રાહ પકડ તુ એક ચલા ચલ, પા જાયેગા ‘મધુશાલા’!

0
719
Photo Courtesy: thebetterindia.com

“પ્રિય માદક, આજે મદિરા લાવ્યો છું – મદિરા, જેને પીને ભવિષ્યના ભય ભાગી જાય છે અને ભૂતકાળના દારુણ દુઃખ દૂર થઈ જાય છે. જેના પાન પછી માન-અપમાનનું ધ્યાન રહેતું નથી અને ગૌરવનો ગર્વ લુપ્ત થઈ જાય છે. જેને ચાખીને મનુષ્ય શ્રમ, સંકટ, સંતાપ બધું જ વીસરી જાય છે. ઓહ! જીવનની મદિરા જે આપણે વિવશ બનીને પીવી પડે છે, કેટલી કડવી છે!” – આ મારા શબ્દો નથી, આ તો ‘મધુશાલા’ના પ્રથમ સંસ્કરણમાં બચ્ચનજીએ વાચકોને કરેલું સંબોધન છે.

Photo Courtesy: thebetterindia.com

23 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book and Copyright Day) છે. તાજેતરમાં બીગ-બીએ ભારતના કોપીરાઈટ કાયદાને લઈને નારાજગી બતાવી હતી. એ પહેલાં ‘આપ’ના કુમાર વિશ્વાસ પર પણ એમના પિતાની એક કવિતા જાહેરસભામાં રજૂ કરવા બદ્દલ ગુસ્સો કર્યો હતો. આ તો એક બહાનુ છે ઈતિહાસમાં લટાર મારવાનું. બીગ-બીના પિતાશ્રી બીગેસ્ટ-બી ડૉક્ટર હરિવંશરાય ‘બચ્ચન’ વિશે અને તેમની ઉત્કૃષ્ટ રચના ‘મધુશાલા’ વિશે વાત કરવાનું.

હરિવંશરાયજી ભલે અમિતાભના પિતા તરીકે ઓળખાય પણ સાહિત્યમાં જેને ગતાગમ પડતી હોય એને ખબર હશે કે બચ્ચનજી હિન્દી સાહિત્યના ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર છે. પહેલી પત્ની શ્યામાના અવસાન પછી લાહોરના તેજી સાથે લગ્ન કર્યા. પહેલી પત્ની ગુમાવવાનો ગમ કેવો હોય એની વ્યથા, વિરહ, વેદના અને વિષાદ એમણે પોતાના કાવ્યસંગ્રહ ‘એકાંત સંગીત’માં ઠાલવ્યા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્નાતક થઈને Ph.D. ની ડીગ્રી લીધા પછી જવાહરલાલ નહેરુના આગ્રહથી બચ્ચનજીએ અંગ્રજી સાહિત્ય અને શેક્સપિયરનાં સુપ્રસિદ્ધ નાટકોનો અનુવાદ કરેલો. તેમના અનુવાદિત નાટકો ‘લેડી મેકબેથ’ અને ‘ઓથેલો’ સ્ટેજ પર ભજવાતા, જેમાં તેજી બચ્ચન અને અમિતાભ પણ ભૂમિકા ભજવતા.

‘મધુશાલા’ એ બચ્ચનજીની સર્વાધિક લોકપ્રિય કાવ્યકૃતિ છે. મધુશાલામાં કુલ 135 (અને પ્રસ્તાવનામાં 4) રુબાઈઓ છે. (આડ વાતઃ રુબાઈ હંમેશા ચાર પંક્તિની હોય છે જેમાં પહેલી-બીજી અને ચોથી પંક્તિ અંત્યાનુપ્રાસ અલંકારમાં હોવી જોઈએ – પણ ત્રીજી પંક્તિ નહીં. ચારેય પંક્તિ એક જ વિષય પર હોવી જોઈએ અને ચારેયનો સાર એ છેલ્લી પંક્તિમાં હોવો જોઈએ. રુબાઈઓ મૂળ પર્શિયાના કવિ અબુલ હસન રોડેકી દ્વારા બનાવવામાં આવેલી પણ ઉર્દૂ કવિતામાં એનો વપરાશ વધુ દેખાય છે.) સૌ પ્રથમ 1933માં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના શિવાજી હૉલમાં યોજાયેલા કવિ સમ્મેલનમાં ‘મધુશાલા’ સંભળાવવામાં આવેલી, એટલે મૂળ મધુશાલાને આ પંચ્યાસીમું વર્ષ ચાલે છે. પણ પુસ્તકરૂપે ‘મધુશાલા’ 1935ના એપ્રિલમાં છપાઈ. અત્યાર સુધીમાં ‘મધુશાલા’ની પચાસથી પણ વધુ આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે અને અંગ્રજી, મરાઠી, બંગાળી, મલયાલમ ભાષામાં અનુવાદ થયા છે. પ્રથમ આવૃત્તિની દરેક નકલ પર બચ્ચનજીએ સ્વહસ્તે લખેલું: મૈંને તુમ્હેં મંદિરકી કવિતા નહીં દી, મૈંને તુમ્હે કવિતા કી મદિરા દી હૈ! પહેલી વાર અલાહાબાદની કાયસ્થ પાઠશાળા પ્રેસમાં પ્રયાગ ખાતે છપાયેલી પણ પ્રકાશનના ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે પ્રકાશક બદલાયા.

મધુશાલાની લોકપ્રિયતા એટલી હતી કે સેંકડો-હજારો વાર સંભળાવી હોય તો પણ જે કોઈ કવિ-સમ્મેલનમાં હરિવંશરાય કવિતા સંભળાવવા ઊભા થતા, શ્રોતાઓ એક સૂરમાં મધુશાલાની માંગણી કરતાં. બચ્ચનજીના બધા કાવ્ય-પુસ્તકોમાંથી ‘મધુશાલા’ સૌથી વધુ વંચાતી અને વેચાતી પુસ્તિકા હતી, છે અને રહેશે. મદિરા જેમ જૂની થાય એમ વધુ નશો કરાવી આપે – બસ એ જ રીતે આજે પણ તમે મધુશાલા વાંચો તો એનો નશો બરકરાર છે.

મધુશાલાની રુબાઈઓ એટલી રસપ્રદ શૈલીમાં લખાયેલી છે કે વાંચતા અને સાંભળતા આપણને એક અલગ જ સંતોષની લાગણી થાય. મદિરાલયનું વર્ણન કરતી એક રુબાઈમાં એમણે લખેલું છે કે મધુશાલા એ કોઈ તહેવારની મહોતાજ નથી. ગુજરાતી કાવ્યપંક્તિ “રામકૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા રે” ની જેમ મધુશાલાના ચાહકોને હોળી, દિવાળી કે ઈદની વાટ ન હોય. એ તો એમ કહે કે,

एक बरस में, एक बार ही जगती होली की ज्वाला,
एक बार ही लगती बाज़ी, जलती दीपों की माला,
दुनियावालों, किन्तु, किसी दिन आ मदिरालय में देखो,
दिन को होली, रात दिवाली, रोज़ मनाती मधुशाला।

हरा भरा रहता मदिरालय, जग पर पड़ जाए पाला,
वहाँ मुहर्रम का तम छाए, यहाँ होलिका की ज्वाला,
स्वर्ग लोक से सीधी उतरी वसुधा पर, दुख क्या जाने,
पढ़े मर्सिया दुनिया सारी, ईद मनाती मधुशाला।

PK ફિલ્મમાં એક સીન છે જેમાં મંદિરની પૂજા-સામગ્રી લઈને આમિરખાન ચર્ચમાં જાય છે ત્યારે ખબર પડે છે કે ભગવાન નારીયેળ પાણી નહીં પણ વાઈન પીવે છે. એટલે વાઈન લઈને નજીકની મસ્જિદમાં જાય છે. બેકગ્રાઉન્ડમાં ‘દાગ’ દહેલવીનો એક શેર સંભળાય છે – जाहिद शराब पीने दे, मस्जिदमें बैठकर, या वो जगह बता दे, जहां पर खुदा न हो|. મસ્જિદમાં ઘૂસવા જાય એ પહેલા જ મૌલવીઓ PKને ત્યાંથી ભગાડી દે છે. આ સીનને યાદ કરાવતી એક રુબાઈ છેઃ

दुतकारा मस्जिद ने मुझको कहकर है पीनेवाला,
ठुकराया ठाकुरद्वारे ने देख हथेली पर प्याला,
कहाँ ठिकाना मिलता जग में भला अभागे काफिर को?
शरणस्थल बनकर न मुझे यदि अपना लेती मधुशाला।

મદિરાલયમાં કોઈ દિવસ ધર્મ કે જાતિ કે જેન્ડર પૂછવામાં આવતું નથી. પીવાવાળાના નામ ન હોય એમના તો ફક્ત જામ હોય. એમનો ધર્મ પણ એ જ અને પૂજા પણ એ જ. મદિરાલયમાં દેખાતી વિવિધતામાં એકતા બીજે ક્યાંય જોવા મળતી નથી.

मुसलमान औ’ हिन्दू है दो, एक, मगर, उनका प्याला,
एक, मगर, उनका मदिरालय, एक, मगर, उनकी हाला,
दोनों रहते एक न जब तक मस्जिद मन्दिर में जाते,
बैर बढ़ाते मस्जिद मन्दिर मेल कराती मधुशाला!

‘મધુશાલા’નો અર્થ થાય – શરાબખાનુ. એટલે જ વાચકો એવું માનવા લાગેલા કે મધુશાલા લખનારો કવિ એક નંબરનો શરાબી, પિયક્કડ કે દારૂડિયો હશે. બચ્ચનજી મદિરાનું સેવન કરતા નહીં છતાં કેવી રીતે આ પ્રકારની મધુશાલાની રુબાઈઓ લખી જાણતા એ વાતનું લોકોને હંમેશા આશ્ચર્ય રહેતું. કવિતાઓના પઠન વખતે તેઓ શ્રોતાઓના ફક્ત મનોરંજન માટે એકાદ નવી રુબાઈઓ બોલતા. ઘણાં લોકોએ આ રુબાઈઓ મધુશાલાનો ભાગ નથી એ જાણીને નારાજગી પણ વ્યક્ત કરી અને બચ્ચનને એનો મધુશાલામાં સમાવેશ કરવાનો અનુરોધ પણ કર્યો. છેવટે બચ્ચનજીએ મધુશાલાની પ્રસ્તાવનામાં આ રુબાઈઓનો સમાવેશ કર્યો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે કેઃ

मधुशाला के बहुत-से पाठक और श्रोता एक समय समझा करते थे, कुछ शायद अब भी समझते हों, कि इसका लेखक दिन-रात मदिरा के नशे मे चूर रहता है। वास्तविकता यह है कि ‘मदिरा’ नामधारी द्रव से मेरा परिचय अक्षरशः बरायनाम है। नशे से इन्कार नहीं करुंगा। जिन्दगी ही एक नशा है। कविता भी एक नशा है। और भी बहुर-से नशे हैं। अपने प्रेमियों का भ्रम दूर करने के लिए, मैने एक समय एक रुबाई लिखी थीः

स्वयं नहीं पीता, औरों को, किन्तु पिला देता हाला,
स्वयं नहीं छूता, औरों को, पर पकड़ा देता प्याला,
पर उपदेश कुशल बहुतेरों से मैंने यह सीखा है,
स्वयं नहीं जाता, औरों को पहुंचा देता मधुशाला।

આ રુબાઈઓ લખ્યા પછી પણ પ્રશ્નો આવતાં કે ‘તમે પીતા નથી તો મધુશાલા લખવાની પ્રેરણા ક્યાંથી આવી?’ પ્રશ્ન તો 100% સાચો! પણ જવાબ પણ એવો જ આપે છે કે કાયસ્થોના કુળમાં જન્મેલો છું, જે પીવા માટે પ્રસિદ્ધ છે. તો મારા પૂર્વજોએ કરેલું મદ્યપાન શું મારા પર કોઈ સંસ્કાર ન મૂકી ગયું હોય? આ વાતને લઈને કેટલાક ભોળા લોકો માટે એક રુબાઈ લખેલીઃ

मैं कायस्थ कुलोदभव मेरे पुरखों ने इतना ढ़ाला,
मेरे तन के लोहू में है पचहज्ञल्तऌार प्रतिशत हाला,
पुश्तैनी अधिकार मुझे है मदिरालय के आँगन पर,
मेरे दादों परदादों के हाथ बिकी थी मधुशाला।

પોતાના મૃત્યુ પછી શ્રાદ્ધ કઈ રીતે કરશો એની પ્રક્રિયા બતાવતી રુબાઈઓ પણ લખી છેઃ

पितृ पक्ष में पुत्र उठाना अर्ध्य न कर में, पर प्याला
बैठ कहीं पर जाना,गंगा सागर में भरकर हाला
किसी जगह की मिटटी भीगे, तृप्ति मुझे मिल जाएगी
तर्पण अर्पण करना मुझको,पढ़ पढ़ कर के मधुशाला।

મધુશાલાની અતિપ્રસિદ્ધી બાદ એ જ તર્જ પર બચ્ચનજીએ બીજી કૃતિઓ આપી – મધુબાલા, મધુકલશ અને ખૈયામ કી મધુશાલા. પણ એવો રીસ્પોન્સ મળ્યો નહીં. મધુશાલાની જેટલી રુબાઈઓનો અહીં સમાવેશ કરું એટલી ઓછી છે. આખી મધુશાલા ગૂગલ પર સર્ચ કરવાથી મળશે. એકવાર એનો આનંદ લેવા જેવો છે.

પડઘોઃ

मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः

યજ્ઞ કર્મ કરનારા માટે વાતુ અને નદીઓ મધુર પ્રવાહ ઉત્પન્ન કરે. દરેક ઔષધ મધુર રસથી સમ્પન્ન હોય.

मधु नत्कमुतोषसो मधुमत्पार्थिवं रजः । मधु द्यौरस्तु नः पिताः।

પિતાની જેમ પોષણકર્તા દિવ્યલોક આપણા માટે મધુર હોય. માતૃવત રક્ષક પૃથ્વીની માટી પણ મધ જેવી આનંદદાયી હોય. સવાર અને રાત બંને આપણા માટે માધુર્યયુક્ત હોય.

मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु सूर्यः । माध्वीर्गावो भवन्तु नः ।

સમ્પૂર્ણ વનસ્પતિઓ આપણે મધુર સુખ પ્રદાન કરે. સૂર્યદેવ પોતાના માધુર્ય (તેજસ્વી કિરણો)ની પૂર્તી કરે તથા ગાયો પણ આપણા માટે અમૃત સ્વરૂપ મીઠા દૂધ આપે.

(ઋગ્વેદ, પ્રથમ મંડલ, 90મું સૂક્ત)

હરિવંશ રાય વિશેની ઘણી માહિતી નરેશ શાહના ‘અસામાન્ય’માં પ્રગટ થયેલી.

તમને ગમશે: Avengers: Infinity War ની આખી સ્ક્રિપ્ટ માત્ર આ જ અદાકારે વાંચી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here