જીવનના દરેક ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશી ગયું હોય એવું લાગી રહ્યું છે. નાની નાની ક્લબ હોય કે પછી જ્ઞાતિઓના મંડળો બધેજ રાજકારણનો દબદબો છે. અમુક ક્ષેત્રો એવા છે કે જ્યાં રાજકારણનો પ્રવેશ બને તેટલો ઓછો અથવાતો નહિવત હોય તો સારું એવું આપણને લાગે પણ ત્યાં પણ હવે તે પ્રવેશી ચુક્યું છે. આવુંજ એક ક્ષેત્ર છે શિક્ષણનું પરંતુ તેમાં પણ હવે રાજકારણ ગંધાવા લાગ્યું છે.

આપણે ત્યાં કોલેજ અને યુનિવર્સિટીમાં રાજકારણને પ્રવેશ આપવા દેવામાં આવે છે, જે કદાચ યોગ્ય છે પરંતુ JNU જેવી સંસ્થાઓ આ છૂટનો દુરુપયોગ કરીને અને અભિવ્યક્તિની આઝાદીના નામે તેને છેક રાષ્ટ્રદ્રોહ સુધી લઇ જાય છે. હાલમાં CBSEનું પેપર લીક થવાના મામલે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના ભવિષ્યના મામલે રાજકારણ પાછલા બારણેથી પ્રવેશી ચુક્યું છે જે ચિંતા કરાવે છે.
CBSEના પેપર લીક મામલે બેશક કેન્દ્ર સરકારનો શિક્ષણ વિભાગ જવાબદારીના રડારમાંથી બચી શકે તેમ નથી. આગોતરી ટીપ મળી હોવા છતાં પેપર લીક થાય અને પછી ત્રણ દિવસે ખુદ CBSEના ચેરમેન મોઢું ખોલે ત્યારે આ મામલે એ સંસ્થાએ કેટલી ગંભીરતા દાખવી છે તેનો ખ્યાલ સરળતાથી આવી જાય છે. જ્યારે આ પ્રકારે કોઈ અણગમતી ઘટના બને અને તે પણ સરકારના નાક નીચેથી ત્યારે સરકારની જવાબદારી તો બને છે જ પરંતુ આ જવાબદારી સરખી રીતે ન નિભાવવા માટે જે કોઇપણ વ્યક્તિ પ્રત્યે પગલાં લેવામાં આવે તે તંત્રની અંદર જ નક્કી થઇ જાય તે યોગ્ય ગણાય છે.
પરંતુ અહીં રાજકારણીઓએ પણ ઘૂસ મારી દીધી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થાય તો આપણા રાજકીય પક્ષો અને નેતાઓ તેના માટે ચિંતા વ્યક્ત કરે તે યોગ્યજ છે પરંતુ સરકારની ફાવે તેમ ટીકા કરીને સરકારી કામમાં હસ્તક્ષેપ કરવો એ ક્યાંનો ન્યાય? કોઈ એક રાજ્યમાં ચૂંટણી આવવાની હોય એટલે કેન્દ્રને લગતી નિષ્ફળતાને એ રાજ્યમાં એનકેશ કરવા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી તેના પર રોજ હુમલા કરવામાં આવે તે મુદ્દાવિહીન વિપક્ષની નિશાની છે.
હદ તો ત્યાં આવી ગઈ કે જ્યારે પૂર્વ HRD મંત્રી કપિલ સિબલ જેમના પર એક દિવસ અગાઉ ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરે અને મોરાલીટીની વાતો કરવાની હિંમત પણ દેખાડે!
કોંગ્રેસ પક્ષના પ્રમુખ જે વડાપ્રધાનના પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ માટે લખેલા પુસ્તક અંગે ઉપહાસ માત્ર એટલા માટે કરે કારણકે પેપર લીક થયું છે ત્યારે તેમના પક્ષે અને તેમના દાદી-પપ્પાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે અત્યારસુધીમાં આઉટ ઓફ ધ બોક્સ શું પ્રયાસ કર્યા છે એવો સવાલ કરવાનું મન જરૂર થઇ જાય.
તો કેટલાક કહેવાતા તટસ્થ રાજકીય પંડિતો આ પેપર લીકને છેક આવતા વર્ષ સુધી લઇ જાય અને પેપર લીકને લીધે આજે જે વિદ્યાર્થીઓને ભોગવવું પડ્યું છે તેઓ આવતા વર્ષે મતદાન કરવાના છે એટલે આજની સરકાર ગઈ એવી ભવિષ્યવાણી કરવા લાગે ત્યારે તેમની બુદ્ધિમતા પર હસવું કે રડવું તેની ખબર નથી પડતી.
વિદ્યાર્થીઓ જે ઓલરેડી દસમા અને બારમાની પરીક્ષાના બોજ હેઠળ છેલ્લા ત્રણેક મહિનાથી જીવી રહ્યા હોય તેમને પોતાના કોઈજ વાંક વગર ફરીથી પરીક્ષા આપવી પડે એટલે એમનો ગુસ્સો ફાટી નીકળે તે સ્વાભાવિક છે. આ પ્રકારે થયેલા અન્યાયનો વિરોધ કરવા તેઓ કદાચ સડક પર ઉતરી પણ આવે તે પણ સ્વિકારી શકાય, પરંતુ તેમના ગુસ્સાનો લાભ કોઈ રાજકીય પક્ષની વિદ્યાર્થી શાખા લઈને આખા વિરોધનો દોર પોતાના હાથમાં લઈલે ત્યારે સમજવું કે આપણી શિક્ષણ વ્યવસ્થા ખરેખર ખતરા હેઠળ છે.
પેપર લીક થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના અભિભાવકો બેશક ગુસ્સામાં હશે અને શું કરવું તેનો તેમને કોઈ વિચાર ન આવતો હોય એવું જરૂર શક્ય છે પરંતુ આટલા બધા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ પણ એવો ન નીકળ્યો કે જે આ આખા મામલામાં થઇ રહેલા રાજકારણનો વિરોધ કરે? કદાચ એવો કોઈ એકાદો વીરલો હોય પણ ખરો પરંતુ રાજકીય નેતાઓની પહોચથી ડરીને વિરોધ વ્યક્ત ન કરી શક્યો હોય એવું બને પણ ખરું.
ફરીથી કહીએ તો પેપર લીકનો મામલો અત્યંત ગંભીર છે અને તેની જવાબદારી નક્કી થયા બાદ ભલેને થોકબંધ રાજીનામાં લેવા પડે તો સરકારે લેવા જ જોઈએ અને એક નવો ચીલો ચાતરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવું બને નહીં. પરંતુ આ ઉંમરના વિદ્યાર્થીઓ જો અત્યારથી જ રાજકારણ અને રાજકારણીઓના હાથા બની જશે તો કદાચ આવનારા કેટલાક વર્ષ બાદ આપણે આપણી જાતને બિલકુલ માફ નહીં કરી શકીએ, કારણકે આજે એક પક્ષ વિરોધમાં છે તો આવતીકાલે બીજો પક્ષ પણ આવી શકે છે અને જો આ ટ્રેન્ડ ચાલુ જ રહેશે તો તે અત્યંત ખરાબ હશે.
આચારસંહિતા
“હું પણ રાત્રે ઉંઘી શક્યો નથી, હું પણ એક પિતા છું.”
-HRD મિનિસ્ટર પ્રકાશ ઝાવડેકર
૩૦.૦૩.૨૦૧૮, શુક્રવાર (ગૂડ ફ્રાઈડે)
અમદાવાદ
eછાપું