આવી ગઈ છે મેંગોની મોસમ અને છવાઈ ગયો છે મેંગો મેનિયા

0
429

આપણામાંથી ઘણા માટે ઉનાળો એટલે મેંગો અર્થાત કેરી ખાવાના દિવસો, મારા જેવા અનેક લોકો  માટે તો ઉનાળાનો અર્થ જ કેરી થાય છે, એ સિવાય ઉનાળો એક ત્રાસદાયક પરિસ્થિતિ છે. આપણે કેરીનો ઉપયોગ રાંધણકળામાં વ્યાપક રીતે કરીએ છીએ. ખાટી, કાચી કેરીનો ચટણી,અથાણાં  તથા અન્ય સાઈડ ડીશમાં  ઉપયોગ થાય છે. અથવા તેને મીઠું, મરચું, અથવા સોયા સોસ સાથે કાચી પણ ખાઈ શકાય છે. એક ઉનાળાનું પીણું, આમ પન્ના, કેરીમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત પાકી કેરી તેમાંથી  રસ,લસ્સી અને ફજેતો (અથવા આમ્ટી) બનાવવામાં પણ વપરાય છે. પાકી કેરી સાઉથ-ઇસ્ટ એશિયામાં વિવિધ પ્રકારની  બનાવવામાં પણ વપરાય છે.

Photo Courtesy: YouTube

એશિયાટિક કન્ટ્રીઝ  સિવાયના દેશોની વાત કરીએ તો કેરીનો મહત્તમ ઉપયોગ સવારના નાસ્તામાં વપરાતા સીરીઅલ્સ તથા ગ્રનોલા બાર બનાવવામાં થાય છે, જે સામાન્ય રીતે પાકી કેરી હોય છે. આ ઉપરાંત હવાઈમાં તેનો ઉપયોગ ‘બાર્બેક્યુ’ બનાવવામાં થાય છે.

કેરીની નુટ્રીશિયન વેલ્યુની વાત કરીએ તો, 100 ગ્રામ  કેરી ના સર્વિંગદીઠ 250 kJ (60 kcal) કેલરી મળે છે. કેરી વિવિધ પોષક તત્વો સમાવે છે, પરંતુ માત્ર વિટામિન સી અને ફોલેટ (અનુક્રમે 44% અને 11%) નું પ્રમાણ જ રોજીંદી જરૂરિયાતોને અનુરૂપ છે.

કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઇન્સનું  રાષ્ટ્રીય ફળ છે તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. મુઘલ સમ્રાટ અકબર એ દરભંગામાં  100,000 કેરીના વૃક્ષો વાવી આંબાવાડિયાનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. હિંદુ ધર્મમાં સંપૂર્ણપણે તૈયાર કેરી ઘણીવાર ભગવાન ગણેશનાં હાથમાં મૂકવામાં આવે છે, જે ભક્તના સંપૂર્ણ સમર્પણના પ્રતીક તરીકે દર્શાવાય છે. કેરીના મ્હોરનો ઉપયોગ દેવી સરસ્વતીની પૂજામાં થાય છે. તમિળનાડુમાં, કેરી તેની મીઠાશ અને સ્વાદ માટે, કેળા અને ફણસ સાથે ત્રણ શાહી ફળોમાંના  એક તરીકે ઓળખવામાં આવે છે. ફળોની આ ત્રિપુટી મા-પાલા-વાઝાઈ તરીકે ઓળખવામાં આવે છે.

આજે આપણે કેરીમાંથી બનતી કેટલીક અલગ પ્રકારની વાનગીઓ જોઈશું, જેમકે મેંગો સાલસા, આમરસ કે આલુ અને મેંગો પાના-કોટા. મેંગો સાલસા એક મેક્સિકન સાલસા છે, જેને નાચોસ કે અન્ય કોઈપણ મેક્સિકન વાનગી સાથે સર્વ કરી શકાય છે. આમરસ કે આલુ એ અત્યંત સ્વાદિષ્ટ સબ્જી છે. જયારે મેંગો પાના-કોટા એ એક ઇટાલિયન ડેઝર્ટ છે.

મેંગો સાલસા:

સામગ્રી:

1 કેરી (છોલીને સમારેલી)

½ કપ કાકડી (છોલી, બી કાઢીને સમારેલી)

1 મોટો ચમચો ઝીણા સમારેલા હલાપીનીઓ મરચા

¼ કપ સમારેલી ડુંગળી

1 મોટો ચમચો લીંબુનો રસ

1 મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર

મીઠું,મરી સ્વાદ મુજબ

રીત:

  1. કેરી, કાકડી, હલાપીનીઓ મરચા, ડુંગળી, લીંબુનો રસ અને કોથમીર ને એક બાઉલમાં ભેગા કરી, સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદમુજબ મીઠું અને મરી નાખી બરાબર ભેળવી દો.
  2. નાચોઝ, તોર્તિયા ચિપ્સ કે ટાકોઝ સાથે સર્વ કરો.

આમરસ કે આલુ:

સામગ્રી:

1 કાચી કેરી
3-4 કળી લસણ
1 ઇંચ આદુ
2 ટેબલસ્પૂન તેલ
2 સૂકા લાલ મરચાં
1 ટીસ્પૂન રાઈ
1 ટીસ્પૂન જીરું
1 ટીસ્પૂન મેથીનાં દાણા
1 ટીસ્પૂન હિંગ
1 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચા પાવડર
2 ટીસ્પૂન ધાણા પાવડર
500 ગ્રામ નાની બટાકી
1 ટીસ્પૂન સંચળ
8-10 મીઠા લીમડાના પાન
1 કપ કેરીનો રસ
સ્વાદ મુજબ મીઠું

રીત:

  1. સૌપ્રથમ એક પેનમાં તેલ લઇ, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું, મેથીના દાણા અને હિંગ ઉમેરો. મસાલો સહેજ શેકાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરો.
  2. હવે તેમાં સમારેલા આદુ અને લસણ ઉમેરો.
  3. કાચી કેરી ઉમેરી તેની સાથે સાથે તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણા પાઉડર ઉમેરો.
  4. હવે તેમાં બટાકી અને સંચળ ઉમેરીને મસાલો બરાબર ભળી જાય ત્યાંસુધી સાચવીને સાંતળો.
  5. હવે તેમાં કેરીનો રસ ઉમેરીને બટાકી બરાબર ચડી જાય ત્યાંસુધી પકવો.
  6. પરાઠા કે રોટલી સાથે ગરમાગરમ પીરસો.

 

મેંગો પાના-કોટા (Mango Panna Cotta):

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 1/4 કપ દૂધ

1/4 કપ ખાંડ

2 ટીસ્પૂન અગર અગર પાઉડર

1 કપ કેરીનો રસ

1 કેરી (લગભગ 1/2 કપ હોવી જોઈએ)

1 ટીસ્પૂન વેનીલા એસેન્સ

રીત:

  1. એક મધ્યમ સોસપેનમાં દૂધ, ખાંડ અને અગર અગર પાવડર ભેગા કરો.
  2. તેને 5 મિનિટ માટે મૂકી રાખો.
  3. ગેસ ઉપર મૂકી  તેને ખદખદવા દો, ત્યારબાદ ગરમી ઘટાડી અગર-અગર ઓગળે ત્યાં સુધી, 6-8 મિનિટ રાંધો.
  4. ગેસ પરથી દૂર કરો.
  5. એક ફૂડ પ્રોસેસર માં કેરીનો રસ, અગર અગર મિશ્રણ અને વેનીલા નો એસેન્સ ઉમેરો.
  6. મિશ્રણને ડેઝર્ટ ગ્લાસમાં સરખા ભાગે વહેંચી દો.
  7. ફ્રીજમાં લગભગ 1 થી 2 કલાક સેટ થવા દો.
  8. ઠંડુ ઠંડુ સર્વ કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here