પશ્ચિમ રાજસ્થાનમાં બિશ્નોઈ સમાજના લોકો મોટા પ્રમાણમાં નિવાસ કરે છે. એવું કહેવાય છે કે છેલ્લી અડધી સદીથી બિશ્નોઈ સમાજ આ વિસ્તારના જંગલોમાં આવેલા તમામ પ્રાણીઓની સુરક્ષાનું કામ કરે છે. દંતકથાઓ તો એવું પણ કહે છે કે કુટુંબથી છુટા પડી ગયેલા નાના પ્રાણીઓને બિશ્નોઈ સમાજની મહિલાઓ પોતાનું દૂધ પીવડાવતી હતી. બિશ્નોઈ સમાજના આ જ પ્રાણીપ્રેમે છેવટે વીસ વર્ષે સલમાન ખાનને કાળિયારના શિકારના મામલે જેલ ભેગો કર્યો છે.

સલમાન ખાન ચિંકારા કેસના બે કેસમાં ભલે નિર્દોષ છૂટી ગયો પરંતુ બિશ્નોઇઓએ સલમાનને એ વખતે પણ દોષી ઠેરવવા માટે ખૂબ મહેનત કરી હતી કારણકે તેમની જંગલી પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા જગજાહેર છે.
1998ની પહેલી અને બીજી ઓક્ટોબરે સલમાન ખાને આ વિસ્તારના ભવાડ અને મથાનિયા ગામની આસપાર આવેલા જંગલમાં ચિંકારા અને કાળિયારનો શિકાર કર્યો હતો અને તેના બે સાક્ષી હતા. એક તો હતા પૂનમચંદ બિશ્નોઈ અને બીજા હતા છોગારામ બિશ્નોઈ. જોકે છોગારામ સતત બીમાર રહેવાને લીધે કોર્ટમાં પોતાની સાક્ષી આપી શક્યા ન હતા. પરંતુ પુનમચંદની સાક્ષીએ સલમાન ખાનની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં ખૂબ મદદ કરી હતી અને ગઈકાલના ચૂકાદા બાદ પુનમચંદ પોતાને સંતોષ થયો હોવાનું જણાવે છે.
તમને ગમશે: ICC એસોસિએટ ટીમોનું ભવિષ્ય એટલે “જાયેં તો જાયેં કહાં?”
પશ્ચિમ રાજસ્થાનના બિશ્નોઇઓ હિંદુ સમાજનો એક ભાગ છે અને સંપૂર્ણપણે શાકાહારી છે. તેઓ તેમના ગામડાઓની આસપાસ વસવાટ કરતા તમામ પ્રાણીઓને પ્રેમ કરે છે અને આ તમામ પ્રાણીઓની સુરક્ષા તેમની જવાબદારી હોવાનું તેઓ પેઢીઓથી માનતા આવ્યા છે. રાજસ્થાનના આ હિસ્સામાં આપણને કાળિયાર અને ચિંકારા ઉપરાંત ગીધ, મોર અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે નામશેષ થવાની અણી પર છે તે વસવાટ કરતા જોવા મળે છે.
બિશ્નોઈ સમાજની સ્થાપના ગુરુ જમ્ભેશ્વરના 29 સિદ્ધાંતોનો આધાર લઈને 1485માં થઇ હતી અને અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં લગભગ 50 મિલિયન બિશ્નોઇઓ હોવાનું માનવામાં આવે છે. 1995માં બિશ્નોઈ ટાઈગર ફોર્સની રચના કરવામાં આવી હતી અને આ ફોર્સ અહીં શિકારીઓ વિરુદ્ધ ચળવળ ચલાવી રહી છે અને અહીં બનતા દરેક શિકારની આ ફોર્સ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે.
ટાઈગર ફોર્સના હાલના પ્રમુખ રામપાલ ભવાડ છે અને તેમનું કહેવું છે કે અત્યારસુધીમાં ફોર્સ દ્વારા 400થી પણ વધારે શિકારના કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે પણ કોર્ટમાં તેમના કેસની તારીખ હોય ત્યારે આ ફોર્સ ગામમાં એક મોક કોર્ટ ઉભી કરીને કોર્ટ જેવુંજ વાતાવરણ ઉભું કરે છે જેથી સાક્ષીને કોર્ટમાં સાક્ષી આપતી વેળાએ કોઈ ગભરામણ ન થાય અથવાતો અજાણ્યું ન લાગે. ફોર્સ દરેક સાક્ષીને દરેક કેસની પરિસ્થિતિનું જ્ઞાન પણ આપે છે.
બિશ્નોઈ ટાઈગર ફોર્સમાં લગભગ 24 જેટલી વ્યક્તિઓ સેવા આપે છે અને રાજસ્થાનનું જંગલખાતું પણ વન્યજીવોની સુરક્ષા માટે આ ફોર્સની કામગીરીની કાયમ દાદ આપતું હોય છે. એવું નથી કે ટાઈગર ફોર્સ માત્ર શિકાર થયેલા જાનવરો માટેજ કોર્ટ કેસ કરે છે, તેમના પ્રયાસોથી અસંખ્ય વન્યજીવોનું જીવન બચી પણ ગયું છે.
સલમાન ખાનના કાળિયારના કેસમાં બિશ્નોઈ સમાજે કાળિયારના પોસ્ટમોર્ટમમાં પણ ખૂબ મદદ કરી હતી. લલિત બોરા જે આ કેસમાં શરૂઆતમાં તપાસ અધિકારી હતા તેમણે જણાવ્યું હતું કે, “શિકાર જેનાથી થયો એ હથિયાર મેળવવામાં તેમજ સાક્ષીઓ છેક સુધી પોતાની જુબાની પર કાયમ રહ્યા તે માટે બિશ્નોઈ સમાજને ધન્યવાદ આપવા પડે. બોરાનું કહેવું છે કે આ બંને પરિબળોને લીધે જ સલમાન ખાનને આજે દોષિત સાબિત કરી શકાયો છે.
eછાપું