કળાને કોઈજ સીમાડા નડતા નથી એવું આપણે ત્યાં ઘણીવાર કહેવામાં આવતું હોય છે. સંગીત પણ એક એવી કળા છે કે જે દેશ-વિદેશના સીમાડાઓ ઓળંગીને ખૂણેખૂણે પહોંચી જતું હોય છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ સાબિત થયું છે કે સંગીત પછી તે કોઇપણ દેશનું હોય તેને અન્ય દેશના લોકો સંપર્ક કરવાનું મહત્ત્વનું માધ્યમ બનવામાં વાર નથી લાગતી, ભલે પછી તે પ્રકારનું સંગીત તેણે જીવનમાં પહેલીવાર કેમ ન સાંભળ્યું હોય?

UKની યુનિવર્સીટી ઓફ એક્સ્ટર અને ટોકિયો યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સંશોધનમાં એ સાબિત થયું હતું કે એ માન્યતા કે વેસ્ટર્ન મ્યુઝિક જ વૈશ્વિક અસર ધરાવે છે એ ખોટી છે. આ સંશોધનના પરિણામોએ સાબિત કર્યું છે કે સંગીત ભલે વેસ્ટર્ન ન હોય અને કોઈએક ખાસ દેશનું લોકસંગીત પણ હોય તો પણ દરેક પ્રકારના સંગીતમાં એક કોમન તત્વ હોય છે જેની સાથે કોઇપણ દેશની વ્યક્તિ પોતાને સાંકળી શકે છે અને તેની અસર તેની માનસિકતા પર પણ પડતી હોય છે.
આમ, આ રીતે વિવિધ ધર્મ, જાતિ અને સમાજના લોકોને એકસૂત્રે બાંધવાનું કામ મ્યુઝિક કરે છે તેમ આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું. સંશોધન કરનાર વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર સંગીત એક એવા ગુંદરનું કાર્ય કરી શકે છે જે લોકોને એક કરી શકે છે પછી તેમનું સોશિયલ બેકગ્રાઉન્ડ ભલેને ગમે તે હોય?
તમને ગમશે: શશી કપૂર: એક સર્વોત્તમ સાથીદાર
એક અન્ય માન્યતાને પણ આ અભ્યાસે ખોટી પાડી છે. ઘણા વર્ષો સુધી એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી કે સંગીત એ માત્ર અંગત લાગણીઓ વ્યક્ત કરવાનું સાધન છે, પરંતુ આ અભ્યાસ દરમ્યાન એવું જાણવા મળ્યું કે અજાણ્યા દેશનું અજાણ્યું સંગીત પણ લોકોને પોતાનું લાગ્યું હતું કે પોતાની લાગણીને પોષતું હોય એવું લાગ્યું હતું.
વૈજ્ઞાનિકોએ વિવિધ લોકો પર કેવા પ્રકારના સંગીતની અસર પડે છે તેના માટે ચર્ચમાં વગાડવામાં આવતા સંગીત, લોકસંગીત અને રાષ્ટ્રગીતોનો ઉપયોગ કર્યો હતો. સૌથી આશ્ચર્યજનક પરિણામ એ આવ્યું હતું કે અમુક પ્રકારના સંગીતે નોર્થ કોરિયાના લોકો પર પણ અસર કરી હતી અને તેઓ નૃત્ય કરવા લાગ્યા હતા.
આ અભ્યાસ માટે સમગ્ર વિશ્વમાંથી 304 રેકોર્ડિંગ્સ એકઠા કરવામાં આવ્યા હતા અને તે વખતે એવું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે તેમાં ઘણીબધી બાબતો કોમન હોય, જેમકે વાજિંત્રો વગેરે. આ ઉપરાંત આ તમામ રેકોર્ડિંગ્સ વિવિધ સમાજ અને ધર્મ સાથે જોડાયેલા હોય. આ રેકોર્ડિંગ્સ નોર્થ, સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા, યુરોપ, આફ્રિકા, મધ્યપૂર્વ, સાઉથ એશિયા, પૂર્વ એશિયા અને ઓશિયાના વિસ્તારોમાંથી ખાસ પસંદ કરવામાં આવ્યા હતા.
અહીં એક હકીકત એ પણ નોંધવી જોઈએ કે આ સંશોધન કરતી વખતે લોકો પર માત્ર સંગીત જ અસર કરે છે એમ જોવા મળ્યું હતું, પછી એ ગીત કોઇપણ ભાષાનું કેમ ન હોય. જે ગ્રુપમાં આ ગીતો વગાડવામાં આવ્યું હતું તે લોકો ગીતના શબ્દો સમજતા ન હોવા છતાં માત્ર સંગીત એટલેકે બિટ્સ પર જ નૃત્ય કરી રહ્યા હતા.
eછાપું