બળાત્કાર જેવા મામલે આપણે રાજકીય પક્ષાપક્ષીથી દૂર ન રહી શકીએ?

1
439
Image Courtesy: news18.com

નિર્ભયા કાંડ બાદ એવું લાગી રહ્યું હતું કે દેશ બળાત્કાર જેવા જંગલી ગુનાઓ પ્રત્યે છેવટે સિરિયસ થયો છે અને હવે સરકાર કોઈ એવો કડક કાયદો બનાવશે કે બળાત્કાર કરનારા વ્યક્તિના મનમાં ફડક પેસી જશે. પાંચ-પાંચ વર્ષ વીતી જવા છતાં અને સુધરેલા કાયદાનો અમલ કદાચ યોગ્ય રીતે ન થતા ભારતમાં બળાત્કારના ગુનાઓ ઓછા તો નથી થયા બલ્કે કદાચ વધી ગયા છે. તાજેતરમાં બનેલી ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુના કઠુઆની ઘટનાઓ આ દલીલની ગવાહી પુરાવે છે.

Image Courtesy: news18.com

દેશમાં બળાત્કારના ગુનાઓ તો ઓછા નથી થઇ રહ્યા પરંતુ આવી જંગલી ઘટનાઓના બચાવ કે વિરોધમાં જે રીતે લોકો ઉતરી પડે છે એ જોઇને વધારે દુઃખ થાય છે. ઉન્નાવની ઘટના ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં થઇ હતી જેમાં ત્યાંના ભાજપના વિધાનસભ્યનું નામ આવ્યું હતું આથી યોગી આદિત્યનાથ પાસેથી ત્વરિત અને કડક પગલાની આશા હતી. પણ ઉત્તર પ્રદેશના ક્રિમિનલ્સ જે જેલની બહાર હતા એ આદિત્યનાથના ભયથી જેલમાં જવા લાગ્યા અને જે ઓલરેડી જેલમાં હતા એમને બહાર આવવાની કોઈજ ઈચ્છા નહતી થતી એવા સમાચાર જે એકાદ મહિના પહેલા વાંચ્યા હતા એ પ્રકારનો ભય યોગીના એ કથિત આરોપી વિધાનસભ્યના ચહેરા પર તો બિલકુલ ન દેખાયો.

કોઈ સામાન્ય વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લાગે તો પોલીસ તરત એક્શનમાં કદાચ આવી પણ જાય અને તેની ધરપકડ કરે પણ વિધાનસભ્યશ્રી તો ખુદ મુખ્યમંત્રીને મળવા એમનો પક્ષ સમજાવવા ગયા અને એમને એ માટેની મંજૂરી પણ મળી ગઈ! આ મુલાકાત બાદ બીજા 48 કલાક વીતી ગયા અને પછી જ્યારે કેન્દ્ર સરકારે કેસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે છેક એમની ધરપકડ કરવામાં આવી.

બે ઘડી Davil’s Advocateની ભૂમિકા ભજવીને કદાચ એવી દલીલ પણ કરી નાખીએ કે વિધાનસભ્યને કદાચ ખોટીરીતે ફસાવવામાં પણ આવ્યા હોય, પણ તેમ છતાં તેઓ દોષી છે કે નહીં એ કામ અદાલત નક્કી કરી શકી હોત નહીં કે યોગી આદિત્યનાથની ઓફિસ! જ્યારે આરોપી નજર સમક્ષ હોય ત્યારે તેને પકડવામાં આટલી ઢીલ માત્ર એટલા માટે આપવામાં આવે કે તે શાસકપક્ષનો વિધાનસભ્ય છે ત્યારે એ પક્ષની અને એ સરકારની ઈમેજ લોકનજરમાંથી ઉતરી જાય છે.

કઠુઆનો મામલો અત્યંત ગંભીર હતો પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ મામલો જાન્યુઆરીમાં બન્યો હોવા છતાં નેતાઓ તો છોડો પણ મિડીયાને તેને પ્રકાશમાં લાવતા આટલી બધી વાર કેમ લાગી? કેમ અચાનક ઉન્નાવનો મામલો સામે આવ્યો ત્યારેજ કઠુઆની ત્રાસદીને પણ સામે લાવવામાં આવી? સવાલ ગંભીર છે પરંતુ તેનું ટાઈમિંગ પ્રશ્નાર્થ ખડા કરે છે કારણકે ભારતીય મિડીયાની બદમાશીની રગેરગ આપણે જાણીએ છીએ.

બળાત્કાર જેવી ઘટનાના સમાચાર જ્યારે મળે ત્યારે દુઃખ તો થાય એ સ્વાભાવિક છે પણ જે રીતે અત્યારે તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે તે જોઈને વધારે દુઃખ થાય છે. જો કે આમ થવા માટે શાસકપક્ષના અધ્યક્ષ અને ખુદ વડાપ્રધાનનું અકળ અને ત્રાસદાયક મૌન પણ એટલુંજ જવાબદાર છે. જેમ યોગી આદિત્યનાથે પેલા વિધાનસભ્યને સાંભળવાની તક આપી એમ ઉન્નાવ અને કઠુઆ એમ બંને મામલે વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષે ત્વરિત અને કડક ભાષામાં બયાન આપવાની જરૂર હતી.

પરંતુ આ બંને મહાનુભાવોના મૌનને લીધે વાત તેમના વિરોધી પક્ષો અને તેમના ટેકેદારોના હાથમાં જતી રહી અને એમના મેદાનમાં આવ્યા બાદ હવે સોશિયલ મિડીયામાં જે જોવાઈ રહ્યું છે એ એટલું કદરૂપું છે કે છેલ્લા બે દિવસથી તો ફેસબુક કે ટ્વિટર ખોલવાનું મન ન થાય એટલું અસહ્ય બની ગયું છે. જેમ કાયમ બનતું આવ્યું છે એમ મૂળ મુદ્દાની ગંભીરતા અને આ જઘન્ય મામલાઓ ફરીથી ન થાય તેની ચર્ચા કરવાને બદલે આરોપો અને પ્રતિઆરોપો થઇ રહ્યા છે, જાણેકે પોતાના શાસનમાં થયેલા બળાત્કાર બીજાના શાસનમાં થતા બળાત્કાર કરતા વધારે રૂપાળા ન હોય એવી મોં-માથાં વગરની ચર્ચાઓ ચાલી નીકળી છે.

બેશક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સરકાર જવાબદાર છે અને જો એ તેમ ન કરી શકે તો વિપક્ષે તેનો વિરોધ કરવો જરૂરી છે. પણ શું બળાત્કાર જેવા સેન્સેટીવ મામલે બંને પક્ષે રાજકારણ બાજુમાં મુકીને આપસમાં ચર્ચા કરીને કોઈ નવો ચીલો ચાતરવાની જરૂર નથી? બળાત્કારનો વિરોધ સોય ઝાટકીને થવો જોઈએ, અને તે વિરોધમાં જરાય શબ્દો ચોરવા ન જોઈએ, પરંતુ શું એવું ન બને કે આ વિરોધ દર્શાવવા એકજ મંચ પર શાસક અને વિપક્ષના નેતાઓ બેસે? શું માત્ર રાહુલ ગાંધીની જ કેન્ડલ માર્ચ હોય? આ માર્ચમાં વડાપ્રધાન ન આવી શકે તો ગૃહમંત્રી કે કેન્દ્રના અન્ય મંત્રીઓ એમાં સામેલ થયા હોત તો દેશને એક અલગ સંદેશ ન પહોંચ્યો હોત?

અહીં એ હકીકતની નોંધ લેવી પણ ઘટે કે વિપક્ષોનો અને દેશના મિડિયાનો રોષ માત્ર સંવેદનશીલ છે એવું ભોળપણ દેખાડવાની પણ આપણે જરૂર નથી. જો વડાપ્રધાન અને ભાજપના ટોચના નેતાઓનું મૌન ડંખે છે તો દેશભરના ટોચના પત્રકારો અને વિપક્ષી નેતાઓના આક્રોશ પાછળ પણ થોડુંઘણું કાળું તો છે જ, પણ આ સમય નથી એ બાબતની ચર્ચા કરવાનો, ફરી ક્યારેક એ મુદ્દે જરૂરથી આપણે અહીંજ ચર્ચા કરીશું.

નિર્ભયાકાંડ સમયે ભારત પાસે એક તક હતી કે દેશમાં થતા બળાત્કારની સંખ્યાને કડક કાયદાના અમલ દ્વારા નીચે લાવી શકે, પણ એ તક આપણે ચૂકી ગયા છીએ તે કઠુઆ અને ઉન્નાવે સાબિત કરી દીધું છે. સંવેદનશીલ મામલે વિપક્ષ અને શાસક એક દેખાય એ જરૂરી છે. વિપક્ષ પાસે મત મેળવવાના બીજા ઘણા રસ્તા છે, તો શાસક પક્ષ પણ સંવેદના દર્શાવીને પોતાના પક્ષનો સભ્ય ભલે ન હોય પણ જ્યાં સુધી પોતે આવા ગંભીર આરોપમાંથી મુક્ત ન થાય ત્યાંસુધી એને પક્ષ બહાર કરવા જેવું નાનું પણ અસરકારક પગલું જ્યાં સુધી નહીં ઉપાડે ત્યાંસુધી અન્ય બળાત્કારીઓની હિંમત વધતી જ રહેશે.

પેલું કહે છે ને કે Charity begins at home.

આચારસંહિતા

 

૧૩.૦૪.૨૦૧૮, શુક્રવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. આપણે પ્રજા તરીકે નિર્વિર્ય થઈ ગયા છીએ. આપણી સંવેદનાઓ ને લુણો લાગી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here