સલમાન ખાન પરના ચુકાદાએ આપણા બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા

0
314
Photo Courtesy: moroccoworldnews.com

સલમાન ખાન પર કાળિયારને મારી નાખવાના આરોપો સિદ્ધ થયા અને એને સજા થઇ. અમુક વર્ષ અગાઉ જ્યારે સલમાનને ફૂટપાથ પર સુતેલા લોકોને કચડી નાખવાના આરોપસર સજા થઇ હતી ત્યારે તે મુંબઈ હાઈકોર્ટમાંથી માત્ર ત્રીસ મિનિટમાં જામીન મેળવવામાં સફળ થયો હતો. જોધપુર કોર્ટમાં બપોરે લગભગ બે વાગ્યે જ્યારે સલમાનને સજા થઇ હોવાનું બહાર આવ્યું ત્યારે એ તો ખબર નથી કે ‘કિતને પ્રતિશત ભારતીય…’ પણ મોટાભાગના જાણેકે પ્રાર્થના કરી રહ્યા હતા કે આ વખતે પણ સલમાનને ત્વરિત જામીન ન મળે તો સારું.

Photo Courtesy: moroccoworldnews.com

સામાન્ય ભારતીયોમાં પોતાના વિષે એક એવી છાપ છે કે તેઓ કાયદાનું હંમેશા સન્માન કરતા હોય છે. જ્યારે પણ કોઈ રાજકારણી કે ‘મોટો માણસ’ જેલમાં જાય ત્યારે સામાન્ય ભારતીયના ચહેરા પરના આનંદને શબ્દોમાં વ્યક્ત કરવો અઘરો બની જતો હોય છે. અને આનંદ થાય પણ કેમ નહીં? એક આમ ભારતીય રોજેરોજ ઘંટીમાં પીસાઈને માંડ બે પૈસા કમાતો હોય છે અને જો એ નોકરિયાત હશે તો એ બે પૈસામાંથી એક પૈસો એણે ઇન્કમ ટેક્સવાળાઓને આપવો પડતો હોય છે અને કાયદાનું પણ પાલન કરવું પડતું હોય છે, અને એ મોટેભાગે કરતો પણ હોય છે.

આમ રોજેરોજની તકલીફોમાંથી નીકળતા આમ ભારતીયને જ્યારે અઢળક કમાણી કરતા અને કાયદાનું ભાગ્યેજ પાલન કરતા અમુક સેલિબ્રિટીઝ કાયદાના સાણસામાં આવે છે ત્યારે તેને મોજ પડી જતી હોય છે. જાણેકે એને અત્યારસુધી પડેલી તકલીફો પર કોઈએ ટ્રક ભરીને બર્નોલ ઠાલવી દીધું હોય એવી રાહત એને થતી હોય છે. એક રીતે જોવા જઈએ તો આ ફીલિંગ ખોટી છે એમ ન કહી શકાય, કારણકે આપણે ત્યાં ન્યાય બધા માટે સરખો નથી. સલમાન ખાનનું જ ઉદાહરણ લઈએ તો મુંબઈવાળા કેસમાં એને ત્રીસ મિનિટમાં જામીન પણ મળી ગયા અને બોમ્બે હાઇકોર્ટે સમય જતા તેને નિર્દોષ પણ જાહેર કરી દીધો હતો.

સામાન્ય વ્યક્તિ માટે ત્રીસ મિનીટ તો શું કદાચ ત્રીસ દિવસ પણ ઓછા પડત સલમાન પ્રકારના કેસમાં જામીન મેળવવા માટે. એવું નથી કે સલમાન પૈસાવાળો છે એટલે એને જામીન મળી ગયા. હકીકત એવી છે કે તમારું ખિસ્સું જેટલું ભારે એટલો હોંશિયાર વકીલ તમે હાયર કરી શકો. સલમાનને અડધા કલાકમાં જામીન અપાવનાર વકીલોની ફૌજના સેનાપતિઓના નામ વાંચશો તો તમને આ સત્યનો ખ્યાલ આવી જશે. જ્યારે ગરીબ કે સામાન્ય વ્યક્તિ માટે આવી કાયદાની નાનામાં નાની આંટીઘૂંટી જાણનાર વકીલ પોસાય તેવા ભાવે મળી શકતો નથી અને પરિણામે એક જ ગુનાસર ઓછું કમાતો વ્યક્તિ ધનિક વ્યક્તિની સરખામણીએ ન્યાય મેળવવામાં મોડો પડે છે.

આ તો થઇ સિક્કાની એક બાજુ. બીજી બાજુ છે સેલિબ્રિટી હોવાના ગુનાની. બેશક સલમાન ખાન વિરુદ્ધ હવે આરોપ પુરવાર થઇ ગયા છે અને તે જેલભેગો પણ થઇ ગયો છે, પણ સલમાન છે એટલે એ જેલમાં જવો જ જોઈએ એવી બાધા રાખનારા પણ કઈ ઓછી સંખ્યામાં નહોતા. ફરીથી પેલા મુંબઈવાળા કિસ્સાને જ લઈએ તો સલમાનને જ્યારે સજા થઇ ત્યારે જે આનંદ સોશિયલ મિડિયા પર ફૂટી નીકળ્યો હતો અને ન્યાયતંત્રની વાહવાહી થઇ હતી તે સલમાનને બેઇલ મળતા અડધા કલાકમાંજ રોષ અને ન્યાયતંત્રને અપશબ્દો કહેવા સુધી પહોચી ગયું હતું.

કેમ? કારણકે સલમાન એ સેલિબ્રિટી છે અને એને શેના આમ જામીન મળે? એક-બે વર્ષ તો જેલમાં એણે સડવું જોઈએને! ત્વરિત જામીન મેળવવા માટે આપણે આગળ વાત કરી એમ સલમાન અને તેના વકીલોએ માત્ર કાયદાના બારી-દરવાજાઓનો જ લાભ લીધો હતો પરંતુ પોતાનો આનંદ આમ ત્રીસ મિનીટ જ ચાલ્યો એ કોઈને પણ પોસાય એવું ન હતું અને આથી ન્યાયતંત્ર ફૂટેલું હોવા સુધ્ધાંની વાતો થવા લાગી. સલમાન તો ચલો ગુનેગાર સાબિત થઇ ગયો પરંતુ ઘણીવાર અમુક કિસ્સાઓમાં ખાસકરીને છેડતી કે પછી ઇન્કમ ટેક્સ વગેરે કેસમાં જ્યારે પણ કોઈ સેલિબ્રિટી ફસાય છે ત્યારે FIR સમયેજ તેને ગુનેગાર માની લઈને એને ફાંસી પર ચડાવી દેવાની માંગણીઓ આપણે ત્યાં થવા લાગે છે.

આ બધું વાંચ્યા પછી આંખો બંધ કરીને ફક્ત બે મિનીટ વિચારો કે જો સલમાન ખાનને કાળિયારવાળા કેસમાં જોધપુરની કોર્ટે નિર્દોષ છોડ્યો હોત તો? આપણું રિએકશન મુંબઈના ચુકાદાથી અલગ હોત ખરું? ટૂંકમાં કહીએ તો સેલિબ્રિટીને જો સજા થાય તો જ ન્યાય બરોબર તોળાયો છે નહીં તો વકીલોથી માંડીને જજ બધાજ વેંચાઈ ગયા છે, એમ માનીને ચાલવાનું બરોબરને? જો ન્યાયતંત્રની ખામીઓ હોવા છતાં આપણે તેની પાસે આપણે નિષ્પક્ષ હોવાની આશા રાખીએ તો આપણે તેના કોઇપણ નિર્ણય પ્રત્યે નિષ્પક્ષ રહેવાની ભાવના કેળવવી જ રહી. હા, ચુકાદો ખરો કે ખોટો હોઈ શકે પરંતુ તેને માથે ચડાવવો જ જોઈએ.

જેમ ભારતીય સમાજ આ બધી બાબતોએ અમુક પ્રકારના રિએક્શન આપે છે એમ આપણું મિડિયા અને શ્રેષ્ઠ કહેવાતા પત્રકારો પણ જરાય ઓછા નથી ઉતરતા. ભારતીય મિડિયા પણ ક્રાઈમના સમાચાર આપતી વખતેજ ચુકાદો પણ આપી દેતું હોય છે. આ ઉપરાંત હાઈપ્રોફાઈલ કેસમાં કાયદાના ચુકાદાની વિરુદ્ધ જાણીતા પત્તરકારો બકવાસ કરતા પણ અચકાતા નથી. હાલમાં જ લાલુ યાદવને સાત+સાત વર્ષની સજા થઇ ત્યારે દિલ્હીના કુખ્યાત Lutyens મિડિયાના એક જૂથે આ ચુકાદા પર એમ કહીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે લાલુ વિપક્ષમાં હોવાથી અથવાતો એમની જ્ઞાતિ નીચી હોવાને લીધેતો ક્યાંક એના વિરુદ્ધ ચુકાદો નથી આવ્યો ને? લાલુના પક્ષના લોકો આમ બોલે તો સમજી શકાય છે પરંતુ પોતાને નિષ્પક્ષ ગણાવવામાં ગર્વ અનુભવતા આ પત્રકારો પણ આવો વલ્ગર વાણીવિલાસ કરે ત્યારે મગજ ચક્કર ખાઈ જતું હોય છે.

સલમાનના ફેન્સ અને તેના ફિલ્મી સાથીદારોની તો વળી વાત જ નોખી છે. મને ગમતો વ્યક્તિ અથવાતો મારો ધંધાભાઈ ભલે ગમેતે કરે એને એમ કરવાની છૂટ મળવી જોઈએ આવી કેટલીક ભાવનાઓ સલમાન ખાનના ચુકાદા પછી સામે આવી. સલમાન ખાનના ફેન્સ દ્વારા #SalmanWeLoveYou પ્રકારના ટ્રેન્ડ સોશિયલ મિડિયામાં શરુ કરી દીધા. હા તમને સલમાનને પ્રેમ કરતા કોણ રોકે છે પણ સલમાને કાયદાનો ભંગ કર્યો છે અને તેણે એમ નથી કર્યું એ સાબિત કરવા માટે તેને વીસ વર્ષ આપવામાં આવ્યા અને હવે જ્યારે કાયદાની તમામ પ્રક્રિયાઓમાંથી એ પસાર થઇ ગયો અને દોષિત ઠર્યો તો કાયદાને કાયદાનું કામ કરવા દો ને? આવા જ લોકો કોઈ અન્ય અદાકાર કે સેલિબ્રિટીના પકડાવા સમયે સાવ અલગ ઓપિનિયન વ્યક્ત કરતા જોવા મળે ત્યારે હસવું કે રડવું એની ખબર પડતી નથી.

બોલિવુડે તો વળી રીતસરનો ઉપાડો લીધો હતો. જાણેકે સલમાન આ દુનિયામાં જ નથી રહ્યો એ રીતે એને ઘેર ખરખરો કરવા બોલિવુડ સેલિબ્રિટીઝની ભીડ ઉપડી પડી હતી. ચાલો ઠીક છે માની લીધું કે આપણા કુટુંબમાં પણ કોઈ સાથે આવું થાય તો આપણે પણ એના માતાપિતા સમક્ષ આપણી હાજરી પુરાવી આવીએ અને એમ થવું સ્વાભાવિક છે. પણ બહાર આવીને મિડિયા સમક્ષ એમ કહેવું કે સલમાને સેવાકાર્યો પણ બહુ કર્યા છે (નવાઈ પમાડે એ રીતે આ સલમાનના વકીલોની પણ દલીલ હતી!) એટલે એને છોડી મુકવો જોઈએ અથવાતો એની સજા ઓછી કરવી જોઈએ!! આવું કઈ દુનિયામાં થાય છે ભાઈ?

તમારા માટે સલમાન ભગવાન હશે પણ કાયદા માટે હવે એ ગુનેગાર છે અને એક ખાસ કિસ્સામાં ગુનેગાર છે અને એટલે એને કાયદા અનુસાર સજા થઇ છે. હા જો કાળિયારની સાથે એને કોઈ ચોરીના ખોટા મામલામાં પણ વધારાની સજા ફટકારી હોત તો સલમાન ખાનને અન્યાય થયો છે એવું કહી શકાય, પરંતુ કોર્ટે નજર સમક્ષ આવેલા સાક્ષ્યને ધ્યાનમાં લઈને જ ચુકાદો આપ્યો છે. વળી સલમાન પાસે ન્યાય મેળવવા આગળ ઓછામાં ઓછી ત્રણ કોર્ટના રસ્તા હજી ખુલ્લા જ છે અને એ ત્યાં અપીલ કરી પણ શકે છે. તો આમાં સલમાનને અન્યાય થયો એવું ક્યાં આવ્યું? અને સેવા કરીએ એટલે આપણે ગુનો કરવા માટે છુટ્ટા? એમતો સલમાનના નવા પાડોશી આસારામ બાપુ પણ છેવટે તો ભગવાનની ભક્તિ કરવાનો જ દાવો કરતા હતાને, પણ તોયે પોતાના કુકર્મો માટે જેલમાં છેજ ને? હવે ભક્તિથી મોટી સેવા બીજી કઈ હોઈ શકે બોલો!

eછાપું પર ક્યારેય ભારતીયોને અરીસો બતાવીને તેમને દંભી કહીને અને તેમની ભૂલનો ઉકેલ બતાવ્યા વગર ભાગી જવાની લોકપ્રિય પ્રથા ફોલો કરવામાં આવતી નથી. આથી આ કિસ્સામાં પણ ઉકેલ એજ આપી શકાય કે આપણે બધા જ ભારતીયો એ સ્વિકારીએ કે સેલિબ્રિટીના મામલાઓમાં આપણા બેવડા ધોરણો છે, પણ શાંતિથી જો વિચારીએ તો કોઇપણ સંજોગોમાં,કોઇપણ વ્યક્તિ કે સમાજ માટે આપવામાં આવેલા કાયદાના ફેસલાને આપણે સ્વિકારી લેવો જોઈએ પછી એ આપણને પસંદ પડે એવો હોય કે ન હોય એવી ભાવના પણ આપણે આપણા મનમાં વિકસાવવી પડશે. નહીંતો જે દિવસે ભારતમાં કાયદાકીય ફેંસલાઓનું સન્માન થતું અટકી જશે, જેના હાલમાં જ બે-ત્રણ અતિશય ચિંતાજનક કિસ્સાઓ જોવા મળ્યા છે, દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે.

આચારસંહિતા

 

૦૬.૦૪.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here