ શુદ્ધિ થાય. વધારે ખવાઈ જાય, પેટમાં ગડબડ હોય તો વ્યક્તિ એ ઉપવાસ કરવો જ જોઈએ. હું તો કહું છું કે સપ્તાહમાં એક દિવસ આપણે બધાયે ઉપવાસ કરવો જોઈએ.” આરોગ્યની કોઈ ચોપડીના ડાઈલોગને ઉધાર લઈ મેં ઠપકાર્યા.

“પણ..તંમે સંમજતાં…” મેં ફરી એની વાત કાપીને તર્જની તેની તરફ ધરીને કહ્યું. “ઉપવાસ એ આસ્થાનું પ્રતિક છે. પારંપારિક, પૌરાણિક રીત રિવાજના લીધે દરેક પતિવ્રતા મહિલાઓ પતિની લાંબી ઉમરની મનોકામના માટે વ્રત રાખતા હોય, ઉપવાસ કરતાં હોય. હું પણ ઉપવાસ કરવા માંગું છું.” મેં એનો ગોઠણ દબાવી એને પાછો બોલતા રોક્યો અને મારું વ્યાખ્યાન આગળ ચલાવ્યું: “આમ તો હું ઘણો ભાગ્યશાળી છું. મારે તો બે પત્ની છે.” મેં પત્નીની સામે જોય આંખ મંચકોડી.

“શું કહ્યું? બે પત્ની!” પત્નીના આંખમાંથી અંગારા વરસ્યાં. તે ચંડિકાનું રૂપ ધરી મુજ અસુરને સહારે એ પહેલાં મેં તેને રોકી: “એલી તું આખી વાત સંભાળ તો ખરા.” મેં પત્નીના પ્રહારને રોકતાં હસીને ફોડ પાડ્યો: “મારે બે પત્ની છે અંકિત. એક આ તારી લાડલી ભાભી જે મારી અર્ધાંગીની છે. બીજી મારા રોમરોમમાં વ્યાપેલી ડાયાબિટીઝ! આ તારી ભાભી તો કદાચ મને અર્ધે રસ્તે છોડીને જતી રહેશે અથવા તો એક દિવસ હું એને છોડીને જતો રહીશ; કિન્તુ ડાયાબિટીઝ મારી સાથે જ રહેશે. હંમેશા. તે મારી સાથે જીવશે, મારી સાથે જ મારી ચિતા પર સતિ થશે. હું બે પત્નીઓનું સુખ પામ્યો છું. ભગવાને જ મને ના પાડી છે કે તારે ડાયાબિટીઝ હોવાથી ઉપવાસ બુપવાસ કરવાની કોઈ જરૂર નથી. તું નહી ખાય તો લો સુગર થશે, ખાઈશ તો હાઈ સુગર. માટે તું રહેવા દે જે. ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય ધરી હું આ ઉપવાસની પળોજણમાં ન પડતા દબાવીને ખાઈ લઉં છું, સમજ્યો?”

“હાં એ બધી મનેં ખંબર છે પણ તંમે જાણતાં નંથી કે ચકુને લો બ્લડ પ્રેંસરની બીમારી છે. તે એક કલાક પણ ભૂંખી ન રહી શકે. ભૂંખ્યા પેંટે એને ચક્કર આંવે. ફ્લેટની લેંડીઝની વાંદે એ ઉંપવાસ કરશે ને એને કહી થઈ જશે તો?” બોચી ખંજવાળતા આટલું બોલી અંકિતનો અવાજ સ્ત્રીલિંગ થઈ ગયો. તેને મારા પ્રવચનમાં કોઈ રસ નહોતો. તેને શીતલીની ચિંતા સતાવતી હતી.

હું તેની સામે અપલક નયને જોઈ રહ્યો. અંકિત ખુબ પૈસાવાળો છે. તેની પત્ની શીતલીને તે બેહદ પ્રેમ કરે છે. તેણે લગ્ન માટે જો કોઈપણ છોકરીને પ્રપોજ કર્યું હોત તો છોકરી પોતાના કપડાની સુટકેસ ભરવા ન રોકાતા સીધી આર્યસમાજમાં લગ્ન કરવા તૈયાર થઈ જાય એટલો હેન્ડસમ ય તે  છે. મને તેની દયા આવી. મેં તેના હાથમાં કાગળ જોઇને વાત બદલવા આશ્ચર્યથી પૂછ્યું: “આ કાગળમાં શું છે?”

“ચકુ એં શોંપિંગનું લીસ્ટ મનેં આંપ્યું છે, આંટલી વસ્તું મારે અંત્યારે જ બજાંરમાંથી ખરીદીને લાંવવી પડશેં.” તેણે કાગળ મારી તરફ ધરતા કહ્યું.

મેં કાગળ હાથમાં લઈ નજર કરી તો તેમાં ચારપાંચ જાતના ફળો, દૂધ, ડ્રાયફ્રુટ્સ, પેટીસ, રાજીગરાનો લોટ, સાબુદાણા, બટાકા, આઈસ્ક્રીમના પેકેટો વગેરેની યાદી હતી.

“આટલી બધી વસ્તુ! આટલી બધી ક્વોન્ટીટીમાં! શીતલ દુકાન ખોલવાની છે?” મેં કટાક્ષમાં પૂછ્યું. તે એક ક્ષણ માટે હસ્યો. ફરી ચહેરા પર ચિંતાના ભાવ લાવી બોલ્યો: “નાં દુંકાન નથી કરવાની. પણ નવ દિંવસના ઉંપવાસ માંટે જોંઈતી ચીંજની યાંદી છે. આજ બપોરે મેં સલાંડ જ ખાધું. ઘરમાં જમવાંનું જ ન બન્યું! મને ય ઉપવાસ કરવાનો ફોંર્સ કરેં છે. મનેં લાગેં છે નવ દિવસ ઘરમાં રસોંઈ જ નહીં બને. તમે કંઈક હેંલ્પ કરો, પ્લીઝ.”

“અરે..તું ચિંતા ન કર. હું કઈક બુદ્ધિ દોડાવું છું.” મેં અંકિતની પીઠ પર ધબ્બો મારી ધરપત આપી. હુ કશોક આઈડીયા વિચારતો હતો ત્યા એ પાછો શરું થયો.

“સવાંરની એની મમ્મીને ફોંન પર પૂંછ્યાં કરેં કે પેંલ્લું ફરાળમાં આવે? ઢીંકણું ઉપવાસમાં ખવાય? મેં સવારે બ્રેડનો કટકોં ચાખ્યોં હતો તો મારો ઉપવાસ તુંટશે તો નહીં ને?”

“જો અંકિત, સ્ત્રી સામે તમે જીદે ચડો તો એ સામે પગ ભરાવે. પતિ હંમેશાથી પત્નીનું પંચિંગબેગ છે. પત્નીને એરોપ્લેનની મુસાફર સમજવી અને આપણે એરહોસ્ટેસની જેમ હસતા મુખે બધું સ્વીકારી લેવાનું. સ્ત્રીના મગજ પર નહી તેની બુદ્ધિ પર વાર કરવો જોઈએ. તું ઉપવાસ કરવાની ના પાડીશ તો એ ધરાર કરશે. એના ઉપવાસ છોડાવા યુક્તિ કરવી પડશે.” હું મારા વગર થિસીસ લખ્યે કરેલ Phdનું જ્ઞાન કુમકે લાવ્યો.

“હાં મોંટા ભાઈ, તમેં જ કંઈક આંઈડિયા કરો. મનેં તોં ચકુની ચિંતા થાંય છે.”

“તું લોડ ના લે, જમવું હોય તો અહી જમી લે. મને ઉપાય વિચારવા દે.”

પત્નીએ સાંભળીને આગ્રહ કર્યો કે, “હા, અંકીતભાઈ જમી જ લો, રોટલી બનાવી આપું. શાક તો તમને થાય એટલું પડ્યું જ છે.”

“ના ભાભી, થેન્ક્સ…મને ભૂખ નથી.” અંકિતે નનૈયો ભણ્યો અને મને ફરી શીતલીનો ઉપવાસ તોડાવાની આજીજી કરી એ ભારે હૈયે વિદાય થયો.

અંકિત શીતલીથી ડરે તો છે જ, જો એ કંઈક પરાક્રમ કરશે તો શીતલી એને ધોઈ, નીચોવીને ખાલી સુકવવાનો જ બાકી રાખશે. મારે જ કશું કરવું પડશે. મારા માટે ધર્મસંકટ આવી પડ્યું; કિન્તુ હું ધર્મનિરપેક્ષ રહી અંકિતની જ મદદ કરીશ એવું મેં મનમાં નક્કી કર્યું. હું શીતલીના ઉપવાસને કેમ તોડવો તેનો વિચાર કરતો બપોરે પ્યોર રાજકોટિયન થઈ સુઈ ગયો. પત્ની તેની ભગત વાર્તા માટે મંદિરે જતી રહી. પાછલી બપોરે ઊઠી જાતે જ ચા બનાવી હું ઘેરથી નીકળ્યો.

સાંજના છ વાગ્યાની આસપાસ હું મારા ફ્લેટના મુખ્ય દરવાજેથી હાથમાં થેલો લઈ મેદાનમાં અંદર પ્રવેશ્યો ત્યાં જ શીતલીનો મધુર અવાજ સંભળાયો, “હેય, જેબી…..જેબી વેઈટ.” મેં અવાજની દિશામાં જોયું તો શીતલી શંકરના ડમરુંના નાદ પેઠે સેન્ડલ પછાડતી દોડતી આવી રહી હતી.

તેણે લાલ કલરની કાંજીવરમ સાડી પહેરેલી હતી, પગમાં ચાંદીના નૂપુર ચળકતા હતા. માથામાં વાટકો એક તેલ નાખેલું હતું. જરીફે કોઈ ખેતરના બે ભાઈઓ માટે સમાન ભાગ પાડેલા હોય તેવી વાળની વચ્ચો-વચ્ચ પાથી પાડેલી હતી. સેથામાં સો ફૂટ દૂરથી દેખાય એટલો સિંદૂર ભભરાવેલ હતો. અંબોડામાં ગજરો લગાવેલ હતો. કાજળઘેરી આંખો સિવાઝ રીગલ ફીગલના નશાને ઝાંખો પાડી દે તેવી હતી. જાતજાતના ઘરેણાથી સજ્જ જાણે કોઈ સગ્ગા માંસીયાય ભાઈને પરણાવવા નીકળી હોય તેવી લાગતી હતી. આધ્યાત્મિકતાના ઉત્તુંગ શિખર પર બિરાજમાન થઈ તે મારી પાસે આવી. એનું હલવા જેવું મધુર રૂપ કોઈનો ઉપવાસ તોડવા પુરતું હતું. મારા અંદરના ભાવ શીતલી પામી જાય તો મારી સામે દીવાની તેમ જ ફોજદારી કેસ વડી અદાલતમાં કરે એ નક્કી! તેના છાંટેલા ડોલ એક આધુનિક પરફ્યુમની માદક ગંધથી મને મધ્યમ કદની છીંક આવી ગઈ.

“હેલ્લો જેબી….કઈ બાજુ ફરી આવ્યા?” હાંફતા શ્વાસે તે મારી સામે આવી ઊભી રહી. બંને કાનની બૂટ પકડી સ્ત્રીસશક્તિકરણવાળી મહિલાઓની ક્ષમાયાચના સાથે કહું તો સ્ત્રીઓનો આવો પ્રશ્ન તદ્દન ફાલતુ જ હોય. એ બહાને તે તમારી સાથે વાત કરવાનો મોકો શોધતી હોય.

“ઓહ…હેલ્લો. બસ આમ બજારેથી હટાણું કરીને આવ્યો છું.” મેં હસીને તેને કહ્યું. તે સાડી સંકોડતી રહી. મને ખબર પડી ગઈ કે તેને હટાણામાં ટપ્પો નથી પડ્યો, માટે મેં એની ભાષામાં જ પાછો જવાબ આપ્યો: “ફ્રી હતો માટે માર્કેટમાંથી શોપિંગ કરીને આવ્યો છું.”

“વાવ..યુ આર સો કોપરેટીવ ટુ ભાભીજી.” અતિશય ઉલ્લાસથી ઉછળતી તે બોલી.

“મસ્ત લાગે છે ને તું આજ કઈ!” આમ તો ભલે હું તમને લખ્ખણ ખોટો લાગતો હોવ, પણ મારા નખમાં ય કામુકતા નથી. સૂરજ પૂર્વમાંથી ઊગે એ જેટલું સત્ય છે એટલું જ સત્ય એ પણ છે કે દરેક સુંદર સ્ત્રીના સજ્જન પુરુષોએ વખાણ કરવા જોઈએ. હું ચોવીસ કેરેટ સજ્જન છું એ તમને લખી આપું છું.

“ઓહ…થેંક્યું જેબી.” મેકઅપથી મઢેલા તેનાં ચહેરા પર એક નમણું હાસ્ય ફૂટ્યું.

“એ વાત જવા દે. અત્યારે તું ચાલું કથા એ આમ ઘર તરફ કેમ?” મારા મનમાં ઉદભવેલા અસંખ્ય સૌંદર્યના રૂપકોને ઠારતા મેં પ્રશ્ન કર્યો.

“ઓહ…યસ, જેબી શું કહું તમને યાર. મારા માટે આ ઉપવાસ ખુબ ટફ છે. મને ભૂખ લાગી ગઈ એટલે સમથીંગ ઈટ કરવા હોમ પર આવી છું. કોઈને કહેતાં નહી યાર. ત્યાંથી હું છુપાઈને નીકળી છું.” કર્ણ જેવા ઉદાર હાસ્યથી એ નિર્દોષભાવે સાચું બોલી. ઈંગ્લીશ કોણે શોધી એ રામજાણે પણ આવી રીતે ઈંગ્લીશનું માનમર્દન એ શોધનાર સાંભળે તો ગળાફાંસો જરૂર ખાઈ લે. મારા એક ફેમેલી સાધુ અવાર નવાર કહે છે કે કોઈ સજીધજીને નીકળેલી સ્વરૂપવાન સ્ત્રીને તમે ટગરટગર ન જુઓ તો તમને ગૌ-હત્યા સમાન પાપ લાગે. વાંચનારની જાણ ખાતર કહું કે મારે આવા પાપમાં ભાગીદાર થવું નથી.

“કોઈને ના કહું, યુ ડોન્ટ વરી. પણ તને આ ઉપવાસ કરવાના અભરખા ક્યારથી થયા?” એની સામે એકીટશે જોતા મેં પૂછ્યું.

“અરે..જસ્ટ આ વખતે ટ્રાય કરવી છે.” તેણે હોઠ ચાવતાં કહ્યું.

“જો આ લીપ્સ્ટીક છે એ કઈ ફરાળી નથી હો.” મેં મજાક કરી.

“હાહાહાહા…યુ આર વેરી ફની.” તે ખીલખીલાટ હસી. એના કાનના મોટા ગોળ સોનાના જુમખા એ તેના હાસ્ય સાથે તાલબધ્ધ નૃત્ય કર્યું. જયભારત સાથ તમને જાણવું કે સ્ત્રીઓને સેન્સ ઓફ હ્યુમર ધરાવતા પુરુષો ખુબ ગમે.

”પણ તારે આવા નોરતા રહેવાની શી જરૂર છે? તારે કોઈ વાતની કમી નથી. તું તમામ ગ્રહ, નક્ષત્રને ચોટલી પકડીને રીંગરોડના ચાર ચક્કર ઘુમાવીને પાછા અવકાશમાં મુકી આવે એવી છો!” મેં એના વખાણ કર્યા.

“હાહાહાહા..રીયલી?” તેણે ગાલ ખંજવાળવાનો ડોળ કરી પોતાની હસી છુપાવી. કાનનું જુમખું ફરી નૃત્ય કરવાથી વંચિત રહ્યું. તડકામાં તેના જુ ફ્રી વાળ ચમક્યા.

“હાસ્તો…ઉપવાસ કરીએ તો તન-મન-ધન પુલકિત થાય. છતાં રાજીવ દિક્ષિત જેવા સુજ્ઞ એ કહ્યું છે કે ભૂખને કદાપી રોકવી ન જોઈએ. ભૂખને રોકવાથી એસીડીટીથી લઈને ફેફસાના કેન્સર સુધીના રોગ આવે. લો બીપીના દર્દીએ તો ખાસ ઉપવાસ કરવામાં ખુબ કાળજી રાખવી જોઈએ. વધુમાં વધુ એકટાણું જમવું જ જોઈએ.” મારા મનમંદિરમાં ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે..’ ગવાતું હતું. આસ્થાનું બારમું તો મેં બાળપણમાં જ કરી નાખ્યું હતું. છતાં આજ અંકિતના પીડ હરવા માટે હું શીતલીને ભરમાવતો હતો. માં મેલડી મને માફ કરે.

“ઓહ…રીયલી? બટ ઇટ્સ ઓકે. આ વખતે તો મારે ઓલ નાઈન ડેઝનો ઉપવાસ કરવો છે.” તે થોડી મુંજાઈ છતાં મક્કમતાથી બોલી. મારો વધુ એક વાર મને નિષ્ફળ થતો લાગ્યો. નાનપણમાં મારા શિક્ષક ક્લાસ રૂમમાંથી લેસન ન કર્યું હોય ત્યારે મને બહાર કાઢી મુકતા. આવા લખ્ખણને લીધે એક વાર મને ક્લાસરૂમમાંથી બહાર કાઢ્યો, ત્યારે એક બારી પછીતે ઊભા ઊભા એક વાર્તા શિક્ષકના મુખે મેં સાંભળી હતી કે એક કરોળિયો દીવાલ પર જાળું બનાવવા દસ વખત દીવાલ પર ચડ્યો, પડ્યો. છતાં તેણે હિમત ન હારી. અગિયારમી વાર તે પોતાનું જાળું બનાવવામાં સફળ થયો. મારો તો હજુ પહેલો પ્રયત્ન જ અસફળ થયો છે! હજુ દસ પ્રયત્ન બાકી છે. માટે મેં હિમત ન હારતાં મારા પ્રયત્ન ચાલુ રાખવાની કોશિશ કરી.

“સરસ..આય લાઈક યોર સ્પીરીટ. કીપ ઈટ અપ.” મેં અંગ્રેજીમાં દોડાવ્યું.

“થેંક્સ જેબી.” તેણે પોતાની બંગડી ઘુમાવતા કહ્યું.

“આ તારી આંખ નીચે કાળા કુંડાળા છે કે શું?” મેં તેની આંખ સામે આંગળી ચીંધીને સંશયથી પૂછ્યું. હું સઘળી વાક્ચાતુર્ય અજમાવતો હતો. અલબત્ત મારે તો અંકિતની મદદ કરીને શીતલીનો ઉપવાસ જ તોડાવાનો હતો. લાવણ્ય ટપકતી અછાંદસ કવિતા સમા તેના રૂપના કાંગરામાં ગાબળું પાડવાનો મારો ઈરાદો બિલકુલ નહોતો.

“ઓહ નો, રીયલી? આય કાન્ટ બીલીવ ઈટ.” હરિણાક્ષી આંખમાં ઉચાટ વર્તાયો. સ્ત્રીનું હાસ્ય ક્યારે ચિંતામાં પરિણમે તેની આગાહી નોસ્ત્રાડેમ પણ ન કરી શકે.

આંખ નીચેના કાળા કુંડાળાની ચિંતા શીતલીના વદન પર સાફ દેખાતી હતી. કદાચ મારા શિક્ષકના કરોળિયા કરતાં મારા નસીબ સારા હશે. બીજે જ પ્રયત્ને હું સફળ થાવ એવું મને લાગી રહ્યું. મારા શબ્દોએ એની ખોપરીમાંથી બુદ્ધિ ઉલેચી નાંખી. વાદીના હાથમાં ચંદન ઘો ટટળે તેવી રીતે એના મનમાં અનેક સવાલો ટટળતા હું જોઈ રહ્યો! ઓખાહરણનું શ્રવણ કરતા શ્રોતાની માફક તે ઉત્કંઠાથી મારી સામે જોઈ રહી. છતાં તેણે પોતાના બધા ભાવ ખંખેરીને નોર્મલ બનવાનો પ્રયાસ કરી વાત બદલાવતાં મને મીઠું હસીને પૂછ્યું: “અરે જેબી, માર્કેટમાંથી શું શોપિંગ કરી લાવ્યા એ તો કહો?”

“કઈ ખાસ નહી, ખજુર લીધો, ફુદીનો લીધો. પાણીપુરી ખાવાની આજ ખુબ ઈચ્છા થઈ એટલે પૂરી પણ લાવ્યો. આજ તારી ભાભીને ભલે ઉપવાસ હોય હું તો પાણીપુરી જ ખાઈશ.” મેં ભોળા ભાવે જવાબ આપ્યો.

“વાવ…સો કેરીંગ યુ આર. આઈ એમ ક્રેઝી ફોર પાણીપુરી.” મારા ઘાથી એના કુણા કલેવરમાં કાણા પડેલા હું સ્પષ્ટ જોઈ રહ્યો. છતાં મેં સામાન્ય થઈ પાછા પાસા ફેક્યા: “અરે હા…તું જમવાનું નહી બનાવે ને? અંકિતને મોકલજે પાણીપુરી ખાવા. મારે કંપની રહે. એને મજા આવશે. તારી ભાભીના હાથની પાણીપુરી ખાશે તો આંગળા ચાટતો રહી જશે.”

“સ્યોર…તમે કહો છો તો સ્યોર એને હું સેન્ડ કરીશ.” મોતીના દાણા જેવી દંતપંક્તિ બતાવી તે હસી. તેની ચિંતાની રેખા ઊંડી તો થઈ જ એ મારી પાકટ નજર પારખી ગઈ.

“ચલ મારે મોડું થાય છે, બટેટા, ચણા બફાવા મૂકી દઈશ, ફુદીનો અને ડુંગળી સમારીશ. ઘણું કામ છે. હું જરાક ચોકીદારને મળીને આવું. ચલ મળીએ પછી.” મારું કામ થઈ ગયેલું મને લાગ્યું માટે મેં ચર્ચાનો અંત આણતા કહ્યું.

“ઓકે…સી યુ.” અમારી ઊભી સંસદ વિખરાઈ. તે પાર્કિંગ તરફ જતી રહી. શાંબ પર વરસાવેલા શ્રીકૃષ્ણના અનરાધાર બાણ શમા મારા પ્રહારોથી એનો ઉપવાસ ડગી જ ગયો તેવી મને પાક્કી ખાત્રી થઈ. હું તેને જતી જોઈ રહ્યો. તેની ચાલમાં પહેલાં જેવો થનગનાટ નહોતો, તે પાર્કિંગમાં પહોંચી. પાર્કિંગમાં પડેલા એક બાઈકના મિરરમાં તેણે પોતાનું મોઢું જોયું. હું ચોક્કસ કહી શકું કે તેણે ડાર્ક સર્કલ છે કે નહી એ જ જોયા હશે. હું મનમાં મુશ્કેરાઈને બોલ્યો, “અંકિત, ભૂરા તારું કામ થઈ ગયું સમજજે. હવે માં અંબા ત્રિશુળ લઈ શીતલીને મારવા લે તો ય એ ઉપવાસ તોડી નાંખશે. આજ શીતલી મારા ઘરે પાણીપુરી ખાવા આવશે જ.”

સાંજના આઠ વાગી ચુક્યા. મેં પાણીપુરી બનાવવાની પ્રાથમિક તૈયારી કરી લીધી. પત્ની પણ મંદિરેથી આવી ગઈ. પુત્ર પાણીપુરી જોઈને મોઢામાં પાણી લાવતો કોરી પૂરી ઉલાળતો હતો. થોડીવારમાં પત્નીએ પાણીપુરીનું ખજૂરનું, ફુદીનાનું પાણી તેમજ અન્ય સામગ્રી તૈયાર કરી દીધી. મેં પુત્રને આજ્ઞા કરી કે અંકિત અંકલને જમવા બોલાવી લાવ. તે જઈ અંકિતને બોલાવી લાવ્યો. રાજકોટ સંસદક્ષેત્રથી અંકિતને ભાજપની ટીકીટ મળી હોય તેવી ખુશી એના ચહેરા પર છવાયેલી હતી.

અંકિત આવ્યો એટલે મેં એમના ઘરના હાલચાલ જાણવા સહજ ભાવે પૂછ્યું: “શું અંકિત શું કરે તારી ચકુ?”

“અરે મોટાં ભાઈ, મેં એનાં માટે સલાંડ તૈયાર કરીંને રાંખ્યું હતું, હું જરા ફ્રેંશ થવાં બાથરૂમમાં ગયો. બહાંર આંવીને મેં જોયું તો ચકુ એ સલાંડમાંથી ચીંભડાની બે સ્લાઈસ ઊંઠાવી તેંની આંખ ઉંપર ઢાંકી દીંધેલી હતી. મેં પૂંછ્યું કે તું આં શું કરી રહી છો, તાંરે કશું ફરાંળ કરવું નથીં તોં તેણે કોંઈ જવાબ જ ન આપ્યો. આંટલીવાર તે ભૂંખી રહી જ નાં શકે. એ આવીને પહેલાં કશું ખાંવાનું જ શોધે! માંરી ચકુને કશો પ્રોંબ્લેમ થયો લાંગે છે. એંટલામાં તમારો પરમ મનેં બોંલાવા આવ્યો. હું ચકુને પાછું પૂંછવા જતો હતો કે તારે નીંચે આવવું છેં તોં તેણે મનેં હાથથી ઈશારો કરીંને રોંક્યો. મનેં કહેં તું જા મારેં નથી આવવું. જસ્મીનભાઇ, ચકુ એ કંકુમ્બરની સ્લાઈસથી આંખ શાં માટે દબાવી હશે? આ કોઈ ઉપવાસની ક્રિયા છે? કહોંને પ્લીઝ.” અંકિતે તેના ઘરની આખી વિતકકથા મને કહી.

“ચીભડાને તેનું કામ કરવા દે. તું લોડ ના લે., ચિંતા કરવા જેવું કશું નથી. પહેલાં આપણે પાણીપુરી ખાઈ લઈએ, પછી તને સમજાવું.” મેં એને ડીનર ટેબલ તરફ દોર્યો.

જમીને અમે સોફા પર બેઠા ટીવી જોતા હતા. મેં પુત્ર પરમને કહ્યું કે, “બેટા તારા શીતલ આંટીને બોલાવી લાવ.”

“ચકુ નહીં આવેં.” અંકિત અધીરાઈથી બોલ્યો.

“આવશે ….આવશે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચીભડાની સ્લાઈસને પંદર મિનીટ સુધી આંખની ફરતે રાખવાથી ડાર્ક સર્કલ દુર થાય છે.” મેં હસીને અંકિતને કહ્યું. તેને કશી ખબર ન પડી. તે વધુ પ્રશ્નોનો મારો ચલાવે એવામાં શીતલી ઘરમાં પ્રવેશી.

મેં ખટારાનું ટાયર ફાટે એવો બનાવટી ઓડકાર ખાઈ શીતલીને આવકારી.

બાકીની કથા વાંચકોની યથામતિ પર છોડું છું….

eછાપું 

5 COMMENTS

  1. જૂ ફ્રી ઝૂલ્ફો ને નરો વા કુંજ રો વા સલાહ આપી…
    તમારો રથ હવે જમીન થી અધ્ધર નહિ ચાલે ???????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here