સ્વિડન પાસે એ ચૂંટણી મંત્ર છે જે ભારત અપનાવવા માંગે છે

0
306
Image Courtesy: yourstory.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ મોડી રાત્રે સ્વિડન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીનું સ્વિડન જવું અને ત્યાંની ચૂંટણી પદ્ધતિ વચ્ચે એક સામ્યતા છે. આપણા વડાપ્રધાન એક એવા દેશમાં પહોંચ્યા છે જ્યાંની ચૂંટણી પદ્ધતિ તેઓ આપણા દેશમાં લાવવાના પ્રખર હિમાયતી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક જ સમયે કરાવવાના વડાપ્રધાનના વિચાર અંગેની.

Image Courtesy: yourstory.com

સ્વિડન આ પ્રકારે પોતાની સંસદ એટલેકે રિક્સડાગ (Riksdag) અને દેશની તમામ મ્યુનિસિપલ કાઉન્સિલોની ચૂંટણીઓ દર ચાર વર્ષે એકસાથે કરાવે છે. આ પ્રકારની ચૂંટણી વ્યવસ્થા સ્વિડન સિવાય બેલ્જીયમ અને સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. સ્વિડનમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રકારે સંસદ અને મ્યુનિસિપલ કાઉન્સિલોની ચૂંટણીઓ એકસાથે થવા જઈ રહી છે.

દર ચાર વર્ષે સ્વિડનમાં આમ ચુનાવ સપ્ટેમ્બરમાં જ થતા હોય છે તેવો અહીં કાયદો હોવાથી અહીંના નાગરિકોને, રાજકારણીઓને તેમજ નોકરશાહીને સરળતા રહે છે. અચ્છા, અહીંની ચૂંટણીઓની એક બીજી વિશેષતા પણ છે. આપણે ત્યાં જે પક્ષ સૌથી વધારે બેઠકો મેળવે, એટલેકે શુદ્ધ બહુમતી મેળવે તેને સરકાર બનાવવાની હોય છે. કયા પક્ષને કેટલા મત મળ્યા એ આપણે ત્યાં પ્રાથમિકતા નથી હોતી. પરંતુ સ્વિડનમાં એવું નથી.

અહીંના બંધારણ અનુસાર દેશની સંસદ રિક્સડાગમાં જે-તે પક્ષે મેળવેલા મતોની ટકાવારી અનુસાર જ તેને બેઠક ફાળવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો અહીં દરેક પક્ષને એકસાથે મત આપવામાં આવે છે અને બાદમાં સંસદની બેઠકો એ પક્ષને ચૂંટણીમાં કેટલા ટકા લોકોએ પસંદ કર્યો છે તે અનુસાર બેઠકો ફાળવીને સત્તા સોંપવામાં આવે છે.

સ્વિડન એક એવો દેશ છે જ્યાં લોકમતને પણ સન્માન આપવામાં આવે છે. અહીં એવું નથી કે સરકાર એકવાર ચૂંટાઈ જાય પછી ચાર વર્ષ સુધી તેને જે કરવું હોય તે કરે અને લોકોને છેક ચાર વર્ષે સરકારી નીતિઓના પક્ષમાં કે વિરોધમાં પોતાનો મત આપવાનો મોકો મળે. અહીં બે પ્રકારના લોકમત લઇ શકાય છે. પહેલો પ્રકાર છે સલાહ આપતો લોકમત અને બીજો છે મૂળભૂત કાયદાઓને લગતો લોકમત.

સલાહ આપતા લોકમતનું સન્માન બેશક સ્વિડન સરકાર અને સંસદ કરતી હોય છે પરંતુ તેમાં રિક્સડાગ ચાહે તો ફેરફાર અથવાતો સુધારા વધારા કરી શકે છે. આમ સલાહ આપતા લોકમતનું મહત્ત્વ હોવા છતાં તેને માનવો કે કેમ એ ફેંસલો દેશની સંસદ કરતી હોય છે. જ્યારે મૂળભૂત કાયદાને લગતા લોકમતનો નિર્ણય આખરી હોય છે. છેલ્લે સ્વિડનમાં 2003માં દેશના ચલણ ક્રોનરને બદલે યુરો અપનાવવો કે કેમ તે અંગે લોકમત લેવાયો હતો જેમાં બહુમતીએ ક્રોનર જાળવી રાખવાનો મત આપ્યો હતો.

જો સ્વિડીશ મ્યુનિસિપલ કાઉન્સિલોની વાત કરીએ તો અહીં દર મહીને અથવાતો બે મહીને સલાહ આપતા લોકમત લેવાતા હોય છે. સ્વિડનના લોકોનું માનવું છે કે આ રીતે લોકમત લેવાના કાયદાને કારણે સરકારને વધુ જવાબદાર બનાવી શકાય છે. જો કે મ્યુનિસિપલ કાઉન્સિલના લોકમત લેવા માટે એ કાઉન્સિલના 10% નાગરિકોની સહી હોવી જરૂરી હોય છે.

બેલ્જીયમ અને સાઉથ આફ્રિકામાં પણ આ જ રીતે ત્યાંની સંસદ અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે થતી હોય છે. બેલ્જીયમ અને સાઉથ આફ્રિકા બંને દેશોમાં આ ચૂંટણીઓ દર પાંચ વર્ષે થાય છે.

સ્વિડન હાલમાં ‘constructive vote of no confidence’ પર પણ વિચારી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ પદ્ધતિ જર્મની અને ઇઝરાયેલ જેવા દેશોમાં અત્યારે ચાલી રહી છે. constructive vote of no confidence એટલે આમ તો અવિશ્વાસની દરખાસ્ત જ ગણાય પરંતુ તે સંપૂર્ણ સરકાર વિરુદ્ધ નહીં પરંતુ તેના નેતા વિરુદ્ધ આવતી હોય છે. આ માટે શરત એટલીજ છે કે તમારે અવિશ્વાસની દરખાસ્ત લાવતી વખતે નેતાના વિકલ્પનું નામ જાહેર કરવાનું હોય છે.

eછાપું

તમને ગમશે: Black Panther હોલીવુડનું જૂનું મ્હેણું ભાંગી શકશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here