ઉનાળામાં ચામડી ની સારસંભાળ અને યોગ્ય Sunscreen Lotion ની સલાહ

0
726
Photo Courtesy: blog.edeninstitute.com.au

ઉનાળો ધીરે ધીરે ગરમી પકડતો જાય છે ગયા લેખમાં ઉનાળાની શરૂઆત અને ગરમીથી બચવાના ઉપાયો આપણે આ કોલમમાં જોયા. ગરમી વધતા જાત જાતના રોગ પણ થાય છે. તેમાં ચામડીના રોગો મુખ્ય છે. સામાન્ય રીતે ઉનાળામાં ખૂબ જ તાપ, ગરમી, પરસેવો અને કપડાં અને ચામડી વચ્ચે ભેજયુક્ત વાતાવરણને કારણે ચામડીના ઘણા રોગો થઈ શકે છે. ગરમીમાં ફંગલ ઇન્ફેક્શન, અળાઇ અને સનબર્ન જેવી સમસ્યાઓ સામાન્ય છે. શરીરના જે ભાગ ઢંકાયેલા રહે છે જેમ કે બગલ, પગની અંદરની બાજુ, પગનાં તળિયાં વગેરે પર ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે રહે છે.

Photo Courtesy: blog.edeninstitute.com.au

આ ભાગોમાં ઉનાળાની ગરમીને કારણે બહુ પરસેવો થાય છે અને ત્યાં ફૂગ જન્મે છે. જેને આપણે દાદ, ખાજ, ખુજલી કહીએ છીએ. જે લોકો બહુ ટાઇટ કપડાં પહેરતાં હોય, પાઉડર ન લગાવતા હોય, આખો દિવસ શૂઝ પહેરી રાખતા હોય અને જેમને ડાયાબિટીસ હોય તેમનામાં ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઉનાળામાં દિવસમાં બે-ત્રણ વાર નહાવું, નહાયા બાદ બગલમાં અને અંતરિયાળ ભાગમાં એન્ટિફંગલ પાઉડર કે શંખજીરું છાંટવું. નિષ્ણાતની સલાહ વગર કોઇ ક્રીમ વગેરે વાપરવી નહીં નહીંતર ચામડી કાળી પડી શકે છે જેના પર લેખ માં આગળ પ્રકાશ પાડીશું.

તમને ગમશે: ટીવી સીરીયલના ફેસબુકીયા વિવેચકોને પહોંચી ન વળાય

સૂર્યના તેજ કિરણોથી ત્વચાનો રંગ કાળો પડી જાય છે જેને સનટેન કહેવામાં આવે છે. અમુક લોકોની ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય છે જે સૂરજના તેજ કિરણોને સહન નથી કરી શકતી. જેના પરિણામે સનટેન અથવા સનબર્ન થાય છે. સનબર્ન એ ટેન પછી ની અવસ્થા છે.ભારતમાં ઉનાળામાં  લોકોને સનટેનની તકલીફ સૌથી વધારે થાય છે.

Sun Burn થી બચવા શું કરવું??

  • સીધા સૂર્યપ્રકાશના કિરણોથી બચવું.
  • ઘરની બહાર નીકળો ત્યારે ચહેરા ઉપરાંત શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન ક્રીમ લગાવવું.
  • સમગ્ર શરીર ઢંકાય જાય એવાં કપડાં પહેરવા.
  • ઘરેથી બહાર નીકળો ત્યારે હાથનાં મોજાં અને સનગ્લાસનો ઉપયોગ કરવો.
  • આકરાં તાપથી બચવા છત્રી સાથે રાખવી.
  • કોટનના સફેદ અથવા હળવા રંગવાળા મુલાયમ કપડાં પહેરવા.
  • ઘરથી બહાર નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી અને થોડી થોડી વારે પાણી પીતા રહેવું.
  • ભૂખ્યા પેટે બહાર જવું નહીં,તાજું મોળું દહીં શક્ય એટલું વધારે ખાવું જોઇએ. તે ઠંડક રાખવાની સાથે ત્વચા માટે પણ લાભદાયક છે.
  • લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી વગેરે સતત પીવાં.
  • ઇન્ફેક્શનથી બચવા હાથ અને પગની આંગળીઓ વચ્ચેના ભાગને સાફ કરો.
  • ગરમીને જડમૂળમાંથી કાઢવા માટે કાળી દ્રાક્ષ, ગરમાળાનો ગોળ, સાકર, આખા ધાણા, વરિયાળી વગેરે સરખે ભાગે લઇ પાણીમાં પલાળી ચોળી ગાળીને પી જવું. રોજ બપોરે આ મિશ્રણ પલાળી રાત્રે સૂતી વખતે પી જવું.
  • કાચા દૂધ કે છાશ થી ચહેરો ધોઈ નાળિયેર તેલ,દહીં, મિલ્ક પાવડરની પેસ્ટ લગાડવી.
  • નારંગી, કાકડી વગેરે ફળનો માવો ઓટ મિલ કે જવના લોટમાં લગાડવો.
  • ફુદીનો, લીમડો, ગુલાબજળની પેસ્ટ લગાડવી.
  • ટી બેગ ભીની કરી મુકવી અથવા વિનેગારમાં ભીંજવેલ પટ્ટીઓ લગાડવી.
  • દહીં અને મિલ્ક પાવડર ૨૦ મિનીટ લગાડવાથી રક્ષણ મળે છે.
  • માથે પગે મહેંદી લગાડવાથી માસિક સંબંધી સમસ્યાઓ, તજા ગરમી, મૂત્ર દાહમાં રાહત રહે છે.
  • જેઠીમધનો પાવડર, દૂધ કે ગુલાબજળ સાથે લગાવી શકાય છે.
  • ચંદન મલાઈમાં મિક્સ કરી લગાવી શકાય છે.
  • કુંવારપાઠાંનું તાજું લાબરું લાવી ઘસીને સ્ક્રબ કરી શકાય.
  • ભગવાન ને સ્નાન કરાવવા વપરાતા પંચામૃતથી ચામડી ઓઈલી છે કે ડ્રાય એ મુજબ મધ-ઘી ની માત્રા વત્તી ઓછી કરી ટેનિંગ થી બચી શકાય છે.

સિન્થેટિક વસ્ત્રો કે આર્ટિફિશિયલ ધાતુની જ્વેલરી ચામડીના છિદ્રો સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામ સ્વરૂપ ત્વચા ઉપર અળાઇઓ ઉપસી આવે છે. સાથોસાથ ઉનાળાની ઋતુમાં શરીરની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વધુ પડતા પરસેવાની ખારાશને લીધે પણ ત્વચા ઉપર અળાઇઓની સમસ્યા ઉદભવતી હોય છે

  • ઉનાળાની ઋતુમાં સિન્થેટિક વસ્ત્રોનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઇએ. બની શકે તો કાંડા સુધી ઢંકાઇ શકે તેવાં સુતરાઉ કાપડના, બ્રાઈટ રંગના, ખુલતાં, જીણા-પાતળા અને લીસ્સા ફાઈબરવાળા વસ્ત્રો પહેરવા જોઇએ.
  • ઉના‌ળામાં આર્ટિફિશિયલ રંગો અને ધાતુઓવાળી જ્વેલરીનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઇએ.
  • દિવસ દરમિયાન બેથી ત્રણ વખત ઠંડા પાણીથી સ્નાન કરો
  • પરસેવો ન થાય અથવા તો પરસેવો દૂર કરવા શંખજીરું કે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરો.
  • ઠંડક મેળવવા માટે બહારનાં કૃત્રિમ ઠંડાંપીણાં, આઇસક્રીમ વગેરે જેવી ચીજવસ્તુઓને બદલે કુદરતી ઠંડક બક્ષતી છાશ કે વરિયાળીના શરબતનો ઉપયોગ કરો.

પૃથ્વી સુધી પહોંચતા અલ્ટ્રાવાયોલેટ કિરણો Uv A,Uv B  અને Uv C ના બનેલા હોય છે. Uv A થી ત્વચા માં કરચલીઓ પડે છે અને ઉમર વહેલી વધતી હોય એમ લાગે છે. અકારણ સમય પહેલાં જ વૃદ્ધત્વ દેખાવા લાગે છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી તેના કિરણો ચામડી ના પડને પાર કરીને અંદર જાય ત્યારે ફ્રી-રેડિકલ્સ જન્મે છે જે કોલોજીન અને ઇલૅસ્ટિન બનાવે છે એને લીધે ચામડી લચી પડે છે, કાળા કૂંડાળા દેખાય છે, સ્પૉટ્સ પણ વધી જાય છે. સ્કિનને હેલ્ધી રાખવા તે ટાઇટ રહે તે જરૂરી છે. લચી પડેલી ચામડી શરીરનું રક્ષણ કરી શકતી નથી. આ એક એવું ડૅમેજ છે જે સરળતાથી રિપેર થઇ શકાતું નથી. UV માં 95% ભાગ માં Uv A હોય છે જે વાદળાં અને કાચમાંથી પસાર થઇ જાય છે.

Uv B ઉપલા પડમાં ખાલી બળતરા-દાહ પેદા કરે છે. ચામડીના DNAને સુદ્ધાં નુકસાન પહોંચાડે છે

Uv C વાતાવરણ માં શોષાઈને જમીન સુધી આવતા નથી મરકયુરી લેમ્પ કે વેલ્ડીંગની જ્યોતમાં હોય છે તે ચામડી નું કેન્સર કરી શકે.

તમને ગમશે: સુબેદાર જોગીન્દરસિંહ – ગુમનામીના અંધારામાં ભુલાઈ ગયેલા શહીદ

અથઃ શ્રી સનસ્ક્રીન લોશન કથા…  

ઉનાળામાં તાપથી બચવા હવે Sunscreen Lotion  લગાડવું ફરજીયાત બનતું જાય છે જે માત્ર બીચ, પુલ કે ધોળીયાવ પુરતું મર્યાદિત ન રહેતા આમ વર્ગ સુધી પહોંચ્યું છે.

Sunscreen Lotion ના મુખ્ય બે પ્રકાર છે: ફીઝીકલ અને કેમિકલ

ફીઝીકલમાં ટાઈટેનિયમ ડાયોક્સાઈડ કે ઝીંક ઓક્સાઈડ મુખ્ય હોય છે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો ને ચામડી પરથી પરાવર્તિત કરે છે અથવા તો ત્યાં જ બ્લોક કરી દે છે. આ લોશન થોડા ઘટ્ટ હોય છે અને અકાર્બનિક તત્વો નું બનેલું હોય છે અને ચામડી પર લગાવ્યા બાદ તરત જ ઈફેક્ટ કરે છે, સફેદ ડાઘ છોડે છે અને પ્રમાણમાં સ્ટેબલ અને સેફ છે કેમકે તે ચામડી પર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરતું નથી.

કેમિકલમાં એવોબેન્ઝોન મુખ્ય છે જે ચામડી પર ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે, તે સૂર્યના કિરણોને શોષી લે છે અથવા છિન્ન ભિન્ન કરી તેની તાકાત ઘટાડી નાખે છે અને તે કાર્બનિક તત્વોનું બનેલું હોય છે. લગાડ્યા બાદ 20 મિનીટ પછી કામ શરુ કરે છે.કેટલીક વાર ચહેરા પરથી રેલાની જેમ ઉતરે છે. કિરણો શોષતું હોવાથી ત્વચા માં ઇરીટેશન, કરચલી, લાલાશ ઉત્પન્ન કરે છે.

કયું  Sunscreen Lotion સારું એ જાણવા હવે નીચેની માહિતી જરૂરી છે

SPF એ સન પ્રોટેક્શન ફેક્ટરની માનાંક પદ્ધતિ છે. આપ ખુલ્લા ચહેરે તડકામાં લોશન લગાવ્યા વગર ઉભા રહો અને આપની ચામડી 10 મિનીટમાં બળવાની ચાલુ થાય તો SPF 15 એ આપને 10 ગુણ્યા 15= 150 મિનીટ સુધી રક્ષણ પૂરું પાડે છે એના પછી એ કોઈ જ કામનું નથી. એ જ રીતે SPF 2 થી SPF 60 સુધી જાણવું હિતાવહ છે. આવા લોશન, ક્રીમ, સ્પ્રે પણ બજારમાં મળે છે.

SPF 15 એ 93%  UVB કિરણો ને રોકે છે મતલબ 100 માંથી 93 ફોટોનને રોકે છે અને બાકીના 7 ફોટોનને ચામડી માં પ્રવેશવા દે છે.

SPF 30 એ 97%  UVB કિરણો ને રોકે છે .

SPF 50 એ 98% UVB કિરણો ને રોકે છે, 50થી વધુ SPF એ દિલ બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ જેવું છે.

શરીર પર Sunscreen Lotion 2 મીલીગ્રામ/ સેમી² ના માપમાં લગાડવું.

એ માપે એક ગોલ્ફ ના દડા કે 6-7 ચમચી લગાડવું પડે. 5 ફૂટ 4 ઇંચ હાઈટ, 68 કિલો વજન અને છાતી નો ઘેરાવો 32-34 સેમી હોય તો અંતરવસ્ત્રો ને બાદ કરતા બાકીના ભાગમાં 29 ગ્રામ લોશન લગાડવું પડે જે હકીકત માં કોઈ લગાડતું જ નથી. ખાલી ચહેરા પર લગાડવું હોય તો 3-4 ગ્રામ લગાડવું જરૂરી છે. વળી અડધા કલાક પહેલા લગાડવાથી જ તે યોગ્ય કામ કરી શકે છે. ને 2 કલાક પછી કાઈ કામનું નથી.

એક લેયર પર બીજું લેયર લગાડવાથી 15×15 = 225 મિનીટ સુધી રક્ષણ આપે છે પણ પહેલી વખતે લગાડેલું લોશન ત્વચાના ઉપલા પડને થોડું ડેમેજ કરે છે જેથી એક ઉપર બીજું લેયર લગાડવાથી તે ત્વચામાં સીધું ઉતરી નુકસાન જ કરે છે માટે ઓઈલ બેઝ ના ક્લીન્સરથી ધોઈ બીજીવાર લગાડવું હિતાવહ છે.

જો આપના લોશનમાં એવો બેન્ઝોન હોય તો તે ફોટોસ્ટેબલ હોતા નથી તેની ફોટોસ્ટેબીલીટી વધારવા બીજા UV ફિલ્ટર્સ નાંખવા પડે છે. આપનું લોશન કિરણો સામે સ્ટેબલ હોવું ખાસ જરૂરી છે.

આપનું લોશન બ્રોડ સ્પેક્ટ્રમ હોવું જરૂરી છે. મતલબ Uv A અને Uv B બન્ને સામે રક્ષણ પૂરું પાડે એવું.Uv B સામે રક્ષણ પૂરું પાડતું હોય તો એનું માનાંક SPF (sun protection factor )  થી કરેલું હોય અને Uv A સામે રક્ષણ પૂરું પાડતું હોય તો એનું માનાંક PPD (persistent pigment darkening) થી કરેલું હોય જે એશિયન દેશો માં PA+++ થી લખાઈને આવે છે. આ બન્ને માનાંક આપના લોશન પર ખાસ જરૂરી છે.ઘણા લોશન માં એક થી લઇ ૫ સુધી સ્ટાર ***** આવે છે.

આપનું લોશન આપની ચામડીને ડેમેજ ન કરે, ઇરીટેટ ન કરે,રે લા ઉતરે કે સફેદ ડાઘ છોડે તેવું ન હોવું જોઈએ. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય તો ચામડી ખુબ જ ડ્રાય થઇ જાય છે તો તેમાં મોશ્ચ્યુરાઈઝર મિક્ષ કરી લગાડવું જોઈએ. તે યોગ્ય કીમતમાં સરળતા થી મળી રહે અને વાપરવાથી ચામડી ને સ્યુટ થાય તેવું જ લોશન શરુ રાખવું હિતાવહ છે.

ભારતમાં ગરમી વધુ હોઈ છિદ્રો વાટે લોશન અંદર ઉતરે અને અંદરનું ટોક્સીન બહાર ન કાઢે તો ચામડીના રોગો વધે જ છે માટે પહેલા જણાવેલા આયુર્વેદિક ઉપાયો કરવા ખુબ પાણી પીવું ને કુંવારપાઠું વાપરવું. બાકી ચામડી અંગે કેન્સર ના સંશોધન કરતી સંસ્થા કહે છે કે તડકામાં સવારે 10 થી સાંજે 4 સુધી ઘરની બહાર ન નીકળવું જ હિતાવહ છે.

મગજ માટે પત્ની અને બાળકોને એકાદ મહિનો વેકેશનમાં મામાના ઘરે મોકલી દેવાથી મગજ ઠંડુ રહે છે અને એને જ શાસ્ત્રો માં મગજ નું Sunscreen Lotion કહેલું છે…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here