ભારતનો ઉત્તરપૂર્વ પ્રદેશ આઝાદીના સમયથી ખબર નહીં પરંતુ કેમ દિલ્હીની સરકારો માટે જાણેકે સાવકું સંતાન હોય એવો બની ગયો છે. પરંતુ અહીંના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રહેલી ભરપૂર ક્ષમતા હવે ધીરેધીરે બહાર આવી રહી છે અને મીરાબાઈ ચાનુ એ આ લિસ્ટમાં નવું નામ છે. મીરાબાઈ ચાનુએ ગઈકાલે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે શરુ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

મજાની વાત એ છે કે ગઈકાલનો દિવસ પૂરો થયો ત્યારે મીરાબાઈના કમાલને લીધે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત મેડલ ટેલીમાં સૌથી ઉપર રહ્યું હતું.
શરૂઆતમાં જણાવ્યું તેમ ભારતનો ઉત્તરપૂર્વનો પ્રદેશ પહેલેથી જ અળખામણો રહ્યો છે અને આથીજ અહીં સ્વાભાવિકપણે દેશના અન્ય હિસ્સાઓની સરખામણીએ ખૂબ ગરીબી છે. મીરાબાઈ ચાનુ પણ એક અત્યંત ગરીબ પરિવારમાં જન્મી અને ઉછરી હતી. મણીપુરના પાટનગર ઇમ્ફાલથી વીસ કિલોમીટર દુર નાંગપોક કાકચિંગ ગામમાં જન્મેલી મીરાબાઈ ચાનુ પોતાના માતાપિતાનું સૌથી નાનું અને છઠ્ઠું સંતાન છે.
તમને ગમશે: બોલિવુડ કેમ ક્યારેય બાહુબલી જેવી ભવ્ય ફિલ્મો નહીં બનાવી શકે?
રસોઈ બનાવવા માટે ઘરમાં સતત લાકડાની જરૂરિયાત રહેતી અને મીરાબાઈ ચાનુ પોતાનાથી ચાર વર્ષ મોટા ભાઈ સાઈખોમ સાનાતોંબા મેઇતેઈ સાથે જંગલમાં લાકડા વીણવા જતી હતી. દર વખતે મીરાબાઈ મેઇતેઈ કરતા નાની હોવા છતાં તેનાથી વધારે વજનના લાકડા ઉપાડી શકતી હતી.
મેઇતેઈએ એક જાણીતા અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે એક દિવસ અમે બંને જ્યારે જંગલમાં લાકડા વીણવા ગયા હતા ત્યારે મારી લાકડાની ભારી દર વખત કરતા જરા વધુ વજન ધરાવતી હતી. મને તો એ ભારી ઉપાડવામાં તકલીફ પડી પરંતુ મીરાબાઈએ આસાનીથી તેને ઉપાડી લીધી. મીરાબાઈ ચાનુ આ સમયે માત્ર બાર વર્ષની હતી.
મેઇતેઈને ફૂટબોલ રમવાનો ખૂબ શોખ હતો અને એ જ્યારે પણ ફૂટબોલ રમતો ત્યારે મીરાબાઈ તેને જોતી રહેતી. મીરાબાઈના મોટાભાઈને તેની આંખોમાં સ્પોર્ટ્સ પ્રત્યે પેશન હોવાનો ખ્યાલ આવ્યો અને સમય જતા મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગને પોતાનો પેશન બનાવ્યો.
રમતી વખતે મીરાબાઈની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી શકાય. મીરાબાઈ ચાનુ વિષે તેના મોટાભાઈએ જણાવ્યું હતું કે તે જ્યારે પણ કોઈ સ્પર્ધામાં ભાગ લેતી ત્યારે પોતાના પર બિલકુલ પ્રેશર લાવવા દેતી ન હતી. બસ એ જતી અને આરામથી વજન ઉપાડી લેતી.
કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનુ ત્રણ પ્રયાસોમાં અનુક્રમે 80 કિલો, 84 કિલો અને 86 કિલો વજન આસાનીથી ઉપાડી ગઈ હતી જે નવો કોમનવેલ્થ રેકોર્ડ બન્યો હતો. મીરાબાઈ ચાનુ જ્યારે વિજેતા જાહેર થઇ ત્યારે તેને ટીવી પર નિહાળી રહેલા તેના પિતા સાઈખોમ કીર્તિ મેઇતેઈની આંખો ભીની હતી અને માતા ઓંગબી તોંબી લેઈમા પાસે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે શબ્દો ન હતા.
ગામવાસીઓ મીરાબાઈ ચાનુની સિદ્ધિને ઉજવવા માટે તેના ઘરે આવ્યા અને તેના કુટુંબીજનો સાથે તેમણે પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું.
મેઇતેઈનું કહેવું છે કે મીરાબાઈ ચાનુ એ જે કોઇપણ સિદ્ધિ મેળવી છે એ જાતમહેનતથી મેળવી છે કારણકે તેના બાળપણમાં માતાપિતાની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી અને એવામાં તેને વેઇટ લિફ્ટિંગની ટ્રેઈનીંગ વગેરે માટે નાણાકીય મદદ થઇ શકે એવો કોઈજ ઉપાય તેમની પાસે ન હતો.
સલામ છે ભારતના સંતાન મીરાબાઈ ચાનુને જેણે ભારતનું શીશ ગર્વથી ઉંચું કર્યું છે!
eછાપું