વિવાદાસ્પદ સંજય દત્ત ની આત્મકથા આવતાની સાથેજ વિવાદમાં ઢસડાઈ

0
422
Photo Courtesy: indianexpress.com

સલમાન ખાનની જેમ સંજય દત્ત પણ કાયમ વિવાદીત છબી ધરાવતો એક્ટર છે. પરંતુ સલમાનને બદલે સંજય દત્તને લોકો ‘The Original Bad Boy of Bollywood’ પણ ગણે છે. હાલમાં જ સંજય દત્તની આત્મકથા ‘The Crazy Untold Sotry of Bollywood’s Bad Boy Sanjay Dutt’ રિલીઝ થઇ છે. આ આત્મકથા લેખક પત્રકાર યાસીર ઉસ્માને લખી છે.

Photo Courtesy: indianexpress.com

બોલિવુડ અને પત્રકાર જગતમાં આ યાસીર ઉસ્માનની છાપ પણ ખુબ રસપ્રદ છે. યાસીર ઉસ્માને સંજય દત્ત સહીત ત્રણ આત્મકથાઓ લખી છે જેમાં રાજેશ ખન્ના અને રેખા સામેલ છે. મજાની વાત એ છે કે આ ત્રણેય આત્મકથાઓ બિનઅધિકૃત છે. રાજેશ ખન્ના અને રેખાની તો ખબર નથી પરંતુ હાલમાં સંજય દત્તે Tweet કરીને જરૂર જણાવી દીધું છે કે યાસીર ઉસ્માનનું તેના પરનું આત્મકથાત્મક પુસ્તક તેના દ્વારા અધિકૃત નથી.

જ્યારે કોઈ અનઓફિશિયલ આત્મકથા પ્રકાશિત થાય અને તે પણ આટલા લોકપ્રિય અદાકાર પર ત્યારે તે વિવાદ જગાવેજ એ સ્વાભાવિક છે. આ પ્રકારની આત્મકથાનું વેચાણ શરૂઆતથી જ વધી જાય તે માટે તેના કેટલાક ભાગ અથવાતો ફકરા મિડીયામાં જાણીજોઈને લીક કરવામાં આવતા હોય છે અથવાતો તેને બુક રિવ્યુમાં ખપાવવામાં આવતા હોય છે. સંજય દત્તની આત્મકથા માટે પણ આમ જ થયું છે. ઘણી બધી ન્યૂઝ વેબસાઈટ્સ અને અખબારોમાં આ આત્મકથાના બુક રિવ્યુ પ્રકાશિત થયા છે અને તેમાં જે કાઈ પણ જણાવવામાં આવ્યું છે એ ઘણું રસપ્રદ છે.

Photo Courtesy: firstpost.com

એક માન્યતા અનુસાર સંજય દત્ત જ્યારે બોમ્બે બોમ્બ બ્લાસ્ટના કેસમાં ફસાયો ત્યારેજ તેણે પ્રથમવાર કોઈ ગુનો કર્યો હતો એવું આપણને કહેવામાં આવ્યું છે. પરંતુ આ આત્મકથામાં એમ જણાવવામાં આવ્યું છે કે બોમ્બ બ્લાસ્ટના વર્ષો અગાઉ સંજય દત્ત મુંબઈના પાલિહિલ વિસ્તારમાં સળંગ ગોળીબાર કરવાના કેસમાં પકડાયો હતો. આટલુંજ નહીં સંજય દત્ત પર અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડવાનો પણ આરોપ હતો.

સંજય દત્ત પોતાની ગર્લફ્રેન્ડ્સ વિષે કેટલો પઝેસીવ હતો એ અંગે પણ આ આત્મકથામાં જણાવવામાં આવ્યું છે. એક કિસ્સા અનુસાર સંજય દત્તે ફિલ્મ ‘રોકી’ ના સમયે ગર્લફ્રેન્ડ બનેલી ટીના મુનીમની છેડતી કરનાર વ્યક્તિને બાંધીને માર્યો હતો. આ ઉપરાંત સંજય દત્તની ડ્રગ્સની આદત અને જાણીતા કિસ્સો એટલેકે માતા નરગીસ દત્તની અંતિમ વિધિ સમયે પણ સંજય દત્ત ડ્રગ્સની અસર હેઠળ હતો એ પણ આ બુકમાં સામેલ છે.

તમને ગમશે: અક્કલનો ઓછો ઉપયોગ કરતો પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલ

સંજય દત્તની ગર્લફ્રેન્ડ્સની વાત આવે અને માધુરી દિક્ષિતનું નામ ન આવે એવું બને? આ બિનઅધિકૃત આત્મકથામાં માધુરી વિષે પણ જણાવવામાં આવ્યું છે. આ પુસ્તકના દાવા અનુસાર સંજય દત્ત રીતસર માધુરીની પાછળ જ પડી ગયો હતો અને માધુરીની બરોબર પાછળ ઉભો રહીને સતત ધીમે અવાજે ‘I love you’ બોલતો રહેતો હતો.

યાસીર ઉસ્માને બિલકુલ શબ્દો ચોર્યા વગર સંજય દત્તના ગુનાઓ સામે આંખ આડા કાન કરવા માટે બોલિવુડની પણ ટીકા કરી છે. ઉસ્માનના કહેવા અનુસાર સંજય દત્તની કેરિયર ચાલીસ વર્ષ પૂરા કરી ચૂકી છે અને તેની નોંધપાત્ર ફિલ્મો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલીજ છે પરંતુ તેમ છતાં સંજય દત્તની ગણના બોલિવુડના ટોચના અદાકારોમાં થાય છે.

યાસીર ઉસ્માનના માનવા અનુસાર બોલિવુડે સંજય દત્તના ગુનાઓને કાયમ ઇગ્નોર કર્યા છે અને તેને લીધેજ તે પોતાના ગુનાઓ અંગે સિરિયસ નથી થયો કે પછી મેચ્યોર પણ નથી થયો. પુસ્તકમાં શત્રુઘ્ન સિન્હાનો એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે. જ્યારે સંજય દત્ત પર બોમ્બે બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો અને પત્રકારોએ આ અંગે શત્રુઘ્ન સિન્હાનું મંતવ્ય માંગ્યું હતું ત્યારે શત્રુઘ્નએ એમ કહ્યું હોવાનું કહેવાય છે કે, “એ બિચારાને (સંજય દત્તને) સ્ટોક એક્સચેન્જ એટલે શું એનો પણ ખ્યાલ નથી.”

આમતો સંજય દત્તે આ પુસ્તકથી કિનારો કરી લીધો છે પરંતુ તેણે અત્યારસુધી તેમાં જણાવવામાં આવેલી એકપણ વાત ખોટી હોવાનું કે પછી લેખક પર પોતે માનહાનીનો દાવો કરશે એમ જણાવ્યું નથી. જ્યારે યાસીર ઉસ્માનનું કહેવું છે કે જ્યારે તમારી પાસે મુખ્ય સ્ત્રોતની મદદનો અભાવ હોય ત્યારે તમારે બીજા નંબરના સ્ત્રોત પર આધાર રાખવો પડતો હોય છે, એટલેકે તે સમયના અખબારોમાં છપાયેલા લેખ વગેરે. આથી એમણે આ આત્મકથા લખવા માટે જે સ્ત્રોતનો આધાર લીધો છે તે તેમના મતે સાચો જ છે.

જો યાસીર ઉસ્માનની વાત માની પણ લેવામાં આવે તો પણ આપણે કદાચ એવું કહી શકીએ કે આ પુસ્તક જો અખબારોમાં છપાયેલી ખબરો પર જ આધાર રાખે છે તો પછી તેમાં ગોસિપનું પ્રમાણ વધુ અને હકીકત ઓછી જ હશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here