આપણા ભારત દેશમાં દીકરીઓ માટે એક બહુ જ સ્વાભાવિક વિચારસરણી ધરાવતા લોકો જોવા મળે છે પણ ગૃહિણી માટે કદાચ હજી એ સ્વાભાવિકતા આવી નથી, કેવી રીતે? સમજાવું… પહેલાંના સમયમાં, દીકરી આવે તે માતાપિતા તેને મોટી થતાં જ પરણાવવાના સપનાં જોતાં. પણ આજે જમાનો અલગ છે. અને એટલે જ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન વાળા પોતાના ઘરની અને પારકી “બેટીઓ” ને ભણાવવા માટેની જે ઝૂંબેશ ચલાવે છે, તે અભિનંદનને પાત્ર છે.

પણ, પોતાની દીકરીને ઉચ્ચ શિક્ષણ આપી અને એને ઉચ્ચ હોદ્દા પર જોવા માટે તરસતા માતાપિતા તેને “દુનિયાદારી” તો શીખવે છે, પણ સાથે સાથે “સંજોગો” પ્રમાણે જીવતાં શીખવવાનું કદાચ મહત્વ સમજાવી શકતાં નથી. મેં ઘણી વખત, મારી આસપાસની ભણેલી-ગણેલી, નોકરીયાત “દીકરીઓ” ને એમની જેમ જ ભણેલી-ગણેલી, પણ “ગૃહિણી” તરીકે ફરજ બજાવતી દીકરીઓ પ્રત્યે ઘૃણા રાખતાં જોઈ છે.
સામાન્ય રીતે આપણે ક્યાંક ફંક્શનમાં, પાર્ટીમાં, સામાજિક મેળાવડામાં, વિગેરે જગ્યાઓએ જઈએ ત્યારે આપણને ઘણાં પૂછે કે, “તમે શું કરો છો?” તમે નોટિસ કરજો… નોકરી કરતી સ્ત્રી ગર્વથી, આંખોમાં ચમક સાથે કહેશે,” હું જોબ કરું છું.” કંપની સામાન્ય હશે તો નામ નહીં લે, પણ કોઈ અત્યંત જાણીતું નામ હશે તો જોરથી પણ બોલશે. પણ જો એ “ગૃહિણી” હશે, તો 90% દાખલા લઈએ તો એમાં એ સ્ત્રી જરા ખચકાટ સાથે, નજરમાં શરમ સાથે કહેશે કે, “હું ગૃહિણી છું”, અને ઘણી જાતનાં બહાના કાઢશે કે એ કેમ જોબ નથી કરતી કે નથી કરી શકતી.
મને હજી સુધી સમજાયું નથી કે ગૃહિણી હોવું એમાં શરમ શેની? ઘરકામ કરવું એ નાની બાબત નથી. તો ઘણા કહેશે, “અમે તો નોકરી સાથે ઘર સંભાળીએ છીએ.” તો હું કહીશ કે, જેઓ નોકરી સાથે ઘર સંભાળે છે, તેમને તેમના ઘરનાં બધાં જ મેમ્બર્સ ઘરકામમાં ઘણી બધી રીતે મદદરૂપ થતાં હોય છે. એને હંમેશા “નોકરી” ને નામે “થાક” ઉતારવાના બહાના મળે છે. એને નિર્ણયો લેવાના પણ અધિકાર આપવામાં આવે છે કારણ કે એ રૂપિયા રળતી સ્ત્રી છે.
સામે પક્ષે, ગૃહિણીને ઘરનાં કામ કરતાં કરતાં “થાક” ન લાગવો જોઈએ, તેવો ભ્રમ ઉભો કરવામાં આવે છે. તેને રૂપિયા પણ ઘર ચલાવવા માટે જરૂર પૂરતાં જ આપવામાં આવે છે. નિર્ણયો તો દૂર, તેને ઘણી વખત કોઈ પણ બાબતમાં પોતાનો અભિપ્રાય આપવાનો પણ અધિકાર હોતો નથી. આ રીતના નબળા પાસાઓ જ એક ગૃહિણીમાં ગૃહિણી હોવાની શરમ ઉપજાવે છે. શિક્ષિત સ્ત્રી હોવું જરૂરી છે, પણ બધાના ઘરના સંજોગો, બધી સ્ત્રીઓને રૂપિયા રળવામાં સાથ આપે, એ જરૂરી નથી.
મેં આજની સ્ત્રીમાં, બીજું એક લક્ષણ જોયું છે. ખાસ કરીને ગૃહિણીઓમાં. એ છે, “ડીપ્રેશન”. સતત ઘરના સભ્યોને પોતાનો સમય આપતી સ્ત્રી, જ્યારે પોતાને અવગણે, ત્યારે તે “ડીપ્રેશન” નો શિકાર બની જાય છે. પોતાને સમય આપવો એટલે સામાન્ય રીતે, આપણી માન્યતા પ્રમાણે, બ્યુટિ પાર્લરમાં જવું, કીટ્ટી પાર્ટીમાં જવું, ફોન પર વાત કરવી, એ બધું નહીં પણ શરીર સ્વસ્થ્ય રહે તે માટેના પ્રયત્નો કરવા, સારા મિત્રો બનાવવા, પોતાને ગમે, તેવી એક્ટિવિટી કરવી, વિગેરે છે.
ઘરનાં સભ્યોની પણ એક નૈતિક ફરજ છે કે તેમના ઘરનું ધ્યાન રાખતી સ્ત્રીને સમ્માન આપવું, તેને દરેકે દરેક નિર્ણય લેવામાં સમાનતા આપવી, તેને પણ પોતાને માટે પૂરતો સમય મળી રહે, તેની તકેદારી રાખવી, ક્યારેક એનાથી કોઈ ભૂલ થાય તો તેને અપમાનિત કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવું અને સૌથી મહત્વની વાત, તેને ક્યારેય પણ “તે કમાતી નથી” , તેવું ન કહેવું. જો આટલું પણ ધ્યાન રાખીએ તો આપણી ગૃહિણીઓ ક્યારેય શરમ અનુભવશે નહીં.
સામાજિક હોદ્દો શિક્ષણથી અને સમજથી છે, બાકી રૂપિયા તો પેટ માટે ભીખ માંગતા ભિક્ષુક પણ કમાઈ લે છે.
અસ્તુ!!
eછાપું
True story..