આપણા અમુલ્ય અને અતુલ્ય વારસો ધરાવતા ભારત દેશની હાલત અત્યારે, કોઈ પણ અતિશયોક્તિ વગર કહું તો દયા ઉપજાવે એવી થઇ રહી છે. રોજ સવારે ભ્રષ્ટાચાર, જાતિવાદ, આરક્ષણ, કૌભાંડ, છેતરપીંડી, હુલ્લડ, હુમલા વગેરે જેવા શબ્દોથી છાપાઓના પાના ખદબદે છે. ખરેખર! ઘણી વાર તો એમ થાય છે કે શું ખરેખર આપણે આપણા એ મુલ્યો કે જે ગાંધીજીએ, વલ્લભભાઇ પટેલે અને બોઝે વારસામાં આપ્યા હતા એ બધાને નેવે મૂકી દીધા છે?

વળી, બાબાસાહેબ આંબેડકરના નામનો દુરુપયોગ કરવામાં તો એકપણ રાજકીય કે રાષ્ટ્રીય પાર્ટીએ કચાશ બાકી રાખી જ નથી. બસ ચુંટણી આવે એટલે પોતપોતાની પાર્ટીઓના ઝંડા લઈને મતોનું ધ્રુવીકરણ કરવા નીકળી પડે છે, પછી એ કોઈ પણ પક્ષ હોય! દલિતના ઘરે જમવાથી માંડીને એમના ઘરે એક રાત રોકાવા સુધીના તમામ પેંતરા કરે છે અને અંતે ચૂંટણીની આગલી રાત્રે દારૂની જયાફતો તો ખરી જ ખરી!
પ્રચાર વખતે કરેલા મોટા મોટા વાયદા (જુમલા પણ કહી શકો) જયારે સત્તામાં આવ્યા બાદ પુરા ન થાય ત્યારે હુલ્લડો અને હુમલા થાય છે. ભારત દેશની પ્રજા જ સાવ મુર્ખ છે કે જે પાર્ટીઓની અને નેતાઓની વાતોમાં આવીને વોટ આપે છે. પોતાની બુદ્ધી કયા ખૂણામાં મૂકી આવે છે એની જ ખબર નથી.
વાતચીત ઓફ ધ ટ્રેક જાય એ પહેલા પાછો ટ્રેક પર આવી જાઉં. તો વાત એમ છે કે આપણું ભારત આટલી બધી ભૌગોલિક અને સામાજિક સંપદા ધરાવતું હોવા છતાં આટલું બધું પાછળ કેમ છે? કારણો ઘણા બધા છે પણ એમનું એક કારણ સૌથી વધારે વ્યાજબી મને લાગતું હોય તો એ છે ‘સત્તાધારી પક્ષની દેશ-કલ્યાણ માટે નહિ, પણ પક્ષ-કલ્યાણ વિષેની જ વિચારસરણી’.
કેવી રીતે ચૂંટણીઓમાં એડીચોટીનું જોર મારીને લોકોને માત્ર અને માત્ર જાતપાતમાં ઉલ્ઝાયેલા રાખવા અને એમની વચ્ચે આવી ધાર્મિક અને જાતિ વિષયક ગેરસમજો ઉભી કરીને લાભ ખાટી લેવો. આપણા ભારત માં થતી દરેક વાત અને ચર્ચા અંતે તો ધર્મ અને જાતિ પર આવીને જ ઉભી રહી જાય છે. આપણી પાસે કોઈ મુદ્દા જ નથી બચતા. ન તો કોઈ શિક્ષણ કેટલું વધ્યું એની વાત કરે છે કે ન તો ભ્રષ્ટાચાર કેટલો ઘટ્યો એની વાત કરે છે. બસ ધર્મ અધર્મ અને જાત પાત, આ ચાર જ શબ્દો છે નેતાઓની ડીક્ષનરીમાં!
વળી, નેતાઓ ચોર છે તો નાગરિકો એમના ભાઈ ઘંટીચોર છે. આમ કરવાથી ફલાણાની લાગણી દુભાશે, મારો સમાજ ઢીંકણો અન્યાય નહિ સાખી લે, અમારા સરદાર પટેલ, અમારા ભીમરાવ કરી કરીને ઉચ્ચ કોટીના મહાપુરુષો પણ અંદરોઅંદર વહેંચી લીધા છે. દેશના નાગરીકોએ આખા દેશને જ પોતાનો સમાજ ગણીને એને છાજે તેવું વર્તન કરવું જોઈએ. પણ એવું કરવામાં નાગરિકો જ ખરા ઉતર્યા નથી.
હમણાંના ભ્રષ્ટાચારના ટ્રાન્સ્પરેસી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરેલા વર્લ્ડ વાઈડ 180 દેશના રેન્કિંગમાં ભારત 81માં ક્રમે છે. (રેન્કિંગ તળિયે જતા વધુ ભ્રષ્ટાચાર દર્શાવે છે). આ રેન્કથી આપણી આંખો ઉઘડવી જોઈએ કે હજી આપણે ઓછા કરપ્શન ધરાવતા દેશોના ટોપ 50માં પણ નથી. રોજબરોજના મોટી બેંકના મોટા કૌભાંડોથી જો હવે આપણી આંખો નહિ ખુલે તો પછી ક્યારે?
વૈશ્વિક ટેલેન્ટ આંકમાં પણ ભારત 81માં ક્રમે છે જે તળિયાનું સૂચક છે. જે દર્શાવે છે કે શિક્ષણનું સ્તર કેટલું નીચું ગયું છે. આરક્ષણની ઉધઈના લીધે સારા ટેલેન્ટ વિદેશોમાં જઈને ત્યાની ઈકોનોમીને વેગ આપે છે. કારણ કે ભારતમાં એમના નોલેજની યોગ્ય કદર થતી નથી અને પછી એ જ લોકો (દા.ત. સુંદર પીચાઈ, સત્ય નાંદેલા અને બીજા ઘણા) વિદેશોમાં જઈને ડંકો વગાડે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા ઘણા સુધારા માંગે છે.
ખાસ કરીને આપણા ગુજરાતની કોઈ પણ યુનિવર્સીટી ટોપ ટેનમાં નથી. વળી, IIT. અને IISC સિવાયની અન્ય કોલેજીસના તો ક્યાંય ઠેકાણા જ જણાતા નથી.
આ તો થઇ માત્ર શિક્ષણની વાત. બેન્કિંગ સેક્ટરમાં પણ એક પછી એક બહાર આવતા કૌભાંડો આપણા ભારત ની વૈશ્વિક છબીને ખરડી રહ્યા છે. સામાન્ય નાગરિકો માટે ચુસ્ત કાયદા અને નોર્મ્સનું પાલન કરનારી બેંકોના કર્મચારીઓ મોટા ઉદ્યોગપતિઓ પાસેથી લાંચ લઈને મોટી રકમોની લોન આપે છે અને અંતે એ બધા નાદારી જાહેર કરીને વિદેશોમાં ભાગી જાય છે. સરકાર એમની સંપત્તિ જપ્ત કરવા સિવાય એમનો વાળ પણ વાંકો કરી શકતી નથી. ગંભીરતાપૂર્વક આ ક્ષેત્રે છીંડા અને છટકબારીઓ પૂરવી પડશે નહીતર ભવિષ્યમાં અર્થતંત્રનો ગ્રાફ નીચે સરકશે એમાં નવાઈ નહિ.
દેશના નાગરીકો દેશની સાચી સંપત્તિ હોય છે. આ વાક્યને જરા બીજી રીતે કહીએ તો દેશના સમજદાર નાગરિકો દેશની સંપત્તિ હોય છે એમ કહીશું તો વધારે યોગ્ય લેખાશે. એક જવાબદાર નાગરિક પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ યોગ્ય રીતે કરે, સરકારને જ્યાં જરૂર પડે ત્યાં સહાય કરે, પણ જો સરકાર કંઈક ખોટું પગલું ભરે તો કાન પકડી સાચા માર્ગે લઇ આવવાની જવાબદારી પણ સંભાળે જેથી સરકાર સ્વાયત્ત ન બની જાય. જો માત્ર આટલું જ આપણે કરી શક્યા તો ખાસો એવો બદલાવ મારા મતે જોવા મળશે.
પછી વાત આવે છે ન્યાયતંત્રની. આપણે ત્યાં આમ તો બંધારણીય રીતે ન્યાયતંત્ર સ્વતંત્ર છે. પણ ન્યાયતંત્રમાં સત્તાધારી પક્ષની દખલગીરી પહેલા પણ હતી અને અત્યારે પણ છે. સંવેદનશીલ કેસનો ચુકાદો આવતા હજીયે આપણે ત્યાં વર્ષો વીતી જાય છે. ઘણી વાર તો બાબરી મસ્જીદના કેસની જેમ આરોપીઓ મૃત્યુ પામે ત્યાં સુધી ચુકાદો આવતો નથી. ઘણા કેસમાં ચુકાદો આવે અને મોટા ગજાના આરોપીને જેલ થાય તો તરત જ બીજા કે ત્રીજા દિવસે જામીનની સુનાવણી થઇ જાય છે. કેસના ચુકાદા કરતા જામીનનો ચુકાદો ક્યાંય જલ્દી આવે છે અને જેથી કરીને કેસ કરવાવાળા પક્ષનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠતો જાય છે.
આ તો વાત થઇ માત્ર મેક્રો લેવલના (ઉપસર્ગ) મુદ્દાઓની વાત. માઈક્રો લેવલ પર રહેલા મુદ્દાઓ તો ઘણા છે જે વહેલી તકે પરિવર્તન અને સુધારા માંગે છે. સત્તાધારી સરકાર ચાહે કોઈ પણ પક્ષની હોય, એમની પ્રથમ પ્રાયોરીટી ભારત દેશ હોવો જોઈએ.
આપણે અમેરિકા, ફ્રાંસ વગેરે દેશોની મોટી વાતો કરીએ છીએ પણ ત્યાં બેઝીક તફાવત શું છે એ જાણ્યું છે? ત્યાંના ‘નાગરીકોની જાગૃતતા’ એ મુખ્ય તફાવત છે. ત્યાંના લોકો પોતાની આંખોથી પરિસ્થિતિઓ જુએ છે અને આપણે હજીયે એક ચોક્કસ પક્ષના ચશ્મા આંખો આગળથી ઉતાર્યા નથી. આશા કરીએ કે એ સમય જલ્દી આવે, બાકી કોઈ સરકાર પાસે જાદુની છડી નથી કે ફેરવશે અને બધું સમુસુતરું થઇ જશે!!
આચમન :- “જે દેશની પ્રગતિ માત્ર રાજા પર જ નિર્ભર હોય એ દેશમાં બેશક રાજા એકલો જ નિવાસ કરતો હશે”