ભારતીય રાજકારણમાં ફાસ્ટ્મ ફાસ્ટ આગળ આવી રહ્યા છે ઉપવાસ

0
355
Photo Courtesy: scroll.in

હજી બે દિવસ અગાઉજ રાહુલ ગાંધી અને તેમના સાથીદારોએ દલિતો પર દેશભરમાં થઇ રહેલા કથિત અત્યાચારો વિરુદ્ધ ભરેલે પેટે કરેલા ઉપવાસ એટલેકે ફાસ્ટ આપણા મનમાં તાજા જ છે ત્યાં એક નવા સમાચાર કાને પડ્યા છે. આવતીકાલે એટલેકે 12 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ એક દિવસના ફાસ્ટ કરવાના છે. માત્ર મોદી જ નહીં પરંતુ ભાજપના દરેક સંસદસભ્યો પણ આવતીકાલે ફાસ્ટ રાખશે. તો ભાજપના પ્રમુખ અમિત શાહ કર્ણાટકના હુબલી ખાતે ધરણા કરશે.

Photo Courtesy: scroll.in

ફાસ્ટ એટલેકે ઉપવાસ એ ગાંધીજીએ સજાવેલું અમોઘ શસ્ત્ર હતું, પરંતુ સમાજજીવનમાં અને રાજકારણમાં હવે ફાસ્ટનો મતલબ અને તેનો અમલ બદલાઈ ગયો છે. કોઈ ફાસ્ટની વેલ્યુ સૌથી છેલ્લે ગણાઈ હોય તો એ અન્ના હઝારેએ અમુક વર્ષ પહેલા લોકપાલ બિલ લાવવા માટે કરેલા ફાસ્ટ હતા. હજી થોડા દિવસ પહેલા અન્ના પણ ફાસ્ટ પર બેઠા હતા પરંતુ આટલા વર્ષોમાં એમના અકારણ કરેલા  અસંખ્ય ઉપવાસોની કલાઈ ઉતરી જતા એ ઉપવાસની કોઈ કિંમત રહી ન હતી.

આગળ વાત કરી એમ કોંગ્રેસના છોલેભટુરે બ્રાન્ડ ફાસ્ટ બધાએ જોયા પરંતુ ચૈત્રી અને આસો નવરાત્રીએ કઠણ ઉપવાસ કરનારા નરેન્દ્ર મોદી આવતીકાલે કોંગ્રેસ બ્રાન્ડ ફાસ્ટ કરશે એવું કોઈ વિચારી પણ ન શકે.

મોદી અને ભાજપ આવતીકાલે ફાસ્ટ એટલા માટે કરવાના છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ આ વખતનું અંદાજપત્ર સત્ર હો હલ્લો કરીને સાવ ધોઈ નાખ્યું હતું. આવું પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ સંસદનું ચોમાસું સત્ર સાવ ધોવાઇ ગયું હતું, તો આ વખતે જ આ ઉપવાસ કેમ કરવા પડ્યા? કારણ છે કે કર્ણાટકમાં ચૂંટણીઓ આવી રહી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ છે.

કોંગ્રેસના ખાઈ-પીને કરેલા ઉપવાસનો ભંડો તો ફૂટી ગયો છે પરંતુ ક્યાંક પ્રજા એમ ન માને કે અત્યારે દેશભરમાં ભાંગફોડ કરવાની કોશિશો ભરપૂર ચાલી રહી છે તેના પ્રત્યે ભાજપ કે વડાપ્રધાન સિરિયસ નથી એટલે “ગબ્બરસિંઘ તુમ અગર એક મારોગે તો હમ ચાર મારેંગે” ના ન્યાયે વડાપ્રધાન, તમામ સંસદસભ્યો કોંગ્રેસની સંસદીય ગેરવર્તણૂક વિરુદ્ધ ફાસ્ટ કરશે જેથી ભાજપ પણ પોતાનો સંદેશ પ્રજામાં પહોંચાડી શકે.

પરંતુ જો ગંભીરતાથી વિચારવામાં આવે તો કોંગ્રેસના ફાસ્ટ તો હાસ્યાસ્પદ હતા જ પણ વડાપ્રધાન અને તેમના સાથીદારોના ઉપવાસ પણ કોઈ ખાસ અસર દેશવાસીઓ પર પાડી શકશે તેવી કોઈજ આશા દેખાતી નથી. જો મુદ્દો દલિતોને થયેલા કથિત અન્યાયનો હોય કે પછી એવો કોઈજ અન્યાય નથી થયો એ સંદેશ પહોચાડવાનો હોય તો ફાસ્ટ કરવાથી કોઈજ ફાયદો નથી, કારણકે લોકશાહીમાં ઉપવાસનું શસ્ત્ર બોદું થઇ ગયું છે અને આજના સમયમાં જ્યારે મિડિયા અને સોશિયલ મિડિયા આટલું બધું જાગૃત હોય ત્યારે “યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ…” જેવો ઘાટ આપણા નેતાઓના ધરણા અને ઉપવાસોનો થયો છે.

વળી, લોકસભામાં જબરી બહુમતી હોવા છતાં વિપક્ષ દાદાગીરીથી પોતાનો ધાંધલધમાલનો એજન્ડા ચલાવી શકતો હોય તો એમાં સરકારની જ નિષ્ફળતા ગણી શકાય કારણકે સરકાર સ્પિકરને તોફાની સંસદસભ્યોને હાંકી કાઢવા કે અમુક સમય માટે તેમની લોકસભાની એન્ટ્રી બંધ કરવાની વિનંતી કરી શકી હોત. જો એ સમયે સરકારે આવું કશું ન કર્યું તો હવે ભાજપના ‘સાપ ગયો ને લીસોટા રહી ગયા’ જેવા આ ઉપવાસનું કોઈજ મહત્ત્વ નહીં રહે.

જો કે મજાની વાત તો એ છે કે છોલેભટુરે બ્રાન્ડ ફાસ્ટની શોધ કરનારી કોંગ્રેસે વડાપ્રધાનના ફાસ્ટને ફારસ ગણાવ્યું છે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here