પાછલા અંકમાં આપણે જોયું કે કઈ રીતે ટ્રમ્પના બે મહત્વના સલાહકારે શરુ કરેલી કંપની કેમ્બ્રિજ એનાલીટીકાએ 5 કરોડ યુઝર્સનો ડેટા ગેરકાયદેસર રીતે એકઠો કર્યો. હવે આજે જોઈએ એ ડેટાનો ટ્રમ્પના પ્રચારમાં કઈ રીતે ઉપયોગ થયો, અને CA એ ભારતમાં કયા પ્રકારનું ઓપરેશન કર્યું હતું. ગતાંક થી આગળ…

5. આ ડેટા નો ડોનાલ્ડ ટ્રમ્પના ચુંટણી પ્રચારમાં કઈ રીતે ઉપયોગ થયો હતો?
ટૂંકો જવાબ: પર્સનલાઈઝડ એડ્સ
લાંબો જવાબ: કોઈ પણ એડ પ્લેટફોર્મ પર જયારે કોઈ એડ બનાવે છે ત્યારે એ એડ કેવા વ્યક્તિઓને દેખાડવી એ ઓપ્શન એડ બનાવવાવાળાને મળે છે. જેના લીધે યોગ્ય એડ યોગ્ય લોકોને દેખાડી શકાય. આનાથી લોકોનું કામ પણ થાય અને એડ બનાવવાવાળાને ધંધો પણ મળે. અને એવા ચોક્કસ વ્યક્તિઓના સમૂહ જેને એડ દેખાડવાની હોય તેને ટાર્ગેટેડ ઓડીયન્સ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે તમારા ઓડીયન્સમાં કેવા લોકો હશે એ નક્કી કરવામાં જે તે યુઝરનું શહેર, લિંગ અને ઉંમર મહત્વનો ભાગ ભજવે છે. ગૂગલ આ ત્રણ સિવાય ક્યા શબ્દોથી સર્ચ થયું છે એ પર થી ટાર્ગેટેડ ઓડીયન્સ નક્કી કરે છે. જયારે ફેસબુકમાં એડનું ઓડીયન્સ નક્કી કરવા માટે ભાષા, ઉંમર, જાતી, રહેઠાણ, વૈવાહિક સ્થિતિ, તમારું ઘરનું ઘર છે કે કેમ, તમારું ટ્રાવેલિંગ સ્ટેટસ જેવા કુલ 90 પરિબળો છે. અને ફેસબુક આ દરેક પરિબળોને લાગતો ડેટા આપણી પાસેથી લે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે ફેસબુકમાં આ ટાર્ગેટેડ ઓડીયન્સ ટૂલની મદદથી એ ઓડીયન્સને ગમે એવા પ્રચાર સાહિત્યની એડ બનાવી અને યુઝર્સને મોકલી (આ એડ્સ નોકરીઓ, ઈમિગ્રેશન, મુસ્લિમો જેવા અસંખ્ય મુદ્દાઓ પર આધારિત હતી) અને એ એડ્સને મળતા રીએક્શન પ્રમાણે ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં ફેરફાર કર્યા. જેમકે મધ્ય અમેરિકાના લોકોએ નોકરીઓને લગતી એડ્સ વિષે વધારે ચર્ચાઓ કરી હોય તો એ રાજ્યોમાં ટ્રમ્પની એક રેલીનું આયોજન થતું, અને એ રેલીઓમાં આર્થિક મુદ્દાઓ ઉપર વધારે ભાર મુકવામાં આવતો. અને સામાન્ય રીતે ડેમોક્રેટિક પાર્ટી માટે સલામત ગણાતા વોટ્સ આવી ટાર્ગેટેડ એડ્સને લીધે ટ્રમ્પની રીપબ્લીકન પાર્ટીને મળતા. એજ રીતે જયારે CA ને ખબર પડી કે અમેરિકન ભારતીયો ટ્રમ્પને પાકિસ્તાન વિરોધી નીતિ માટે માન આપે છે, પણ એને પોતાની નોકરીઓ અને વિઝાની પણ ચિંતા છે, ત્યારે ઓહાયોના એક મંદિરમાં ટ્રમ્પના પુત્ર અને પુત્રવધુને તાબડતોબ દિવાળી ઉજવવા મોકલી દીધા. સાથે સાથે ટ્રમ્પ H1-B વિઝા અને આઈટી જોબ્સ વિષે નજીવું બોલે અને કોઈ બીજા મુદ્દા પર બોલે એવી ગોઠવણ કરી દીધી. અને એ રીતે ટ્રમ્પ ને ઘણા હિંદુ મતો પણ મળ્યા.
ટ્રમ્પ અને રીપબ્લીકન મતદારો મોટી સંખ્યામાં વોટ તો કરે જ સાથે સાથે હિલેરી ક્લીન્ટન અને ડેમોક્રેટિક પાર્ટીના મતદારો વોટ ન કરે એ માટે પણ ટ્રમ્પ એ મસાલો તૈયાર રાખ્યો હતો. હિલેરી ક્લીન્ટનના ખાનગી અને અસુરક્ષિત સર્વર, ક્લીન્ટનની ભ્રષ્ટાચારી માલેતુજારો સાથે સારાસારી, પ્રમુખ તરીકે ઓબામાની ખામીઓ જેવા અસંખ્ય મુદ્દાઓ વિષે ટ્રમ્પની ટીમે ડેમોક્રેટિક મતદારો પર એડ્સ ચલાવી. એક તરફ ડેમોક્રેટિક પાર્ટી ઓનલાઈન ડેટાનું મહત્વ અને એના ઉપયોગ ને સમજી ન શકી જયારે બીજી તરફ રીપબ્લીકન પાર્ટીનો મહત્વના પ્રચાર ઓનલાઈન, ફેસબુક થકી જ થતો હતો.
ફેસબુક એડ્સનો એક નિયમ છે કે એડનો કન્ટેન્ટ જેટલો વાયરલ, એટલા એડ માટેના પૈસા ઓછા દેવાના. અને કેમ્બ્રિજ એનાલીટીકા કોઈ પણ કન્ટેન્ટ ને વાયરલ કઈ રીતે કરવો એમાં નિષ્ણાંત હતી. (CA ફેસબુક ના જ યુઝર નો ડેટા લઇ, એને ગમે એવી એડ ફેસબુક પર જ દેખાડતી હતી,વાઉ ફ્રેંક અન્ડરવુડ ખુશ હુઆ… 😉 )
ઉપરાંત ફેસબુક માં ટાર્ગેટેડ ઓડીયન્સને દેખાડવામાં આવતો કન્ટેન્ટ ખાનગી હોય છે. એક ઓડીયન્સ માટે તૈયાર કરેલી એડ્સનો કન્ટેન્ટ બીજા કોઈને દેખાતો નથી. અને એ વાતોનો ફાયદો લઇ ફેસબુકમાં ટાર્ગેટેડ ઓડીયન્સ પર ફેક ન્યુઝ અને સમાચારોના એકતરફી રીપોર્ટીંગનો ભરપુર મારો ચલાવવામાં આવ્યો હતો, અને આ પાછળનું એક જ કારણ હતું. સત્યને તોડી મરોડીને મતદાતાઓના મન બદલવા.
6. કેમ્બ્રિજ એનાલીટીકા અને SCL એ ભારતમાં કોની સાથે કામ કર્યું હતું? અથવા શું 2014ની ચૂંટણી માં નરેન્દ્ર મોદી એ CA અથવા SCL સાથે કામ કર્યું હોઈ શકે?
CA અને એ જેની પેટા કંપની છે એ સ્ટ્રેટેજીક કમ્યુનીકેશન લેબોરેટરી એ દાવા કર્યા છે કે એ લોકો 2007 થી કાર્યરત છે અને નાઈજીરિયા, કેન્યા અને ભારત સહીત ઘણા દેશોમાં પોલીટીકલ પાર્ટી સાથે કામ કર્યા છે. તો સહેજે ય સવાલ ઉઠે કે 2014 નું બીજેપીનું 272+ નું અભિયાન ચલાવવામાં CA અથવા SCL નો હાથ હોઈ શકે. અને એ માની પણ શકાય છે કારણકે એ એવા લોકો માટે કામ કરે છે જે મોટે ભાગે જમણેરી વિચારધારા ધરાવતા પક્ષો કે લોકો છે, ડોનાલ્ડ ટ્રમ્પ કે બ્રેક્ઝીટ સપોર્ટ કરતા નાઇજેલ ફારાજ બંને જમણેરી છે. એટલે ભારતમાં CA સાથે કામ કરવા માટે ચોક્કસ જમણેરી વિચારધારા ધરાવતી બીજેપી જ તૈયાર થાય.
પણ એવું નથી, કેમ્બ્રિજ એનાલીટીકાની સ્થાપના જ 2014 માં થઇ જયારે ભારતમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો હતો. અને એ વખતે પ્રચારનો એ તબક્કો હતો જયારે કોઈ નવી સેવા લેવાનો તો સવાલ જ નથી ઉઠતો. નરેન્દ્ર મોદી અને અમિત શાહના 272+ ના મિશનમાં સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થયો હતો, પણ જયારે આ વિચાર અને એનો અમલ શરુ થયો ત્યારે CA નું કોઈ અસ્તિત્વ જ ન હતું.
SCL એ ભારતમાં બે વાર કામ કર્યું હતું. અને Ovleno Business Intelligence ભારતમાં SCL વતી કામ કરે છે એ વાત સો ટકા સાચી છે. Ovleno Business Intelligence અમરીશ ત્યાગીની કંપની છે જેના પિતા K.C. ત્યાગી જનતા દળ યુનાઈટેડના મહત્વના સભ્ય છે અને નીતીશ કુમાર(ના મહાગઠબંધન ) ને 2015 માં બિહારની ચૂંટણી જીતાડવામાં અમરીશ ત્યાગીનો મોટો હાથ હતો. અડધા વર્ષ પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં અમરીશ ત્યાગીએ પોતે આ વસ્તુ કબુલ કરી હતી અને આ ઉપરાંત ગયા સપ્ટેમ્બરમાં પબ્લીશ થયેલા રીપોર્ટ મુજબ વિરોધ પક્ષની એક પાર્ટી એ 2019 ની ચૂંટણીઓ જીતવા કેમ્બ્રિજ એનાલીટીકા નો સંપર્ક કરેલો.
અને હમણાં જ ક્રિસ્ટોફર વાયલીએ બ્રિટીશ સંસદને આપેલા નિવેદનમાં કોંગ્રેસનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે CA એ લોકલ લેવલ પર કોંગ્રેસ સાથે કામ કર્યું છે. ઉપરાંત CA ના CEO એલેકઝાંડર નિકસની ઓફીસ માં કોંગ્રેસ નું પોસ્ટર પણ લાગેલું છે, જે ફોટોશોપ નથી એ ઈન્ટરવ્યુ લેવાવાળા અને એ શૂટ કરવાવાળા બંને વ્યક્તિઓ એ કન્ફર્મ કર્યું છે.
7. અને આ બીજેપી અને 272+ ની લીંક, અમરીશ ત્યાગીએ બીજેપીને મદદ કરી હોવાનો દાવો એ સમાચાર નું શું?
એમ તો વિકિપીડિયાના કહેવા મુજબ અમરીશ ત્યાગીએ ફેક ન્યુઝ નો મારો ચલાવી મોદીની મદદ કરી હતી, અને અબકી બાર મોદી સરકાર નું સૂત્ર અમરીશ ત્યાગીનો આઈડિયા હતો. એટલે શું ન્યુઝ, મીડિયા અને વિકિપીડિયા કહે એ બધું સાચું માની લેવાનું? અબકી બાર મોદી સરકારના સૂત્ર વિષે થોડા પાછળ જઈએ તો આ સૂત્રનો આઈડિયા સ્પાઈસ જેટના અજય સિંહ, જાણીતા એડ મેન પીયુષ પાંડે અને પ્રસૂન જોશીમાંથી કોઈ પણ એક એ આપ્યો હોય એવા રીપોર્ટ મળે છે. અમરીશ ત્યાગીનું નામ અને કેમ્બ્રિજ એનાલીટીકામાં બીજેપીને સંડોવતા રીપોર્ટ અઠવાડિયા થી વધારે જુના નથી. અમરીશ ત્યાગી ના વિકિપીડિયા પેજ પર આ સૂત્ર નો ઉલ્લેખ પણ છેલ્લા અઠવાડિયા માં જ ઉમેરાયો છે. જયારે ઉપર જે બે રીપોર્ટ ની લીંક છે એ પાંચ થી આઠ મહિના જુના રીપોર્ટ છે અને એમાં CA અને અમરીશ ત્યાગી બંનેના નામ છે.
હા બીજેપીએ સોશિયલ મીડિયાનો જોરદાર ઉપયોગ કરેલો, અને એ લોકો એ સચોટ મુદ્દા ઉઠાવેલા. કદાચ એ લોકોએ પણ ફેસબુકના યુઝર્સના ડેટાનો ઉપયોગ કર્યો હોઈ શકે. પણ એ ડેટા CA કે SCL પાસેથી આવ્યો હશે એનો છેલ્લા બે-ત્રણ દિવસ પહેલાનો કોઈ રીપોર્ટ નથી. પણ હા, કોંગ્રેસે CAનો સપ્ટેમ્બર મહિના માં સંપર્ક કર્યો હતો, અને એ પછી એની આક્રમકતા ઘણી વધી છે.
આ કોઈ ડેટા ખાનગી ડેટા નથી, આપણે આપણા જ હાથે આ સોશિયલ નેટવર્ક રૂપી સાપને પબ્લિક ડેટા રૂપી દૂધ પાઈને ઉછેર્યો છે. આધારમાં પ્રાઈવસી નો ભંગ થાય છે કહી ને છાજીયા લેનારા લોકો ફ્રી અને સસ્તાની લ્હાયમાં પોતાનો નામ, નંબર, ફૂડ ટેસ્ટ, પોતાના જીવન સાથીનું નામ અને પોતાના બેડરૂમની દીવાલો નો કલર પણ ફેસબુક કે કોઈ પણ સોશિયલ નેટવર્કને હોંશે હોંશે દઈ દેતા હોય છે.
નવી ગાડીના ફોટા, હમણાં જ પૂરી કરેલી ટુરના ફોટા, જ્યાં એસટી બસ દસ મિનીટ થી વધારે ન ઉભી રહેતી હોય એ જગ્યાના ટ્રાવેલિંગ ટુ ના પ્લેન વાળા સ્ટેટસ, ફીલિંગ ફલાણું અને ફીલિંગ ઢીકણું વાળા સ્ટેટસ આ બધા નો ઉપયોગ આપણી જ સામે આપણને જ ભરમાવવા થાય છે, આપણી જ સહમતીથી. અને એટલેજ ઓપન સોર્સના પ્રણેતા Richard Stallman ના કહેવા પ્રમાણે, આપણે ફેસબુક નો ઉપયોગ નથી કરતા, ફેસબુક આપણો ઉપયોગ કરે છે.
જો તમને પણ તમારી પ્રાઈવસીની, અને તમારા ડેટાની ચિંતા હોય અને તમે ફેસબુક છોડી ન શકતા હો તો એક નાનકડો પ્રયોગ કરો. અઠવાડિયા પુરતું ફોનમાંથી ફેસબુકની એપ્પ ડીલીટ કરી દો, ફેસબુક નો ઉપયોગ કરવો જ હોય તો એની મોબાઈલ સાઈટ માંથી કરો. જરૂર વગર કોઈ સ્ટેટસ અપડેટ ન કરો. ખરેખર ફેસબુકમાં સ્ટેટસ કે ડીપી અપડેટ ન કરવાથી કઈ ખાટુંમોળું થતું નથી. મેં પોતે છેલ્લા બે વર્ષથી મારો કવર ફોટો અને દોઢેક વર્ષથી મારું ડીપી નથી બદલ્યું, અને હું જીવતો છું અને મસ્ત છું. તમે પણ અઠવાડિયા પુરતું ફેસબુક માંથી વેકેશન લો. જીવનમાં કેવા બદલાવ આવે છે એ નોંધ કરો, ત્યાં સુધીમાં હું પણ આવતા અઠવાડિયે તમારી સમક્ષ પાછો આવીશ એ ટીપ્સ અને ટ્રીક્સ લઈને જેના થી તમે તમારી પ્રાઈવસી જાળવી શકો. અને આપણે આપણા અનુભવો ઈ છાપું પર જ સાથે શેર કરીશું….
ત્યાં સુધી, મે ધ ફોર્સ બી વિથ યુ…..