ફેસબુક DP કાળી કરવાની મુહિમ એટલે “જવા દેને બધ્ધા પુરુષો એવા જ હોય છે!”

0
454
Photo Courtesy: viralstories.in

આ અઠવાડિયે ફેસબુક પર એક અનોખી મુહિમ ચલાવવામાં આવી, સ્ત્રીઓ એટલેકે ફિમેઈલ જેન્ડરને પોતાનું પ્રોફાઈલ પિક્ચર કાળા રંગે રંગી નાખવાની મુહિમ. આ મુહિમ કઠુઆ અને ઉન્નાવમાં થયેલા જઘન્ય બળાત્કારના વિરોધ સ્વરૂપે અમલમાં મુકવામાં આવી હતી. બળાત્કાર તેના કોઇપણ સ્વરૂપમાં એક જંગલી કૃત્ય હોય છે, પણ બળાત્કારીને આપણે જાનવર પણ નથી કહી શકતા કારણકે જાનવરો એકબીજા પર બળાત્કાર કરતા હોય એવું ક્યાંય જોવા કે પછી સાંભળવા મળ્યું નથી. ટૂંકમાં એમ કહી શકાય કે બળાત્કારની ઘટનાને વખોડી નાખવા કે તેના વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા જેટલા કડક શબ્દોનો કે એક્શનનો ઉપયોગ થાય એટલો ઓછો.

પરંતુ, કિન્તુ બટ! જે-તે દિવસે ફેસબુક પર મહિલાઓએ પોતાની DPને કાળી રાખવાની મુહિમ કરવાની વિનંતી કરતો જે મેસેજ હતો તે જરા misleading હતો. આ મેસેજનો સાર એવો હતો કે આ રીતે કાળી DP મુકીને આપણે પુરુષોને ભાન કરાવીએ કે જો અમે નહીં દેખાઈએ, (બીજા શબ્દોમાં જો મહિલાઓનું અસ્તિત્વ જ નહીં હોય તો) તો તમારી જિંદગી કેવી કાળી ધબ થઇ જશે! આપણો વાંધો અહીંથી જ શરુ થાય છે કારણકે આ મુહિમ છેવટે તો બળાત્કાર કે બળાત્કારીઓ વિરુદ્ધની મુહિમ મટીને પુરુષ વિરોધી મુહિમમાં પરિવર્તિત થઇ ચૂકી હતી….. કાયમની જેમ!

છોકરી જીન્સ પેન્ટ પહેરે, શોર્ટ્સ પહેરે, કે પછી એ કોઈ પર પુરુષ સાથે બે ઘડી હસીને વાત કરે, કે પછી કોઈ સ્ત્રીને એક અંતરંગ પુરુષ મિત્ર હોય, કે પછી કોઈ સ્ત્રી રોજ રાત્રે મોડી ઘેર આવતી હોય તો તેનાથી તેના કેરેક્ટર પર શંકા ન ઉપજાવી શકાય આવું આપણને વર્ષોથી સમજાવવામાં આવે છે પરંતુ પેલી કાળી DP વાળી મુહિમ અંગે જે મુખ્ય કારણ આપવામાં આવ્યું તેના દ્વારા દેશના દરેક પુરુષોને એક ઝાટકે બળાત્કારીઓની લાઈનમાં મૂકી દેવામાં આવ્યા. આ બેવડા ધોરણો પ્રત્યે અમને પુરુષોને ખૂબ વાંધો છે.

Opposite attracts આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું સનાતન સત્ય છે. જ્યારે કોઈ પુરુષ સામેથી કોઈ સ્ત્રી પસાર થાય કે પછી પુરુષની સામે કોઈ સ્ત્રી બેઠી હોય અને જો પુરુષને તે કોઈ કારણોસર ગમી જાય અને પોતાનું સ્થાન છોડ્યા વગર તેને વારંવાર જોતો રહે તો એ eve teasing નથી જ, પણ અહીં  પેલી મુહિમ નું logic અપનાવવામાં આવે તો કોઈ સ્ત્રી પુરુષને આકર્ષક લાગે તો એ અત્યંત ખરાબ બાબત છે એ પુરુષ જરૂર ખરાબ કેરેક્ટરનો જ હોવો જોઈએ. સ્ત્રીઓ ખુદ સ્વીકારે છે કે કોઈ પુરુષ તેની સામે જુએ અથવાતો જો તેની સુંદરતાના વખાણ કરે, અલબત્ત યોગ્ય રીતે, તો તેને એ ગમતું હોય છે.

આજના સમયમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે મુક્ત મિત્રતા ખૂબ વધી છે આવામાં એવા ઘણા સ્ત્રી-પુરુષ મિત્રો જોવા મળશે (પરિણીત પણ) જે આપસમાં flirt પણ કરતા હોય છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની મિત્રતા દરમ્યાન થતું flirt એ તેમના સંબંધો વચ્ચે વ્યક્ત થયેલી સૌથી નિર્દોષ લાગણી હોય છે કારણકે એ બંનેને વિશ્વાસ હોય છે કે અહીં બોલવામાં આવેલા કોઇપણ શબ્દનો અમલ એ બંનેમાંથી કોઇપણ કરવાના નથી. પણ કદાચ પુરુષોને એક રંગે ચિતરવાની મુહિમ બાદ પુરુષ પોતાની સ્ત્રી મિત્રને flirt કરતા પણ ગભરાય એવું બની શકે અને સરવાળે નુકશાન સ્ત્રીઓનું જ છે કારણકે તે એક નિર્દોષ ભાવનાથી દૂર થઇ જશે.

સ્ત્રીના આકર્ષક અંગો અને ઉપાંગોને દૂર રહીને તેને નીરખી રહેલો પુરુષ જો ઉચ્છવાસ છોડીને આગળ ન વધે તો એમાં કશું ખોટું નથી. ખોટું ત્યારે થાય છે જ્યારે પુરુષ તે અંગે અભદ્ર કમેન્ટ્સ પાસ કરે કે પછી એ સ્ત્રી કે યુવતીને ટચ કરવાની કોશિશ કરે. જેમ સ્ત્રીઓની અમુક એક્ટીવીટીથી એમના સમગ્ર કેરેક્ટર પર સવાલ ન ઉઠાવી શકાય એમ દરેક ભારતીય પુરુષોને પણ કેટલાક પુરુષોની અભદ્ર હરકતોથી એક રંગે ન રંગી શકાય.

એવી ઘણી સ્ત્રીઓ કે યુવતીઓ છે જેમને, સારી લંબાઈ ધરાવતો, six pack abs ધરાવતો કે ટૂંકી બાંયનું ટી શર્ટ પહેરીને  હાથના મસલ્સ દેખાડતો કે ઇવન શર્ટના ઉપલા હિસ્સામાંથી બહાર ડોકાતા તેની છાતીના વાળ જોઇને આકર્ષણ થાય છે અને આ અંગે સ્ત્રીઓ/યુવતીઓ આપસમાં ચર્ચા પણ કરતી હોય છે, તો શું આ પુરુષ પ્રત્યે તેમની કોઈ ખરાબ વિચારધારા છે? શું પુરુષને જ્યારે આ બાબતની જાણ થાય ત્યારે તેણે hurt થવું જોઈએ?

ફેસબુક પર વાર તહેવારે સ્ત્રીઓ મને inbox કરવો નહીં કારણકે મને અમુક સવાલોની એલર્જી છે વગેરે વગેરે પ્રકારની પોસ્ટ્સ કરતી જોવા મળે છે. એ માની શકાય એવો આરોપ છે કે જ્યાં ફૂલ હોય ત્યાં ભમરાઓ પહોંચી જ જાય છે પછી એ ભમરાની ઉંમર ગમેતે હોય. પણ એક વખત જે પુરુષ પર તમે ભરોસો કરતા હોવ એને ખાનગીમાં પૂછી લેજો કે તેને પોતાની જાતને modern અને open minded કહેતી અને ફેસબુક પર અતિશય જાણીતી એવી સ્ત્રીઓના આમંત્રણ મળ્યા છે કે નહીં? મોટાભાગના પુરુષોનો જવાબ હા હશે.

સ્ત્રી અને પુરુષ આમ ભલે જુદા હોય પરંતુ તેમની ઘણીબધી લાગણીઓ એક જેવી છે અને એમાંથી એક મુખ્ય લાગણી છે આકર્ષણ. માત્ર પુરુષ જ કદાચ આ આકર્ષણને અત્યારસુધી સરળતાથી વ્યક્ત કરી શકતો હતો પરંતુ આ યુગમાં સ્ત્રીઓ પણ હવે તેને વ્યક્ત કરતા થઇ ગઈ છે. જો પુરુષ જ્યારે તેની સાથે થયેલા અનિચ્છનીય વ્યવહાર અંગે મૂંગો રહેતો હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે સ્ત્રીઓએ માત્ર સ્ત્રી હોવાનો ફાયદો લઈને emotional ટેકો ઉભો કરી લેવો. પુરુષના મૂંગા રહેવા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ઘાયલ વાઘણની જેમ એ સ્ત્રી કોઇપણ સ્તરે જઈ શકે છે અને તેમના આક્ષેપોને ટેકો કરનારા અમારા પુરુષો જ મોટી સંખ્યામાં હશે.

હાજી! અમુક સ્ત્રીઓની એકતરફી લાગણીઓને ભડકાવનારા અને એમને સદાય પ્રિય રહેનારા પુરુષોની પણ આપણે ત્યાં બિલકુલ કમી નથી. કાળી DPની મુહિમ પાછળનો સંદેશ સમજ્યા વગર જ આ પુરુષોએ સ્ત્રીઓને ટેકો તો જાહેર કર્યો જ પણ પોતાની પુરુષ જાતની નિમ્નકક્ષાની ટીકા કરતા પણ તેઓ રોકાયા નહીં અને આ બધું એમણે કર્યું માત્ર સ્ત્રીઓની good book માં રહેવા માટે જ, કારણકે જે કક્ષાની ભાષાનો પ્રયોગ એમણે પુરુષોને ઉતારી પાડવા માટે અને અમુક સ્ત્રીઓની જેમજ પોતાના સમકક્ષોની ખોટી બાજુ જ ચિતરવા માટે કર્યો એ આ દલીલને સર્વાંગ સાબિત કરે છે.

સો બાત કી એક બાત! જો સ્ત્રી અને પુરુષ એક સરખા છે તો બંનેની સારી અને ખરાબ બાબતોને સ્વિકારવી જ પડશે. એક તરફ જો અબળા નારી શબ્દથી તમને સૂગ ચડે છે તો પછી જ્યારે સામે ફાયદો દેખાતો હોય ત્યારે અબળા શબ્દરૂપી કોચલામાં પોતાને સંતાડી દેવાની કોઈજ જરૂર નથી. જો પુરુષ અને સ્ત્રી સમોવડિયા છે તો ભારતવર્ષનો એક એક પુરુષ માત્ર બળાત્કારી કે પછી સ્ત્રીઓને ખરાબ નજરે જ જોનાર પ્રાણી છે કે કાયમ તેનો ગેરલાભ ઉઠાવવા માટે સદાકાળ તૈયાર જ હોય છે તેવી જડ માન્યતાને દૂર કરવી અત્યંત જરૂરી છે.

આ પ્રકારના આંધળા વિરોધથી સ્ત્રી અને પુરુષ વચ્ચેની ખાઈ વધુ પહોળી થશે અને સ્ત્રીઓ આ રીતે એવા પુરુષોથી દૂર થવા લાગશે જે પુરુષ તેને ચાહે છે, તેના વિચારોથી પ્રભાવિત છે, તેના કાર્ય પ્રત્યે જેને ગર્વ છે અને તેના અસ્તિત્વનું સંપૂર્ણ સન્માન પણ કરે છે પરંતુ તેના પર વારંવાર થતા આક્ષેપો કે તેના પ્રત્યે ચાલતી નેગેટીવ મુહિમ પ્રત્યે તેને નફરત થઇ જતી હોય છે. જેમ સ્ત્રીઓ વીના પુરુષનું જીવન કાળું ડીબાંગ થઇ જશે એમ પુરુષ વગર સ્ત્રીઓના જીવનનું મેઘધનુષ પણ છેવટે અસ્ત થઇ જ જવાનું છે. માટે એકબીજાને સમજીએ નહીં કે એકબીજા વિરુદ્ધ ગરજીએ!

આચારસંહિતા

૨૧.૦૪.૨૦૧૮, અમદાવાદ

શનિવાર

eછાપું

તમને ગમશે: શ્રીદેવી ની એ દસ બોલીવુડ ફિલ્મો જે તમે ક્યારેય નહિ ભૂલી શકો

                    જ્યારે પુષ્પા જોષી માટે અજય દેવગણે પોતાનો શેડ્યુલ બદલ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here