ICC એસોસિએટ ટીમોનું ભવિષ્ય એટલે “જાયેં તો જાયેં કહાં?”

0
612
Photo Courtesy: hindustantimes.com

ગયા અઠવાડિયે ઝિમ્બાબ્વેના હરારેમાં ICCની વર્લ્ડ કપ ક્વોલીફાયર્સ ટુર્નામેન્ટ પૂરી થઇ. આ ટુર્નામેન્ટનું જે પરિણામ આવ્યું તે ICC ક્રિકેટને કેવી રીતે વિશ્વમાં ફેલાવવા માંગે છે તે વિચારધારાને વધારે અસ્પષ્ટ કરી ગયું. આજના યુગમાં જ્યારે દરેક સ્પોર્ટ્સ બોડી વધુને વધુ દેશોમાં પોતાની રમત ફેલાય તે માટે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં એસોસિએટ અથવાતો નાની ટીમોની સંખ્યામાં વધારો કરે છે જ્યારે ICC એ કોઈ અગમ્ય કારણોસર આવનારા 2019ના વર્લ્ડ કપ માં એસોસિએટ ટીમોની સંખ્યા ઓછી કરી દીધી છે.

Photo Courtesy: hindustantimes.com

ICCનું આમ કરવા પાછળનું લોજીક સમજવા જઈએ તો કદાચ એ એવું છે કે વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજ પર એસોસિએટ ટીમો શક્તિશાળી અને ટેસ્ટ પ્લેયિંગ ટીમો સામે લગભગ માર ખાવા જ આવે છે અને જ્યારે બે એસોસિએટ દેશોની ટીમો આમનેસામને હોય ત્યારે તેને જોવા સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા ખૂબ ઓછી હોય છે અને આ મેચો ટીવી પર પણ બહુ ઓછી જોવાતી હોય છે. જો કે ICC એ એવું નથી કહ્યું કે બે એસોસિએટ ટીમોની મેચો બોરિંગ હોય છે એટલે પણ અમે આ વખતે ઓછી ટીમો વર્લ્ડ કપમાં રમાડી રહ્યા છીએ, કારણકે બે સરખેસરખી ટીમો વચ્ચેનો મુકાબલો લગભગ રસપ્રદ બનતો હોય છે.

ICCની દલીલ સાવ ખોટી નથી પરંતુ તમામ બાબતોમાં કમાણી જ મહત્ત્વ નથી ધરાવતી. ક્રિકેટનો ફેલાવો વિવિધ દેશોમાં તો જ થશે જો એસોસિએટ દેશો માટે વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજ પર રમવાનું ગાજર લટકાવી રાખવામાં આવશે. ભલે આ ટીમો ચાર વર્ષે એક વાર બળુકી ટીમો સામે છ કે સાત મેચ રમે પરંતુ તેનાથી તેમનું પાણી મપાઈ જાય છે અને મજબૂત ટીમ પણ જો તેમની સામે પોતાનું બળ ઓછું બતાવી શકે કે ન કરે ને નારાયણ જેમ ઘણીવાર બન્યું છે એમ આવી ટીમો સામે હારી જાય તો એમની માટે પણ વર્લ્ડ કપ જીતવો અઘરો પડી જતો હોય છે.

તમને ગમશે: પૃથ્વીનો વિનાશ થાય તો ચિંતા નથી! આપણી પાસે હશે સુપર અર્થ

આમ વર્લ્ડ કપ ભલે કમાણીના ભોગે વધુ એસોસિએટ મેમ્બરોની ભાગીદારીથી રમાય એ વધુ યોગ્ય ગણાય એમ કહી શકાય. પરંતુ આ વખતે ટેસ્ટ પ્લેયિંગ ટીમો વત્તા બીજી બે જ ક્વોલીફાયર ટીમોને વર્લ્ડ કપ રમવા માટે જગ્યા આપવામાં આવી છે. હવે ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝ જે ICC રેન્કિંગમાં નવમાં સ્થાને રહી હોવાથી ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટમાં રમી હતી તે અને હાલમાં જ જેને ટેસ્ટ સ્ટેટ્સ મળ્યું છે તે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ રમવા માટે ક્વોલિફાય થયા છે. એટલે આ વખતનો વર્લ્ડ કપ માત્ર ટેસ્ટ રમતા દેશો વચ્ચે જ રમાશે એમ કહી શકાય.

આ પરિણામ માત્ર ICCના લોજીકને જબરદસ્ત આઘાત પહોંચાડે છે. જો દસ ટેસ્ટ રમતી ટીમો જ વર્લ્ડ કપ રમવાની હોય તો પછી વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શો ફેર? જે રીતે ક્વોલીફયિંગ ટુર્નામેન્ટના પરિણામો આવ્યા છે તેના લીધે એવું પહેલીવાર બનશે કે વર્લ્ડ કપના ઇતિહાસમાં 1983 બાદ ઝિમ્બાબ્વે પહેલીવાર નહીં રમે. ઝિમ્બાબ્વે પાસે તો ટેસ્ટ સ્ટેટ્સ છે એટલે તે 2023ના વર્લ્ડ કપ પહેલા મોટી સંખ્યામાં  સ્પર્ધાત્મક ક્રિકેટ રમી લેશે પરંતુ ખરો મરો એસોસિએટ ટીમોનો થયો છે.

સ્કોટલૅન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ જેવી ICC વર્લ્ડ કપમાં વારંવાર આવનજાવન કરતી ટીમો સમક્ષ હવે આવતા સાત-આઠ વર્ષ શું કરવું એ પ્રશ્ન ઉભો થઇ ગયો છે. સામાન્યતઃ ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમો ઇંગ્લેન્ડના પ્રવાસે જાય ત્યારે આ યુરોપિયન ટીમો સામે એકાદી મેચ રમી લેતી હોય છે, પરંતુ આવી જુજ મેચોથી આ ટીમોને પોતાનું ટેલેન્ટ અને ક્ષમતા પારખવામાં જરાય મદદ મળતી નથી. આ ટીમોના લગભગ બધા જ ખેલાડીઓ પ્રોફેશનલ્સ  નથી એટલેકે તેઓ દાળ-રોટી માટે નોકરી પર આધાર રાખતા હોય છે. આવામાં જો વર્લ્ડ કપ રમવાનું ઇનામ તેમની સામે નહીં હોય તો તેઓ કેવી રીતે પોતાની જાતને આવનારા સાત-આઠ વર્ષ માટે મોટીવેટ રાખી શકશે?

કદાચ ICC ને Twenty20 ને વધુ લોકપ્રિય બનાવવાનો વિચાર હશે અને એટલે તેઓ આ ટીમોને World Twenty20 માં વધારે સ્થાન આપે તેવી શક્યતા નકારી ન શકાય. પરંતુ વર્લ્ડ કપ એ વર્લ્ડ કપ છે અને તેના ફોર્મેટમાં હંમેશા વધુ ટીમોને જ સ્થાન આપવું જરૂરી હોય છે નહીં તો જેમ આગળ આપણે ચર્ચા કરી તે રીતે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ખાસ ફરક નહીં પડે.

સોચો ICC સોચો!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here