કાવેરી…કાવેરી…કાવેરી!! છેલ્લા મહિનાથી કાવેરી નદીને લઈને કર્ણાટક અને તમિલનાડુની સરકારો વચ્ચે લગભગ એક ઘમાસાણ ચાલી રહ્યું છે. ઠેર ઠેર વિરોધ અને દેખાવો, વળી ક્યાંક ક્યાંક તો હિંસા પણ જોવા મળી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ વિવાદ હમણાંનો નહિ, છેક બ્રિટીશરોના રાજ વખતથી ચાલી આવે છે. કાવેરી નદીને ટૂંકમાં સમજીએ તો તે અમુલ્ય જૈવ વિવિધતા ધરાવતા પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી હિલ્સમાંથી નીકળે છે, કે જે કર્ણાટકમાં છે. ત્યાંથી નીકળી, થોડોક ભાગ કેરાલામાં વહે છે અને પુમપુહાર પાસે તમિલનાડુમાં પ્રવેશે છે. તમિલનાડુથી પોંડીચેરી થઈને અંતે બંગાળની ખાડીમાં સમાઈ જાય છે.

હવે થાય છે એવું કે બ્રિટીશ રાજ વખતે કર્ણાટક એ મૈસુર રજવાડાનો ભાગ હતું જયારે તમિલનાડુ એ મદ્રાસ રાજ્યનો ભાગ હતું. મૈસુરના ગણરાજ્યએ 1913માં મદ્રાસ રાજ્યને કાવેરી નદી પર બંધ બાંધવા માટે મંજુરી માંગતો પત્ર લખ્યો, પરંતુ મદ્રાસની ધોરીનસ ખેતી હતી અને જેમાં પાણી ન મળે તો તંત્ર પર માઠી અસર પડે એમ વિચારીને બંધ બાંધવાની પરવાનગી આપવામાં ન આવી.
મદ્રાસના આવા વલણના લીધે બ્રિટીશ સરકારે મધ્યસ્થી તરીકે આખાય મુદ્દામાં ઝંપલાવ્યું અને મૈસુર રાજ્યને બંધ બાંધવા માટે પરવાનગી આપી દેવાઈ. પરંતુ મદ્રાસ એમ માને એવું નહતું એટલે આ નિર્ણયને બ્રિટીશના ઉપરી અધિકારીઓની સામે પડકાર્યો.
તમને ગમશે: વેલકમ ટુ ડિજીટલ બોલીવુડ!
અંતે લાંબી વાતચીત બાદ 1924માં 50 વર્ષનું એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું, જે અંતર્ગત અમુક નિશ્ચિત પાણીનો જથ્થો જ રોકવાની શરતે મૈસુર રાજ્યને કાવેરી નદી પર બંધ બાંધવાની મંજુરી અપાઈ, અને ત્યાં જે બંધ બાંધવામાં આવ્યો એ આજનો “ક્રિશ્નાર્જુન સાગર બંધ”.
હવે 1947માં ભારત આઝાદ થયું અને 1974માં પેલું 50 વર્ષવાળું એગ્રીમેન્ટ પૂરું થયું. પણ હવે બનેલું કર્ણાટક રાજ્ય શહેરીકરણના ઝડપી વિકાસના લીધે તમિલનાડુ રાજ્ય કરતાં વધારે પાણી વાપરતું હતું અને જેના લીધે તમિલનાડુની ખેતી પર વિપરીત અસર થવા લાગી.
ખાસ કરીને બેંગ્લોર શહેર આધુનિકરણની ચરમ પર ઉભરીને આવવા લાગ્યું અને ત્યાની વસ્તીમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો હતો. ત્યાં પાણી માત્ર સિંચાઈ માટે જ નહિ, ઉદ્યોગો માટે પણ વપરાવા લાગ્યું. અને આ બધાની વચ્ચે કાવેરી નદીનું મહત્વ અચાનક વધી ગયું. એક બાજુ બેંગ્લોરના ઉદ્યોગો અને બીજી બાજુ તમિલનાડુના ખેડૂતો, એમ બંને વચ્ચે માહોલ ગરમ થવા લાગ્યો.
1986માં તમિલનાડુ સરકારે કેન્દ્ર સરકારને કાવેરી જળની વહેંચણી યોગ્ય રીતે કરવા માટે અરજી કરી. વારંવાર આવતી અરજીઓના લીધે અંતે ચાર વર્ષ પછી 2 જુન, 1990ના દિવસે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં “કાવેરી વોટર ડીસ્પ્યુટ ટ્રીબ્યુનલ” (CWDT)ની રચના થઇ. જેના પ્રમુખ હતા જસ્ટીસ ચિત્તાતોશ મુખર્જી.
એક વર્ષ બાદ 25 જુન, 1991૧ના દિવસે આ ટ્રીબ્યુનલે પોતાનો વચગાળાનો ચુકાદો આપ્યો.જેમાં નક્કી થયું કે કર્ણાટકે દર વર્ષે 205 હજાર મિલિયન ક્યુબીક ફૂટ (205 tmcft) પાણી તમિલનાડુને આપવું. [જાણ માટે : ‘એક હજાર મિલિયન ક્યુબીક ફૂટ પાણીથી બેંગ્લોર શહેરની ઉદ્યોગો અને રહેવાસોની તમામ જરૂરિયાતો એક સપ્તાહ સુધી પૂરી કરી શકાય’].
જો કે આ ચુકાદો બંનેમાંથી એકેય રાજ્યને ગમ્યો નહીં. કારણ કે આ ચુકાદામાં ટ્રીબ્યુનલે કર્ણાટક સરકારને પોતાનો કૃષિ વિસ્તાર હવે પછી ન વધારવા હિમાયત કરી. વળી, તમિલનાડુના ખેડૂતો પણ આટલી ઓછી જળરાશી મળવાના લીધે નાખુશ હતા. આ ચુકાદાની વિરુદ્ધમાં ઘણા તોફાનો થયા. પહેલી વાર આવું થયું હતું કે કોઈ નદીના પાણીના પ્રશ્નના લીધે હિંસા થઇ હોય!!!
આ તોફાનો ડામવા માટે ટ્રીબ્યુનલે ચુકાદામાં ફેરફાર કર્યો અને નવો ચુકાદો કંઈક આ મુજબ હતો : કાવેરી નદીના ટોટલ 740 tmcft પાણીમાંથી 419 tmcft કૃષિ પ્રધાનતાના લીધે તમિલનાડુને, 270 tmcft કર્ણાટક રાજ્યને, 30 tmcft કેરાલાને, 7 tmcft પોંડીચેરીને અને બાકીનું 14 tmcft પાણી પર્યાવરણીય સંરક્ષણ માટે રીઝર્વ રખાયું. કેરાલા અને પોંડીચેરીમાં તો કાવેરીનો નાનો જ પ્રવાહ વહે છે એટલે એ બંને રાજ્યો તો મળતા પાણીથી ખુશ જ છે. વિવાદનો મુખ્ય મુદ્દો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે છે.
આ ચુકાદો આવ્યા પછી પણ હજી પ્રોબ્લેમ તો ઠેરનો ઠેર જ રહ્યો. કારણ હતું ફરીથી એ જ કર્ણાટકનું બેંગ્લોર શહેર! બેંગ્લોરની વસ્તી એકવીસમી સદીની શરૂઆતમાં 65% જેટલી વધવા પામી. વળી, આ શહેરનીન પોતાની કોઈ નદી નથી, એટલે તે તળાવોના પાણી પર જ નિર્ભર હતું. પરંતુ આટલા ધરખમ વસ્તીવધારાને પહોચી વળવા માટે માત્ર તળાવોનું પાણી પુરતું નહતું.
ઉપરાંત ઉદ્યોગોના લીધે તળાવોનું પાણી કેમિકલ્સ ભળવાથી દુષિત થયું. બેંગ્લોર શહેર દરિયાની સપાટીથી 900 મીટરની ઉંચાઈએ ખડકો પર આવેલું હોઈ ત્યાં ભૂગર્ભજળની પણ સંભાવના નહતી. એટલા માટે કર્ણાટક સરકારે નાછૂટકે બીજા ચુકાદાનો પણ ભંગ કરવો પડ્યો અને એક માત્ર સ્ત્રોત એવા કાવેરી નદીનું પાણી નિયત કરેલી માત્રા કરતા વધારે જથ્થામાં વાપરવાનું શરુ કર્યું.
તમિલનાડુ સરકાર આ નિયમભંગને સખી લે તેમ નહતી એટલે 2013માં નિયત માત્રા કરતા ઓછું પાણી મળવાના લીધે, ખેત ઉત્પાદનોના વેચાણમાં ૨૪૮૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુ કર્યો. અને આ નુકસાનની ભરપાઈ કર્ણાટક સરકાર કરી આપે એવી માંગ સાથે કાવેરી વોટર મેનેજ્મેન્ટ કમિટી બનાવવાની દરખાસ્ત કરી. હવે આ મુદ્દો બિલકુલ એક રાજનૈતિક રૂપ લઇ ચુક્યો છે. પાણીનો વિવાદ મટીને એ જેતે પક્ષ માટે ચૂંટણી ઢંઢેરામાં એક મહત્વનો મુદ્દો બની ગયો હતો.
સામે છેડે કર્ણાટકે પણ પોતાની જરૂરિયાતો વધી હોવાનું કહ્યું અને બેંગ્લોર ભારતના વિકાસમાં હરણફાળ ભરવામાં મદદ કરે છે એટલે ત્યાં તો પાણીની જરૂરિયાતો સંતોષાવી જ જોઈએ એવું નિવેદન પણ આપ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે તમિલનાડુ પાસે ભૂગર્ભજળનો ખાસો એવો જથ્થો છે જેનો ઉપયોગ તેઓ સિંચાઈમાં કરી શકે.
સુપ્રીમ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ફેબ્રુઆરી 2018માં સૌપ્રથમ તો કહ્યું કે, “કાવેરી એ ભારતની રાષ્ટ્રીય સંપદા છે જેના પર સંપૂર્ણ હક ભારત દેશનો છે નહીં કે ચોક્કસ રાજ્યોનો” અને પોતાનો ચુકાદો આપતા તમિલનાડુ સરકારને આદેશ આપ્યો કે તે પોતાના 419 tmcft જથ્થામાંથી 14.75 tmcft જથ્થો કર્ણાટક સરકારને આપે. કારણમાં બેંગ્લોરની જરૂરીયાત, એના પ્રદુષિત તળાવો અને અને એની ભૌગોલિક પરિસ્થિતિનો હવાલો આપ્યો.
ઉલ્લેખનીય વાત છે કે તમિલનાડુ સરકાર નારાજ તો થઇ જ, પણ બન્યું એવું કે કર્ણાટકના જ લગભગ 10,000ખેડૂતોએ કર્ણાટક સરકારના જ વિરોધમાં કાવેરીના પાણી મામલે રેલી કાઢી. કારણ કે તેમનું કહેવું એવું હતું કે સરકાર માત્ર બેંગ્લોર શહેરને જ મોટા ભાગનું પાણી આપે છે અને બાકીના વધેલા પાણીમાં ખેતીની પણ સિંચાઈ અધુરી રહી જાય છે.
આ ફેબ્રુઆરીમાં ચુકાદો આવ્યા પછી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એનું અમલીકરણ કરવામાં વાર થઇ રહી છે. જેનું પ્રમુખ કારણ છે આવનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી! કારણ કે જો આ ચુકાદાનો અમલ થાય અને કર્ણાટકને વધારે પાણી મળવા લાગે તો એનો જશ ત્યાંની હાલની કોંગ્રસ સરકારના ફાળે જાય અને ચૂંટણીમાં ફાયદો કોંગ્રેસને મળે. ભાજપનું પ્લાનિંગ એવું હોઈ શકે કે તેઓ ચુંટણીના પરિણામ પછી જ એનું અમલીકરણ કરે જેથી જો ભાજપ સરકાર આવે તો પહેલું કામ આ કરવાનો જશ એમના ફાળે જાય અને જો ન આવે તો તો કશો વાંધો જ નથી!!
આમ, કાવેરી જળવિવાદ ખરેખર રાજકારણ માટે મહત્વનો મુદ્દો બની રહ્યો છે. પણ એક વાતનું દુખ એ પણ છે કે આપણે ત્યાં દરેક મુદ્દા સાથે રાજકારણને જોડી દેવામાં આવે છે. જે નિષ્પક્ષતા સામે સવાલો ઉભા કરે છે. ક્યારે આ વિવાદ ઉકેલાય છે એ તો હવે આવનારું ભવિષ્ય જ બતાવશે.
આચમન : “ત્રીજુ વિશ્વયુદ્ધ પાણીના લીધે થવાનું છે એવી આગાહી ક્યાંકને ક્યાંક સાચી પડતી જણાઈ રહી છે. ભગવાન કરે કે એ આગાહી ખોટી પડે”
તમને ગમશે: સફળતા કે નિષ્ફળતા પચાવવા પ્રિયંકા ચોપરા સમજાવે છે 12 નિયમો