પરીક્ષાની સીઝન માંડ પૂરી થઇ, વાલીઓની ચિંતા ગઈ ન ગઈ ત્યાં બીજી ચિંતા સાક્ષાત હાજર છે – ઉનાળુ વેકેશન! મા-બાપની ડ્યુટી પૂરી જ ન થાય. હર હમેશ ચાલતી રહે…અવિરત, સદંતર અને સદાકાળ. પણ આ ઉનાળાની ડ્યુટી ખુબ જ અઘરી છે. બાળકો સચવાય તે માટે તેને ગમે તેટલી મસમોટી ફી ભરીને પ્લે-હાઉસમાં બેસાડનાર માં-બાપ માટે પણ ઉનાળુ વેકેશન એ ચિંતાનો વિષય બની રહે છે. એક તો ઉનાળો એટલે દિવસ મોટો અને આ 24 કલાકમાં બાળકોને કેમ સાચવવા એ મૂંઝવણ આજકાલ ઉભરી આવી છે.
આ માટેના એક બે ટેમ્પરરી સોલ્યુશન છે પણ તે મહદઅંશે રાહત આપતા નથી. આ ટેમ્પરરી સોલ્યુશન એટલે; બાળકોને ઉનાળુ વેકેશન દરમ્યાન સીમલા, મનાલી કે ફોરેન ટુર કરાવવી. આ ટુરમાં સાચવવામાં થોડી તકલીફ પડે પણ પછી ઘરે થોડા દિવસ શાંતિ છવાયેલી રહી શકે. નંબર બે, એક્ટીવીટી કલાસીસ પોતાના બાળકોને કોઈ આર્ટ, ડાન્સ, કુકિંગ, સ્કેટિંગ કે સ્વીમીંગ ક્લાસમાં મોકલનાર મા-બાપને ભલે દુનિયા જાલિમ કહે પણ એ બે કલાકની શાંતિ દુનિયા કેમ સમજી શકે?
ઉનાળુ વેકેશન માં બાળકોના તોફાનને કૈક અલગ જ રંગ મળતો હોય છે. કારણ કે “માંડ વેકેશન આવ્યું છે” એવું કહીને તેમને બચાવનારા વડીલો હાજર જ હોય છે. વેકેશન હોય એટલે ઘરે મહેમાનોનો આવરો-જાવરો વધે એમ ઘરમાં બાળકોની સંખ્યા પણ વધે અને હેવાનિયત પણ! આ તોફાન વધુ એટલા માટે જ સહન કરવા પડતા હોય છે કેમેકે ઉનાળો હોય અને બાળક બહાર જાય તો બીમાર પડે અને ઘરમાં રહે તો આપણે બીમાર પડીએ. એની વે, આ વેકેશનની સાથે આપણે થોડા બાળકોના પ્રકારો જાણીએ.
ઉનાળુ વેકેશન દરમ્યાન જોવા મળતા બાળકોના વિવિધ પ્રકારો

પઢાકુ બાળકો: આ એ પ્રકારના બાળકો છે જેને સ્કુલમાં માત્ર આઠ જ દિવસનું ઉનાળુ વેકેશન મળે છે અને પરિણામે તેમના મમ્મી-પપ્પા અને બાકીના ઘરના સદસ્યોને પણ ઘણી રાહત રહે છે. (બની શકે કે આ બાળકો પઢાકુ ન હોય અને તોફાની હોય પરંતુ તેને સાચવવાની ઝંઝટ સ્કુલ પર રહે છે.)
અવળચંડા બાળકો: આ એવા પ્રકારના બાળકો છે જે બપોરના ધોમ-ધખતા તાપમાં પણ તેની મમ્મીને સુવા નથી દેતા અને ક્યાકથી પડી-આખડીને રડતા રડતા આખા પડોશની નિદ્રા પણ ઉડાડી દે છે.
જાસુસ બાળકો: આ એવા પ્રકારના બાળકો છે જે બપોરના ટાઈમ પર જયારે બધા આરામ ફરમાવતા હોય ત્યારે આખા ઘરને ફંફોસી લે છે અને આ ક્રિયા આખા ઉનાળુ વેકેશન દરમિયાન થતી હોવાના કારણે તેમને એક-બે સિક્રેટ તો મળી જ આવે છે. પછી ઘણી લાંચ આપવા છતાં પણ તેઓ પોતાનું બ્લેકમેઈલીંગ છોડતા નથી અને અંતે ક્યાં કમુર્હતે ભાંડો ફોડી નાખે તે નક્કી નહિ. (આ પ્રકારની જાસુસી આજકાલ મોબાઈલ ફોનમાં વધુ કરતા હોય છે)
શાંતિપ્રિય બાળકો: આ એવા બાળકો છે જે પોતે જમીને બપોરે 2-4 કલાકની ઊંઘ ખેચી લે છે અને પછી મોડી રાત સુધી બધાને જગાવતા ફરે છે. ઉપરાંત વેકેશન પૂરું થાય ત્યાં સુધીમાં 5-6 કિલો વજન પણ વધારતા હોય છે. આવા ઘણા વેકેશન વિતાવી દેનારા આ પ્રકારના બાળકો આજે મેદસ્વીતાનો શિકાર પણ બન્યા છે.
ડીમાન્ડીંગ બાળકો: આ એવા પ્રકારના બાળકો છે જેમણે ઉનાળુ વેકેશન માટે ઘણી બધી ડીમાન્ડ મૂકી દીધી હોય છે. આખું વર્ષ કઈ જ ન કરતા આવા બાળકો બ્લેક બોર્ડ સહીત જાત-જાતના રમકડાની પણ ડીમાન્ડ કરતા હોય છે આ પ્રકારના બાળકો માત્ર વેકેશનમાં જ નહિ પરંતુ 365 દિવસ ડીમાન્ડ જ કરતા હોય છે.
4G બાળકો: આ એવા પ્રકારના બાળકો છે જેમને વેકેશનમાં હર-હમેશ કંટાળો જ આવતો હોય છે અને આ કંટાળાના નામ પર તે ઘરના કોઈ પણ વ્યક્તિના ફોનમાં YouTube ચાલુ કરીને તેમાં જાત-જાતના કાર્ટુન અને ફિલ્મો જોવાનું શરુ કરે છે આ બાળકોને રોજનું 2GB નેટ પણ ઓછું પડતું હોય તો નવાઈ નહીં…
કકળાટીયા બાળકો: આ એવા પ્રકારના બાળકો છે જે ટાઈમ પર કોઈ કામ કરતા નથી અને પછી કાળો કકળાટ કરીને ઘરમાં અંધાધુંધી ફેલાવે છે. આખું ઘર જયારે જમતુ હોય ત્યારે તે તોફાન કરવામાં વ્યસ્ત હોય અને સુખથી કોઈને જમવા પણ ન દે, અને જયારે બધા જમી લે એટલે એ પોતાની ભૂખનું રોણું ગાતા ફરતા હોય અને ઘરમાં જે હાજર હોય તેમાંથી તેને કઈ જ ખાવું પણ ન હોય. આ પરિસ્થતિ ઊંઘવામાં પણ થતી હોય છે. ટૂંકમાં એ બસ કકળાટ કરવામાં જ વ્યસ્ત હોય.
હા, મને ખબર છે કે આ પ્રકારોમાંથી તમે પણ એક-બેમાં ફીટ થાઓ છો. કમેન્ટ કરી તમે પણ અમને તમારા બાળપણના કિસ્સો શેર કરી શકો છો.
eછાપું