ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની માંગ વધી અને આશ્ચર્યજનક પરિણામો આવ્યા

0
209
Photo Coutesy: financialexpress.com

ભારતીયોમાં ગ્રામીણ વિસ્તારો માટે હજી પણ એક એવી છબી છે કે એવરેજ ભારતના ગામડાઓ પછાત છે અને અહીંના લોકો ગરીબીમાં જ જીવે છે. બીજી એક એવી માન્યતા પણ આપણા બધામાં ઘર કરી ગઈ છે કે ગ્રામીણ વિસ્તારના લોકો માત્ર ખેતી જ કરે છે અને અન્ય કોઈ બાબતોમાં રસ દાખવતા નથી. જો તમે પણ આવી માન્યતા ધરાવો છો તો માર્ચ મહિનામાં ઓટોમોબાઇલ વેચાણના આંકડાઓ પર ધ્યાન આપશો તો તમારી આંખો સો ટકા પહોળી થઇ જશે.

Photo Coutesy: financialexpress.com

ગત નાણાકીય વર્ષના છેલ્લા મહિના એટલેકે માર્ચમાં ભારતના ટોચના કાર ઉત્પાદકોએ પોતાના વેચાણમાં 11.72% જેટલો વધારો નોંધાવ્યો હતો. કોઇપણ વ્યવસાયમાં ડબલ ડિજીટ વૃદ્ધિ નોંધાવી ખાસીએવી સિદ્ધિ ગણાતી હોય છે. આમ ભારતના ઓટોક્ષેત્ર માટે આ અત્યંત આનંદના સમાચાર છે. ટોચના કાર ઉત્પાદકો જેવાકે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, તાતા મોટર્સ લિમિટેડ અને ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડે ભેગા મળીને માત્ર માર્ચ મહિનામાં 2,40,000 કાર વેંચી હતી જેની સંખ્યા 2017ના માર્ચમાં 2,15,576 રહી હતી.

અહીં સુખદ સમાચાર એ છે કે ઉપરોક્ત આંકડાઓમાં સૌથી વધુ વેચાણ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં થયું હતું. જો કે આમ થવું બિલકુલ નવું પણ નથી. ગયા વર્ષે દશેરા અને દિવાળી વચ્ચેના સમયમાં પણ આ જ તર્જ પર ઓટો ઉત્પાદકોએ ડબલ ડિજીટ વેચાણ નોંધાવ્યું હતું અને તે વખતે પણ તેમણે ગ્રામીણ વિસ્તારોને જ તે માટેની ક્રેડિટ આપી હતી. આ વખતે ચૈત્રી નવરાત્રી, ગુડી પડવો અને રામનવમીને લીધે ગ્રામીણ વિસ્તારોમાં વધુ કારો વેંચાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમને ગમશે: ટેસ્ટ મેચ સાથે ખતરનાક પ્રયોગો કરતા પહેલા બે વાર વિચારો

કાર ઉત્પાદકો માટે વેચાણ એટલે ડિલર્સને તેઓ પોતાની ફેક્ટરીમાંથી કાર મોકલી આપે તેને ગણવામાં આવતું હોય છે. એક માન્યતા અનુસાર માર્ચ મહિનામાં સામાન્યરીતે વણવેચાયેલા સ્ટોકને ખાલી કરવા માટે કાર ઉત્પાદકો ડિલર્સને કોઈને કોઈ રીતે કારની ખરીદી કરવા માટે દબાણ કરતા હોય છે, પરંતુ આ માર્ચમાં આમ બન્યું ન હોવાનું અને ડિલર્સ દ્વારાજ નવા સ્ટોકની માંગ કરવામાં આવી હોવાનું પણ કહેવાયું છે.

કાર ઉદ્યોગના નિષ્ણાતો એવું માને છે કે નોટબંધી બાદ હવે માર્કેટ સ્થિર થવા લાગ્યું છે અને માર્ચ મહિનાના આ બમ્પર કાર વેચાણથી ખ્યાલ આવે છે કે નોટબંધીની અસર હવે પૂરી થઇ ગઈ છે. કોર્પોરેટ ક્ષેત્રની રેટિંગ એજન્સી ICRA લિમિટેડે જણાવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ ત્રિમાસિકગાળામાં એવું જોવા મળ્યું છે કે ગ્રામીણ બજારોનું કાર ખરીદ પ્રત્યેનું ખેંચાણ નોંધપાત્રરીતે વધ્યું છે અને આગામી સમયમાં પણ તે ચાલુ રહે તેવી પુરેપુરી સંભાવનાઓ છે જેને લીધે ઓટોમોબાઇલ ઉદ્યોગ હજુ વધુ તેજ ગતિએ વિકસિત થશે તેવું લાગી રહ્યું છે.

આમ, ભારતનું અર્થતંત્ર હવે માત્ર શહેરીજનો પર જ આધારિત નથી રહ્યું પરંતુ લક્ઝરી ગ્રામીણોને પણ એટલીજ પસંદ પડી રહી હોવાથી અહીં પણ મોંઘી કારો વેંચાવાનું શરુ થઇ ગયું છે જે દેશના સાર્વત્રિક આર્થિક વિકાસ માટે ઘણો સારો સંકેત કહી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here