ભારતની રાષ્ટ્રીય રમત કઈ? આ સવાલના જવાબમાં આપણે કાયમ ‘હોકી’ એવો જવાબ આપતા હોઈએ છીએ, પરંતુ આ જવાબ સંપૂર્ણ સત્ય નથી. ખરેખર આપણે જેને હોકી કહીએ છીએ તેનું પૂરું નામ ફિલ્ડ હોકી છે અને હોકી એટલે ‘આઈસ હોકી’ જે અમેરિકા અને કેનેડામાં અત્યંત લોકપ્રિય છે. એક સમય હતો જ્યારે ફિલ્ડ હોકી પર ભારત રાજ કરતું હતું અને ભારતમાં ફિલ્ડ હોકી તેમજ ક્રિકેટ લગભગ સમકક્ષ લોકપ્રિયતા ધરાવતા હતા.

1980માં ભારતે મોસ્કો ઓલિમ્પિક્સમાં ફિલ્ડ હોકીનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ ભારતની હોકીનું સ્તર ધીરેધીરે એટલું નીચે ઉતરતું ચાલ્યું કે ત્યારબાદ ભારત હોકી વર્લ્ડ કપ કે પછી ઓલિમ્પિક ગોલ્ડ જીતવામાં પણ નિષ્ફળ રહ્યું છે. તો સામે પક્ષે મોસ્કો ઓલિમ્પિક્સના ત્રણ વર્ષ બાદ રમાયેલા ક્રિકેટના વર્લ્ડ કપમાં ભારતને મળેલો અવિશ્વસનીય વિજય ધીરેધીરે ભારતીયોના મનમાં એટલો બધો કબજો કરી ગયો કે ભારતે ત્યારબાદના વર્ષમાં બે બીજા વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ જીતી બતાવી અને ભારતીયોના દિલમાં ક્રિકેટ પોતાની લોકપ્રિયતા મજબૂત કરતું રહ્યું.
તમને ગમશે: અઝાનનો વિરોધ કરનાર સુચિત્રા કૃષ્ણમૂર્તિને ટ્વીટર પર અપશબ્દો કહેનારા ચાર વ્યક્તિઓ પર કેસ થયો
ભલે આજે ફિલ્ડ હોકી ભારતમાં એટલી લોકપ્રિય ન હોય પરંતુ તેની એક આગવી ઓળખ તો છે જ અને આથીજ આપણે તેના વિષે કેટલાક તથ્યો જાણવા જરૂરી છે જેથી ફિલ્ડ હોકીના ઈતિહાસ તેમજ તેની હકીકત વિષે આપણું જ્ઞાન વધે.
ફિલ્ડ હોકી વિષે કેટલાક જાણ્યા-અજાણ્યા તથ્યો જે તમારે જાણવા જોઈએ
- ક્રિકેટની જેમ હોકીમાં પણ અગિયાર ખેલાડીઓ હોય છે જેમાંથી દસ ખેલાડીઓ ફિલ્ડ પર રમે છે અને એક ગોલકિપર હોય છે.
- ઈન્દોર ફિલ્ડ હોકીમાં ખેલાડીઓની સંખ્યા પાંચ હોય છે જેમાંથી ચાર ખેલાડીઓ ફિલ્ડ પર રમે છે અને એક ગોલકિપર હોય છે.
- આ રમતમાં બોલ રમતમાં હોય ત્યાંસુધી ગમે તેટલીવાર ખેલાડીઓ બદલી શકાય છે.
- ફિલ્ડ હોકીની દરેક સ્ટીક રાઈટ હેન્ડેડ હોય છે.
- ફિલ્ડ હોકીની દરેક રમતમાં બે અમ્પાયર હોય છે.
- રમતી વખતે હોકીની સપાટ બાજુથી બોલને પાસ કરવાનો હોય છે અને રમત દરમ્યાન કોઇપણ સમયે બોલ હાથને ન અડે તેનું ખેલાડીએ ધ્યાન રાખવાનું હોય છે.
- જ્યારે જાણે કે અજાણે તમે કોઈ ખેલાડીને બોલ રિસીવ કરતા રોકો છો ત્યારે તેને OBSTRUCTION કહેવાય છે.
- જો 16 યાર્ડના સેમી સર્કલની બહારથી હીટ કરવામાં આવેલો બોલ ગોલ પોસ્ટમાં જાય તો ગોલ ગણવામાં આવતો નથી.
- ફૂટબોલની જેમ અહીં ઓફ સાઈડનો નિયમ નથી હોતો.
- આધુનિક ફિલ્ડ હોકી સૌથી પહેલીવાર 1700ના દાયકામાં સ્કોટલેંડમાં રમાઈ હતીઅને તે સમયે આ રમતને શિન્ટી તરીકે ઓળખવામાં આવતી હતી.
- હોકી ઘાસ, મલ્ટી-સપોર્ટ ટર્ફ અને પાણી પર આધારિત ટર્ફ પર રમી શકાય છે. આંતરરાષ્ટ્રીય મેચો માત્ર FIH દ્વારા માન્યતાપ્રાપ્ત ટર્ફ પર જ રમી શકાય છે.
- હાલમાં વિશ્વભરમાં પાણી પર આધારિત માત્ર ત્રણ ટર્ફ છે અને આ ત્રણેય ટર્ફ કેનેડામાં આવી છે. એક કેસ્સી કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર બ્રેમ્પ્ટન, ઓન્ટારિયો અને બીજી બે યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાં આવેલી છે.
- 2012 લંડન ઓલિમ્પિક્સમાં સૌથી વધુ જોવામાં આવેલી રમતોમાં ફિલ્ડ હોકી ત્રીજા સ્થાને રહી હતી.
- પુરુષોનો હોકી સ્વિંગ એ કોઇપણ રમતમાં સૌથી તેજ ગતિ ધરાવતો સ્વિંગ છે.
- એક આખી ફિલ્ડ હોકી મેચ દરમ્યાન ખેલાડીઓ પાંચ માઈલ જેટલી સફર ખેડે છે.
- ફિલ્ડ હોકી એ ભારત ઉપરાંત હોલેન્ડની પણ રાષ્ટ્રીય રમત છે.
- ફિલ્ડ હોકી એ દુનિયામાં રમતી સૌથી જૂની રમતોમાંથી એક છે જે અત્યારે 100 દેશોથી પણ વધુ દેશો દ્વારા રમવામાં આવે છે.
- આઉટડોર ફિલ્ડ હોકીમાં 35 મિનીટ્સના બે હાફ હોય છે.
- ફિલ્ડ હોકીને હાઈલી ટેક્નીકલ રમત ગણવામાં આવે છે.
- ફિલ્ડ હોકીમાં ફિલ્ડ ગોલ, પેનલ્ટી કોર્નર અને પેનલ્ટી સ્ટ્રોક એમ ત્રણ રીતે ગોલ કરી શકાય છે.
- ફૂટબોલ અને ક્રિકેટ બાદ ફિલ્ડ હોકી દુનિયામાં સૌથી વધુ જોવાતી અને લોકપ્રિય રમત છે.
eછાપું