એક જમાનો એવો હતો કે માફિયાનું નામ કાને પડે એટલે ભલભલાના હાંજા ગગડી જતા. માફિયાને ટૂંકમાં ઓળખવા હોય તો ગેંગસ્ટર અથવા તો ડોન. હવે ફિલ્મોમાં અને ટીવી સિરીઝમાં વારતહેવારે એટલા બધા ‘ડોનો’ જોવા મળે છે કે તેમનાથી લાગતો ડર તો જાણેકે હવા થઇ ગયો છે. દક્ષિણ અમેરિકાના કોલમ્બિયામાં છેક 1980ના દાયકાથી ડ્રગ માફિયાઓનું રાજ ચાલતું તેની સત્ય ઘટનાઓ પર આધારિત Netflixની સિરીઝ Narcos આપણને એક નાનકડા દેશ પર પેરેલલ સરકાર કેવી રીતે ચાલતી હોય છે તેનું ઉંડાણપૂર્વક દર્શન કરાવે છે.

પાબ્લો એસ્કોબાર, આમતો કોલમ્બિયાના નાના પરંતુ મહત્ત્વના શહેર મેડેયીનમાં ટેક્સીનો ધંધો સામાન્ય ચલાવતો વ્યક્તિ હતો. એસ્કોબાર અને તેના કઝીન ગુસ્તાવોને ક્યાંકથી ડ્રગ્સના ધંધામાં ખૂબ કમાણી છે એવો અણસાર આવી જાય છે અને પછી શરુ કરે છે ખૂદનો ડ્રગ્સનો કારોબાર. શરૂઆતની નાની મોટી હેરાફેરીમાંથી આ બંને મેડેયીનની પોતાની ખુદની કાર્ટેલ શરુ કરે છે અને એક સમય એવો આવે છે કે સમગ્ર કોલમ્બિયામાં તેમની હાક વાગવા લાગે છે. આટલુંજ નહીં એસ્કોબાર ડ્રગ્સના ધંધામાંથી એટલું કમાય છે કે જેનાથી તે કોલમ્બિયાનું રાષ્ટ્રીય દેવું ચૂકવી શકવા માટે સમર્થ બની જાય છે!
Narcos ની કુલ ત્રણ સિઝન Netflix પર ઉપલબ્ધ છે. સિઝનનો મતલબ 10-13-15 જેવા એપિસોડ્સનું એક જૂથ. એક સિઝન પતી જાય એટલે કોઇપણ સિરીઝ જો લોકપ્રિય થઇ હોય તો છ મહિનાથી એક વર્ષનો બ્રેક લે અને પછી ફરીથી નવી સિઝન Netflix પર લઈને આવી જાય. ટૂંકમાં કહીએ તો અહીં આપણી ભારતીય ટીવી સિરીયલોની જેમ કચરાછાપ કથાનકની ફેક્ટરીમાં પાંચ-પચ્ચીસ હજાર એપિસોડ્સનું ઉત્પાદન કરીને પરાણે કોલર ઉંચા રાખવાની વાત બિલકુલ નથી.
તમને ગમશે: તમે બનાવેલા રેકોર્ડ્સ ક્યારેય તમારા નથી હોતા: સર્ગેઈ બુબકા
ચાલો ફરીથી Narcos પર આવીએ. આ અદભુત સિરીઝની ત્રણમાંથી પ્રથમ બે સિઝન માત્ર ને માત્ર પાબ્લો એસ્કોબારના જીવન પર આધારિત છે અને ત્રીજી સિઝન પાબ્લોના એક સમયના કટ્ટર હરિફ કાલી કાર્ટેલ એટલેકે હિલ્બર્ટો રોદ્રીગેઝ અને તેના બંધુ મિગેલ રોદ્રીગેઝ તેમજ તેમના પાર્ટનર્સ પાચો અને ચેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્રણેય સિઝનના લગભગ 80 થી 90 ટકા સંવાદ સ્પેનિશ અથવાતો લેટિનમાં છે પરંતુ આપણા બધાની સરળતા માટે અંગ્રેજી સબટાઈટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
એક સામાન્ય નિયમ છે કે ફિલ્મ કે પછી કોઈ સિરીઝનો અસલી આનંદ માણવો હોય તો એ જે ભાષામાં બની હોય તે ભાષામાં જ જોવી. Narcos ની ભાષા ભલે સ્પેનિશ હોય પરંતુ તેના અદાકારોના કુદરતી હાવભાવ અને એમની અદાકારી એ ભાષામાં બોલતા સંવાદો દ્વારા જ નિખરે છે એમાં કોઈનેય શંકા હોવી ન જોઈએ. અહીં અમેરિકન એજન્સી DEA ના એજન્ટ મર્ફી અને એજન્ટ પેન્યા પણ છે જે અમેરિકન સરકાર દ્વારા ખાસ આ કાર્ટેલ્સને તહેસનહેસ કરી દેવા માટે કોલમ્બિયા મોકલવામાં આવ્યા છે અને એ લોકો અને એમના સ્ટાફના લોકો અંગ્રેજીમાં વાતચીત કરે છે એટલે એમની હાજરી પુરતું આપણે જે બોલાય છે તે સમજી શકીએ છીએ.
અમેરિકાનું નામ વાંચીને નવાઈ લાગીને? કે કોલમ્બિયાના ડ્રગના પ્રોબ્લેમમાં અમેરિકાનું વળી શું કામ? વેલ, આપણને ખબર જ છે કે જ્યાં કોઈ તકલીફ ન હોય જેમકે ઈરાક, ત્યાં પણ અમેરિકાને ઘૂસ મારવી હોય છે જ્યારે કોલમ્બિયાની આ કાર્ટેલ્સનો ધંધો તો અમેરિકા સુધી વિકસી ગયો હતો એટલેકે એ સમયમાં અમેરિકામાં ડ્રગ્સનો ખૂબ મોટો પ્રોબ્લેમ હતો અને આ ડ્રગ્સ કોલમ્બિયાથી એસ્કોબાર અને કાલી કાર્ટેલ દ્વારા મુખ્યત્વે અમેરિકા પહોંચાડવામાં આવતું. બસ આ કારણને લીધે અમેરિકાએ કોલમ્બિયામાં ઉતરાણ કરવું પડ્યું હતું.
આ સિરીઝની એક મહત્ત્વની વાત ખાસ કરવી છે. આપણે ત્યાં જ્યારે શાહરૂખ ખાનની ‘રઈસ’ આવી ત્યારે તેના પર આરોપ લાગ્યો હતો કે તે અમદાવાદના જાણીતા ભૂતપૂર્વ ગેંગસ્ટરને ગ્લોરીફાય કરે છે. વેલ, બોલિવુડ અને હોલિવુડની સરખામણી ન હોય પરંતુ જો તમે Narcos જોશો તો તમને પાબ્લો એસ્કોબારના કરવામાં આવેલા મહિમામંડન સામે રઈસના શાહરૂખનું ગ્લોરીફીકેશન તો પાની કમ ચાય જેવું જ લાગશે.
મૂળ વાત એ છે કે જેના આત્મકથાનક પર તમે સિરીઝ કે ફિલ્મ બનાવતા હોવ તેનો હિરો એ બેડમેન જ હોય છે અને એણે પોતાના જીવનમાં જેટલા પણ ખૂન કર્યા હોય કે પછી વટ કે સાથ કાયદાનો ભંગ કર્યો હોય તેને તે જ રીતે દર્શાવવા પડે. રામાયણમાંથી રાવણ પર સિરીઝ બનાવવામાં આવે તો રાવણની ખરાબ બાજુને પણ જેમ છે તેમ દર્શાવવી પડે, પછી તેને તમે ગ્લોરીફાય કર્યું કહો અને તેનાથી સમાજ પર ખરાબ અસર પડશે એવું માનો તો પછી તમારી મરજી ભાઈ!

વાત કરીએ Narcos ની ટ્રીટમેન્ટ અને અદાકારી વિષે તો એના વિષે જેટલા પણ શબ્દોનો ઉપયોગ કરીએ તે ઓછા હશે. અહીં આપણે તેની સ્ટોરી ખુલ્લી નથી પાડતા અને માત્ર આ સિરીઝનો રિવ્યુ જ કરી રહ્યા છીએ એટલે ફક્ત એક્ટર્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. હા તો પાબ્લો એસ્કોબાર બનતા વેગનર મુરા, એજન્ટ સ્ટિવ મર્ફી તરીકે બોય્ડ હોલબ્રૂક પહેલી બે સિઝનમાં અને એજન્ટ હાવીયેર પેન્યા તરીકે પેદ્રો પાસ્કલ ત્રણેય સિઝનમાં રીતસર છવાઈ જાય છે અને જ્યારે પણ તમે સિરીઝ જોતા હોવ છો ત્યારે તમારા મન પર આસાનીથી કાબુ મેળવી લે છે.
આ તો બધા મુખ્ય અદાકારો થયા, પરંતુ અમુક ‘ઈમ્પેક્ટ અદાકારો’ પણ આ સિરીઝમાં ઉપલબ્ધ છે. અંગત રીતે પહેલી બે સિઝનમાં કોલમ્બિયાના રાષ્ટ્રપતિ સિઝર હાવીરીયા તરીકે રાઉલ મેન્ડેઝની એક રાજકારણી અને નિર્ણયશક્તિ ધરાવતા નેતા તરીકેની મેચ્યોર એક્ટિંગ ખૂબ મજા કરાવે છે. તો સેન્યોર એસ્કોબારના છેવટ સુધી વિશ્વાસુ રહેલા લા કીકા તરીકે ડીએગો કેન્તાનીયો બંને સિઝનમાં ખૂબ ઇરીટેટ કરે છે.
ત્રીજી સિઝન આમતો હિલ્બર્તો રોદ્રીગેઝ પર આધારિત છે પણ અદાકારીમાં જો સૌથી વધારે ઈમ્પ્રેસ કરી ગયા હોય તો તે છે મિગેલ રોદ્રીગેઝ બનતા ફ્રાન્સિસ્કો ડેનીસ. આ કેરેક્ટર અત્યંત મૃદુતા થી બોલે છે ક્યારેક જ ગુસ્સો કરે છે અને માત્ર ચહેરાના હાવભાવથી અને બોલવાના આરોહ અવરોહથી અદાકારી કરતા હેન્ડસમ ફ્રાન્સિસ્કોને જોવા એક ટ્રીટથી જરાય ઓછો અનુભવ નથી.
ત્રીજી સિરીઝમાં જો સૌથી ડરાવ્યા હોય તો તે દાવીદ બનતા આર્તુરો કાસ્ટ્રોએ. દાવીદ એ મિગેલ રોદ્રીગેઝનો પુત્ર છે અને અમુક અંશે ધૂની છે. જેમણે આ સિરીઝ હજી સુધી નથી જોઈ એમનો રસભંગ ન થાય એટલે દાવીદ છેલ્લે છેલ્લે કેમ ડરાવે છે તેનો ખુલાસો નહીં કરી શકાય માટે સોરી!
Narcos માં ઘણીબધી લેટિન સુંદરીઓ પણ જોવા મળી જશે જેમાં એસ્કોબારની પત્ની તાતા બનતી પોલીના ગાઈતાન, ટીવી જર્નાલીસ્ટ અને પાબ્લોની ગર્લફ્રેન્ડ સ્ટેફની સિગ્મેન મુખ્ય છે. પણ આ લખનારનું દિલ જીતી લીધું છેક ત્રીજી સિઝનમાં કાલી કાર્ટેલના ચિફ ઓફ સિક્યોરીટી હોર્હે સાલ્કાડો બનતા માતીયાઝ વરેલા (આ અદાકારની એક્ટિંગ પણ તોડી નાખે એવી છે હોં કે?)ની પત્ની પાઓલા બનતી તાલીયાના વર્ગાસે. તાલીયાનાને પેલું કહેવાય છે ને કે ઈશ્વરે ફૂરસદમાં બનાવી હોય એવી સુંદરતા બક્ષી છે જેની ભક્તિ કરવાનો લાભ તમને Narcos જોવાથી જ મળશે.
ટૂંકમાં જો તમને ક્રાઈમ સિરીઝ અથવાતો ક્રાઈમની સત્યઘટનાઓ પર આધારિત ડ્રામા વગેરે જોવું ગમે છે તો સાવધાન ઇન્ડિયા જેવા કાર્યક્રમો જોવા કરતા Narcos ની ત્રણેય સિઝન જોવી સારી. જો તમે તમારી ક્રાઈમ ઉપર આધારિત ફિક્શન જોવાની ‘ભૂખો’ સાવધાન ઇન્ડિયા, CID કે અદાલત જોઇને પુરી કરો છો તમને Narcos નો લા કીકા પૂગે!!
eછાપું
તમને ગમશે: જ્યારે રોજર ફેડરરે તેના બેસ્ટ ફ્રેન્ડને ખોટો સાબિત કર્યો