શું કરી શકાય?? આ જુઓને હળાહળ કવિયુગ આવી ગયો છે!

0
363
Photo Courtesy: hellobanswara.com

હળાહળ કવિયુગ આવી રહ્યો છે. હા, કવિયુગની જ વાત કરું છું. કળિયુગની નહિ. ખરેખર, કવિયુગ આવી રહ્યો છે. ધીમે  ધીમે પણ આવી રહ્યો છે ખરો. મને તો એવું જ લાગે છે. મને એવું લાગવાનાં વાજબી કારણો પણ છે. જાણવાં છે એ કારણો? આ રહ્યા…

Photo Courtesy: hellobanswara.com

કવિઓના કેટલાક કાર્યક્રમોમાં પ્રવેશ કરવા માટે કાવ્યરસિકોએ પૈસા ખર્ચીને ટિકિટ લેવી પડે છે! કવિઓને સાંભળવા માટે પૈસા ખર્ચવા પડે એવું પહેલાં બહુ સાંભળવા કે વાંચવા નહોતું મળતું, હવે મળે છે. આવાં કાર્યક્રમોની જાહેરાતોમાં ટિકિટના દર પણ જણાવી દેવામાં આવે છે. એક જમાનામાં છાશની કોઈ રોકડી નહોતું કરતું. જે લોકો પાસે છાશ વધારે હોય એ લોકો બીજાને મફતમાં  વહેંચી દેતા. પહેલાં પાણી પણ નહોતું વેચાતું. સમય જતાં છાશ અને પાણી પેકેટમાં વેચાતાં થયાં. હવે, કવિઓનો વારો આવ્યો છે. કવિઓ પેકેજમાં મળતા થયા છે. લોકો પૈસા ખર્ચીને પણ કવિઓને સાંભળે છે. આ એક મોટું પરિવર્તન છે. આ પરિવર્તન કવિઓની જ નહિ, પરંતુ ગુજરાતી પ્રજાની પણ આબરૂ વધારનારું છે અને એટલેજ આજનો યુગ કવિયુગ છે.

બાકી, કવિઓ વિશે અને કવિતાઓ વિષે મજાકો ઓછી નથી થતી. કવિઓ તો ગમે ત્યારે પોતાની કવિતાઓ સંભળાવવા માટે તકની રાહ જ જોતા હોય, કવિઓ તો કોઈના બેસણાને પણ કવિ સંમેલનમાં ફેરવી નાખતા હોય, કવિઓ તો એકના બદલે બેત્રણ કવિતાઓ સંભળાવ્યા વગર માઇક ન છોડે, આવી આવી કેટલીય મજાકો થતી રહે છે. કવિઓ વિષે હાસ્યલેખો લખાતા રહે છે. પરંતુ બધા કવિઓ એક સરખા નથી હોતા, એ વાત હવે સાબિત થઈ રહી છે. હવે કવિઓ માટે પણ સારા દિવસો આવ્યા છે. ભવિષ્યમાં કવિઓ મીટર મુજબ કવિતાઓ લખે કે ન લખે, પરંતુ મીટર મુજબ કવિતાનો ચાર્જ વસૂલ કરે, એવા દિવસો પણ આવી શકે છે.

આજકાલ, કવિઓના કાર્યક્રમોની ભવ્ય જાહેરાતો થાય છે. ‘તો આવો મળીએ હોટેલ વૃંદાવનમાં. કવિઓને સંગ, ઊડશે અવનવા રંગ! પ્રવેશ શુલ્ક વ્યક્તિ દીઠ માત્ર રૂપિયા 500.’ આવી જાહેરાતો મજાકમાં નથી થતી, હકીકતમાં થાય છે. બાકી, કવિઓના કાર્યક્રમોની જાહેરાતો કેવી ને વાત કેવી! એક બે લીટીમાં નોંધ લેવાય એટલે ભયો ભયો. કવિઓના કાર્યક્રમમાં પચીસ ત્રીસ સુજ્ઞ શ્રોતાઓ હોય એ જ કાર્યક્રમની સફળતાનો માપદંડ ગણાય, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. હરાયું ઢોર કોઈના રેઢા ખેતરમાં પ્રવેશી જાય, એમ કવિઓના ચાલુ કાર્યક્રમમાં કોઈ પ્રવેશ નહિ કરી શકે. ભવિષ્યમાં કદાચ, કવિઓના કાર્યક્રમમાં પ્રવેશ માટે આધારકાર્ડ પણ બતાવવું પડશે! બોલો છે ને કવિયુગ?

કવિઓના કાર્યક્રમો મોંઘેરી હોટેલોમાં કે ફાર્મ હાઉસમાં હોય એવું સપનું પણ કોઈને નહોતું આવતું. આજના કેટલાક કવિઓએ એ શક્ય બનાવ્યું છે. સમાજમાં છાપ એવી હતી કે, કવિઓના કાર્યક્રમો તો વગર ભાડાની જગ્યામાં જ થાય. આજે પણ કવિઓના કેટલાક કાર્યક્રમોમાં ખુરશીઓની સફાઈ પણ શ્રોતાઓએ જ કરવી પડે છે. કેટલાક લોકોને કવિતા સાંભળવા માટે આવી અગવડવાળી જગ્યાએ જવાનું પસંદ નહોતું. એવા લોકોનો વર્ગ કવિઓના કાર્યક્રમોથી દૂર રહેતો હતો. હવે, એ વર્ગ કવિઓની નજીક આવ્યો છે.

સુજ્ઞ શ્રોતાઓ, કવિઓના કાર્યક્રમોમાં કવિતાઓ સિવાય બીજી કશી સામગ્રીની આશા રાખતા નહોતા. સમય જતાં, શ્રોતાઓને ચા મળતી થઈ. કોઈ કોઈ કાર્યક્રમમાં અલ્પાહાર મળતો થયો, આઇસક્રીમ મળતો થયો અને ઠંડીની ઋતુ હોય તો ગરમાગરમ ભજિયાં મળતાં થયાં. ક્યાંક ક્યાંક જમવા કાજે પૂરું ભાણું મળતું થયું. પરંતુ આ બધું જ નિ:શુલ્ક હતું. હવે શ્રોતાઓ આ બધાંનું મૂલ્ય ચૂકવતા થયા છે. આ બહુ મોટી વાત છે. હવે, કવિઓના કાર્યક્રમોમાં શ્રોતાઓ ભૂખ્યાં મન અને ભૂખ્યાં પેટ લઈને જાય છે અને પાછા ફરે છે ત્યારે એમનાં મન કવિતાઓથી અને એમનાં પેટ ભોજનથી ભરેલાં હોય છે.

કેટલાક કવિઓ એમની કવિતાઓ સંભળાવવા માટે વિદેશ પણ જાય છે. પહેલાં તો કવિઓને પોતાના જ નગરના નગરગૃહ સુધી પહોંચવું અઘરું પડતું હતું. કેટલાક નસીબદાર કવિઓને દૂરના શહેરોમાંથી આમંત્રણ મળતાં, પરંતુ  કવિઓ કવિતા સંભળાવવા વિદેશ જાય એવા પ્રસંગો ભાગ્યે જ બનતા. કવિઓ એમની કવિતાઓ વિદેશ પહોંચાડીને સંતોષ મનતા. હવે, કવિઓ સદેહે વિદેશ જવા લાગ્યા છે. કવિઓની આ હરણફાળ કહેવાય કે હવાઈફાળ કહેવાય? આજનો કવિ આજે અમદાવાદના શ્રોતાઓને કાવ્યરસ પીવડાવતો હોય તો ત્રણચાર દિવસો પછી અમેરિકાના શ્રોતાઓને કાવ્યરસ પીવડાવતો હોય, એવી ઘટનાઓ સામન્ય થતી જાય છે.

હાલમાં જ મને, એક કવિએ એના શ્રોતાઓને જાહેરમાં આપેલી ચેતવણી વાંચવા મળી. ચેતવણી એવી હતી કે: ‘હું તમને માત્ર કાર્યક્રમ પૂરતો જ મળીશ. મારી પાસે સમય ઓછો છે એટલે કાર્યક્રમની પહેલાં કે કાર્યક્રમની પછી હું કોઈને મળી શકીશ નહિ.’ બોલો, કવિઓ નવરા હોવાની છાપ ભૂંસાતી જાય છે કે નહિ? બાકી, કવિની આવી હિંમત! હળાહળ કવિયુગ આવી રહ્યો છે, બીજું શું?

અર્થશાસ્ત્રના ઠીક ઠીક જાણકાર એવા પ્રોફેસર ગાજરાવાલાનું કહેવું એમ છે કે: ‘આ બદલાયેલી પરિસ્થિતિ માટે પૈસો જવાબદાર છે. પૈસો બજારમાં ફરતો થયો છે. પરિણામે તહેવારો અને પ્રસંગોની ઉજવણી ભવ્ય રીતે થવા લાગી છે. કવિઓના કાર્યક્રમો ભવ્ય રીતે થવા પાછળનું કારણ પણ આ જ છે. સાહિત્યની બજારમાં પણ પૈસો ફરતો થયો છે, જેનો લાભ કેટલાક વક્તાઓ અને કવિઓને મળવા લાગ્યો છે. આ લાભ અમુક જ વક્તાઓ અને કવિઓ સુધી પહોંચ્યો છે. ભવિષ્યમાં લખનારાઓને પણ આ લાભ મળશે ત્યારે કોઈ લેખકે મફતમાં લખવું નહિ પડે.’

પ્રોફેસર ગાજરાવાલાની આગાહી સાચી પડે એવી આશા સાથે રજા લઉં છું. આવજો અને આ કવિયુગ માં જલસા કરજો.

eછાપું

તમને ગમશે: GIFA 2017 – હજી સુધારાઓને ઘણો અવકાશ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here