પતિ અને પત્ની – માત્ર એક તાંતણે બંધાયેલો સમજણનો સંબંધ

0
833
Photo Courtesy: womensweb.in

કેવો સાદો ટોપિક? પતિ અને પત્ની!!! ઘણું બધું લખાઈ ગયેલું છે, આ વિશે. પણ છતાં, જ્યારે લખવા બેસીએ, ત્યારે એમ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? હું લખવા બેઠી, પણ પાંચ મિનિટ થઈ કે શરૂઆત ક્યાંથી કરું?

જો કે એટલો પણ જટિલ સંબંધ નથી પતિ અને પત્નીનો. એક તાંતણે બંધાયેલા આ સંબંધમાં ક્યારેક ગાંઠ પડે અને ક્યારેક પાડવામાં આવે, પણ જે બધી જ ગાંઠોને ઉકેલી, એ તાંતણાની મજબૂતાઈ ટકાવી રાખે, એ મારી ભાષામાં પતિ અને પત્ની.

Photo Courtesy: womensweb.in

આ એક એવો સંબંધ છે, જે તમે આજીવન નિભાવી શકો ત્યારે જ તેની કિંમત થાય છે. બાકી ચપટીમાં આ સંબંધોની કિંમત રાખ થઈ જાય છે. શું છે આ સંબંધના પાયામાં? સામાન્ય રીતે, એક જ વ્યક્તિને આખી જીંદગી આપવી, તેની સાથે સુખ અને દુઃખની પળોમાં સાથે રહેવું, એકબીજાની સંભાળ રાખવી, પરસ્પર સમ્માન અને સંમતિ દર્શાવવી, વિચારોની આપ-લે કરવી એટલે આ સંબંધનો પાયો. પણ એમાં જો હું મારો અભિપ્રાય ઉમેરું, તો તેમાં એકબીજાની ગરિમા જાળવવી, સમજદારી અપનાવવી, ભૂલો સ્વીકારવી, માફી સ્વીકારવી, કનડગત કરતાં સમાજની સામે લડતમાં સાથ આપવો, ગમે તે પરિસ્થિતિમાં સાચું બોલવું, એકબીજાના પડછાયા બનવું, બંનેમાંથી એક પણ કોઈ પણ દિશામાં નબળું હોય તો તે સ્વીકારી તેને મદદરૂપ થઈ પ્રેરણા આપવી, વિગેરે વિગેરે.

તમને થશે, એક સર્વ સામાન્ય નિયમ કેમ નથી આમાં કે “આપણા પાર્ટનરને, તે જે છે તે રીતે સ્વીકારવું”. તો હું કહીશ, “NO”. શું કામ કોઈની ખામીઓને પરાણે અપનાવવી? ખામીને સ્વીકારવા કરતાં, તેને સુધારવાના પ્રયત્નો કરીએ તો? ભારતીય પરંપરા મુજબ, પતિ એટલે “પરમેશ્વર”! હું આ વાત સાથે સંમત નથી. પરમેશ્વરનો દરજ્જો માત્ર પતિને જાણે સર્વાધિકાર આપે છે. તેને “હું જ માત્ર શ્રેષ્ઠ અને સર્વોચ્ચ” ની લાગણી જન્મે છે. સાથે સંકળાયેલા રહેવાને બદલે, તે શિખર પર બેસવા પ્રેરાય છે. અને જો પતિ, “પરમેશ્વર” હોય તો પત્ની “દેવી” કેમ ન હોઈ શકે? તેના કરતાં તો બંને નદીના કિનારાની જેમ રહે તો પણ સુંદર જીવન જીવી શકે. ભલે એકબીજાથી વિપરીત પણ સદાય જોડાયેલાં.

એકબીજાના જીવનમાં પ્રેમની મહેક ફેલાવે, કુટુંબ સાથે સંકળાયેલા રહે, અને સાથે સાથે જવાબદારી પૂર્ણ કરવામાં એકબીજાને ખૂબ આનંદપૂર્વક સાથ આપે તેવો આ સંબંધ હોવો જોઈએ. ક્યારેક સવાર સવારમાં એકબીજાના નામની બૂમો પાડતા પતિ અને પત્ની, રાત પડે એકબીજાને આદર અને પ્રેમથી ફક્ત એટલું પૂછે કે “કેવો રહ્યો આજનો દિવસ?” બસ… જાણે કે એ જ સાંભળવા બંનેએ એ “આજનો” દિવસ સારી રીતે પસાર કર્યો હોય….

પતિ અને પત્ની, આ તો મારી દ્રષ્ટિએ, સંબંધોના નામ છે. પણ એને ખરી ઓળખાણ તો બંનેના એકબીજા પ્રત્યેનો વ્યવહાર જ આપી દે છે. લાગણી વ્યક્ત કરવી એ નાની – સુની વાત નથી. એકબીજાને પ્રેમ, સમ્માન, હુંફ, દરજ્જો, હકારાત્મક અભિગમ વિગેરે આપતાં આપતાં ઘણી વખત ભવ નીકળી જાય છે અને એનાથી પણ વધુ સમય લાગે છે તે લાગણીઓને સમજતાં.

દિવસની શરૂઆત ભલે દોડધામથી થાય, પણ રાત્રે જ્યારે તમારા જીવનસાથીની બાજુમાં તેનાં જ ખભા પર માથું નાખીને તેનો હાથ પકડી જોજો… મૂડમાં કોઈ નાનકડો એવો  ફેરફાર હશે તો પણ આંખના પલકારામાં તે જાતો રહેશે. પતિ અને પત્ની, એ કોઈ ધર્મ નથી કે એમાં રિવાજો, રીતો હોય. પરંતુ તે એક લાગણીનો સંબંધ છે. એને ટકાવી રાખવા માટેના પ્રયાસો બંને પક્ષે જરૂરી છે. જેમ તાળી એક હાથે ન વાગે, તેમ લાગણી આપવા માટે લાગણી લેનારની પણ જરૂર પડે. બસ, આવો જ મીઠો  છે, પતિ અને પત્નીનો સંબંધ. જે નિભાવી જાણે, એ ચોક્કસપણે, જગત જીતે છે.

એક ગીત યાદ આવ્યું… “કીસી રાહ મેં… કીસી મોડ પર.. કહીં ચલ ના દેના તુ.. છોડ કર.. મેરે હમસફર.. મેરે હમસફર…”

અસ્તુ!!!

eછાપું 

તમને ગમશે: જીવવાના માત્ર 5% ચાન્સીઝમાંથી બહાર આવેલી લડાયક શેરન સ્ટોન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here