ચાલો વાંચીએ એક બરબાદ થઇ ગયેલા ફેસબુકિયા ની આત્મકથા

0
302
Photo Courtesy: gadgethacks.com

જમાનો પરિવર્તનશીલ છે. જૂનું જાય છે ભાગ્યું અને નવું આવે છે ધસમસ ધસમસ! કાલે ઓરકુટીયા હતા તો આજે ફેસબુકિયા છે. ફેસબુક પર કોઈના કારોબાર ધમધોકાર ચાલે છે તો કોઈ  થોડામાં સંતોષ માને છે. ધારો કે ભવિષ્યમાં કોઈપણ કારણસર ફેસબુકનો સૂરજ પણ આથમી જાય, તો આજે જે ફેસબુકીઓની બોલબાલા છે એવા ફેસબુકીઓની બોલબાલા ન પણ રહે. એવા સંજોગોમાં બોર્ડની પરીક્ષામાં ‘એક બરબાદ ફેસબુકીની આત્મકથા’ એવો નિબંધ પણ પૂછાય. તો, આવો નિબંધ કેવો હોઈ શકે એ માટે મેં થોડુંક મનોમંથન કર્યું છે. જેના પરિણામે જે કાંઈ ટમટમ નીપજ્યું છે એ ટમટમ  આપની સેવામાં પ્રસ્તુત છે…

Photo Courtesy: gadgethacks.com

હું ફેસબુક સંસ્કૃતિના અવશેષરૂપી કેટલાંક ખંડેરો વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં અચાનક જ એક ખૂબ જ કરુણાભર્યો અવાજ સાંભળ્યો: ‘એ ભાઈ, અરે ઓ ભલા માણસ, ઊભો તો રહે. અરે! ભાગે છે કેમ? હુ ક્યાં સોનાચાંદી માંગુ છું? હુ ક્યાં રૂપિયા કે પૈસા માંગુ છું? એક Comment માંગુ છું. અરે, Comment ન દેવી હોય તો વાંધો નહિ. એક  Like તો કરતો જા.  ભગવાન તારું  ભલું કરશે.’

મને દયા આવી ગઈ. હુ એ બોલનારની પાસે ગયો. ત્યાં થોડાક Likeના ટુકડા વેરવિખેર પડ્યા હતા. મેં એ બધાં ટુકડાને વ્યવસ્થિત ગોઠવીને એના ઠોસર્યામાં મૂક્યા. ઉપરથી મારું એક Like પણ મૂક્યું. મારા વ્યવહારથી એ ખૂબ જ રાજી થયો અને એણે મને આશીર્વાદ આપ્યાં કે: ‘તારા ભંડાર  Commentsથી ભર્યાં રહેશે. તારા  Like  દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધશે.’

હું ત્યાંથી રવાના થતો હતો ત્યારે એણે મને ખૂબ જ દર્દભર્યા અવાજે કહ્યું કે: ‘હે ભલા માણસ, તું  આવ્યો છે તો મારી દર્દભરી દાસ્તાન નહીં સાંભળે? મારા જેવાં દુખિયારા પર એટલી દયા નહિ કરે?’

મને એની દયા આવી ગઈ. મેં કહ્યું: ‘જરૂર સાંભળીશ.’

એણે એની ફેસબુકિયા જીવનની કથા શરૂ કરી…

ભાઈ,  આ જે  ખંડેર વચ્ચે હુ મારા દુઃખના દિવસો પસાર કરી રહ્યો છું, ત્યાં એક જમાનામાં ફેસબુક નામે હર્યોભર્યો પ્રદેશ હતો. આ જે કાટમાળના ઢગલા પર આપણે અત્યારે બેઠા છીએ ત્યાં મારા ફેસબુકિયા ઇમારતની Wall હતી. એ Wall  સદાય મારા ફેસબુકિયા મિત્રોની વાહવાહથી ભરી ભરી રહેતી હતી. અરે, તું  નહિ માને, હુ સવારે ઊઠીને બ્રશ કરતો કરતો મારી ઇમારતની Wall  પર જેવી નજર નાખતો, એવા જ Wall પરથી એકસામટા અવાજો આવવા લાગતા: ‘Good Morning… Good Morning… શુભ પ્રભાત… આપનો દિવસ સુંદર જાય… આપની સવારની ચા વિશ્વની શ્રેષ્ઠ ચા હોય.’

તમને ગમશે: ICC ના બે નવા ફોર્મેટમાં વચ્ચે આવશે ભારત વિ પાકિસ્તાન સિરીઝની મક્ષિકા

મને થતું કે, અરેરે! આ લોકો રાત્રે ઘરે પણ નહીં જતા હોય! આખી Wall પર ઠેકઠેકાણે મિત્રોનો  અડીંગો જામેલો રહેતો. કોઈ લટકતા હોય! કોઈ આડા થઈને પડ્યા હોય! કોઈ વળી પોતાની વાત કહેવા અધીરા બન્યા હોય. મારી Wall પર કોઈ ભાતભાતની તસવીરો લગાડતું, કોઈ ગીત મૂકતું તો કોઈ વાર્તા મૂકતું. કોઈ વળી એના હૈયાની વરાળથી Wallને ભીંજવી નાખતું. અરે! બેત્રણ દિવસ બહાર જઈને આવું તો Wall પર કેટલીય Tags લટકતી દેખાતી. એ દિવસોમાં મને ક્યારેય એકલવાયું નહોતું લાગતું. દિવસમાં વારેવારે Wall પરથી  હાકલા સંભળાતા રહેતા કે: ‘ચા પીધી કે? ખાધું કે? શું ખાધું? એકલા એકલા ખાધું? અમને યાદ ન કર્યા? આજે તો તમે તમારી જોરદાર તસવીર મૂકી છે. અમે તો રોજ તમારી ફેસબુકિયા Wall પર આવીએ છીએ. તમે અમારી Wall પર ક્યારેક તો આવો….’

કોઈના હાકલાનો હુ જવાબ આપું તો એ રાજી થઈને Wall પર જ ડાન્સ કરવા લાગતો. મને સાલી બીક લાગતી કે, આ હરખપદોડો Wall પરથી નીચે તો નહીં ખાબકે!

સામે, તને જે મોટા ઓરડા જેવું દેખાય છે ને એ ઓરડામાં મારી અને મારા ફેસબુકિયા મિત્રોની પાર વગરની તસવીરો  લટકતી રહેતી હતી. એની બાજુમાં એક મોટો ખંડ હતો. જેમાં મારાં અને મિત્રોનાં લખાણો નું રોજ રોજ પ્રદર્શન થતું  ક્યાં ક્યાંથી લોકો એ લખાણો વાંચવા આવતા. વાંચીને રાજી થતા. કેટલાક તો મને મિત્ર બનાવવાની વિનંતી કરતા. ફેસબુકના કાયદા મુજબ પાંચ હજારથી વધારે મિત્રો બનાવી નહોતા શકાતા એટલે ઘણા લોકોને મારે નારાજ કરવા પડતા. તોય બિચારા ગમે એમ કરીને મારે ત્યાં આંટા મારવા આવતા. મારું મિત્રવર્તુળ પણ ખૂબ જ વિશાળ હતું. જાણે એક મોટું લશ્કર!

હા, લશ્કર જ! કારણ કે ફેસબુકિયા પ્રદેશમાં ક્યારેક ક્યારેક ધીંગાણાં પણ થઈ જતાં. હુ અને મારાં મિત્રો પૂરી ખુમારીથી લડતા અને આક્રમણખોરોને છઠ્ઠીનું  ધાવણ  યાદ કરાવી દેતા.

જેમ જેમ મારી કીર્તિ ફેલાતી ગઈ એમ એમ મારી ઇમારતની Wall પર ભીડ વધતી ગઈ. ક્યારેક ક્યારેક તો મારા મિત્રોમાં અંદરોઅંદર પણ અથડામણો થઈ જતી. કેટલાક હિતશત્રુઓ પણ મિત્રોના સ્વાંગમાં આવીને વાતાવરણ બગાડી જતા. મારે ખૂબ ધ્યાન રાખવું પડતું.  કેટલાક અવળચંડા નર, નારીના રૂપે આવીને મને લલચાવતા, પરંતુ હું સતત જાગૃત રહેતો. એવા બહુરૂપિયાઓને હું  તગેડી મૂકતો.

મારી ઇમારતની Wall પર મોડી રાત સુધી Postsની આવનજાવન રહેતી. ગાડીમોઢે  Posts ઉતરતી. કેટલાક તો, હું મારી Post મૂકું એ ધન્ય ઘડીને રાહ જોઈને જ બેસી રહેતા. હું જેવી Post મૂકું કે, એ લોકો હું Like અને Comments ઠાલવવા લાગતા. કેટલાક તો મારી Post વાંચ્યા વગર જ Like અને Commentsનો  ઢગલો કરી દેતા. મારી Postને Share કરવા માટે કેટલાક ફેસબુકિયા  મિત્રો ખડે પગે તૈયાર રહેતા. મારી Wall  પર મારી પ્રશંસા અને ટીકાઓનો  ઢગલો થઈ જતો. કેટલીય ટીકાઓ બિચારી દબાઈ જતી અને બૂમો પાડતી કે: ‘બચાવો… બચાવો.’

મારે ઘણી વખત કહેવું પડતું કે: ‘ભાઈઓ અને બહેનો, બધાં અહીં ધામો ન નાખો.  બીજી એવી Wall  પર જાઓ કે જ્યાં કાગડા ઊડે છે!’ પણ મારી વાત કોઈ માનતું નહોતું.

પરંતુ કહેવાય છે ને કે: ‘એકસરખા દિવસો કોઈના જતા નથી. દરેક સારી વાતનો પણ અંત હોય છે. સર્જન પછી વિસર્જન હોય છે.’ સમય જતાં ફેસબુકની જાહોજલાલી ઓછી થતી ગઈ.  લોકો પોતાની ફેસબુકિયા ઇમારતોને તાળાં મારીમારીને બીજા પ્રદેશમાં જતા રહ્યા. મને મારા પ્રદેશ સાથે એવી દગાબાજી કરવી ઠીક ન લાગી.  હુ પડ્યો રહ્યો! પણ, મારો કારોબાર ઘટવા લાગ્યો. પરિણામે. મારાથી મારી Wallની જાળવણી ન થઈ શકી. ધીરે ધીરે એના કાંગરા ખારવા લાગ્યા ને આ દુઃખના દિવસો આવીને ઊભા રહ્યા.

એ માણસ ખૂબ જ ભાવુક થઈ ગયો. અમારી બંને વચ્ચે મૌન પથરાઈ ગયું.

થોડી વાર પછી એણે એક મોટો નિસાસો મને કહ્યું:  ‘ભાઈ,  એ જાહોજલાલીના દિવસો યાદ કરીકરીને દિવસો પસાર કરું છું.  જ્યાં એક વખત મિત્રોનાં નામ પણ યાદ નહોતાં રહેતાં ત્યાં આજે સમ ખાવા એકાદ મિત્ર પણ નથી! સમય સમયની વાત છે! સમય બડા બલવાન, નહીં ફેસબુક બલવાન!’

મારાથી એનું દુઃખ જોવાયું નહીં એટલે થોડું આશ્વાસન આપીને હુ ત્યાંથી ઝડપથી ભાગ્યો. કારણ કે, અંધારું થવા લાગ્યું હતું અને વાતાવરણ ભયંકર થતું જતું હતું.

જતાં જતાં મારા કાને જૂની ‘ખાનદાન’ ફિલ્મનું એક ગીત સંભળાયું…

કલ ચમન થા આજ એક સેહરા હુઆ

દેખતે હી દેખતે યે કયા હુઆ

કલ ચમન થા…

મુઝકો બર્બાદી કા કોઈ ગમ નહીં

ગમ હૈ બર્બાદી કા કયોં ચર્ચા હુઆ

કલ ચમન થા…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here