પ્લેસિબો ઈફેક્ટ એટલે ટીકડીઓ વગર સાજા થવાની તરકીબ!

0
359
Photo Courtesy: neurofact.wordpress.com

આજે વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) છે. હેલ્થ વિશે, ટીકડીઓ, દવાઓ, ઈન્જેકશનો વિશે, આરોગ્યવર્ધક ખાણી-પીણીઓ વિશે સાંભળ્યું, વાંચ્યું, જોયું હશે, પણ એવું થાય કે દવા વગર જ દવા જેવી અસર થઈ જાય તો? એવું શક્ય છે જેને પ્લેસિબો ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્લેસિબો ઈફેક્ટ વિષે વધુ જાણીએ તે અગાઉ એક ટૂંકી વાર્તા અને  એકાદ બે ઉદાહરણ જોઈએ?

ઓ. હેન્રી (O. Henry)ની 1907 માં પ્રકાશિત એક ટૂંકી વાર્તા છે – ધ લાસ્ટ લીફ (The last leaf). વાર્તાનો પ્લોટ ગ્રીનવિચ વિલેજમાં એક વખત ફાટી નીકળેલ ન્યુમોનિયાના રોગચાળા દરમિયાન સેટ છે. વાર્તામાં એક વૃદ્ધ કલાકાર એક યુવાન સ્ત્રી કલાકારના જીવનને ન્યુમોનિયાના મૃત્યુથી, જીવંત રહેવાની ઇચ્છા આપીને બચાવે છે. ન્યુમોનિયાથી પીડિત કલાકારને ભ્રમ છે કે પોતાના ઘરની બારીમાંથી દેખાતા સામેના મકાનની દિવાલ પર ચઢેલી વેલના પાંદડા ખરે છે, જેને એની જિંદગી સાથે સીધો સંબંધ છે. જે દિવસે આખરી પાંદડું ખરી જશે તે દિવસે તેનું મૃત્યુ થશે. બર્ફીલા તુફાનમાં પણ છેલ્લું પાંદડું ક્યારેય ખરતું જ નથી અને એ જીવી જાય છે. સચ્ચાઈ તો યે હૈ કી આખરી પત્તા તો ઉસ બર્ફીલે તુફાનમેં હી ગીર ગયા થા, પણ નીચે રહેતા પિયક્ક્ડ બુઢ્ઢા કલાકારે તુફાનની રાત્રે આબેહૂબ પાંદડું એ દિવાલ પર ચીતરી દીધું હતું. એ બુઝુર્ગ તો બરફમાં ભીંજાવાથી મરી જાય છે પણ પોતાના જીવનનું છેલ્લું માસ્ટરપીસ બનાવીને યુવતીને જીવનદાન દઈ જાય છે. યુવતીને એમ જ લાગે છે કે છેલ્લું પાંદડું હજી ખર્યું જ નથી અને એ વિશ્વાસે જીવી જાય છે.

*****

આગળ વધતા અગાઉ એકાદ બે ઉદાહરણ જોઈએઃ

(1) એક હોટેલમાં સફાઈ કર્મચારીઓને 2 જૂથમાં વહેંચવામાં આવ્યા. એક જૂથને જણાવવામાં આવ્યું કે તેઓને સાફ-સફાઈમાંથી કેટલી કસરત મળી રહી છે અને તે કેવી રીતે તંદુરસ્ત બની રહ્યાં છે. અન્ય જૂથને કંઈપણ કહેવામાં ન આવ્યું. અઠવાડિયા પછી એવું પરિણામ આવ્યું કે જે લોકોને સફાઈના લાભ વિશે કહેવામાં આવ્યું હતું તેઓમાં વાસ્તવમાં વજનમાં ઘટાડો થયો અને કોલેસ્ટ્રોલ સ્તરમાં સુધારો થયો હતો. હકીકતમાં તેઓના મનમાં એવું ઠાંસી દેવામાં આવ્યું કે તેમનું કામ કેલરી બર્ન કરવામાં મદદરૂપ બને છે.

(2) એક વાર કોઈ નવી માથાના દુખાવાની દવાની અસરકારકતા નક્કી કરવા માટે એક અભ્યાસ માટે કોઈ વ્યક્તિને દવા આપવામાં આવી અને તેના માથાનો દુખાવો ઝડપથી મટી ગયો પણ પછી ખબર પડે છે કે જે દવા આપવામાં આવી હતી તે માત્ર એક ખાંડની ગોળી હતી.

(3) એક વાર સંશોધકોએ લોકોના એક જૂથને આંખે પાટા બાંધીને કહ્યું કે તેમના જમણા હાથમાં ઝેરી પ્લાન્ટ ઘસવામાં આવ્યા છે. પરિણામે, બધા લોકોના હાથમાં ખંજવાળ અને લાલ ચકામા ઉપસી આવ્યા – ઝેરી છોડને કારણે થનારા તમામ ક્લાસિક લક્ષણો. પણ પછી કહેવામાં આવ્યું કે આ અભ્યાસ માટે ઉપયોગમાં લેવાયેલો છોડ તો એક નિર્દોષ તુલસીનો છોડ હતો.

Photo Courtesy: neurofact.wordpress.com

પેરાસિટામોલની ટીકડીથી તાવ ઊતરી જાય પણ એનાથી કમરદર્દ પણ મટી જાય, એનું કારણ ‘પ્લેસિબો ઈફેક્ટ’ (Placebo Effect) છે. પ્લેસિબો કૃત્રિમ સારવાર છે. ઘણી વાર ડૉક્ટરો પોતાના દર્દીઓની માગણીને પૂરી કરવા માત્ર લાક્ષણિક ગોળી અથવા માત્ર મીઠું અને પાણી ધરાવતું ઇન્જેક્શન દઈને ખુશ કરે છે. કહેવાતા બનાવટી કરતૂત ફક્ત દર્દીના મનને સંતોષવા માટે આપવામાં આવતા હોય તેને ‘પ્લેસિબો’ કહેવાય છે. જેનો લેટિન અર્થ છે I shall please you (હું રાજી રાખીશ). મનને રાજી કરવાનું ડીડવાણું. પેલી ન્યુમોનિયાવાળી યુવતી પ્લેસિબો ઈફેક્ટનો જ શિકાર હતી. પ્લેસિબો ઈફેક્ટ એ માનવીય ફિઝિયોલોજી અને મનોવિજ્ઞાનમાં જોવા મળતી સૌથી વિચિત્ર અને ઓછામાં ઓછી કે ન સમજી શકાય તેવી ઘટનામાંની એક છે. આપણને તેના વિશે ખબર નથી પણ અજાણતા આપણે પોતાનો ઈલાજ કરાવીએ છીએ કારણ કે આપણને એ ઉપચાર પર શ્રદ્ધા છે. આપણે દરેક વખતે સાબિત કરી આપીએ છીએ કે મગજ અત્યંત શક્તિશાળી હોય છે. મનની તાકાત જબરદસ્ત હોય છે. મન તો એવું છે કે જ્યારે મોર બને ત્યારે થનગાટ પણ કરે અને બોર બને ત્યારે કકળાટ ને ફફડાટ પણ કરે.

તમે AYUSH ને ઓળખો છો? A (આયુર્વેદ), Y (યોગ અને નેચરોપેથી), U (યુનિની), S (સિદ્ધ) અને H (હોમીઓપેથી) – એટલે AYUSH! આરોગ્ય કેન્દ્રની આયુશ પ્રણાલીના શ્રેષ્ઠ વિકાસ અને પ્રચારને સુનિશ્ચિત કરવા માટે 9 નવેમ્બર 2014 ના રોજ આયુશ મંત્રાલયની રચના કરવામાં આવી હતી. પણ વૈજ્ઞાનિક સમુદાયમાં મજબૂત સર્વસંમતિ છે કે હોમિયોપેથી, નિસર્ગોપથી આ બધું પ્લેસિબો કરતાં વધુ કંઇ નથી.

પ્લેસિબો ખૂબ જ રસપ્રદ સબ્જેક્ટ છે. તમે ક્યાં રહો છો, તે સ્થાનના સાંસ્કૃતિક પરિબળો પ્લેસિબોને ઘણી વાર પ્રભાવિત કરે છે. અમેરિકનો એવી દવાઓ પર વિશ્વાસ રાખે છે જે નસોમાં ઇન્જેક્ટ થઈ શકે. યુરોપિયનો, બીજી બાજુ ઇન્જેક્શન કરતાં ગોળીઓ પર વધુ હકારાત્મક પ્રતિસાદ આપે છે. અલ્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ બ્રાઝિલ કરતાં જર્મનીમાં વધુ સારી કામગીરી બજાવે છે. જો કે, હાયપરટેન્શનની દવાઓના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે જર્મનીના લોકો ગોળીઓ માટે ઓછામાં ઓછા પ્રતિક્રિયાશીલ હતા. આપણે ત્યાં ડોક્ટર હાથ ઊંચા કરી દે પછી દવા કરતા દુઆ વધુ કામ કરી જાય છે. દોરા, ધાગા, તાવીજ, માતાજી, સૂરાપૂરા, વગેરે આપણે ત્યાં વધુ અસરકારક છે. આપણે ત્યાં બાબાઓની ભભૂતીથી જીવલેણ રોગ સારા થયાના દાખલા છે એ બીજું કંઈ નહીં પણ પ્લેસિબો ઈફેક્ટ છે. કોઈ પણ રોગમાં આપણે ટીકડી લઈએ એની સાઈઝ પણ પ્લેસિબોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સંશોધન એવું છે કે ડિપ્રેશનની સારવારમાં પીળી ટીકડી વધુ અસર કરે છે, જ્યારે લાલ ગોળીઓ દર્દીની ચિંતા ભૂલાવવામાં મદદરૂપ થાય છે. લીલી ગોળીઓ અસ્વસ્થતાને સરળ બનાવવામાં મદદ કરે છે જ્યારે સફેદ ગોળીઓ અલ્સરની સમસ્યાઓને દૂર કરે છે. જે ટીકડીઓ ઉપર ‘બ્રાન્ડ નેમ’ કે સ્ટેમ્પ મુકવામાં આવે છે તે ગોળીઓ જેમના પર કંઈ લખ્યું નથી એ કરતાં વધુ સારી રીતે કાર્ય કરે છે.

ગુજરાતીમાં એક કહેવત છેઃ બધું જોયાનું દુઃખ છે, ભાઈ! આપણે પાઉંની બનાવટને જોઈ નથી એટલે પાઉંની વાનગીઓ ચાર હાથે ઝાપટીએ છીએ. એકવાર પાઉં બનાવતી બેકરીમાં જઈને જોશો કે કેવી રીતે પગથી (એટલે જ એને પાઉં કહેવાતા હશે??) છૂંદીને લોટ બાંધવામાં આવે છે, તો પાઉંને બદલે પરાઠા ખાતા થઈ જશો. એવું જ મિઠાઈઓ પર લગાડવામાં આવનાર ચાંદીના વરખનું છે. માટે એ જાણવું જરૂરી છે કે પ્લેસિબોના જુડવા ભાઈનું નામ છે નોસિબો (Nocebo)! પ્લેસિબોથી વિપરીત, વ્યકિતઓ પ્રતિક્રિયા તરીકે નકારાત્મક લક્ષણોનો અનુભવ કરી શકે છે. ઘણી વાર ડૉક્ટર આપણને કહે કે ‘આ ટીકડી લેશો તો કદાચ જુલાબ પણ થશે’. બસ, ડૉક્ટરે કીધું એટલે આપણને જુલાબ ન થયા હોય તો પણ આપણે વારંવાર હાજતે જતાં હોઈએ છીએ. બિનઝેરી સાપ કરડે તોય માણસ ડરનો માર્યો મરી જાય. છાપામાં ‘ડાયાબિટીસથી સેક્સની ઈચ્છા મરી પરવારે છે’ એવું છપાય કે તે જ રાત્રે ડાયાબિટીસના રોગીઓ જાતિય જીવનમાં શારિરીક સુખની ઈચ્છા મૂકી દે. તુલસીના છોડવાળા કેસમાં નોસિબો ઈફેક્ટ હતી.

પ્લેસિબોની અસરો માટે એક ખુલાસો એવો છે કે દર્દીને એક આશામાં બાંધી રાખવામાં આવે છે. આ આશાનો અનુવાદ શરીરમાં ચોક્કસ હોર્મોન્સ અને અન્ય બાયોકેમિકલની શારીરિક વૃદ્ધિમાં થાય છે. આ પછી રોગપ્રતિકારક શક્તિઓ ટ્રિગર થાય અને દર્દીના હીલિંગમાં ફાળો આપતા અન્ય બાયોકેમિકલ્સના ઉત્પાદનને પ્રેરિત કરે છે. 1700 ના દાયકાના અંતમાં પ્લેસિબો અસરનો પ્રથમ ઉલ્લેખ કરાયો હતો, પરંતુ સાચી શારીરિક અસરો 1970 પછી જ સમજાવા લાગી. આપણે ડૉક્ટર પાસે નિયમિત જઈએ, તપાસ કરાવીએ, ફાર્મસી પર જઈને ગોળીઓ લઈએ અને આશા રાખીએ છીએ કે ઇલાજ કરવાથી આપણને સારુ થઈ જશે. સમય જતાં આ અપેક્ષા વધુ સ્પષ્ટ બનતી જાય છે કારણ કે વિજ્ઞાનમાં આપણી શ્રદ્ધા મજબૂત બનતી જાય છે. ખરેખર, શ્રદ્ધાનો હો વિષય તો, પુરાવાની શી જરૂર?

(પ્લેસિબો વિશેની જાણકારી આપવા બદલ પરેશ વ્યાસનો આભાર)

પડઘોઃ

પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુદ્ધા ગેંગેંફેંફેં

ને શ્રદ્ધા મારી જોઈને થઈ ગ્યા, ઈશ્વર સુદ્ધા ગેંગેંફેંફેં

અનિલ ચાવડા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here