ઈમરોઝ – અમૃતા પ્રત્યેના પ્રેમની સ્વાર્થવિહીન પરાકાષ્ટાનું પ્રતિક

0
384
Photo Courtesy: Google

‘પ્યારને બે રીતે સમજી શકાય છે. એક તો જે આસમાન જેવો હોય છે અને બીજો માથાની છત જેવો. ‘સાહિર’ આસમાન જેવો હતો પણ ઘણો જ દુર જ્યારે ઈમરોઝ માથાની છત જેવો પરંતુ સ્ત્રી બન્નેને શોધે છે છેવટે છત આસમાનમાં જ જઈને ખુલે છે’ આ વાક્યોમાં અમૃતાએ તેમના જીવના આ બન્ને પુરૂષો વિષે તથા તેમની સાથેની પોતાની લાગણી વિશેનું ખુબ જ સરસ આલેખન કર્યું છે.

Photo Courtesy: Google

ઉમા ત્રિલોક એ લખેલું અને શ્રી ભદ્રાયુ વછરાજાનીએ ગુજરાતીમાં અનુવાદ કરેલ પુસ્તક ‘અમૃતા- ઈમરોઝ એક પ્રેમકહાની’ માં તેઓનાં જીવનના અનેક કિસ્સાઓ ટાંકવામાં આવ્યા છે. ‘ઈમરોઝ’ એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘આજ’. અને તેઓ હંમેશા અમૃતાના જીવનની આજ બનીને જ રહ્યા. અમૃતના જીવનના એક પુરૂષ એટલે ઈમરોઝ. પણ ઈમરોઝના જીવનમાંતો અમૃતા સિવાય કોઈ વ્યક્તિ જ નહોતા. તેઓના જીવનનું મધ્યબિંદુ બસ અમૃતાજ.

એક દીવસ અમૃતાએ ઈમરોઝને કહ્યું કે ‘તમે પહેલા દુનિયા કેમ નથી જોઈ આવતા? અને જો તમે પાછા આવ્યા અને તમે મારી સાથે જીવવાનું પસંદ કર્યું, તો પછી હું એ જ કરીશ જે તમે ઈચ્છશો’ ઈમરોઝ ઉઠ્યા તેમના રૂમમાં ત્રણ ચક્કર માર્યા અને કહ્યું ‘લો, હું દુનિયા જોઈ આવ્યો, હવે શું કહેશો’. આમ લાગણીઓને ખરેખર કોઈ બંધ નથી નડતા હોતા. ઈમરોઝની અમૃતા પ્રત્યેની લાગણી તે સ્વાર્થહીન લાગણી હતી, અમૃતા ઈમરોઝ બન્ને માને છે કે એમને ક્યારેય કોઈ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા ન હતી. તેઓ કહે છે કે ‘એ પ્રેમી યુગલો જેમને પોતાના પ્રેમ પર ભરોશો નથી હોતો તેમને જ સમાજની સ્વીકૃતિની આવશ્યકતા હોય છે. અમે બન્ને તો એકબીજા માટે સ્વીકૃત જ હતા.’

એક વાર ઈમરોઝને પૂછવામાં આવ્યું કે ‘આપ જાણતા હતા કે અમૃતા સાહિરને પ્રેમ કરતા હતા અને સજ્જાદ માટે પણ સ્નેહ રાખતા હતા તો આપને કેવું લાગતું હતું?’ ઈમરોઝ કહે છે કે ‘એક વાર અમૃતાએ મને કહેલું કે જો હું સાહિરને મળી હોત તો તને ના મળી હોત તો મેં અમૃતાને કહ્યું, તું મને તો મળી જ હોત, ભલે ને સાહિરના ઘરેથી નમાઝ પઢતી શોધી કાઢેત. જ્યારે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ ત્યારે માર્ગમાં આવતી મુશ્કેલીઓને ગણવા નથી બેસતા. મને ખબર હતી કે અમૃતા સાહિરને કેટલો ચાહે છે પણ મને એ પણ ખબર હતી કે હું અમૃતાને કેટલું ચાહું છું.’ પોતાના પ્રેમ માટેની પ્રતિબધ્ધતા અને વિશ્વાસ આપણને ઈમરોઝમાં જોવા મળે છે.

ઈમરોઝ કહે છે કે ‘સાહિરની સાથે અમૃતાનો સંબંધ મિથ્યા અને માયાવી હતો, જ્યારે મારી સાથે તેમનો નાતો સાચો અને યથાર્થ હતો. તેઓ અમૃતાને બેચેન છોડી ગયા અને મારી સાથે તે સંતુલિત અને પરિપૂર્ણ છે.’ અમૃતા કે ઈમરોઝ બન્ને માંથી કોઈએ પણ પોતાના પ્રેમનો સ્પષ્ટ શબ્દોમાં ક્યારેય ઈકરાર નથી કર્યો અને તેમ છતાં 40 વર્ષથી વધુ સમય સુધી બન્નેએ એકબીજાનો સાથ નિભાવ્યો.

જ્યારે ઈમરોઝને એમ પૂછવામાં આવ્યું કે તમને અમૃતાની કઈ વાત સૌથી વધુ પસંદ છે? ત્યારે ઈમરોઝ એ કહ્યું કે ‘ તેનું હોવું, તેમના સમીપ હોવાનો અહેસાસ.’ જ્યારે કોઈને આપણે મનથી સ્વીકારતા હોઈએ ત્યારે આપણે તેમને નખશીખ સ્વીકારતા હોઈએ છીએ. તેમની સારી વાતો, તેમનું વ્યક્તિત્વ, તેમનો સ્વભાવ, તેમની ખામીઓ બધું જ. અને આ જ સ્વીકાર એટલે અમૃતા અને ઈમરોઝનો સંબંધ. આ સંબંધ એટલે કોઈ 18 વર્ષની મુગ્ધ કન્યા અને 21 વર્ષના લવરમુછીયા વચ્ચે થયેલ મુગ્ધ પ્રેમ નથી, પરંતુ પાકટ વયે એકબીજાનાં સારા-નરસા પાસાનાં સ્વીકાર સાથે થયેલ પાકટ પ્રેમ છે જે જીવનપર્યંત ચાલે છે.

અમૃતા અને ઈમરોઝના મિજાજ અને પસંદ મળતા આવતા હતા તેમ છતાં અલગ અલગ હતા. બન્ને અલગ અલગ રૂમમાં રહેતા હતા. અમૃતા બહુ વહેલી સવારે કામ કરતા જ્યારે ઈમરોઝ સુતા હોય અને અમૃતા નિદ્રાવશ હોય ત્યારે ઈમરોઝ કામ કરતા. અમૃતા પોતાના લેખનમાં વ્યસ્ત હોય, ઈમરોઝ પોતાના ચિત્રમાં વ્યસ્ત હોય કોઈનો એક બીજાના કામમાં કોઈ ચંચુપાત નહિ. જો અમૃતા કામમાં વ્યસ્ત હોય તો ઈમરોઝ ઘરના કામ સંભાળી લે , જો ઈમરોઝ વ્યસ્ત હોય તો અમૃતા સાંભળી લે. અને આ જ રીતે બન્ને લગ્ન વગર દોસ્ત તરીકે એક જ ઘરમાં એક જ છત નીચે એકબીજાને બેલેન્સ કરતા હતા.

——-ક્રમશ——–

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here