વ્હાલા ગુજરાતીઓ આ ઉનાળા દરમ્યાન આરોગ્યની ભલાઈ આ રીતે કરજો

6
646
Photo Courtesy: indianexpress.com

રજનીકાંત એસી બંધ કરે પછી ભારત માં ઉનાળા જેવી ચામડી ચીરી નાખતી સિઝન ચાલુ થાય છે એવું કદાચ પાંચેક વર્ષ પછી લલિત નિબંધો માં લખાય તો નવાઈ નહીં. ભારત માં જયારે વિવિધ ખાનો અને તૈમુરના માતૃશ્રી ડર્મિકુલ પાવડરો છાંટી ફુવારા માં નહાય એટલે સમજો ઉનાળાની શરૂઆત થઇ ગઈ, જયારે ટાઈગર ભાભીશ્રી હોઠ પર રસનું ટીપું પાડી આમશાસ્ત્ર વિષે સમજાવે એટલે જાણવું કે ભારતમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ, અમિતાભ જયારે માથે નવરતન તેલ ઘસી માથા ઠંડા કરે એટલે સમજવું કે ભારતમાં ઉનાળાની શરૂઆત થઇ ગઈ, અને છેલ્લે મમ્મી જયારે બુમો પાડવા લાગે કે “બાટલા પી ફ્રીજ માં ભરી મુકવાના રાખો” એટલે ચોક્કસ સમજવું કે ભારતમાં ઉનાળા ની શરૂઆત થઇ ગઈ…

Photo Courtesy: indianexpress.com

કવિઓ ને શિયાળો ગુલાબી લાગે,વરસાદ ભીંજવે પણ હરામ બરાબર કોઈએ ઉનાળા વિષે પ્રેમકાવ્યો લખ્યા હોય. પરીક્ષાવાળા પણ ઉનાળા વિષે “ઉનાળા નો બળબળતો બપોર” એવું લખી નિબંધો પૂછે. ઋતુઓ માં હું વસંત છું કહી શ્રીકૃષ્ણ પણ એટલે થી અટકી ગયા,ટૂંક માં ઉનાળા પ્રત્યે કોઈને વ્હાલો નથી સિવાય ATM ના ચોકીદારો અને મોલો(મોલ્સ) માં નોકરી કરતા જુવાનીયાવ… ભારતમાં દિવસે દિવસે ઉનાળો આકરો થતો જાય છે. આરબોની જેમ અહી પેટ્રોલના કુવાઓ ન હોવાથી તમામ સ્થાનો સેન્ટ્રલ એસી કરવા શક્ય નથી આરબ દેશોમાં સવાર નું તાપમાન જ 50 સે. ની આજુબાજુ હોય છે ને એ દિવસો ભારત માં હવે દુર નથી. નેચરલ ઠંડક કેવી રીતે મેળવાય અને ઉનાળામાં શું ધ્યાને લેવું તે આજે જાણીશું…

ઉનાળામાં ચાર મહિના એ વસંત અને ગ્રીષ્મ એમ બે ઋતુમાં વિભાજીત થયેલા છે. ઉત્તરાયણ બાદ ઉત્તર બાજુથી આવતા સૂર્યના કિરણો હવે ધીમે-ધીમે સીધા થતા વાતાવરણમાં ઠંડી ઓછી થઈ અને ગરમીનો સંચાર થવા લાગે છે અને સમય જતાં ધીમે – ધીમે (દોઢ – બે મહિનામાં) અસહ્ય ગરમી શરૂ થઈ જાય છે.

શિયાળામાં ગોળ, તલ, ઘી, અડદિયા વગેરે ખાધા હોય, આ બધી જ વસ્તુઓ સ્વભાવે ચીકણી હોવાથી શરીરમાં અને કફ વધી જાય છે અને કફ જેમ જેમ ગરમી પડે તેમ ઓગળે છે. પરિણામે આપણે કફના લીધે થતા રોગો જેવા કે શરદી, ખાંસી, તાવ વગેરે આ ઋતુમાં વધુ જોવા મળે છે. શિયાળામાં ન સાચવ્યું હોય એને ચોક્કસ વસંતની શરૂઆતમાં તકલીફ પડે જ છે.

શિયાળો પૂરો થાય અને ઉનાળા આવવાનો સંકેત મળે કે તરત જ આપણે ખોરાકમાં બદલાવ કરી નાંખવો જોઈએ. ખોરાક સરળતાથી પચી જાય તેવો અને ઓછી ચીકાશવાળો (ઓછા ઘી-તેલ વાળો) લેવો જોઈએ. એટલે કે ઉનાળાની ઋતુમાં તળેલી વસ્તુઓ ઓછામાં ઓછી ખાવી જોઈએ.

  • મીઠા ફળો જેમ કે કેરી, ચીકુ ફળોનાં રસનો ઉપયોગ ખૂબ કરવો.
  • ધાણી, દાળીયા જેવી સૂકી વસ્તુઓનો નાસ્તામાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો.

સૂર્યની ગરમીનાં લીધે ઓગળતા કફને દૂર કરવા વસંતઋતુ માં થોડું આદુ નાખીને ઉકાળેલું પાણી પીવું જોઈએ. પાણીમાં બે-ત્રણ ચમચી મધ નાંખીને લઈ શકાય. આમ કરવાથી ઉનાળાની શરૂઆત એટલે કે વસંતઋતુમાં કફના લીધે થતા રોગોને અટકાવી શકાય છે.

વસંતમાં કડવો, તીખો, તૂરો રસ હોય તેવા ખોરાક લેવા.

ગ્રીષ્મમાં ગળપણ વાળા અને ઠંડા હળવા ખોરાક લેવા.

ઉનાળા દરમ્યાન પડતી અસહ્ય ગરમીમાં તાજો શ્રીખંડ સરસ તાકાત આપે છે. દહીં ને બાંધી નિતારી લેવું, પછી એક સુતરાઉ કાપડ તપેલી પર બાંધવું તેના પદહીં,સાકર, ઈલાયચી, કેસર મિક્સ કરી કાપડ પર ઘસી ઘસી તપેલી માં દહીં આદિ મિશ્રણ ઉતારવું આ જ સાચો શ્રીખંડ.

ઉનાળાની હજુ તો શરૂઆત હોય છે ત્યારે એકદમ ઠંડાપીણા – ફ્રીજનું પાણી, આઈસ્ક્રીમ અથવા તો કોઈપણ પણ ઠંડી કે પચવામાં ભારે / વાર લાગે તેવી વસ્તુઓ / ખોરાક લેવા નહીં.

બહુ ઘી-તેલ કે ચીકાશવાળા, તળેલા, ખાટા અને વધારે પડતા ગળપણવાળા-ચીકાશવાળા ખોરાકો જેવા કે ચીઝ, ઘી, મેંદાની બનેલી વસ્તુઓ (બ્રેડ-પાઉં), ખાટા કે આથાવાળા ખોરાક આ ઋતુમાં બિલકુલ લેવા જોઈએ નહીં.

સાંજના સમયે અથવા તો જયાં ઘણાં બધા વૃક્ષો હોય, સૂર્યનો તાપ ઓછો આવતો હોય, પાણી છંટકાવ કરેલ ઠંડી જમીન હોય અથવા તો જયાં ફુવારાઓ હોય તેવા બગીચામાં રમવા જવું જોઈએ.

ઉનાળા દરમ્યાન આટલું ન જ કરવું :

  • તીખું, ખાટું, ખારૂ, ચટપટી વસ્તુઓ (જે જોતા જ મોઢામાં પાણી આવે અને ખાવાની ઈચ્છા થઈ આવે), આથાવાળી વસ્તુઓ જેમ કે ઢોકળા, ઈડલી, ઢોંસા બિલકુલ ખાવા નહીં.
  • સૂર્યના તડકામાં બપોરના સમયે કયારેય ફરવા નીકળાય નહિ, નહિંતર ઝાડા, ઉલટી, નસકોરી ફૂટવી, તાવ આવવો આવી બધી તકલીફો થાય છે.
  • વસંતઋતુમાં બપોરે સુવું નહીં ગ્રીષ્મઋતુમાં સૂઈ શકાય.

આ ઉનાળે આ 7 નિયમ પાળવાથી તકલીફ નહિ થાય :

1. પૂરતી ઊંઘ : કોઈ પણ સીઝનમાં પૂરતી ઊંઘ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જોકે ઉનાળા જેવી કાળી ઋતુમાં એનું મહત્વ હજી વધારે રહે છે, કેમ કે આ સીઝન શરીરથી ખૂબ થકવી નાખનારી છે. ડીહાઇડ્રેશનને કારણે શરીરમાંથી અવાનવાર પાણીની કમી થતાં મસલ્સ ખૂબ થાક અનુભવે છે. મગજને પણ કાર્યરત રાખવા માટે યોગ્ય માત્રામાં પાણી હોવું જરૂરી છે. જો ડીહાઇડ્રેશનની સાથે અપૂરતી ઊંઘ પણ ભળે તો એ ચક્કર, લો બ્લડપ્રેશર, ઍન્ગ્ઝાયટી, ડલનેસ, ટેમ્પરરી મેમરી-પ્રૉબ્લેમ્સ લાવી શકે છે. પણ પૂરતી ઊંઘ લેવા માટે તડકો માથે ચડે ત્યાં સુધી સૂવાનું યોગ્ય નથી.

2. પોષક પણ ગળી હોય એવી ચીજોનું સેવન: ગ્રીષ્મ ઋતુમાં પિત્તની સમસ્યાઓ વકરે છે. પિત્તના શમન માટે પોષક અને ગળી ચીજોનું સેવન જરૂરી છે. એમાં ગળ્યાં પીણાં કે મીઠાઈઓ નહીં પણ શરીરને પોષણ આપે એવી ચીજોનું સેવન કરવું જોઈએ. રસાળ ફળો આ સીઝનમાં ઉત્તમ છે. સંતરા, તરબૂચ, સક્કરટેટી, દ્વાક્ષ, લિચી, પ્લમ જેવાં ફળો ભરપૂર માત્રામાં લેવા જોઈએ. પચવામાં હલકી અને સદા પથ્ય ચીજો લેવી જોઈએ. જેમ કે મગની દાળ, ચોખા, રાબ, ઓછા મસાલાવાળા શાકભાજી. પરવળ, તાંદળજો, ગલકાં જેવાં શાક લઈ શકાય. આથેલું, મરી-મસાલાવાળું, તળેલું, તીખું, વાયડાં પડે એવાં કઠોળ, અથાણાં, પાપડ વગેરે આ સીઝનમાં ન જ લેવાં.

3. બપોરિયું પીણું: રોજ એકાદ ગ્લાસ ફળોનો રસ પણ લઈ શકાય. બપોરના સમયે શેરડીનો રસ, લીંબુનું સાકર-નમકવાળું શરબત, નાળિયેરપાણી, કાળી દ્રાક્ષ-વરિયાળીનું શરબત, કાચી કેરીનો બાફલો, ગોળ-સૂંઠનું પાણી, ઠંડા ઘરે બનાવેલા શરબતો કે વરીયાળી+ગુલાબ અથવા તો દ્રાક્ષા+ફાલસાનું શરબત, એલચી કે તજ નાંખીને બનાવેલ શરબત આમાંથી કોઈ પણ એક પીણું બપોરે લેવું જોઈએ. રાતના સમયે ફ્રૂટ જૂસ, બરફગોળા, ઠંડાં પીણાં કે કાબોર્નેટેડ ડ્રિન્ક્સ (તારક મેહતા વાળી સોડા) ખાસ બંધ કરવા.એનાથી શરીરમાં વધારાનો મેદ અને સુસ્તી પેદા થાય છે.

4. માટલાનું ઠંડું પાણી: ફ્રિજમાં ઠંડું થયેલું પાણી વધુપડતું ચિલ્ડ હોય છે જે પીવાથી વધુ ગરમી લાગે છે. બરફવાળું પાણી કે પીણાં પીધા પછી તરત ગળાને સારું લાગે છે, પણ એને કારણે વધારે પસીનો થાય છે અને ઓવરઑલ ડીહાઇડ્રેશન વધી શકે છે. શિયાળામાં ઘડવામાં આવેલા માટલામાં લાંબો સમય ભરી રાખેલું પાણી કુદરતી રીતે જ ઠંડું હોય છે. એ ઉનાળા દરમ્યાન તરસ છીપાવે છે. નવું માટલું લાવી હાથ નાખ્યા સિવાય ખાલી પાણી ભરી એક રાત મૂકી રાખવું પછી બીજા દિવસ થી વીછળી ને વપરાશ માં લેવું. એની સુવાસ અને ટીપીકલ સ્વાદથી તુરંત ઠંડક મળે છે એમાં વાળાની પોટલી મુકો તો સોના માં સુગંધ ભળે સાચી તરસ એનાથી જ છીપાય

5. વહેલી સવારે કે ઢળતી સાંજે હળવી કસરત જીમ ને બાય બાય: આ સીઝનમાં વ્યાયામ કરવાનું કોઈને ગમતું નથી. સ્વસ્થ શરીર માટે રોજિંદી ચર્યામાં વ્યાયામનો સમાવેશ અનિવાર્ય છે. તડકો માથે ચડ્યા પછી કસરત કરવાનું ગમતું ન હોય એ સ્વાભાવિક છે એટલે જ ઉનાળામાં વહેલી સવારે યોગાસન, પ્રાણાયામ કે વૉકિંગ જેવી પ્રવૃત્તિઓ કરવી. સવારે ન ફાવે તો ઢળતી સાંજે તાપ ઢળે એ પછીનો સમય પસંદ કરવો. આ ઋતુમાં વાયુ વધે, પાચન મંદ પડે અને બળ ઘટે છે. જીમ વગેરે સાવ ઓછા કરી નાંખવા. પ્રોટીન શેક પી જીમ કરવાનું બંધ કરવું. ખાસ ખુલતા, સુતરાઉ કાપડ ના સફેદ જેવા રંગો વાળા,પાતળા વસ્ત્રો પહેરવા. જાડા જીન્સ વગેરે થી પરસેવો કાપડ નીચે જ રહી ખુજલી, દરાજ વગેરે કરી શકે છે. મૈથુન નો ગ્રીષ્મ ઋતુ માં ત્યાગ કરવો. એસી વાળા એ પણ, કેમકે ઋતુ પોતાનો પ્રભાવ દેખાડતી જ હોય છે.

6.ગરમી મુક્ત ઘર : લાકડાની પીઢો વાળા ઘર ઉનાળા દરમ્યાન ખુબ જ ઠંડક આપે છે. ઘર પર ઠંડક માટે ધાબે ચૂનો ધોળાવી દેવો, બારીઓમાં ખસની ટટ્ટીઓ લગાવવી કે ધોતિયાં જેવા સુતરાઉ કાપડ ભીંજવી ઘરમાં સૂકવવા જે ખુબ ઠંડક આપે છે. ઘરે વાદળી ઝાંયવાળા ઇન્ટીરીયર થી ઠંડક મળે ને ચિત્રો પણ બર્ફીલા પહાડ વાળા લટકાવવા.

8 લીમડા વાવવા: ફ્રીજો અને એસી થી વાતાવરણમાં ગરમી છોડી પોતે ઠંડી લેવા જેવું સેલ્ફીશ ન બનવું. એક લીમડો ૧.૫ ટન એસી બરાબર કુલીંગ આપે છે. એસી વાપરવું હોયતો પહેલા એનાથી થતા નુકસાન નિવારવા આ ધરતીને ૩-૪ લીમડાની ભેટ આપજો…

આવજો! થોડા માં ઘણું… ને લીમડા વાવજો…

eછાપું

 

6 COMMENTS

  1. વાહ,ગૌરાંગ ભાઇ
    ઋતુ ચર્યા ની સુંદર માહીતી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here