મેઈન સ્ટ્રીમ મીડિયા ભલે ભૂલી ગયું હોય પણ અમે ફેસબુક, ફેક ન્યુઝ અને કેમ્બ્રિજ એનાલીટીકાના કૌભાંડ અને એમાં કોંગ્રેસના હાથ (પન ઈન્ટેનડેડ) ને સહેજે ય ભૂલ્યા નથી. કઈ રીતે ફેસબુકે આપણા ડેટા નો ઉપયોગ કર્યો અને કઈ રીતે આપણા જ “પ્રાઈવેટ” ડેટાનો ઉપયોગ કરી આપણી ઉપર ફેક ન્યુઝનો મારો ચલાવવા માં આવ્યો. એ આપણે આ જ કોલમમાં સવિસ્તાર જોઈ ચુક્યા છીએ. આ કૌભાંડ બહાર આવ્યાને પંદર દિવસ ઉપરનો સમયગાળો થઇ ગયો છે. અને ટેકનોલોજીની દુનિયામાં પંદર દિવસમાં બધું જ ભુલાઈ જતું હોય, એવામાં પંદર દિવસ પછી પણ સોશિયલ મીડિયામાં #deletefacebookનું અભિયાન પુર જોશમાં ચાલે છે એ પોતે દર્શાવે છે કે લોકો પોતાની પ્રાઈવસી અને એના મિસયુઝ માટે કેટલા જાગૃત છે. અને ફેસબુકને એનો સારો એવો ફટકો પડી રહ્યો છે.

આપણે પાછળના અઠવાડિયાઓમાં એ પણ જોયું હતું કે આ સમસ્યા ફેસબુક એ પોતે વધારી છે. અને એમાં માત્ર ફેસબુક નહીં, લગભગ બધા સોશિયલ નેટવર્ક સામેલ છે. છ-સાત વર્ષ પહેલા આરબ સ્પ્રિંગ, અન્ના અનશન જેવા આંદોલનમાં લોકો માટે અને લોકો વતી કામ કરનાર ફેસબુક (અને ટ્વીટર) ના જોરદાર વખાણ થયા હતા અને ઘણા લોકો એ ફેસબુકને માનવજાતના તારણહાર અને ઝકરબર્ગને હીરો તરીકે જોયા હતા. આ વસ્તુ અને એના લીધે મળેલો પાવર ફેસબુક પર એટલો હાવી થઇ ગયો કે એના લીધે એણે એ રાક્ષસ ઉભો થવા દીધો જે આજે એના માટે એક મોટો પ્રોબ્લેમ બની રહ્યો છે. એ રાક્ષસ છે ફેક ન્યુઝ.
વેઇટ વેઇટ વેઇટ…. ગયા અંકમાં મેં કીધેલું કે આપણે પ્રાઈવસી વિષે વાત કરશું, પણ અચાનક આ ફેક ન્યુઝ વચ્ચે આવી ગયું એટલે તમને આશ્ચર્ય થતું હશે નહીં? મૂળ તો આ લેખ પ્રાઈવસી ઉપર જ લખાવાનો હતો, પણ પછી બે વાત ધ્યાન માં આવી. 1. પ્રાઈવસી એક એવો ટોપિક છે જે એક લેખમાં કવર કરવો એ થોડું મુશ્કેલ છે. એના માટે બે-ત્રણ લેખ જોઈએ. અને એનાથીય વિશેષ કારણ છે 2. 2019માં થનારી લોકસભા ની ચૂંટણીઓ જેનું અભિયાન અત્યારથી શરુ થઇ ચુક્યું છે.
પાછલા અંકની લીંક જયારે મેં સોશિયલ નેટવર્ક પર શેર કરી હતી એમાં એક પોઈન્ટ મેં લખેલો, 2019 એ ભાજપ(વાંચો મોદી + શાહ) વિરુદ્ધ વિરોધ પક્ષની હરીફાઈ નથી, એ ભારતની લોકશાહી વિરુદ્ધ કેમ્બ્રિજ એનાલીટીકા ની હરીફાઈ છે. સરકારની સાચી સિધ્ધિઓ અને વિરોધ પક્ષ તરફથી આવેલા સાચા મુદ્દાઓના બદલે આવતા 12 મહિના ફેક ન્યુઝથી ભરપુર રહેવાના છે. અને એટલે જ એક જાગૃત મતદાતા તરીકે આપણી ફરજ બને છે ફેક ન્યુઝથી બચીને રહેવું અને કોઈ પણ ફેક અથવા એક તરફી સમાચારથી આપણા વોટ અને વિચારને પ્રભાવિત ન થવા દેવા. અને એટલે જ આ લેખ ફેક ન્યુઝ ના મુદ્દાને સમર્પિત છે.
અને આ ફેક ન્યુઝ નો એક વરવો પરિચય આપણે ગયા અઠવાડિયે જ જોઈ લીધો. જયારે સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી બીલ માં સુચવેલા ફેરફારના વિરોધ માં ભારત માં હિંસા થઇ. એક તરફ સરકારે પોતે આ ફેરફાર પર ફેરવિચારણા ની અરજી કરી છે, જયારે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો એ આ સરકારને દલિત વિરોધી સાબિત કરી મોટાપાયે હિંસક આંદોલનો કરાવ્યા. અને પહેલા કહ્યું એમ, આ ફક્ત શરૂઆત છે. અને એટલે જ આપણા માટે જરૂરી છે ફેક ન્યુઝ ને કઈ રીતે ઓળખવા અને કઈ રીતે એનાથી દુર રહેવું.

ફેક ન્યુઝ શોધવા માટેની ટીપ્સ
કોઈ પણ સમાચાર આવે એટલે એના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા આટલા સ્ટેપ્સ જરૂર થી ફોલો કરો.
1. સમાચારના સ્ત્રોતની વિશ્વસનીયતા ચકાસો.
સમાચાર આપણી પાસે ક્યાંથી આવ્યા છે એ મહત્વનું છે. આજકાલ કોઈ પણ સમાચાર માટે સોશિયલ નેટવર્ક અને વ્હોટસેપ સમાચારનો પહેલો સ્ત્રોત છે. આવા સમયે કોઈ પણ સમાચાર માત્ર માહિતી છે કે એનો કોઈ મૂળ સ્ત્રોત પણ છે એ સમાચાર ની વિશ્વસનીયતા માટે મહત્વનું છે. જો એ સમાચાર કોઈ અજાણી સાઈટ કે અજાણ્યા સ્ત્રોતમાંથી આવ્યા હોય તો એને સત્ય માનતા પહેલા થોડી રાહ જુઓ. જો એ સમાચાર સાચા હશે તો કોઈ જાણીતી સાઈટ ઉપરાંત બીજા પ્લેટફોર્મ પર એ સમાચાર જરૂરથી પબ્લીશ થશે. જો એ સમાચાર કોઈ જાણીતી સાઈટ પર જાણવા મળ્યા હોય તો એ સાઈટ ને આ સમાચાર કોણે આપ્યા એનો સ્ત્રોત તપાસો, જો સ્ત્રોત અજાણ્યો હોય કે સ્ત્રોતનો કોઈ ઉલ્લેખ ન હોય તો એ સમાચાર ફેક હોવાના પુરા ચાન્સ છે. એક ખાસ વાત, યુટ્યુબ જર્નાલીઝમથી બાર ગાઉ દુર રહેજો.
જો એ સમાચાર બીજે ક્યાંય પ્રદર્શિત ન થયા હોય તો એ સ્ત્રોત તરફથી આવેલા બીજા સમાચાર કે એ લેખકના બીજા કન્ટેન્ટ તરફ નજર દોડાવો. એ કન્ટેન્ટ ક્વોલીટીવાળા હોય તો એ સ્ત્રોત થોડો વિશ્વસનીય કહી શકાય. પણ એ સ્ત્રોતમાંથી પહેલા કોઈ ભળતું જ લખાણ હોય તો એવા સ્ત્રોતથી બાર ગાઉ દુર જ સારા. દા.ત. જે સાઈટ પર માત્ર ટીવી અને મુવીની ગોસીપ જ સંભાળવા મળતી હોય એ અચાનક પોલીટીકલ ન્યુઝ લખે તો એ ફેક હોવાના ચાન્સ પુરા છે.
2. સમાચારની હેડલાઈન જુઓ
વડાપ્રધાન મોદી એ એક નિર્ણયથી સ્મૃતિ ઈરાની થયા નારાજ, શા માટે ટાઈગર શ્રોફ હ્રીતિક રોશન કરતા સારો ડાન્સર છે એના પાંચ કારણો જેમાં ત્રીજું કારણ તમને ચોકાવી દેશે. આ પ્રકારની હેડલાઈન ખાસ એવી રીતે ડીઝાઈન કરેલી હોય છે કે એ આપણને ક્લિક કરવા મજબુર કરે, આ પ્રકાર ની હેડલાઇનને ક્લિકબેઈટ કહેવાય છે. ક્લિકબેઈટ હેડલાઈનવાળા આર્ટીકલ આપણી લાગણીઓ સાથે રમત કરે છે, જે 80% કેસ માં ફેક ન્યુઝ હોય છે અને બાકી 19% કેસમાં નકામાં હોય છે. પત્રકારત્વમાં એક સારી, કોમ્પેક્ટ, કેચી અને રમુજી હેડલાઈનનું મહત્વ હોય છે. પણ ખરા પત્રકારત્વ માં કદી ક્લિકબેઈટ હેડલાઈન ને સ્થાન હોતું નથી, અને એવા ન્યુઝ પણ ફેક હોવાના ચાન્સ વધારે છે.
3. સમાચારનો કન્ટેન્ટ જુઓ
- સમાચારની હેડલાઈન કૈક કહેતી હોય, અને સમાચારનો કન્ટેન્ટ કૈક બીજું કહેતો હોય તો એ સમાચાર પાકે પાયે ફેક હોઈ શકે.
- જો સમાચાર કોઈ મોટી ઘટનાને કવર કરતા હોય અને એ સમાચારમાં કોઈ અધિકૃત વ્યક્તિનું નિવેદન ન હોય તો એ સમાચાર ફેક હોવાની શક્યતા વધારે હોય છે. આપણા મીડિયા એ બ્રેકીંગ ન્યુઝની લ્હાય માં આવા ઘણા ફેક ન્યુઝ આપ્યા છે, અને ઉપર દલિત યુવાન ની હત્યાના કેસ માં જોયું એમ અધિકૃત વ્યક્તિના નિવેદન આવ્યા પછી મોટાભાગ ના કેસમાં મીડિયા ને થુકેલું ચાટવું પડ્યું છે.
- એ સમાચારમાં કોઈ ઈમેજ હોય તો એ ઈમેજને ગૂગલ રીવર્સ ઈમેજ સર્ચમાં ક્રોસ ચેક કરો . જો એક કરતા વધારે સાઈટ અને પ્લેટફોર્મ પર આ જ ઈમેજ એ જ સંદર્ભમાં ઉપયોગ થઇ હોય તો ઠીક છે, બાકી આપણા મીડિયાએ સીરિયાની ઈમેજ કાશ્મીરના ન્યુઝમાં બેશરમ થઇ ને ઉપયોગ કર્યો છે.
- એજ રીતે એ સમાચારનો કન્ટેન્ટ જુઓ. ઘણી વખત બે વર્ષ પહેલાના સમાચારને માત્ર તારીખ બદલાવીને આજકાલના સમાચાર તરીકે આપણા માથે મારવામાં આવે છે.
- જો એ સમાચારનો કન્ટેન્ટ આપણને મજા કરાવવા, આપણને ગુસ્સો અપાવવા કે આપણને કન્ફયુઝ કરવા લખ્યો હોય તો એ ફેક ન્યુઝ હોઈ શકે છે. સમાચાર વાંચીને ઉભી થતી લાગણીઓ સત્યની સાઈડ ઈફેક્ટ છે, એ કોઈ મેઈન દવા નથી.
- જો એ સમાચારનો આધાર કોઈ પોલ, કે કોઈ સર્વે હોય તો એ સમાચાર પર વિશ્વાસ ન કરવો. પ્રોફેશનલી લેવાતા એક્ઝીટ પોલને આપણે દરેક ચૂંટણીમાં ઉંધા માથે પછડાતા જોઈએ જ છીએ.
- જો એ સમાચાર કોઈ અભિપ્રાય પ્રદર્શિત કરતો હોય કે પહેલા પ્રદર્શિત કરેલા અભિપ્રાયને સાચો સાબિત કરતો હોય તો એ કા તો ફેક ન્યુઝ હોય, કા તો એ એક-તરફી સમાચાર હોય. અને આ બંને લોકશાહી માટે સરખા ઘાતક છે.
- મીડિયા એ હદે બેશરમ છે કે આ બધું જાણતું હોવા છતાં ફેક ન્યુઝ બનાવે રાખે છે અને ફેલાવે રાખે છે. આવા સમયે ઉપર કહેલા કોઈ પણ મુદ્દાઓ એ ફેક ન્યુઝ પર લાગુ નથી પડતા. એવા સમયે જે-તે ક્ષેત્ર ના નિષ્ણાંત વ્યક્તિઓ કે snopes.com જેવી ફેક્ટચેકિંગ સાઈટ સાથે ક્રોસ ચેક કરવું. જો કે ભારતમાં વિરોધ પક્ષો અને મીડિયાની જેમ ઘણી ફેક્ટ ચેકિંગ સાઈટનું એક માત્ર ફોકસ નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર જ છે. અને એવા સમયે જે-તે ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ નો અભિપ્રાય વધારે કામનો છે.
- વિકિપીડિયા પર કઈ લખ્યું હોય, એ બધું સો ટકા સાચું માની લેવાની જરૂર નથી. વિકિપીડિયાના ધારાધોરણો બીજા કરતા ઘણા ઊંચા છે, પણ એ ય ફેક ન્યુઝના ફેલાવાથી પીડિત છે. એમાં કોઈ પણ ઇન્ફોર્મેશન વાંચો એટલે એ માહિતીને લગતી કોઈ લીંક આપેલી છે કે નહીં એ ચેક કરો. કોઈ એવી માહિતી જ્યાં આવી લીંક આપવી જરૂરી હોય અને લીંક ન આપેલી હોય તો એ માહિતીની આસપાસ Citation needed એવું લખેલું હોય જ છે. ઉપરાંત વિકિપીડિયામાં કોઈ પણ પેજની હિસ્ટ્રી પણ જોવા મળે છે. એ હિસ્ટ્રીની મદદથી કોઈ માહિતી ક્યારે એડ થઇ છે એ જાણી શકાય છે. ગયા અંક માં અમરીશ ત્યાગી વાળા પોઈન્ટ માં તારણ પર પહોચવામાં આ પોઈન્ટ વધારે મદદ કરી શક્યો, જે દાવા પેજ પર કર્યા હતા એ માત્ર બે-ત્રણ દિવસ જુના જ હતા, અને એ પણ કોઈ સાબિતી વગરના. અત્યારે વિકિપીડિયા પરથી એ પેરેગ્રાફ ડીલીટ થઇ ગયો છે પણ તમે એ બદલાવ ને હિસ્ટ્રીમાં જાતે ચેક કરી શકો છો.
ફેક ન્યુઝ અને ફેક્ટ ચેકિંગની વાર્તા અહી જ સમાપ્ત થાય છે. પ્રાઈવસી વિષેની વાત આવતા અંક થી…. ત્યાં સુધી
મે ધ ફોર્સ બી વિથ યુ…
eછાપું