ઠોસા મારવા અને ખાવાનો મહિમા સદા અપરંપાર

0
308
Photo Courtesy: wisegeek.com

દેશવાસીઓ માટે ઢોસા અને ઠોસા એ બંને વાનગીઓ સામાન્ય છે. ભાગ્યે જ કોઈ એવો દેશવાસી હશે કે જેણે બેમાંથી એકેય વાનગી ન ખાધી  હોય. કદાચ ઢોસા ન ખાધા હોય પણ ઠોસા તો ખાધા જ હોય. કારણ કે ઠોસા તો મફત મફત અને સાવ મફતમાં મળતી વાનગી છે. વળી એ વાનગી મને-કમને પણ દરેકે ખાવી જ પડે છે. એમાં ઇચ્છા અનિચ્છાનો સવાલ જ નથી.

Photo Courtesy: wisegeek.com

જેઓ શહેરની શાકમાર્કેટમાં જતાં હોય છે તેઓ જાણતાં જ હોય છે કે, ઠોસા એ મફતમાં મળતી વાનગી છે. જે ન ભાવતી હોવા છતાં ખાવી પડે છે! વળી, લોકો પોતે ઠોસા ખાય છે અને બીજાંને ખવડાવે પણ છે. એ રીતે જોઈએ તો આ  અરસપરસ અને આપોઆપ થતી સામુહિક ક્રિયા છે. શરૂઆતમાં થોડી અઘરી લાગે છે પરંતુ ભીડથી ભરપૂર જગ્યાની વારંવારની મુલાકાત લેવાથી  તે આપોઆપ આવડી જાય છે. ઠોસાનું આદાનપ્રદાન કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે એવી ખાસ જગ્યાઓ હોય છે. જેવી કે – રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શાકમાર્કેટ, કપડાંબજાર, મંદિર, ભોજનાલય, વગેરે.

વર્ષોથી ઠોસાને ખાવા અને ખવડાવવાથી ટેવાયેલાં લોકોને ઠોસાવિહીન જગ્યાઓ પસંદ નથી પડતી. આથી આવાં લોકો પોતાનાં ઘરની નજીકની દુકાનેથી સહેલાઈથી ખરીદી કરવાનું ટાળીને ભીડથી ભરચક બજારમાં ખરીદી કરવાનું પસંદ કરે છે. પછી સરવાળે ભલે એ મોંઘું પડતું હોય! ગાયોનાં શિંગડાં અને મજૂરણ બાયુંનાં ઠોસાને ખાતાં ખાતાં પાંચશેરી શાકમાર્કેટમાંથી શાક ખરીદવાનો આનંદ તો જેણે માણ્યો હોય એ જ જાણે! ઘર આંગણે લારીમાંથી શાક ખરીદનારને એ લહાવો મળતો નથી.  એક સમયે શોપિંગ મોલની ગણતરી ઠોસાવિહીન સ્થળ તરીકે થતી હતી. પરંતુ હવે તો ત્યાં પણ ક્યારેક ક્યારેક ઠોસાનો કારોબાર થતો જોવા મળે છે.

તમને ગમશે: મંગળ ગ્રહ પર ગુજરાતનું એક શહેર અમર થઇ ગયું છે

પ્રવાસ દરમ્યાન ભલે ગમે એટલી વાનગીઓ ખાધી હોય પણ ઠોસા ન ખાધા હોય એનો પ્રવાસ એળે જાય છે. ઠોસા વગરનો પ્રવાસ એટલે ઢોસા વગરનો સંભાર. ઠોસા આપણને કેટલા પ્રિય છે એ સમજાવવા માટે એક ઉદાહરણ આપવાનું મન થાય છે. એક સ્ટેન્ડ પર પૂરા વીસ લોકો બસની રાહ જોઈને ઊભા હોય અને એમની સમક્ષ પચાસ મુસાફરો આરામથી બેસી શકે એવી  સાવ કહેતા સાવ ખાલી બસ આવીને ઊભી રહે તો પણ બસમાં ચડવા માટે ઠોસાવાળી થયા વગર રહેતી નથી. કારણ કે આપણે ઠોસાપ્રિય પ્રજા છીએ. ઠોસાને યોગ્ય વાતાવરણ ન હોય તો પણ એવું વાતાવરણ તૈયાર કરવાની આપણને ફાવટ આવી ગઈ છે.  જે દેશોમાં ઠોસાની ઉપલબ્ધતા નથી એવા દેશના લોકો માત્ર ને માત્ર ઠોસાનો આનંદ મેળવવા માટે આપણે ત્યાં પ્રવાસ માટે આવતાં હોય એવું પણ બનતું હોય છે. સરકારે ઠોસા ઉદ્યોગનું મહત્ત્વ સમજીને અમિતાભ બચ્ચનને ઠોસા ઉદ્યોગના પ્રચારક તરીકે રોકવા જોઈએ. જે ભીડમાં ઠોસા ખાતાં ખાતાં ઠોસાનું મહત્ત્વ સમજાવતા હોય.  

ભોજન સમારંભમાં ગમે એટલી વાનગીઓ હોય પણ જો ઠોસા માટેની અવ્યવસ્થા ન રાખી હોય તો એ સમારંભ લોકોને યાદ રહેતો નથી. કેટલાક ભોજન સમારંભમાં તો થાળી અને વાટકા લેવા જઈએ ત્યાંથી જ ઠોસા મળવાની શરૂઆત થઈ જાય છે.  ઠોસા માટે કોઈ ચોક્કસ કાઉન્ટર રાખવાની જરૂર હોતી નથી. એ ગમે તે કાઉન્ટર પર મળી શકે છે. કોઈ કોઈ સમારંભમાં તો  દરેક કાઉન્ટર પર ઠોસા ઉપલબ્ધ હોય છે. ચાંદલો લખાવવાના ટેબલ પર પણ!    

ઠોસામાં અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોને જે મંદિરોનાં દ્વાર મોટાભાગે ખુલ્લાં હોય અને જ્યાં ભકતોની ભીડ ન હોય એવાં મંદિરોમાં દર્શન કરવામાં આનંદની પ્રાપ્તિ થતી નથી. આથી તેઓ જ્યાં ઠોસાનું મહત્ત્વ જળવાતું હોય એવાં મંદિરોમાં જ દર્શન કરવાનો આગ્રહ રાખે છે. ઠોસાપ્રિય ભકતો જથ્થાબંધ ઠોસાની લેવડદેવડ કરતાં કરતાં દેવદર્શન કરી શકાય એ માટે જાત્રા કરવા માટે પણ જતાં હોય છે. પ્રભુનાં દર્શન કરવા ગયેલાં લોકોને પ્રસાદ ખાવા મળે કે ન મળે પરંતુ  ઠોસા ખાવા મળે એવાં ખાતરીબંધ ધાર્મિક સ્થળોનું ભક્તોને જેટલું આકર્ષણ હોય છે એટલું આકર્ષણ શાંત સ્થળોનું હોતું નથી. ધાર્મિક સ્થળોએ અમુક દિવસે કે અમુક સમયે ઠોસાની વહેંચણી વિશેષ થતી હોય છે. આથી ભાવિક ભક્તો પણ એ જ દિવસે કે એ જ સમયે ત્યાં જવાનું પસંદ કરતા હોય છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે કેટલાક ભક્તો ઠોસા ખાતાં ખાતાં જ આ લોક છોડીને પરલોકમાં પણ પહોંચી જતા હોય છે.

ઠોસા ખાવા માટે આ વિશાળ દુનિયામાં જગ્યાઓ ઓછી પડતી હોય એમ ટેકનૉલોજિ દ્વારા  કમ્પ્યુટર અને મોબાઇલના પરદા પર પણ આ શુભ હેતુ માટે જગ્યા પૂરી પાડવામાં આવે છે. આ જગ્યા એટલે વિવિધ પ્રકારની સોશિયલ વેબસાઈટ્સ. જેના પર પણ ક્યાંક ક્યાંક ઠોસાબજાર જેવું વાતાવરણ જોવાં મળે છે. લોકો પોતપોતાનાં મંતવ્યો દ્વારા એકબીજાને ઠોસા ખવડાવે છે.  સોશિયલ વેબસાઈટ્સ પર કોઈ પણ નબળું સબળું માણસ મંતવ્યનો  ઠોસો મારી શકે છે. તે માટે એનો દેહ તાકાતવાન હોવો જરૂરી નથી. વળી, એ ઠોસો શારીરિક રીતે નબળા કે સબળા ગમે તે માણસને  વાગી શકે છે. આ પ્રક્રિયામાં  ઠોસો મારનારની ઈચ્છાની સાથેસાથે ઠોસો ખાનારની ઈચ્છા જ વધારે ભાગ ભજવે છે.

આમ તો ‘ઠોસો’ એક રમત છે જે પત્તા વડે રમી શકાય છે, પરંતુ આ જ રમત સોશિયલ વેબસાઈટ્સ પર મંતવ્યો વડે રમી શકાય છે.  

મેં મારા આ લખાણ દ્વારા કોઈને ઠોસો મારવાનો પ્રયાસ કર્યો નથી, છતાંય કોઈને વાગી ગયો હોય તો એ બનાવ અજાણતાં બન્યો છે એમ માની લેવું.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here