એલન મસ્ક! જ્ઞાનથી માનવજાતના કલ્યાણ માટે મથતો એક મોંઘેરો માનવી

0
418
Photo Courtesy: moneycontrol.com

સ્પેસ એક્સ કંપની હમણાં પોતાની એક અદભુત ટેકનોલોજીકલ શોધ માટે ન્યુઝમાં હતી. જેનો CEO, CTO જે કહો તે છે એલન મસ્ક (ELON MUSK)! નામ નવું લાગશે, કારણ કે આપણે ત્યાં સપનાઓ પપ્પા મમ્મી જુએ છે બાળકો નહિ, પણ આ માણસે જાતે અશક્ય હોય એવા સપના જોયા અને એને શક્ય કરી બતાવ્યા છે.  એલન મસ્ક એટલે સ્પેસ એક્સ, ટેસ્લા મોટર્સ અને સોલાર સીટી જેવી જાયન્ટ કંપનીઓનો માલિક, એક પ્રકૃતિ પ્રેમી અને જ્ઞાન પ્રત્યે ઝનૂની વ્યક્તિ!

Photo Courtesy: moneycontrol.com

૨૮ જુન, ૧૯૭૧ના દિવસે પ્રિટોરિયામાં જન્મેલા આ સાધારણ બાળક જેને પોતાના પિતા સાથે જરાય બનતું નહતું. એની દલીલો અને એ દલીલો સામે આવતા પિતાના ગુસ્સાએ ‘નાનપણના લાડ’થી એને વંચિત રાખ્યો.

એલન મસ્ક થોડો મોટો થયો તો બધી જગ્યાએ એને બુલી કરવામાં આવતો એટલે કે આસપાસના મિત્રો એને વાતેવાતે મારતા અને એક મજાકના સ્વરૂપમાં જ લેવામાં આવતો. કોઈ એના પ્રત્યે ગંભીર નહતું. પણ એ બધાને જરા પણ ખબર નહતી કે તેઓ ભવિષ્યના એક અતિ અસાધારણ વ્યક્તિ માટે આમ કરી રહ્યા છે.

પણ આ બધાથી એને બચાવનારો કે આ બધું ભુલાવનાર એક જ સહારો હતો બુક્સ! (ચોપડીઓ!). એલન મસ્કને નાનપણથી જ વાંચવાનો ગાંડો કહી શકાય એવો શોખ અને કમ્પ્યુટર ટેકનોલોજી પ્રત્યે અભૂતપૂર્વ લગાવ. કદાચ એ વાંચનના લીધે જ માત્ર બાર વર્ષની ઉંમરે, કે જે ઉંમરે આપણે હજી માંડ સાતમા ધોરણમાં હોઈએ, એ ઉંમરમાં એણે એક વિડીયો ગેઈમ બનાવી લીધી અને ૫૦૦ ડોલરની કિંમતે માર્કેટમાં વેચી પણ ખરી!

એણે એટલી ઉંમરે બીઝનેસ કરવા માટેના ડગ ભર્યા હતા જે અત્યારે સુપરસોનિક ગતિ પકડી ચુક્યા છે. એલન મસ્ક એ પછી પેન્સિલ્વેનિયામાંથી ભૌતિક શાસ્ત્રમાં સ્નાતક થયા. તરત એમણે પોતાના દોસ્તો સાથે મળીને કંપની બનાવી નામ હતું ‘ઝીપ-2’, થોડા સમયમાં એ કંપની કોમ્પેક ગ્રુપને 307 મિલિયન ડોલરમાં વેચી જેમાં એમનો પોતાનો ભાગ 22 મિલિયન ડોલર હતો. આ સમયે 22 મિલિયન ડોલર મળે તો આપણી વિચારસરણી મુજબ કદાચ આપણે બાકીની લાઈફ શાંતિથી જલસા કરીને વિતાવીએ. પણ એલન મસ્ક આવું કરવા માટે નહતા જન્મ્યા.

એલન મસ્કે એ 22 મિલિયન ડોલર પુરેપુરા ઇન્વેસ્ટ કરીને એક્સ.કોમ નામની કંપની બનાવી જે ઓનલાઈન ટ્રાન્જેકશન પર આધારિત હતી. જે એક્સ.કોમ એમની સંમિલિત મહેનતથી આગળ જતા 2000ની સાલમાં પે-પલ (paypal) તરીકે ખ્યાતી પામી.

2002ની સાલમાં paypal કંપનીને 1.5 બિલિયન ડોલર જેટલી માતબર રકમથી eBay દ્વારા ખરીદવામાં આવી. જેમાંથી એલન મસ્કને 165 મિલિયન ડોલર મળ્યા.તેઓ અહીંથી પણ અટકી શક્યા હોત પણ મનમાં કશુક અલગ કરવાના ઈરાદાઓ હજી બુલંદ હતા, ઈનફેક્ટ હવે તો તે ઉંચાઈના ચરમ પર હતા.

આ બધા જ પૈસા અલગ અલગ જગ્યાઓએ ઇન્વેસ્ટ કરી દેવાના લીધે એલન મસ્ક પોતાના મિત્રોને ત્યાં રેન્ટ પર રહ્યા. આ પછી તેઓ લોસ એન્જલેસ કે જે સ્પેસ ટેકનોલોજીનો ગઢ ગણાય છે ત્યાં શિફ્ટ થઇ ગયા જ્યાં એમણે માત્ર અને માત્ર પુસ્તકો વાંચીને રોકેટ કેવી રીતે બનાવી શકાય, સ્પેસમાં મોકલવા માટે કયા ફ્યુઅલ જોઈએ, કઈ ટેકનોલોજી સૌથી સસ્તી પડે વગેરેનો અભ્યાસ કર્યો. રોજના કલાકોના કલાકો વાંચન અને માત્ર વાંચન! અને આ વાંચનના આધારે મળેલા જ્ઞાનથી એમણે સેટેલાઈટને કક્ષામાં છોડવાના બીઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું! આ પરથી જ વિચારી શકાય કે શું ગજબનો આત્મવિશ્વાસ કહેવાય કે માત્ર વાંચનના આધારે આટલી મોટી ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું!!

આ મનસુબો પાર પાડવા જરૂર હતી રોકેટ્સની અને તે ખરીદવા માટે મસ્ક રશિયા પહોચ્યા. પણ ત્યાં જઈને જોયું તો રોકેટનો ભાવ અનેકો મિલિયન ડોલરમાં હતો. મસ્કને લાગ્યું કે આ તો આંધળી લુંટ ચલાવે છે. એટલે મનોમન નક્કી કર્યું કે જો હું રોકેટ યુએસએમાં મારી જાતે જ બનાવું અને એનાથી જ સેટેલાઈટ લોન્ચ કરું તો કેટલું સસ્તું પડે?! આવો વિચાર આવવો જ પોતાનામાં એક મોટી વાત છે.

આ વિચારે જન્મ આપ્યો સ્પેસ ટેકનોલોજીમાં નાસા સાથે સ્પર્ધા કરી શકે એવી કંપનીને જેનું નામ છે “સ્પેસ એક્સ”. શરૂઆતી નુકસાની ભોગવ્યા પછી હિંમત ન હારીને અત્યારે સ્પેસ એક્સ એક ખુબ જ મોટી સ્પેસ ટ્રાન્સપોર્ટ કંપની બની ચુકી છે. માત્ર સેટેલાઈટ જ નહિ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કાર્ગો મોકલાવવા માટેથી લઈને ઇન્ટેલીજન્સ એજન્સીઓના અતિગુપ્ત સેટેલાઈટ પણ આ કંપનીએ કક્ષામાં પ્રસ્થાપિત કર્યા છે.

એલન મસ્કે સ્પેસ એક્સ કંપની એક ખાસ ગોલ માટે બનાવી છે જે ગોલ છે “મંગળ પર કોલોનીઝ (વસાહતો) બનાવવી”! સ્પેસ એક્સ એવી પહેલી સેટેલાઈટ લોન્ચિંગ કંપની છે જે પ્રાઈવેટલી સ્પોન્સર્ડ છે! મતલબ કે ઈસરો અને નાસાની જેમ એ જેતે દેશની સરકાર દ્વારા ફંડિંગ નથી મેળવતી. ખાનગી ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા પૈસા મેળવે છે.

તમને ખ્યાલ હોય તો હમણાં આપણી ઈસરોએ એકસાથે અલગ અલગ દેશોના 104 ઉપગ્રહો એકસાથે લોન્ચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો છે. સ્પેસ એક્સ કરતા લગભગ ચોથા ભાગની કિંમતે આ પ્રોજેક્ટ પાર પડ્યો છે જેની એલન મસ્કે ઈસરોને “ઇટ્સ ઇન્ક્રેડેબલ” કહીને વધાઈ પણ આપી હતી. પરંતુ રોકેટ સંબંધી એક વાત અહી આપણે ખાસ નોંધવી પડે કે ચાહે નાસા હોય કે ઈસરો કે અન્ય કોઈ સંસ્થા, એ પોતાના રોકેટને એક જ વાર ઉપયોગમાં લઇ શકે છે. મતલબ કે, એક વાર ઉપયોગમાં લીધેલ રોકેટ ફરીથી સેટેલાઈટ લોન્ચિંગ માટે ઉપયોગમાં લઇ શકાતું નથી. અર્થાત એ રી-યુઝેબલ નથી.

આ ખામીને એલન મસ્કે એક ચેલેન્જ સ્વરૂપે લીધી અને સ્પેસ એક્સમાં ફાલ્કન સીરીઝના એવા રોકેટ્સ બનાવ્યા કે જે રી-યુઝેબલ હોય!! આ એક મોટામાં મોટી સિદ્ધિ છે જે ટેકનોલોજી ઈસરોએ પણ વસાવવાનું શરુ કર્યું છે, પણ હજી ઈસરોને એ બનાવતા નવ વર્ષ જેટલો સમય લાગશે. આના પરથી અંદાજ લગાવી શકીએ કે એલન મસ્ક કઈ માટીનો માનવી છે! એણે ઈજાદ કરેલા આ પ્રકારના રોકેટ્સ ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા હશે જેથી કરીને સેટેલાઈટ અને કાર્ગો ટ્રાન્સપોર્ટનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

ઉપરાંત, ટેસ્લા મોટર્સ કંપની અંતર્ગત એલન મસ્કે આવી સ્પોર્ટ્સ કાર બનાવી છે જે ઇલેક્ટ્રિક હોય! સ્પોર્ટ્સ કાર જેવી હાઈ સ્પીડ કાર અને એ પણ ઇલેક્ટ્રિક કાર હોય એના પરથી એલન મસ્કના મસ્તિસ્કમાં રહેલા સુપર બ્રેઈનની તાકાતનું આંકલન તમે કરી શકો છો.

એલન મસ્કની સપનાઓની પોતાની એક યાદી છે જે કંઈક આ મુજબ છે:

સ્ટાર લિંક : એલનનો વિચાર કંઈક એવો છે કે લગભગ લગભગ અમુક હજાર કે અમુક લાખ સેટેલાઈટની આખી હારમાળા પૃથ્વીની કક્ષામાં બનાવવી જેથી કરીને આખી દુનિયાના દરેક ખૂણે મફત ઈન્ટરનેટ આપી શકાય.

હાયપરલૂપ : એક અગત્યની મીટીંગમાં જવા માટે નીકળેલા એલન મસ્કને જયારે ટ્રાફિક નડ્યો ત્યારે એ કારમાં જ ઈરિટેટ થઇ ગયો અને એના મનમાં હાયપરલૂપનો કોન્સેપ્ટ આવ્યો. આ અંતર્ગત દરેક મેટ્રોસીટીને ટનલ વડે લિંક કરવી અને ટનલમાં લગભગ 200-400 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે એવું લૂપીંગ ઉભું કરવું જેથી હજારો માઈલ્સનું અંતર અમુક કલાકોમાં કાપી શકાય.

પોતાનું નહીં, સમગ્ર માનવજાતનું કલ્યાણ : એલન મસ્ક કહે છે કે તેણે પોતાના માટે, કે પોતે બિલિયોનેર થવાનું ક્યારેય વિચાર્યું નથી. એ કહે છે કે હું સમગ્ર માનવજાત માટે ફાયદાકારક શું હોઈ શકે છે એ વિષે સતત વિચાર કરું છું અને એ જ દિશામાં પોતાનું ટેકનોલોજીકલ નોલેજ વાપરું છું

મંગળ પર કોલોનીઝ : આ એલન મસ્કનું સૌથી મહત્વાકાંક્ષી સપનું છે. તે મંગળ ગ્રહ પર વસાહતો, એટલે કે માનવ વસાહતો બનાવવા માંગે છે. પૃથ્વીના વાતાવરણની બદલતી સ્થિતિ સમગ્ર માનવજાત માટે ભયાનક સાબિત થાય એ પહેલા મસ્કનું સપનું છે કે મંગળ પર માનવજીવન શરુ કરાવી શકાય.

આટલી બધી કંપનીનો માલિક હોવા ઉપરાંત એલન મસ્ક અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક સલાહ સમિતિમાં સભ્ય પણ છે તેમ છતાં હમણાં ટ્રમ્પ દ્વારા પેરીસ ક્લાઈમેટ ચેન્જ ટ્રીટીમાંથી અમેરિકાનું નામ ખેંચવામાં આવ્યું એ પોતાને જરાય પસંદ પડ્યું નથી એવો નિષ્પક્ષ અભિપ્રાય એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો.

જેની પાસે જ્ઞાન છે એ કદી લાચાર હોતો નથી એનું જીવંત ઉદાહરણ એવા એલન મસ્ક ખરેખર એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. આશા કરીએ કે એમણે જોયેલા સપનાઓ જલ્દી પુરા થાય.

આચમન : “જ્ઞાન એ એકવીસમી સદીનું ચલણ છે જેની સામે ડોલર કે રૂપિયા કે દીનાર પણ ફિક્કા પડી જાય છે.”            

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here