અટકી અટકીને ડાયેટિંગ કરવાથી કેવી રીતે વજન ઉતરી શકે?

0
344
Photo Courtesy: shutterstock.com

વધુ પડતું વજન ધરાવતું શરીર અસંખ્ય રોગોનું ઘર બની શકે છે. આ હકીકત આપણે બધા જ જાણતા હોઈએ છીએ અને એક દિવસ એવો આવે છે કે આપણે ડાયેટિંગ તરફ વાળીએ છીએ. પરંતુ જીભનો ચટાકો એવો જબરદસ્ત હોય છે કે આપણું ડાયેટિંગ અમુક દિવસો કે અમુક અઠવાડિયાઓથી લાંબુ ચાલી શકતું નથી.

સામે પક્ષે કેટલાક લોકો તો એવા હોય છે કે જે હઠયોગીની જેમ ‘હઠ ડાયેટિંગ’ પર ઉતરી જતા  હોય છે, એટલેકે દિવસો સુધી ભૂખ્યા રહીને શરીર ફટાફટ ઉતારવાનો સરળ પરંતુ અતિશય ખતરનાક રસ્તો. અમેરિકાના કેટલાક ડાયેટીશ્યનોએ હવે વચ્ચેનો માર્ગ શોધી કાઢ્યો છે. આ માર્ગ એવો છે કે તમારે લાંબા સમય સુધી ભૂખ્યું પણ નહીં રહેવું પડે કે પછી તમારી જીભના ચટકા લેવાથી પણ તમને શરમ નહીં આવે.

એક તાજા અભ્યાસ અનુસાર જો કટકે કટકે ડાયેટિંગ કરવામાં આવે તો પણ શરીરનું વજન સારી રીતે અને એકધારું ઉતરી શકે છે. આટલું જ નહીં પરંતુ ખોરાક ની વચ્ચે વચ્ચે ડાયેટિંગ કરવાથી વજન ઉતરવા સાથે શરીરી મેટાબોલિક હેલ્થ પણ મોટા ભાગે સુધરતી હોય છે. આ પ્રકારે ડાયેટ કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે તે શારીરિક રીતે ફાયદાકારક હોવા ઉપરાંત માનસિક રીતે બિલકુલ હાનીકારક નથી હોતું, કારણકે તમને ગિલ્ટ એટલેકે ડાયેટિંગ વચ્ચે ચોરીછુપે કશું ખાવું પડતું નથી.

તમને ગમશે: IIM Ahmedabad ના વિદ્યાર્થીઓ ભણશે બાહુબલી 2: ધ કનક્લુઝન

આ અભ્યાસમાં એવા ઘણાબધા રસ્તાઓ શોધી આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને તમે કટકે કટકે ડાયેટ કરતા કરતા તમારું વજન સરળતાથી ઉતારી શકો છો. તો આવો જોઈએ એવા કયા રસ્તાઓ છે જે આ અભ્યાસ અનુસાર તમારા શરીરના વધારાના વજનને ઘટાડવામાં મદદ કરશે.

Photo Courtesy: shutterstock.com

એકાંતરે ઉપવાસ

ઉપરોક્ત અભ્યાસ અનુસાર જો એક દિવસ ખાઈને એક દિવસ ઉપવાસ કરવામાં આવે તો પણ વજન સારી રીતે અને સરળતાથી ઓછું થઇ શકે તેમ છે.

નક્કી કરેલા દિવસોએ ઉપવાસ

જો એકાંતરે ઉપવાસ ન ફાવે તો દર અઠવાડિયે નક્કી કરેલા ત્રણ દિવસોએ કેલરી ગણીને નક્કી કરેલો જ ખોરાક ખાવામાં આવે તો પણ વજન ઉતારવામાં તે મદદરૂપ થાય છે.

નક્કી કરેલા કલાકો પૂરતા ઉપવાસ

જો રોજેરોજ ઉપવાસ કરીને જ વજન ઉતારવું હોય તો 12 થી 21 કલાક જ ઉપવાસ રાખવા જોઈએ તેમ આ અભ્યાસ જણાવે છે. દરરોજ આ રીતે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કલાક ન ખાઈને અને બાકીના સમયમાં ખોરાક ખાવાથી પણ વજન ઉતરે છે.

માત્ર પ્રવાહી લઈને કરેલા ઉપવાસ

ભારતમાં જેમ વિવિધ ધર્મોના લોકો ઉપવાસ કરે છે એ પ્રકારના ઉપવાસ કરવાથી વજન જરૂર ઉતરે છે પરંતુ નકોરડા ઉપવાસ ન કરતા સમયાંતરે પ્રવાહી લઈને ઉપવાસ કરવાની સલાહ નિષ્ણાતો આપે છે.

દિવસનું કોઈ એક ભોજન સ્કિપ કરો

જો તમને દિવસમાં ત્રણ વખત ખાવાની આદત હોય તો એક વખતનું ખાણું અવોઇડ કરો. જો કે નિષ્ણાતો એવી સલાહ જરૂર આપી રહ્યા છે કે બને ત્યાં સુધી બ્રેકફાસ્ટ બિલકુલ સ્કિપ ન કરો. જો વજન ઉતારવું જ હોય તો લંચ અથવાતો ડિનર સ્કિપ કરવું વધારે સલાહભર્યું છે.

ઉપરોક્ત ઓપ્શન્સમાંથી તમે ભલે ગમે તે ઓપ્શન સિલેક્ટ કરો પરંતુ અમારી સલાહ તો એજ છે કે તમે પહેલા કોઈ પ્રોફેશનલ ડાયેટીશ્યન કે પછી ડોક્ટરની સલાહ જરૂર લ્યો, કારણકે હસવામાંથી ખસવું થતા ક્યારેય વાર નથી લગતી બરોબરને?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here