શું તમે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે ઉપવાસના નિયમો જાણો છો?

0
219
Photo Courtesy: afternoonvoice.com

દરેક શાસ્ત્રોમાં ધાર્મિક માન્યતાઓ અને તે અંગેનાં નિયમો આપેલા હોય છે અને દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો એ નિયમો પ્રમાણે ઉપવાસ કરતા હોય છે પરંતુ રાજનીતિ શાસ્ત્રમાં માનનારા લોકો રાજનૈતિક ઉપવાસ રાજનીતિ શાસ્ત્ર મુજબ કરતા આવે છે. આ ઉપવાસના અલગ અલગ પ્રકાર અને નિયમો હોય છે જે બહુ ઓછા લોકો જાણે છે અને આવી જાણકારીનાં અભાવે આવા ઉપવાસનો વગર સમજે ઉપહાસ કરે છે તો જાણીએ શું છે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે ઉપવાસના નિયમો?

મૂળભૂત ઉપવાસમાં ભૂખ્યું રહેવાનું અને ફક્ત ફળ ફળાદિ ખાઈ અથવા તો ફરાળ કરીને રહેવાનું આવે છે પરંતુ કેટલાક લોકો ઉપવાસના નામે રાજગરાનો શીરો, બટાકાની સુકી ભાજી, રાજગરાની ભાખરી, ફરાળી કઢી, મોરૈયાની ખીચડી, સાબુદાણા વડા, બટાકા વેફર, કેળાવેફર વગેરે વગેરે ખાઈને ઉપવાસ કરે છે જે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે વર્જિત છે. આવું બધું ખાઈને ઉપવાસ કરવાથી ઉપવાસના પુણ્યના ફળની સાચી પ્રાપ્તિ થતી નથી. જ્યારે રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે ઉપવાસ કરવાથી તમારા પોલીટિકલ કેરિયરમાં વધારો થાય છે અને આર્થિક પ્રગતી થાય છે જેથી રાજનીતિ શાસ્ત્રના ઉપવાસને બધા શાસ્ત્રોથી ઉપર સ્થાન આપવામાં આવ્યું છે.

તમને ગમશે: વિદેશમાં રહેતા ભારતીયો બોલીવુડ ફિલ્મોને જુદી જ રીતે જોવે છે

છોલે અને પૂરી ઉપવાસ: રાજનીતિ શાસ્ત્રમાં છોલે પૂરી ઉપવાસનું ઘણું મહત્વ છે. બીજા શાસ્ત્રો ભલે છોલે પૂરીને ઉપવાસનો ભંગ ગણતા હોય પરંતુ રાજનીતિ શાસ્ત્ર પ્રમાણે આ ઉપવાસનો ભંગ નથી કેમકે છોલે બનાવવા તમારે ચણા ને આગલી રાત્રે પલાળવા પડે છે એટલે જે તારીખે તમે ઉપવાસ કરો છો એ દિવસ નાં ચણા હોતા નથી. ચણા પલાળેલા હોવાથી તેમાં રહેલા બધા દુર્ગુણો નાશ પામે છે. જો તમે ગંગાજળમાં ચણા પલાળી શકો તો સૌથી ઉતમ ગણાય છે  અને પૂરીમાં ભલે ઘઉ નો લોટ આવતો હોય પરંતુ જ્યારે પૂરીને ગરમ ગરમ તેલમાં તળવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ઘઉનાં તત્વો લગભગ નાશ પામે છે અને તેલ તો ઉપવાસમાં ખાઈ જ શકાય છે જેથી છોલે પૂરી ખાવા એ રાજનીતિ શાસ્ત્રમાં ઉપવાસ ગણવામાં આવે છે. આ ઉપવાસના નિયમો અંગે ફક્ત તમારે એક જ ધ્યાન રાખવાનું છે. તમે સાથે તળેલા મરચા પણ ખાઈ શકો છો પરંતુ તમે છોલે-પૂરી ઉપવાસમાં ઉપરથી મીઠું ભભરાવી શકતા નથી કેમકે ઉપવાસમાં મીઠું ન ખવાય એટલે મીઠાની જગ્યાએ સિંધવનો પ્રયોગ કરવો ઉચિત છે.

પ્રતિક ઉપવાસ: આ ઉપવાસમાં તમારે જાતે ઉપવાસ ઉપર બેસવાનું હોતું નથી. કોઈ પણ બાધા કે આંદોલનના સમર્થન કે વિરોધમાં તમારી આસપાસ રહેતા કે ઓળખીતામાં કોઈનું નામ પ્રતિક હોય તો એને તમારી જગ્યાએ ઉપવાસ ઉપર બેસાડવાનો હોય છે અને એના પ્રતિક ઉપવાસનું સીધું ફળ તમને મળે છે .

પોતાના રૂપિયે નહીં ખાવાનો ઉપવાસ: આ ઉપવાસનું ઘણું મોટું ફળ રાજનીતિ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. પોતાના રૂપિયે નહીં ખાવાનો ઉપવાસ આ ઉપવાસમાં તમે ભરપેટ જમી શકો છો પરંતુ તેના માટેના નિયમો એટલા જ  છે કે તમારે ઘરમાં જમવાનું નથી અને પોતાના રૂપિયે જમવાનું નથી. તમારે કોઈ સ્પોન્સર શોધી અને આ ઉપવાસ કરવાનો હોય છે જેમાં તમને સ્પોન્સર કરનાર વ્યક્તિ તમારા જમવાના બધા રૂપિયા ચુકવે અને તમે ભરપેટ જમી લેવાનું હોય છે. ઘણા લોકો મહિનાઓ સુધી આવા ઉપવાસ ઉપર રહેતા હોય છે.

બાર થી ચાર ઉપવાસ : રાજકોટ જેવા શહેરોમાં આ ઉપવાસનું ચલણ સૌથી વધારે જોવા મળે છે અને ખાસ કરીને ઉનાળામાં આ ઉપવાસ કરવાથી સૌથી વધારે પુણ્ય મળે છે. આ ઉપવાસમાં તમારે સવારે ચા, ગાઠીયા, ફાફડા, ખીચું, ખમણ, ભજીયા, ગોટા, દાળવડા , લોચો વગેરે નો હળવો નાસ્તો કરી ત્યારબાદ તદન હળવું ભોજન એટલેકે  બે પડ વાળી રોટલી, કેરીનો રસ, મગની છૂટી દાળ, કઢી, ભાત, પાપડ, સલાડ, ઇદડા, લીલી ચટણી જેવું જમી અને બપોરે ૧૨ વાગે AC અથવા તો AC ન હોય તો કુલર અથવા તો પંખો ચાલુ કરીને આંખે રૂમાલ કે શાલ રાખીને ઘરમાં તદન અંધારું કરીને શવાસનની મુદ્રામાં બાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી મોબાઈલ ફોન પણ બંધ કરીને કામ ધંધો છોડીને રહેવાનું હોય છે. આ ઉપવાસ ઘણા અઘરા છે પણ ઉનાળામાં આવા ઉપવાસ કરનારાને લૂ લાગતી નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે .

અજ્ઞાન ગંગા :

એક દોસ્ત બીજા દોસ્ત ને:  અરે યાર તું તો બહુ જાડિયો થઇ ગયો છે ખાવા પર ધ્યાન આપ.
બીજો દોસ્ત : આજકાલ ઉપવાસ કરું છું એમાં વજન થોડું વધી ગયું છે .

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here