આધુનિક ભારતને મૂંઝવતો પ્રશ્ન – નારી તું ખરેખર નારાયણી છે ખરી?

0
425
Photo Courtesy: sayitloud.in

તમને થશે કે નારી અંગેના આ વિખ્યાત વાક્યમાં “ખરેખર” શબ્દ ક્યાંથી આવ્યો? બહુ ભાર છે આ શબ્દ પર, અને એનાથી વધુ ભારે છે આખા વાક્યનો અર્થ. સમજીએ, તો ઘણું કહી જાય છે આ શબ્દો. એમાં પણ વિવાદાસ્પદ ગ્રંથ મનુસ્મૃતિનાં એક શ્લોક મુજબ,

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।।

ઓહ!! અતિ ભારે!! વાંચવાથી જ કેટલું મહત્વ અનુભવાય છે? શ્લોકનો અર્થ એ છે કે, “જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ છે. જ્યાં તેમની પૂજા નથી થતી, ત્યાં બધાં જ કાર્યો નિષ્ફળ જાય છે.”

શું આપણે સહેમત છીએ આ ભાવાર્થથી? શું આપણે આ ભાવાર્થને સમજી, તેનું અર્થઘટન કરી, જીવનમાં ઉતાર્યું છે? આ એક એવો મુદ્દો છે, જેની સમજ પહેલાંના સમયમાં આપવી પડતી નહોતી. હવે આ સમજની બહુ જરૂર છે.

પહેલાંના વખતમાં, નારી સમ્માન આપીને આપોઆપ સન્માન મેળવતી. અને હવે? સન્માન માંગીને પણ ઘણી સ્ત્રીઓ સમ્માનને પાત્ર નથી હોતી. તફાવત સમજવા જેવો ખરો. હું “સ્ત્રી” વિરોધી નથી, પણ આજના જમાનામાં માત્ર સ્ત્રીઓના સતત ગુણગાન ગાવામાં કોઈ બુદ્ધિમત્તા નથી, એ સત્યથી પરિચિત છું.

Photo Courtesy: sayitloud.in

ઘણી જગ્યાઓએ સાંભળ્યું હશે કે “સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે”, “સ્ત્રીને ઈર્ષા વધારે થાય”. આ પ્રકારના વિરોધાભાસી વાક્યો ક્યાંથી આવ્યા? અને શું કામ આવ્યા? શાંત મનથી જો વિચારીએ, તો વાતમાં તથ્ય છે. આપણી આસપાસ રહેતાં કોઈ પણ કુટુંબનો દાખલો આપી શકાય. “સાસુ વહુને હેરાન કરે અને એ જ વહુ “જો” સાસુ બને તો તેની વહુને એમ કહીને ટોર્ચર કરે કે “મેં આટલું સહન કર્યું, અમે તો આમ હેરાન થતાં ” વિગેરે વિગેરે.

પણ આ સંજોગોમાં” રઘૂકુલ રીત સદા ચલી આઈ ” ન હોય!! સમયની સાથે સામાજિક પરિવર્તન ન લાવી શકીએ તો એ સંસ્કાર અને શિક્ષણ, બંને નકામા. “મેં સહન કર્યું માટે તું કર” ની વૃત્તિ કોણ બદલશે અને ક્યારે? તમે કહેશો,” એવું નથી… અમારી આસપાસ તો એવું એક ફેમિલી છે જે કોઈ પણ જાતનાં અણબનાવ વગર સાથે રહે છે..વિગેરે વિગેરે”. આવા વાક્યોમાં મુખ્ય ભાગ કયો છે?.. “એક ફેમિલી”.!!!

એક ફેમિલી કેમ? આપણે બધા જ ઘરમાં કેમ એ પરિસ્થિતિ ન જોઈ શકીએ? કારણ કે, સ્ત્રીમાં જ્યારે ઈર્ષાનાં બીજ રોપાય છે ત્યારે તેનો સ્વભાવ બીજાનું જીવન જીવવા માંડે છે. શારીરિક અને માનસિક રીતે તે નારી એટલી સક્ષમ નથી હોતી કે તે બીજી સ્ત્રીની સહજતા અપનાવે.

ચાલો એનો પણ દાખલો લઈએ. તમે ક્યારેય સ્કૂલમાં પોતાના બાળકોને લેવા-મુકેવા આવતી મમ્મીઓની વાત સાંભળી છે? કે પછી તમે પોતે તમારા બાળકોને લેવા જાઓ છો ત્યારે આ પ્રકારની સ્ત્રીના સંપર્કમાં આવ્યા છો? હું અહીં એવી સ્ત્રીની વાત કરું છું, જે એ સમય દરમિયાન જ અલગ જીવન જીવે છે.

મારી પોતે જોયેલી અને સાંભળેલી વાતમાંથી કહું તો, હું પોતે એક એવી સ્ત્રીના સંપર્કમાં આવી હતી, જે પોતાની સ્કૂલમાં લેવા આવતી હોય ત્યારથી ઘેર પહોંચે ત્યાં સુધી એક અલગ જ પર્સનાલિટીથી પીડાતી હતી. તેને તેના સિવાય દરેક સ્ત્રીની વાત કરવામાં રસ પડતો. તેને ગાડીમાં પોતાનાં બાળકોને લેવા આવનાર દરેક સ્ત્રીની ઈર્ષા થતી. દેખાવમાં જો સુંદર હોય તો પૂછવું જ શું? હંમેશા તેને બીજી સ્ત્રીઓએ કેવાં કપડાં લીધા, શું પહેર્યું, ક્યાં ફરવા ગઈ, કેટલી છૂટ આપવામાં આવે છે તેની ચિંતા રહે. હદ તો ત્યારે વટાવાઈ જ્યારે તે પતિ-પત્ની વચ્ચેનાં શારીરિક સંબંધોની ચર્ચા જાહેરમાં કરતી. પોતાના પતિથી છુપાવીને બહાર જમવું, સિગરેટ પીવી, ડ્રિંક્સ લેવું, ઘરમાં પોતે ત્રણ જણા હોવા છતાં ટીફીન મંગાવીને ખાવું, એવા તેનાં શોખ. હવે વિચાર કરો.. આ નારી માં કોને “નારાયણી” દેખાશે?

મને તો નહીં જ. આવી નારી જ્યારે બીજી સ્ત્રીને પોતાના ઘરમાં આવકારે ત્યાર પછીની ઘટનાઓ આપણે વિચારી શકીએ છીએ. જે પુરુષને તેની પત્ની વિશે જે ખબર નથી, તે બધી જ ખબર તેની પત્ની દ્વારા એક યા બીજી રીતે બાકી બધાને ખબર પડે છે. કહેવાવાળું કોણ? સ્ત્રી જ તો….

હંમેશા પુરુષો પાસેથી જ સ્ત્રીને માન -સન્માન આપવાની અપેક્ષાઓ રાખવી એ પણ એક વિચિત્ર વિચારશૈલી છે. આપણે જ આપણા અસ્તિત્વની ઉપેક્ષા કરીએ અને તેને પૂજનીય ન બનાવીએ, તો કોણ બનાવશે? સ્ત્રીઓને “સ્ત્રીત્વ” નું ઘરેણું જો યોગ્ય રીતે પહેરતાં આવડે તો કોઈનું “પુરુષત્વ” તેને લલકારી શકે નહીં. કાર્યોને સફળ બનાવવા નારી  બનવું સરળ છે, પણ એ સફળતાને ટકાવી રાખવા માટે “નારાયણી” જ જોઈએ.

બાકી જેમ દેવતાઓની ખંડિત મૂર્તિને મંદિરમાં સ્થાન નથી, એમ ખંડિત માનસ ધરાવતી “નારી” મારા મતે “નારાયણી” નથી અને એનું સમાજમાં કોઈ સ્થાન નથી.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here