શોપિંગ કરતા કરતા થાકી જવાય એવા મુંબઈ ના Top 10 શોપિંગ પ્લેસીઝ

0
1298
Photo Courtesy: dnaindia.com

મુંબઈ એ ભારતનું આર્થિક કેપિટલ કહેવામાં આવે છે અને આથીજ અહીં આર્થિક પ્રવૃત્તિઓ સતત ધમધમતી હોય છે. એવું કહેવાય છે કે આ માયાનગરીમાં આવનાર દરેકને કોઈને કોઈ રોજગારી મળી જ રહે છે. ભારતના કોઇપણ શહેરમાં જાવ પરંતુ મુંબઈનો એક અલગજ ચાર્મ છે જે તમને સદાય આકર્ષતો હોય છે અને કદાચ એટલે આજે પણ ઘણા ગુજરાતીઓ મહત્ત્વના શોપિંગ માટે મુંબઈ જવાનો આગ્રહ રાખતા હોય છે.

એવું નથી કે મોટી ખરીદી કરવા પુરતુંજ મુંબઈ યોગ્ય શહેર છે અહીં દરેક માટે ખરીદી કરવા માટે જગ્યા મળી જ રહે છે. તમે મુંબઈ માત્ર ફરવા ગયા હોવ અને તેના Top 10 શોપિંગ પ્લેસીઝની મુલાકાત ન લ્યો તો પરત આવ્યા બાદ લોકો તમારા પર હસે એવી શક્યતાને નકારી ન શકાય. ટૂંકમાં કહીએ તો મુંબઈમાં શોપિંગની એક અલગજ મજા છે. પરંતુ આ મજાને ડબલ કરવી હોય તો અમારી પાસે એવા ટોચના દસ સ્થળો છે જે મુંબઈમાં તમારું શોપિંગ સરળ બનાવશે અને આમાંથી કેટલીક તો એવી જગ્યાઓ છે જે તમારા ખિસ્સાને પણ પરવડશે. તો ચાલો જઈએ મુંબઈના શોપિંગમાં…

મુંબઈ શોપિંગને સરળ બનાવતા Top 10 પ્લેસીઝ

Inorbit Mall, મલાડ

ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તમને મલાડમાં આવેલા વિશાળ Inorbit Mall માં આસાનીથી મળી આવશે. શોપિંગ ઉપરાંત બાળકોને બિઝી રાખવા માટે અહીં ગેમિંગ આર્કેડ પણ આવેલું છે. તમારે શોપિંગ નથી કરવું પરંતુ માત્ર મુવી જોવું છે? તો તેની પણ અહીં વ્યવસ્થા છે. વિકેન્ડ્સમાં અહીં મુંબઈગરાઓ રીતસર ઉમટી પડે છે એટલે જો તમે બહારથી મુંબઈ શોપિંગ કરવા ગયા હોવ તો શનિ-રવિ Inorbit Mall અવોઇડ કરવો સલાહભર્યું છે.

લિન્કિંગ રોડ, બાંદ્રા

લિન્કિંગ રોડ અને ફેશન સ્ટ્રીટ એ મુંબઈના સૌથી લોકપ્રિય શોપિંગ સ્પોટ્સ છે. શૂઝ, ઈમિટેશન જ્વેલરી, ચામડાની બેગ્સ, કપડા… તમારે જે જોઈએ તે તમને લિન્કિંગ રોડ પર મળી આવશે. એવું નથી કે અહીં માત્ર સસ્તી ફેશન સામગ્રી જ મળશે કારણકે આ વિસ્તારમાં મોટી શોપ્સ પણ આવેલી છે જે તમને ડિઝાઈનર બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે.

ચોર બજાર

ભીંડી બજાર નજીક આવેલું ચોર બજાર મુંબઈનું શોપિંગ માટેનું એક બીજું અત્યંત લોકપ્રિય સ્થળ છે. અહીં તમને કદાચ દુનિયાની કોઇપણ પ્રોડક્ટ કે પછી તેના સ્પેર્સ મળી રહેશે. મોબાઈલ ફોન લેવો છે? મોટરસાયકલના સ્પેર લેવા છે? ડોન્ટ વરી ચોર બજાર હૈ ના?

ફેશન સ્ટ્રીટ, ચર્ચગેટ

ચર્ચગેટ સ્ટેશનની પાછળ અને VSNL બિલ્ડીંગની સામે આવેલા વિશાળ મેદાનમાં વર્ષોથી ફેશન સ્ટ્રીટ અસ્તિત્વ ધરાવે છે. સારી ક્વોલીટીના કપડા પછી એ પાંચ વર્ષનું બાળક હોય કે પચીસ વર્ષની વ્યક્તિ અહીં એક એકથી ચડિયાતા કપડા તમને મળી જશે અને એ પણ અનબિલીવેબલ ભાવમાં. અહીં એક બાબતનું ધ્યાન જરૂર રાખજો કે લાઈનસર આવેલી અસંખ્ય દુકાનોમાં જ્યાં પણ ‘No Bargaining’ લખ્યું હોય ત્યાં બાર્ગેઈન કરવાની બિલકુલ ભૂલ ન કરતા કારણકે તમારી એ ઈચ્છા પૂરી નહીં જ થાય.

હિલ રોડ, બાંદ્રા

મુંબઈગરાઓને જ્યારે પણ પોતાના વોર્ડરોબમાં રહેલા કપડા બદલવાની ઈચ્છા થાય ત્યારે તેઓ બાંદ્રામાં આવેલા હિલ રોડની મુલાકાત જરૂર લેશે. એટલે જો તમે મુંબઈ ખાસ શોપિંગ માટે જ ગયા હોવ તો તમે પણ હિલ રોડની મુલાકાત જરૂર લઇ શકો છો, પણ હા બજેટ થોડું વધુ હોવું જરૂરી છે.

તમને ગમશે: કોચ હરેન્દ્રના એક મંત્રથી મહિલા એશિયા કપ હોકી જીતાયો

ક્રોફર્ડ માર્કેટ

મુંબઈમાં શોપિંગ કરવા જતા હશો તો જાણીતી મનીષ માર્કેટ વિષે સલાહ આપવાને બદલે અમે ક્રોફર્ડ માર્કેટ જવાની સલાહ જરૂર આપીશું. આ એક હોલસેલ બજાર છે અને અહીં સબ બંદર કે વ્યાપારી તમને મળી આવશે. ભેટસોગાદો, કપડા, ઈલેક્ટ્રોનિક એસેસરીઝ તમને જે જોઈએ તે અહીં મળી રહેશે. પરંતુ જો તમને મરી-મસાલા ખરીદવાની ખાસ ઈચ્છા હોય તો ક્રોફર્ડ માર્કેટ સિવાય એટલીસ્ટ મુંબઈમાં તો બીજો કોઈજ વિકલ્પ નથી.

હિંદમાતા માર્કેટ, દાદર

રેડીમેઈડ કપડા ખરીદવા જો તમે ખાસ મુંબઈ જતા હોવ તો પછી હિંદમાતા માર્કેટથી વધુ યોગ્ય કદાચજ અન્ય કોઈ વિકલ્પ હોઈ શકે. અહીં એક પછી એક અસંખ્ય દુકાનો છે જ્યાં માત્રને માત્ર રેડીમેઈડ કપડાઓ મળે છે અને પણ જુદાજુદા વિકલ્પો સાથે. હા એક બાબત જરૂર નોંધી રાખશો કે હિંદમાતા માર્કેટમાં તમને ભારતીય સ્ટાઈલના કપડા વધારે જોવા મળશે.

કોલાબા કોઝવે

જંક આઈટમો જેવીકે જંક જ્વેલરી, પોસ્ટર્સ, વિવિધ પ્રકારના ચિત્રો, કી ચેઈન, હાથમાં પહેરવાના બ્રોચ, કડા આવી બધી આઈટમો અથવાતો સ્પીકર્સ, ચાઇનીઝ આઈટમો આ બધું તમને અત્યંત સસ્તા ભાવે કોલાબા કોઝવેમાં મળી આવશે.

મનીષ માર્કેટ, CST વિસ્તાર

છત્રપતિ શિવાજી ટર્મિનસની સાવ નજીક અત્યંત પ્રખ્યાત ઈલેક્ટ્રોનિક આઈટમોનું માર્કેટ આવેલું છે જેનું નામ છે મનીષ માર્કેટ. એક જ મોટા બિલ્ડીંગની અંદર ત્રણ માળમાં વારાફરતી અસંખ્ય દુકાનો આવેલી છે જે મોબાઈલ ફોન, તેની એસેસરીઝ અને એવી ગણી ગણાય નહીં એટલી ઇલેક્ટ્રિક આઈટમ વેંચે છે. અહીં તમને સસ્તી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જરૂર મળી રહેશે પરંતુ તેની કોઈજ ગેરંટી નહીં મળે.

ધ બોમ્બે સ્ટોર

બોમ્બેના વિવિધ પોશ વિસ્તારોમાં તમને ધ બોમ્બે સ્ટોરની શાખાઓ જોવા મળી જશે. અહીં હોમ ફર્નિશિંગથી માંડીને બ્યુટી પ્રોડક્ટ્સ, વેલનેસ પ્રોડક્ટ્સ બધુંજ મળી રહેશે. હા દામ અત્યંત ઉંચા હોવાથી જો તમારા બજેટને અનુકુળ ન હોય તો પણ અહીં વિન્ડો શોપીગ કરવા તો જઈ જ શકાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here