માર્ચ એન્ડિંગ – જુદા છે પ્રકારો હિસાબે હિસાબે!

0
533
Photo Courtesy: smejoinup.com

આજે માર્ચ મહિનાનો છેલ્લો દિવસ છે. ટેન્શનથી ધમધમતો એવો હેક્ટિક સમય એટલે માર્ચ એન્ડિંગ March Ending! એક તરફ માથુ ફાડી નાખે એવા તડકાની શરૂઆત થઈ ગઈ હોય, બીજી તરફ હાઈ-સ્કૂલ, કોલેજની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોય અને ત્રીજી તરફ બેન્ક-ટેક્સ-એકાઉન્ટ્સના હિસાબ માટેની દોડધામ ચાલુ હોય – આ ત્રિપાંખિયા જંગમાં પીસાતા, વલોવાતા, કચડાતા હોય મારા-તમારા જેવા ‘મેંગો પીપલ’!

Photo Courtesy: smejoinup.com

કવિ મુકેશ જોષી એક કવિતામાં કહે છે કે ભલે પોતાની પાસે સોનેરી કિરણોની મબલક મિલકત હોય પણ રોજ એક અનોખી-અદભૂત-મઝાની સાંજ આપીને સૂરજ એના ભાગનો ઈન્કમટેક્સ ભરે છે. પણ આપણે કેટકેટલીયે મિલકતના ધણી હોવા છતાં ઈન્કમટેક્સ ભરવાનો આવે ત્યારે અવનવાં અડપલાં કરીએ છીએ. આખું વર્ષ લેવડ-દેવડના હિસાબ અને લેખાં-જોખાં રાખવાનું આપણે ટાળીએ અને છેલ્લી ઘડીએ ઈન્કમટેક્સ રીટર્નના થોથામાં ગોથાં ખાઈએ છીએ. જ્યારે ઢગલો ઓવરું અને વિકેટું હાથમાં હોય ત્યારે જોશથી ન રમીએ તો છેલ્લી ઓવરમાં ભાગી-દોડીને રન લેવાં પડે. એ વાત આપણને માર્ચ એન્ડિંગના સમયે સાચી થતી દેખાય છે. પેલો દબંગ ફિલ્મનો ડાયલોગ છે ‘થપ્પડસે ડર નહીં લગતાં સાહેબ, પ્યાર સે લગતાં હૈ’ એમ લોકોને ટેક્સ ભરવામાં કોઈ જ વાંધો નથી પણ રીટર્ન્સ મેળવવામાં બહુ લોચા પડે સંજય છેલે એક વાર કહેલું કે નવા મકાનની વાસ્તુપૂજા હોય કે સત્યનારાયણની કથા – ગોરબાપા જ્યાં કહે ત્યાં આપણે ચમચી ભરીને પાણી મૂકીએ છીએ એમ ઈન્કમટેક્સ રીટર્ન ભરતી વખતે આપણા સી.એ. જ્યાં કહે ત્યાં આપણે સહી કરી દઈએ છીએ. કારણ કે સી.એ. થી બધાં બહુ બીએ!

ખરું કહીએ તો હિસાબ માનવજીવનના સ્વભાવમાં છે. સાગરને પોતાના કિનારે પાણીની વધ-ઘટ થાય એની પરવા હોતી નથી પણ આપણે તો વેપાર હોય કે જીવન, હિસાબો સતત કરવા અને રાખવા જ પડે છે. સેલ્સ-માર્કેટીંગમાં કામ કરતાં લોકોને માસિક કે ત્રિમાસિક કેટલું વેચાણ કરવું તેનાં ટાર્ગેટ અપાય છે અને સમય આવ્યે એનો હિસાબ થાય છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે આખું વર્ષ જે ભણ્યા, તેનો હિસાબ ત્રણ કલાકની પરીક્ષામાં આપી દેવાનો. પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ પોતાની યાદશક્તિ, આવડત માટે આપવાનો હિસાબ જ છે. કહેવાય છે કે સંબંધોમાં હિસાબ ન હોય પણ લોકો તો એય રાખે છે.

હિસાબો રાખવાના માનવીય સ્વભાવને કારણે આપણા સામાજિક સંબંધોમાં ખોટું લગાડવાનો એક રિવાજ ચાલ્યો આવ્યો છે અને એમાં સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમ્યું છે. “એણે સહુને પ્રમોશનની પાર્ટી આપી. મને ના બોલાવ્યો”, “ઘણાં વર્ષે હું એની ઘરે ગયો પણ મને જમવાનો આગ્રહ પણ ના કર્યો”, “મારી એકની એક દીકરીના લગ્નની કંકોત્રી દેવા હું પોતે ગામડે ગયો હતો પણ તમે જોયું ને લગ્નમાં કોઈ આવ્યું નહિ”,  આવા અનેક ઉદાહરણો બાદ હવે સોશિયલ મિડીયાના માધ્યમથી ખોટું લગાડવા માટે એક નવું કારણ મળ્યું છે. “મારા સ્ટેટસ અને ફોટાઓ કોઈ લાઈક કરતા જ નથી”. શાસ્ત્રો મુજબ સત્કર્મ અને દુષ્કર્મના હિસાબો અનુસાર ફળ મળે છે અને તે અનુસાર પછીનો અવતાર, જન્મ કે મોક્ષ નક્કી થાય છે. ઈસ્લામ ધર્મ એવી માન્યતા ધરાવે છે કે કયામતના દિવસે ખુદાના ફરિશ્તા કર્મોનો હિસાબ માંગશે. કર્મોનાં બંધન, કર્મોમાંથી મુક્તિ આ બધી કર્મની થિયરી આખરે હિસાબો જ તો છે. ચિત્રગુપ્તનો ચોપડો અને સ્વર્ગ-નર્ક પણ હિસાબ જ છે. ‘હરેશ મહેતા’ નામના એક કવિની સુંદર કવિતા છે – ‘બેહિસાબ બિનહિસાબ’

અડધી રાત્રે બંધ પાંપણમાં જામેલી ઊંઘ હડસેલીને

ચિત્રગુપ્ત પૂછે છેઃ ‘ટેક્સ ભર્યો?’

‘ક્યારનો!’ હું વટપૂર્વક જવાબ દઉં છું.

ચોપડો ચકાસી ચિત્રગુપ્ત કહે છેઃ ‘નથી ભર્યો!’

‘કયો અને કેટલો બાકી છે?’ હું આખો ચોળતાં ચોળતાં પૂછું છું.

આટઆટલા સોનેરી કિરણો આપ્યાં તારી સવારને

એનો ટેક્સ ભરવો પડે કોઈની અંધારી ઓરડીમાં ચપટી અજવાળું ફેલાવીને…

તાજાં ફૂલોની સુવાસ રેડી તારા શ્વાસમાં

કોઈના ગંધાતા જીવનમાં કરૂણાની સુવાસ આપી ટેક્સ ભરપાઈ કરવો પડે.

કોઈ તને કેટકેટલું વહાલ કરે છે. ચાહતથી વધુ બીજી કોઈ મૂડી નથી,

એના પર ‘VAT’ લાગે વ્હાલપની, પણ તેં તો વેઠ જ કરી છે….

નહીં ચાલે – ટેક્સ તો ભરવો જ પડશે! ખબર છે ને, March Ending નજીકમાં છે?

ચિત્રગુપ્તનો ચોપડો બંધ થાય છે, આંખો ખૂલી જાય છે…

સવારે ઓફિસમાં અકાઉન્ટન્ટ આવીને કહે છેઃ સાહેબ, ‘ઈન્કમટેક્સ-સેલ્સટેક્સ’ બધું ભરાઈ ગયું છે.

પ્રમોશનની આશાએ ઊભેલા એને શું સમજાવવું?!

આ કવિતા નથી, નરી વાસ્તવિકતા છે! માર્ચ એન્ડિંગમાં આપણે પાઈ પાઈનો હિસાબ ચૂકતે કરીએ છીએ પણ ઈશ્વર પાસેથી જે મેળવ્યું છે એ તો બેહિસાબ છે! એ આપણને મળ્યું છે એ સારી વાત છે. પણ મેળવ્યા પછી બીજા સુધી પહોંચાડીએ છીએ? દાન કરવા માટે અબજોપતિ હોવું જરૂરી નથી. દાન કરવાની માત્ર ઈચ્છા જરૂરી છે. 2014નો ફૂટબોલ વર્લ્ડકપ જર્મની જીત્યું એ મોટી વાત નહોતી. કોઈ એક ટીમને તો જીતવાનું જ હતું. પણ મોટી વાત એ થઈ કે જર્મનીના ફૂટબોલર ‘મેસૂત ઓઝીલે’ એને મળેલી ઈનામની રકમ 3 લાખ યુરો (લગભગ 24 કરોડ રૂપિયા) બ્રાઝીલના ગરીબ બીમાર બાળકોની સારવાર માટે દાનમાં આપી દીધા. ફૂટબોલ વર્લ્ડકપ જીતવા કરતાં પણ મોટી બહાદુરીનું કામ તો આ છે. આપણા કોડિયામાંથી બીજાનું કોડિયું પ્રગટે તો આપણા ખોળિયામાં સાચી દિવાળી ઊજવાય છે. એક બીજી વાત યાદ આવે છેઃ ચિલીના દરિયા કાંઠે સવારના પહોરમાં ભરતીમાં તણાઈને આવેલી હજારો જેલી ફિશ તરફડી તરફડીને મરતી હતી. એવામાં ફરવા નીકળેલો એક માણસ એક એક માછલીને પકડીને દરિયાના પાણીમાં નાખી બચાવી લેતો હતો. ત્યાંથી બીજો માણસ નીકળ્યો. એણે પૂછ્યું, ‘આટલી બધી માછલીઓ મરવા પડી છે અહીં. એમાંથી બે-પાંચને તમે બચાવશો તો શું ફરક પડશે?’ પેલા માણસે વધુ એક માછલીને ઉપાડીને દરિયામાં નાખતાં કહ્યું, ‘આને તો ફરક પડશે ને!’ બીજાના આંસુ લૂંછવા એ સારો સ્વભાવ છે પરંતુ એને આંસુ જ ન આવે એવો પગભર-સક્ષમ કરવો એ આપણી વૃત્તિ હોવી જોઈએ. મકાનમાલિક ગરીબ ભાડોત્રીને 500 રૂપિયા ભાડું ઓછું કરી આપશે તો મકાનમાલિકને પડશે એ કરતાં ભાડોત્રીને વધુ ફરક પડશે એની ગેરેંટી!

પડઘોઃ

રખેને, જિંદગીના સરવૈયામાં પણ માર્ચ એન્ડિંગ હોત ‘જગદીશ’

આ સુખદુઃખના રોજમેળ હવે નથી લખાતા….

– જગદીશ કરંગીયા ‘મોજ’

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here