ખાંડ પ્રત્યેનો મોહ દૂર કેમ ન થઇ શકે? આ રહી તેની વૈજ્ઞાનિક પદ્ધતિ

0
344
Photo Courtesy: indianexpress.com

ખાંડ એટલેકે મિઠાશ એટલેકે ગળપણ એક ઉંમર સુધી તો તેને અનલિમિટેડ જથ્થામાં શરીરમાં ઢોળવાથી કોઈજ વાંધો નથી આવતો. પરંતુ જેમજેમ ઉંમર વધતી જાય છે તેમતેમ ખાંડ તમારા શરીરનો દુશ્મન બનવા લાગે છે, એક એવો દુશ્મન જે તમારા ઘરમાં રહીને જ તમને પરેશાન કરી શકે છે. આપણે અહીં એવી વૈજ્ઞાનિક પદ્ધતિ વિષે જાણીશું જે તમારો ખાંડ પ્રત્યેનો મોહ ધીરેધીરે દૂર કરવામાં મદદ કરશે.

Photo Courtesy: indianexpress.com

અહીં એક બાબતની નોંધ જરૂર લેવી કે આપણે જે પદ્ધતિ વિષે જાણવાના છીએ તે ડાયાબિટીસથી પીડાતા લોકોને ફાયદો કદાચ કરી શકે છે પરંતુ તેની કોઈ ગેરંટી નથી. અત્યારે જે ટિપ્સ આપવામાં આવશે તે એવા લોકો માટે છે જે અત્યારેતો હેલ્ધી છે પરંતુ ભવિષ્યમાં પણ ખાંડને કારણે પોતાનું શરીર ન બગડે એવું ઈચ્છે છે. તો ચાલો જાણીએ કે આપણે કેવી રીતે ખાંડ પ્રત્યેનો લગાવ ઉંમરના કોઇપણ પડાવે ધીરેધીરે ઓછો કરી શકીએ.

મીઠાઈ અને આઈસ્ક્રીમ અડધા ખાવ

થોડુંક કન્ફયુઝન જરૂર થયું હશે આ વાંચીને, તો ચાલો એ કન્ફયુઝન પણ દૂર કરીએ. તમે હેલ્ધી છો અને હાલમાં તમે ગમે તેટલી મીઠાઈ ખાવ કે ઈચ્છો એટલા કપ આઈસ્ક્રીમના ખાઈ જાવ તો તમને તકલીફ નથી પડવાની એવી તંદુરસ્તી તમે ધરાવતા હોવ. તો અમુક  ઉંમર પછી મીઠાઈઓ અને આઈસ્ક્રીમ ખાવાના બંધ નથી કરવાના પરંતુ તમને જેટલી કવોન્ટિટી ખાવાની ઈચ્છા હોય તેનાથી અડધી કવોન્ટિટી જ ખાવી અને ધીરેધીરે તેમાં ઘટાડો કરતો જવો. આનાથી ખાંડ શરીરમાં આપોઆપ ઓછી જવા લાગશે.

ખૂબ પાણી પીઓ

પાણી પીવાથી શરીર ઘટે તો છે જ પરંતુ તેનાથી ખાંડ પ્રત્યેનો લગાવ પણ ઓછો થતો હોવાનું સંશોધકોએ પુરવાર કર્યું છે. ગળ્યું ખાવાની મહત્તમ ઈચ્છા વ્યક્તિને ત્યારેજ થતી હોય છે જ્યારે તેના શરીરમાં પાણીનું લેવલ અત્યંત ઓછું હોય છે. આથી દિવસમાં જો 8 થી 10 ગ્લાસ પાણી, ઓછામાં ઓછું પીવામાં આવે તો ગળ્યું ખાવાની ઈચ્છા આપોઆપ ઓછી થઇ જશે.

કુદરતીરીતે ગળ્યા પદાર્થો વધુ ખાવ

કુદરતી રીતે ગળ્યા પદાર્થો એટલે સ્વાભાવિકપણે ફળો. બજારમાં મળતી ખાંડ શરીરને નુકશાન પહોંચાડી શકે છે, પરંતુ કુદરતે આપેલા મીઠા મધુરા ફ્રૂટ્સ તમારી ગળપણ ખાવાની ઈચ્છા પણ પૂરી કરશે અને શરીરમાં ખાંડનું પ્રમાણ પણ નહીં વધારે.

લીલા શાકભાજીનો ઉપયોગ વધારો

અમને ખબર છે કે લીલોતરી ખાવી તમને નથી ગમતી પરંતુ આપણો હેતુ જો ખાંડથી થતી બીમારીઓથી દૂર રહેવાનો હોય તો શરૂઆતમાં આંખો સજ્જડ બંધ કરીને પણ લીલા શાકભાજી જરૂર ખાવાના શરુ કરી દેવા જોઈએ. લીલા શાકભાજીમાં ખૂબ પોષણ હોય છે જે છેવટે ગળપણ પ્રત્યેની તમારી ઈચ્છા ઓછી કરે છે.

ખુશ રહો અને પુરતી ઉંઘ લો

મીઠાઈ ખાવાથી તમને આનંદ મળે છે બરોબર? તો એ આનંદ ઓછો મળે તેના માટે જીવનના અન્ય પાસાંઓમાંથી આનંદ મેળવવાની કોશિશ કરો પછી જુઓ મીઠાઈ એટલેકે ખાંડ ખાવાની ઈચ્છા કેવી રીતે એની મેળે ઓછી થઇ જશે. બીજું, જો આખો દિવસ ખુશ રહેવું હોય તો રાત્રે પુરતી એટલેકે સાત કલાકની ઉંઘ પણ એટલીજ જરૂરી છે, તો પુરતી ઉંઘ જરૂર લ્યો.

મિનરલ્સ ધરાવતો ખોરાક વધારો

પોતાનામાં ખૂબ મિનરલ્સ હોય એવા ખોરાક શોધીને તેનો ઉપયોગ વધારો. આમતો શક્કરીયામાં પણ ખૂબજ મિનરલ્સ હોય છે પરંતુ તેમાં ખાંડ પણ સાવ ઓછી નથી હોતી. તેમ છતાં ક્યારેક શક્કરીયા ખાવામાં વાંધો નથી. જો શક્ય હોય તો દરિયાઈ શાકભાજી જો મળતી હોય તો તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે, તેનો ઉપયોગ થઇ શકે.

જંક અને પેક્ડ ફૂડ્સથી દૂર રહો

કોઈકવાર જંક ફૂડ ખાવામાં શો વાંધો? પરંતુ જંક અથવાતો પેક્ડ ફૂડ્સ એટલા સ્વાદિષ્ટ હોય છે કે આપણે તેને વારંવાર ખાવા લાગીએ છીએ. આ પ્રકારના ખોરાકથી મગજ પર એક ખાસ અસર થતી હોય છે જે તમને વધુને વધુ ગળ્યું ખાવા માટે મજબૂર કરે છે તેમ વૈજ્ઞાનિકો જણાવે છે. આમ આ પ્રકારના ફૂડ્સને આપણે માત્ર દરકિનાર જ નથી કરવાના પરંતુ તેને સંપૂર્ણ જાકારો જ આપવાનો છે જેથી શરીરમાં ખાંડ ઓછી જાય.

ધ્યાન અને યોગાભ્યાસ કરો

જેમ આગળ જણાવ્યું કે દિવસભર ખુશ રહેવાથી મીઠુ ખાવા પ્રત્યે ઓછી ઈચ્છા થશે તો ખુશ રહેવા માટે ધ્યાન અને યોગાભ્યાસ પણ ઘણા મદદરૂપ થઇ શકે છે. દિવસનો એક કલાક પોતાના માટે આપી અને વિવિધ યોગાભ્યાસ અને ધ્યાન દ્વારા મનને શાંત કરો જેથી ખાંડ ખાવાની ઈચ્છા જ ન થાય.

તમારા ભોજનમાં આથાવાળી વાનગીઓ ઉમેરો

એક રિસર્ચમાં સાબિત થયું છે કે આથો ધરાવતી વાનગીઓ જો ખોરાકમાં લેવામાં આવે તો તે ખાંડની આડઅસર સામે બેલેન્સિંગ એક્ટ જેવું કામ કરે છે. જો તમારું શરીર તંદુરસ્ત હોય અને અન્ય કોઈ રોગ ન હોય તો ડોક્ટર કે પછી ડાયેટીશ્યનની સલાહ મુજબ રોજીંદા ખોરાકમાં આથાવાળી આઈટમ્સ જરૂર ઉમેરી શકાય.

કુટુંબીજનો અને તમારું સન્માન કરતા લોકો સાથે વધુ સમય ગાળો

આ પણ ખુશ રહેવાનો એક રસ્તો જ છે. તમને ગમતા લોકો અને તમે જેને ગમો છો એવા લોકો સાથે વધુ સમય ગાળવાથી શરીરમાં હકારાત્મકતા પ્રસરે છે, મન પ્રસન્ન રહે છે અને સરવાળે વધુ ખુશી મેળવવા ગળ્યા પદાર્થો ખાવાની ઈચ્છા થતી નથી. આમ કુટુંબીજનો કે મિત્રો સાથે વધુ સમય ગાળવાથી પણ ખાંડ તમારાથી દૂર રહી શકે છે.

eછાપું

તમને ગમશે: જ્યારે અશ્વિન અને ગિબ્સની ટ્વિટ ચર્ચામાં રજનું ગજ થઇ ગયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here