યુવાનોને ખોરાકમાં ઓછું મીઠું ઉપયોગમાં લેવાની સલાહ ડોક્ટરો આપી રહ્યા છે

0
319
Photo Courtesy: doctoroz.com

જો તમે હજી યુવાન છો તો તમારે અત્યારથીજ તમારા ખોરાકમાં બને તેટલું ઓછું મીઠું એટલેકે નમક લેવાનું શરુ કરી દેવું જોઈએ. એ અભ્યાસ પ્રમાણે જો યુવાન ઉંમરેજ મીઠું લેવાનું ઓછું કરવામાં આવે તો લાંબાગાળે તેની સારી અસર આપણી કિડની પર પડતી હોય છે. આપણા દેશમાં મૃત્યુ પામવાના મુખ્ય પાંચ કારણોમાં કિડની ફેઇલ્યોર એક કારણ છે અને આથી અત્યારથીજ યુવાનોએ મીઠાંનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ.

Photo Courtesy: doctoroz.com

અભ્યાસ કરનારા ડોક્ટરો એમ કહે છે કે જો ઘરની ગૃહિણી પછી તે માતા હોય, બહેન હોય કે પત્ની રસોઈમાં ઓછું મીઠું નાખવાનું ધ્યાન રાખવા લાગે તો તે સમગ્ર પરિવાર માટે આશિર્વાદરૂપ બની શકે તેમ છે. મુંબઈની પ્રખ્યાત સૈફી હોસ્પિટલના ડોક્ટર અરુણ દોશીને ક્વોટ કરીને એક જાણીતા અખબારે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે આજથી પાંચ થી સાત વર્ષની સરખામણીએ હવે તેમની પાસે મોટી સંખ્યામાં 25 થી 30 વર્ષના યુવાનો કિડનીની તકલીફ લઈને આવે છે. આ તમામમાંથી મોટાભાગનાની સમસ્યા હાયપરટેન્શનની છે જેનું સીધું કનેક્શન મીઠાં સાથે છે.

આ કારણસર જ ડોક્ટર દોશી કહે છે કે યુવાનોના ખોરાકમાં મીઠું કેટલું જાય એ જવાબદારી જો તેમની માતા, બહેન, પત્ની અથવાતો ઘરમાં જે કોઇપણ રસોઈ કરતું હોય તે ઉપાડી લે અને ખોરાકમાં સપ્રમાણ મીઠું ઉમેરે તો હાયપરટેન્શનની બિમારીથી દૂર રહી શકાય છે અને પરિણામે કિડની પર કોઈ ખરાબ અસર પડતી નથી.

તમને ગમશે: મીરાબાઈ ચાનુ બાળપણમાં ભારેખમ લાકડાઓ આસાનીથી ઉપાડી લેતી હતી

આ ઉપરાંત યુવાનોને પણ એવી સલાહ આપવામાં આવે છે કે તેઓ માટે વધારે પડતું ચીઝ, બટર, ખાંડ અને મીઠું ખતરનાક બની શકે છે જેથી આ ચીજવસ્તુઓને યુવાનો પોતાના ડાયેટથી દૂર રાખે.

એક અભ્યાસ અનુસાર મુંબઈની એપોલો હોસ્પિટલમાં ઉત્તર ભારતથી સૌથી વધારે કિડની પ્રોબ્લેમ ધરાવતા યુવાનો ડાયાલીસીસ માટે દાખલ થઈ રહ્યા છે જે આ ક્ષેત્રના યુવાનો માટે ચિંતાજનક બાબત છે. આ યુવાનોમાં ઓબેસિટી તેમજ ડાયાબિટીસનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે જે કિડની માટે ભયજનક હોય છે.

યુવાનો અને ઘરની મહિલાઓને ડોક્ટર્સ સલાહ આપે છે કે ભોજનમાં વધુ પડતા અથાણાં, પાપડ, ચટણી અને નમકીન બિલકુલ આરોગ્યપ્રદ નથી. આ ઉપરાંત જમતી વખતે ખોરાકમાં ‘ઉપરથી’ મીઠું ન લેવાની પણ ડોક્ટરો સલાહ આપે છે. જો આ પ્રકારે ખોરાકમાં કન્ટ્રોલ લાવવામાં આવે તો કિડનીને લગતી બિમારીઓને આપોઆપ દૂર રાખી શકાય છે.

ડોક્ટરો યુવાનો એક બીજી સલાહ પણ આપે છે. તેઓ કહે છે કે ચ્હા સાથે લો-કેલોરી, ઓછા મીઠાંવાળા સ્નેક્સ ખાવ. સમોસા અને ચિપ્સની જગ્યાએ ફળો, શાકભાજીઓ, લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ અને બદામ, અખરોટ વગેરે ખાઈ શકાય.

મીઠાંને અવોઇડ કરવા ઉપરાંત રોજ કસરત, ધુમ્રપાન અને શરાબથી દૂર રહેવું અને જો કોઈ બિમારી હોય તો ડોક્ટર કહે એ જ દવા લેવાની સલાહ પણ આપવામાં આવે છે જેથી કિડનીની તકલીફથી દૂર રહી શકાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here