રાહુલજી ગાંધીજીના પ્રેરણાદાયી ઉપવાસ પરથી આપણે બધાએ શીખવું જોઈએ

0
356
Photo Courtesy: Twitter

દિલ્હી કોંગ્રેસના નેતાઓ અજય માકન, અવરિન્દર સિંઘ લવલી અને અન્યોએ ગઈકાલે સવારે સાત વાગ્યા પહેલા છોલેભટુરે દાબ્યા અને પછી 11 વાગ્યે પોતાના નેતા રાહુલ ગાંધી સાથે ઉપવાસ પર બેઠા. સોશિયલ મિડીયામાં આ અંગે ખુબ મસ્તી કરવામાં આવી પણ અમને એવું લાગે છે કે આ પ્રકારના ઉપવાસનો ઉપહાસ કરીને આપણે આપણીજ ઉપવાસ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છીએ.

Photo Courtesy: Twitter

યાદ કરો એ દિવસો જ્યારે આપણી પત્નીઓ આપણી લાંબી ઉંમર માટે વટસાવિત્રી અને અન્ય વ્રતો કરતી ત્યારે ઉપવાસ કરવાના આગલા દિવસે ‘દાટો’ નામની પ્રથા પણ ફોલો કરતી. આ દાટો એટલે લવલી સાહેબ અને એમના સાથીદારોએ કરેલી જ પ્રક્રિયા હતી. ફરક માત્ર એટલો જ છે કે લવલી સાહેબે ઉપવાસના ચાર કલાક પહેલા પોતાના પેટમાં દાટો માર્યો જ્યારે આપણી પત્નીઓ બાર કલાક અગાઉ દાટો મારી દેતી. ટૂંકમાં કહીએ તો ઉપવાસ દરમ્યાન “ભૂખ તો સબકો લગતી હૈ, પેટ સબ કા આકુળવ્યાકુળ થાતા હૈ”, પછી તે રાજકારણી લવલી હોય કે આપણા પોતાના ઘરની ‘લવલી’ હોય.

ઉપવાસ તો ગાંધીજી કરતા, કશુંજ નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું. અરે પાણી પણ નહીં પીવાનું અને એ પણ દેશમાં ફેલાયેલી અરાજકતા રોકવા માટે કે પછી દેશને આઝાદી અપાવવા માટે. અત્યારના ગાંધીજી એટલેકે રાહુલજી ગાંધીજીએ જમાના પ્રમાણે ઉપવાસ પણ ટૂંકા કરી દીધા છે. મોહનજી ગાંધીજીના જમાનામાં ટાઈમલેસ ટેસ્ટ મેચની જેમ નક્કી ન થયા હોય એટલા દિવસ માટે ઉપવાસ થતા. આજે જમાનો ફાસ્ટ છે, કોઈ પાસે અઠવાડિયાઓ સુધી ઉપવાસનું ફળ શું આવશે તેની રાહો જોવાનો ટાઈમ નથી એટલેજ રાહુલજી ગાંધીજીએ Twenty20 ના જમાનામાં માત્ર પાંચ કલાકના જ ઉપવાસ ઈજાદ કર્યા છે અને એ પણ ઉપવાસપ્રેમી ગાંધીજીની સમાધી રાજઘાટ ખાતે, અને આ માટે તેમને ધન્યવાદ આપવા ઘટે.

Photo Courtesy: Twitter

હવે તમે વિચારો આવા T20 ઉપવાસના કેટલાબધા ફાયદા છે? એક તો રાહુલ ગાંધીએ ઉપવાસનો સમય ખુબ સરસ પસંદ કર્યો, સવારે 11 વાગ્યે. હવે છેક 11 વાગ્યે ઓફિશિયલી ઉપવાસ શરુ થવાના હોય એટલે ત્યાં સુધી તો ખાવાની છૂટ જ હોયને? જેમકે ઘણીવાર આપણે હિન્દુ માન્યતા અનુસાર જોશમાં આવી જઈને કે જોશીમાં આવી જઈને સોમવાર કે ગુરુવાર કે અઠવાડિયાના અન્ય કોઇપણ વારે ઉપવાસ શરુ કરી દેતા હોઈએ અને પછી પહેલા ઉપવાસની રાત્રે ભૂખ્યા પેટે ઉંઘ ન આવે તો પછી અંગ્રેજી માન્યતા અનુસાર રાત્રે બાર વાગ્યે તો વાર બદલાઈ જાય એવી દલીલ સાથે નાસ્તાના ડબ્બા ઓપન કરી દઈએ છીએને?

કદાચ એ જ માન્યતાને ફોલો કરતા લવલી સાહેબ અને એમના મિત્રોએ 11 વાગ્યા સુધી ટાઈમપાસ કરવાને બદલે સમયનો સદુપયોગ કરતા છોલેભટુરે પર હાથ સાફ કરી જ દીધો. વળી, દિલ્હીના છોલેભટુરે તો આખી દુનિયામાં વિખ્યાત છે આથી “જી લલચાયે રહા ના જાયે”, તો પછી બીજો કોઈ ઉપાય પણ નથીને?

તમને ગમશે: લોકપ્રિય હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડને કેમ ઇગ્નોર કરી રહી છે?

સાંજે 4 વાગ્યે ઉપવાસનો સમય પૂરો થયો હોવાનું જાહેર કરીને રાહુલજીએ એક અન્ય ઉપકાર પણ કર્યો. ઘણીવાર આપણે ઓફિસોમાં ટિફિન લાવતા આપણા સહકર્મચારીઓને કામનું ભારણ વધારે હોવાને લીધે છેક બપોરે ત્રણ વાગ્યે ટિફિન ખોલીને જમતા જોતા હોઈએ છીએ. આવા સમયે આપણને વિચાર આવતો હોય છે કે આ ભાઈ અત્યારે લંચ કરે છે કે ડિનર? આવી જ રીતે સાંજે 4 વાગ્યે રાહુલજીએ ઉપવાસ પતાવી દઈને કોંગ્રેસના નેતાઓની પત્નીઓ માટે પણ સુવિધા ઉભી કરી દીધી.

દિલ્હીના ટ્રાફિક વિષે તો આપણે જાણીએ જ છીએ? કોંગ્રેસના નેતાઓ 4 વાગ્યે ઉપવાસ પતાવીને ઘરે પહોંચે ત્યાં નહીં નહીં તોય સાત તો વાગેજ? આ સમયે તેમની પત્નીઓએ સરસ મજાની રસોઈ બનાવી રાખી હોય એટલે ફ્રેશ થઈને પતિ લોકો જમવા બેસી શકે એટલે પાંચ કલાકના ઉપવાસ પછી પતિઓના પેટમાં ભાર પડે અને પત્નીઓને લંચ અને ડિનર એકસાથેજ બનાવી નાખવાની સુવિધા મળે.

ટૂંકમાં કહીએ તો રાહુલજી ગાંધીજીના Twenty20 ઉપવાસની હાંસી ન ઉડાડતા તેને પોઝીટીવલી લેવા જોઈએ. આવનારા સમયમાં માતાપિતા પોતાના બાળકોની કોઈ માંગણી ન સંતોષે તો આ બાળકો લંચ અને ડિનર વચ્ચે રાહુલજી ગાંધીજીથી પણ ડબલ સમય એટલેકે આઠેક કલાકના ઉપવાસ જાહેર કરી શકે છે અને તેઓ ભોળુડા માતાપિતાને ઝુકાવી શકે છે. આમ રાહુલજી ગાંધીજી આ રીતે ટૂંકા ઉપવાસ દ્વારા ભવિષ્યના નેતાઓ તૈયાર કરી રહ્યા છે જેનાથી દેશની કાયાપલટ થઇ શકે છે.

આવો ઉપવાસના આ નવા સ્વરૂપને આપણે સહુ વધાવી લઈએ અને રાહુલજી ગાંધીજીની સાથે ચાલી નીકળીએ, છોલેભટુરે ખાવા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here